ગૃહનિર્માણ

February, 2011

ગૃહનિર્માણ

રહેઠાણ અને વ્યવસાય માટે મકાનોનું બાંધકામ.

પ્રાસ્તાવિક : માનવીને રહેઠાણ અને વ્યવસાય માટે મકાન એક અનિવાર્ય જરૂરિયાત છે. સામાન્ય રીતે સમાજમાં પોતાના મોભાને અનુરૂપ આકર્ષક બાહ્ય દેખાવ અને સગવડો તેમજ સુર્દઢ બાંધણીવાળું અને કિંમતમાં પોસાય તેવું મકાન બને એમ એ ઇચ્છતો હોય છે. સુયોગ્ય ગૃહનિર્માણ માટે, શયન, ભોજન, બેઠક વગેરે દૈનિક ક્રિયાઓને અનુલક્ષીને વિવિધ ઓરડાનું આયોજન કરવામાં આવે છે. પ્રત્યેક ઓરડામાં હવાઉજાસ માટે યોગ્ય બારીબારણાંનો પ્રબંધ પણ જરૂરી છે. આ અંગે સ્થપતિ અને ઇજનેરની સલાહ લઈ તેમની પાસે મકાનના પ્લાન અને અંદાજો તૈયાર કરાવવામાં આવે છે. નિયત સમયમાં મકાનનું બાંધકામ પૂરું થાય તે માટે બાંધકામમાં જોઈતો માલસામાન, મજૂરી, નાણાંની સગવડ, નિર્માણનું સંચાલન અને ગુણવત્તા-નિયંત્રણ વગેરે બાબતો પ્રત્યે પૂરતું લક્ષ આપવું જરૂરી બને છે.

ગૃહનિર્માણમાં પાણીના પુરવઠા અને નિકાલનો તથા રાત્રિપ્રકાશ અને અન્ય જરૂરિયાતો માટે સુયોગ્ય વીજ-આયોજનનો પ્રબંધ કરવાનો હોય છે. તેથી આ બંને બાબતોનું પ્રાથમિક જ્ઞાન પણ જરૂરી બને છે.

વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના વિકાસ સાથે નવી જાતનો માલસામાન અને વિવિધ પ્રકારની કાર્યપદ્ધતિઓનો વિકાસ થતો રહે છે અને તેથી તેને અનુરૂપ મકાનના પ્રકારો અને બાંધકામની કાર્યપદ્ધતિમાં પણ ફેરફાર થતા રહે છે. ગૃહનિર્માણમાં ઘણી વિવિધતાઓ છે. તેમાં ઘણી એજન્સીઓ સમાયેલી હોવાથી તેમની વચ્ચેના સંકલન માટે સુસંયોજિત આયોજન જરૂરી છે. મકાનોની માગ સમય સાથે વધતી જ રહે છે અને તે પૂરી પાડવા માટે ખાનગી સંસ્થાઓ ઉપરાંત ગ્રામીણ કે શહેરી ગૃહનિર્માણ નિગમો અને સહકારી સંસ્થાઓ તથા સરકારી સંસ્થાઓ કામ કરે છે.

ગૃહનિર્માણની વિશાળ કદની યોજનાઓનું કામકાજ સમયમર્યાદામાં પૂરું કરવા માટે સી.પી.એમ. (critical path method), પર્ટ (planning and reviewing technique) અને ઓ.આર. (operational research) જેવી આધુનિક પદ્ધતિઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

