ગૅરેજ સ્ટુડિયો થિયેટર, અમદાવાદ

February, 2011

ગૅરેજ સ્ટુડિયો થિયેટર, અમદાવાદ (સ્થા. 1975) : થિયેટર, ટી.વી., રેડિયો, ચિત્ર, સ્થાપત્ય, બૅંકિંગ જેવાં વિવિધ ક્ષેત્રોની વ્યક્તિઓનું અવેતન રંગકર્મી જૂથ. મુખ્યત્વે રંગમંચ અને અનેક વાર શેરીનાટકો કરતી આ નાટ્યસંસ્થા અભિનય, નાટ્યલેખન, નિર્માણ અને સમૂહ માધ્યમોની કાર્યશિબિરો યોજે છે. પ્રસ્તુતિમાં મૌલિક ગુજરાતી નાટકો- (બારાડી, જયન્તી દલાલ, વર્ષા દાસ વગેરેનાં)નો આગ્રહ રાખતા આ જૂથે યુરોપીય પ્રશિષ્ટ નાટકો (કૅમ્યૂ, બ્રેખ્ટ, ઝ્યાં જીને, કાફકાનાં) પણ ભજવ્યાં છે. નવી રંગભાષા પ્રયોજતું મૌલિક નાટક ‘આખું આયખું ફરીથી’ (દિગ્દર્શક જનક રાવળ) અને નૃત્યસંગીતપ્રધાન ‘અનંતગાથા’ (દિગ્દર્શિકા મન્વીતા બારાડી) જેવી નાટ્યકથાના પ્રયોગો કેન્દ્રીય સંગીત નાટક અકાદમીની યુવા દિગ્દર્શક યોજનાના નાટ્ય-મહોત્સવોમાં પ્રસ્તુત થયા છે. ગૅરેજના થિયેટર ફાઉન્ડેશન દ્વારા નાટ્યલેખન પુરસ્કારો અને સ્ક્રિપ્ટ બૅન્કનું આયોજન કરવામાં આવ્યું છે. ગૅરેજ સ્ટુડિયો થિયેટરની પ્રવૃત્તિમાં જનક દવે, હિમાંશુ ત્રિવેદી, અદિતિ દેસાઈ વગેરે દિગ્દર્શકોએ પણ ફાળો આપ્યો છે. હસમુખ બારાડી એના નિવાસી નાટ્યકાર હતા.

જનક રાવળ