મકાનોને તેના ઉપયોગ પ્રમાણે જુદા જુદા પ્રકારમાં વહેંચવામાં આવે છે, જેવાં કે રહેઠાણો, દુકાનો, ઑફિસો, શાળા-મહાશાળાઓ, આનંદપ્રમોદનાં કેન્દ્રો વગેરે. મકાનોના કુલ ભારને પાયા મારફતે નીચેની જમીન ઉપર સ્થાનાન્તરિત કરવાની પદ્ધતિ પ્રમાણે મકાનોને બે પ્રકારમાં વહેંચી શકાય છે : (1) ભારવાહક દીવાલોવાળા અને (2) પ્રબલિત કૉંક્રીટના બીમ અને થાંભલા વડે રચિત ચોકઠાવાળાં મકાનો. ભારવાહક દીવાલોવાળાં મકાનો, ઈંટ, પથ્થર કે કૉંક્રીટના બ્લૉકના ચણતરની વજન ઝીલી શકે તેવી દીવાલો અને પ્રબલિત કૉંક્રીટનાં ધાબાં વડે રચવામાં આવે છે. આ પદ્ધતિનો ઉપયોગ સામાન્ય રીતે ઓછી ઊંચાઈવાળાં કે ત્રણ મજલા સુધીનાં મકાનો માટે કરવામાં આવે છે. મકાનોનું કુલ વજન દીવાલો મારફતે પાયા નીચેની જમીન ઉપર સ્થાનાન્તરિત થાય છે. ત્રણથી વધુ માળવાળાં કે બહુમાળી મકાનો પ્રબલિત કૉંક્રીટના થાંભલા, બીમ અને ધાબા વડે ચોકઠું રચીને બનાવવામાં આવે છે. પ્રથમ મકાનનું ચોકઠું તૈયાર કરવામાં આવે છે અને તે પછી પાતળી વિભાજક દીવાલો વડે ઓરડાની રચના કરવામાં આવે છે. આવાં મકાનોમાં પણ કુલ ભારને થાંભલા દ્વારા પાયા નીચેની જમીન ઉપર સ્થાનાન્તરિત કરવામાં આવે છે.

પાયાનું બાંધકામ : પાયા અને જમીનની ભારવહનક્ષમતા : સામાન્ય રીતે મકાનના બે ભાગ પાડી શકાય : (1) અધોરચના અને (2) અધિરચના. જમીનની સપાટીથી નીચે આવેલા ભાગને અધોરચના કહેવાય છે, જેને પાયા તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે જમીનની સપાટીથી ઉપર આવેલા ભાગને અધિરચના કહે છે. સમગ્ર મકાનનો ભાર પાયા મારફતે પાયા નીચેની જમીન ઉપર સ્થાનાન્તરિત કરવામાં આવે છે. પાયા નીચેની જમીન બેસી ગયા વગર સલામત રીતે એકમ ક્ષેત્રફળ ઉપર જે ભાર વહન કરી શકે તેને તે જમીનની ભારવહનક્ષમતા કહેવામાં આવે છે. જમીનના પ્રકાર પ્રમાણે તેની ભારવહનક્ષમતા જુદી જુદી હોય છે. પાયાની ડિઝાઇન એવી રીતે કરવી જોઈએ કે પાયા મારફતે જમીન ઉપર સ્થાનાન્તરિત થતો એકમ ક્ષેત્રફળ ઉપરનો ભાર જમીનની ભારવહનક્ષમતા કરતાં ઓછો હોય.

ભિન્ન ભિન્ન પ્રકારની જમીનોની ભારવહનક્ષમતા ભારતીય માનક પ્રમાણે નીચે પ્રમાણે છે :

સારણી 1 : જમીનોની ભારવહનક્ષમતા

નંબર જમીનનો પ્રકાર

સલામત ભારવહનક્ષમતા

કિ.ન્યૂ./ચોમી.

1. સખત ખડકો 3,240
2. ચૂના અને રેતીના ખડકો 1,620
3. મૃદુ ખડકો 440
4. ગ્રેવલ અને રેતીનું ઘટ્ટ મિશ્રણ 440
5. સખત ચીકણી માટી 440
6. મુરમ અને મરડિયો 300
7. આબદ્ધ ગ્રેવલ અને રેતીનું મિશ્રણ 245
8. મધ્યમ પ્રકારની ચીકણી માટી 245
9. આબદ્ધ ઝીણી અને સૂકી રેતી અને

કાંપની જમીન

100
10. નરમ ચીકણી માટી 100
11. કાળી કપાસી જમીન 50 થી 75
12. પુરાણ કરેલી પણ બેઠેલી માટી 50

રેતી અને કાંપની જમીનમાં પાણીનો સ્તર પાયા સુધી આવવાની શક્યતા હોય તો ઉપર દર્શાવેલી ભારવહનક્ષમતામાં 50 % ઘટાડો કરવો પડે.

પાયા ઉપર આવતા ભાર : પાયા ઉપર બે પ્રકારના ભાર આવે છે : (1) અચલ ભાર અને (2) ચલ ભાર. અચલ ભારમાં મકાનની દીવાલો, ધાબાં, પ્લાસ્ટર, થાંભલા વગેરે ખસેડી ન શકાય તેવા ભાગોના વજનનો સમાવેશ થાય છે, જ્યારે ચલ ભારમાં મકાનોમાં રહેતા માણસો, ખસી શકે તેવા સરસામાન અને ફર્નિચર વગેરેનો સમાવેશ થાય છે.

અચલ ભારની ગણતરી મકાનની દીવાલો, ધાબાં, પ્લાસ્ટર વગેરે વિવિધ ભાગોનાં માપ અને તેમનાં એકમ વજનો વડે કરવામાં આવે છે. ભારતીય માનક સંસ્થાએ નક્કી કરેલાં ધોરણો પ્રમાણે ચલ ભારની ગણતરી કરવામાં આવે છે. રહેઠાણ, હૉસ્ટેલ, હૉસ્પિટલ વગેરેના પ્રત્યેક માળ માટે 2 કિ.ન્યૂ. પ્રતિ ચોમી.નો તથા ઑફિસો, બૅંક, દુકાનો, શાળા, ભોજનાલય વગેરેના પ્રત્યેક માળ માટે 2.5થી 4 કિ.ન્યૂ. પ્રતિ ચોમી.નો ચલ ભાર લેવામાં આવે છે.

ઊંચાં બહુમાળી મકાનો ઉપર પવનનું ક્ષૈતિજ દબાણ તેમજ ભૂકંપ વખતે ક્ષૈતિજ દિશામાં ભૂકંપબળ પણ લાગે છે. આ ભારની જે તે ભારતીય માનકમાં આપેલાં ધોરણો પ્રમાણે ગણતરી કરવામાં આવે છે.

પાયાના પ્રકાર : મકાન ઉપર આવતા ભારને સ્થાનાન્તરિત કરવાની પદ્ધતિ પ્રમાણે પાયાના બે મુખ્ય પ્રકારો પડે છે : (ક) પ્રસાર (spread) પાયા અને (ખ) ખૂંટ (pile) પાયા.

(ક) પ્રસાર પાયા : પ્રસાર પાયા દ્વારા મકાનના સમગ્ર ભારને જમીનના મોટા ક્ષેત્રફળ ઉપર વિતરિત કરવામાં આવે છે જેથી જમીન ઉપર સ્થાનાન્તરિત થતો એકમ ક્ષેત્રફળ ઉપરનો ભાર તે જમીનની ભારવહનક્ષમતા જેટલો અથવા તે કરતાં ઓછો હોય. આ માટે પાયાનો જમીન તરફનો ભાગ વિસ્તારવામાં આવે છે. વિવિધ પ્રકારના પ્રસાર પાયા નીચે પ્રમાણે છે :

(1) દીવાલ માટેનો પાયો : આ પાયો દીવાલની નીચે આવે છે. તેમાં નીચેના ભાગમાં દીવાલ પહોળી રાખવામાં આવે છે. દીવાલની નીચે ઈંટોનાં રોડાંનો કૉંક્રીટ કરવામાં આવે છે જેમાં સિમેન્ટ, રેતી અને રોડાંનું પ્રમાણ 1 : 5 : 10નું રાખવામાં આવે છે. તેને જરૂરી પાણીના પ્રમાણ સાથે દરેક 20 સેમી. જાડાઈના એક એવા બે સ્તરોમાં જમાવટ (consolidate) થાય તે માટે કુટાઈ (ramming) સહિત નાખવામાં આવે છે.

(2) થાંભલા માટેનો અલગ પાયો : કૉંક્રીટ યા બીજા પ્રકારના થાંભલાના નીચેના ભાગને ચારે બાજુએથી પહોળો કરવામાં આવે છે. અહીં 15 સેમી. જાડાઈમાં 1 : 3 : 6ના પ્રમાણમાં સિમેન્ટ, રેતી અને કપચીનો બેઝ ભર્યા પછી સળિયા ગોઠવી થાંભલાની ડિઝાઇન પ્રમાણેના માપમાં 1 : 2 : 4ના માપમાં પાયો ભરવામાં આવે છે.

(3) થાંભલા માટેનો સંયુક્ત પાયો : બે કે વધારે થાંભલા એકદમ નજીક આવતાં દરેક માટે અલગ પાયો રચવો શક્ય ન બને ત્યાં આ થાંભલા માટે સંયુક્ત પાયો રચવામાં આવે છે.

(4) પ્રતીપ કમાન પાયો : ઓછી ભારવહન-ક્ષમતાવાળી જમીનમાં ઓછી ઊંડાઈએ, બે દીવાલો વચ્ચે ઊંધી કમાન રચીને પાયો રચવામાં આવે છે.

(5) સંયુક્ત પ્રતિધારણ પાયો (combined straped footing) : બાહ્ય થાંભલાની એકદમ નજીકથી મકાનની જમીનની સીમારેખા પસાર થતી હોય ત્યારે તે થાંભલા માટે અલગ પાયો રચવો શક્ય હોતો નથી. આવે વખતે બાહ્ય થાંભલાને અંદરના થાંભલા સાથે કૉંક્રીટના બીમ વડે જોડવામાં આવે છે અને ઉચ્ચાલનના નિયમ પ્રમાણે બાહ્ય થાંભલાના ભારને અંદરના થાંભલાના ભાર સાથે સંતુલિત કરવામાં આવે છે.

(6) રાફ્ટ પાયો : પુરાણ કરેલી અથવા નરમ ચીકણી માટીવાળી જમીન અને ઓછી ભારવહનક્ષમતા ધરાવતી જમીન હોય અને પાયા ઉપર વધારે ભાર આવતો હોય ત્યારે રાફ્ટ પાયો રચવામાં આવે છે. આમાં થાંભલા નીચે સળંગ અપવૃત્ત ધાબું હોય છે. ખૂબ વધારે પડતા ભાર માટે ધાબાની જાડાઈ ખૂબ જ વધારે પડતી આવતી હોય ત્યારે થાંભલાને જોડતા બીમ અને ધાબા વડે રાફ્ટ પાયો રચવામાં આવે છે.

(ખ) ખૂંટ પાયો : પાયાની જમીન યોગ્ય ભારવહનક્ષમતાવાળી ન હોય અથવા આવી જમીન સપાટી કરતાં ઘણી ઊંડી હોય અથવા મકાનનો પાયો ઊંડા પાણીમાં હોય ત્યારે ખૂંટ પાયાનો ઉપયોગ થાય છે. ભાર સ્થાનાન્તરિત કરવાની પદ્ધતિ પ્રમાણે ખૂંટ પાયા ત્રણ પ્રકારના હોય છે : (1) ઘર્ષણ ખૂંટ, (2) ધારક ખૂંટ અને (3) અંડર-રીમ્ડ ખૂંટ.

ઘર્ષણ ખૂંટની ભારવહનક્ષમતા જમીન અને ખૂંટની સપાટીના ક્ષેત્રફળ વચ્ચેના ઘર્ષણને લીધે હોય છે. ધારક ખૂંટ તેના ઉપર આવતા ભારને ખડક જેવા કઠણ સ્તર ઉપર સ્થાનાન્તરિત કરે છે.

કપાસ માટેની કાળી જમીન સંકોચનશીલ હોય છે અને ઘણા ઊંડાણ સુધી આવી જમીન હોય તો પ્રસાર પાયો શક્ય બનતો નથી. જમીન પાણીથી એકદમ નરમ બનતી હોઈને ફક્ત ઘર્ષણ ખૂંટ પણ શક્ય નથી. આવા સંજોગોમાં ‘અંડર-રીમ્ડ’ ખૂંટ પાયા માટે વપરાય છે. પ્રબલિત કૉંક્રીટના ગોળ ખૂંટમાં મધ્ય કરતાં નીચેના ભાગમાં ગોળ બલ્બ રચવામાં આવે છે. આ બલ્બને અન્ડર-રીમ કહેવામાં આવે છે. ખૂંટનો વ્યાસ તેમજ એક બલ્બ અથવા બે બલ્બ રચવા તેનો આધાર જમીનની માટીના પ્રકાર અને ખૂંટ ઉપર આવતા ભાર ઉપર છે.

ચણતરકામ : ઈંટ, પથ્થર કે કાક્રીટ બ્લૉક્ધો સિમેન્ટ અથવા ચૂનાના કોલમાં જોડીને ભારવહન કરી શકે તેવી એકરૂપ રચનાને ચણતર કહેવામાં આવે છે. ચણતર મુખ્યત્વે ત્રણ પ્રકારનાં હોય છે : (1) ઈંટોનું ચણતર, (2) કાક્રીટ બ્લૉકનું ચણતર અને (3) પથ્થરનું ચણતર.

(1) ઈંટોનું ચણતર : ઈંટોના ચણતરકામમાં ઈંટોને ચોક્કસ શ્રેણીમાં ગોઠવી તેમની વચ્ચેના સાંધામાં કોલ પૂરવામાં આવે છે. સિમેન્ટ યા ચૂના અને રેતીના મિશ્રણમાં પાણી રેડીને કોલ બનાવવામાં આવે છે. ભારવાહક દીવાલો માટેના સિમેન્ટ કોલમાં સિમેન્ટ અને રેતીનું પ્રમાણ 1 : 6 જેટલું હોય છે, જ્યારે પાતળી વિભાજક દીવાલો અથવા ચણતરના થાંભલા માટે આ પ્રમાણ 1 : 4 જેટલું હોય છે. ચૂનાના કોલમાં આ પ્રમાણ અનુક્રમે 1 : 2 અને 1 : 1½ હોય છે. ઉચ્ચ કોટિના ચણતરકામ માટે સારી જાતની ઈંટો હોવી જરૂરી છે. ઈંટનું પ્રમાણિત માપ 19 સેમી. (લંબાઈ) × 9 સેમી. (પહોળાઈ) × 9 સેમી. (જાડાઈ) છે. પ્રથમ શ્રેણીની ઈંટની ધાર અને સપાટી પરસ્પર લંબ હોય છે. તે પાકી હોય છે અને સપાટી ઉપર તિરાડ યા અન્ય ક્ષતિ હોતી નથી. 24 કલાક પાણીમાં રાખવાથી તેમાં પાણીનું શોષણ પોતાના વજનના 20 % કરતાં વધતું નથી. તેનું દાબક સામર્થ્ય (compressive strength) 7  ન્યૂ. પ્રતિ ચોમિમી. હોય છે. દ્વિતીય શ્રેણીની ઈંટ પ્રથમ શ્રેણી જેવી જ હોય છે. તેમાં જળશોષણ
24 % અને દાબક સામર્થ્ય 7.0 ન્યૂ. પ્રતિ ચોમિમી. હોય છે. તૃતીય શ્રેણીની ઈંટો નિમ્ન પ્રકારની હોય છે. આકાર પણ બરાબર સચવાયેલ નથી હોતો. જળશોષણ અને દાબક સામર્થ્ય અનુક્રમે 24 % અને 3.5 ન્યૂ. પ્રતિ ચોમિમી. હોય છે.

મોટે ભાગે એક માળનાં મકાનોની ભારવાહક દીવાલોની જાડાઈ ઓછામાં ઓછી એક ઈંટની એટલે કે 19 સેમી. જેટલી હોય છે. તેમ છતાં દીવાલની ઊંચાઈ તેમજ તેના ઉપર લાગતા ભાર પ્રમાણે દીવાલની જાડાઈ જરૂર પડ્યે વધારવામાં આવે છે. ગરમી, ઠંડી કે ભેજ ખાળવા માટે દીવાલની જાડાઈ ઘણી વખત દોઢ ઈંટ જેટલી એટલે કે 30 સેમી. જેટલી રખાય છે.

ઈંટોના ચણતરમાં વપરાતા બૉન્ડ : દીવાલના ચણતરમાં ઈંટોની ગોઠવણીને બૉન્ડ કહેવામાં આવે છે. 9 સેમી. × 9 સેમી.વાળું ઈંટનું પડખું બહાર દેખાય તે રીતે ચણતરમાં મૂકવામાં આવેલી ઈંટને હેડર કહે છે, જ્યારે 19 સેમી. × 9 સેમી.વાળું પડખું બહાર દેખાય તેવી રીતે ચણતરમાં મૂકવામાં આવેલી ઈંટને સ્ટ્રેચર કહે છે. ઈંટના ચણતરમાં નીચે પ્રમાણેના વિવિધ બૉન્ડ વપરાય છે :

(1) ઇંગ્લિશ બૉન્ડ : આ જાતના બૉન્ડમાં ઈંટોને એકાંતર થરમાં હેડર અને સ્ટ્રેચર તરીકે ગોઠવવામાં આવે છે.

(2) ફ્લેમિશ બૉન્ડ : આ જાતના બૉન્ડમાં એક જ થરમાં ઈંટોને વારાફરતી સ્ટ્રેચર અને હેડર તરીકે મૂકવામાં આવે છે.

(3) સ્ટ્રેચર બૉન્ડ : બધા જ થરોમાં ઈંટોને સ્ટ્રેચર તરીકે ગોઠવવામાં આવે છે.

(4) હેડર બૉન્ડ : બધા જ થરોમાં ઈંટોને હેડર તરીકે ગોઠવવામાં આવે છે.

કોઈ પણ બૉન્ડમાં ક્ષૈતિજ તેમજ ઊર્ધ્વ દિશાના સાંધા એકસરખી જાડાઈના અને કોલથી બરાબર ભરેલા હોવા જોઈએ. ઊર્ધ્વ સાંધા એક જ ઊભી રેખામાં ન આવવા જોઈએ. ચણતરકામ સીધી રેખામાં, સમતલ અને ઓળંબામાં હોવું જરૂરી છે.

હૅરિંગ-બોન બૉન્ડમાં ઈંટો 45°ના ખૂણે ત્રાંસી ગોઠવવામાં આવે છે, જે કંપાઉન્ડના ફ્લોરિંગમાં સારો દેખાવ આપે છે.

કૉંક્રીટના પોલા બ્લૉકનું ચણતર : આ જાતના ચણતરમાં કાક્રીટના પોલા બ્લૉકનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે બ્લૉકનું પ્રમાણિત માપ 40 સેમી. (લંબાઈ) × 20 સેમી. (પહોળાઈ) × 20 સેમી. (જાડાઈ) હોય છે. આ પ્રકારના ચણતર વડે રચેલી દીવાલો વજનમાં હલકી, અવાજ અને ઉષ્માની પ્રતિરોધક તથા ર્દઢ હોય છે. દરેક કૉંક્રીટ બ્લૉકનાં માપ તથા સપાટી એકસરખાં હોય છે. આથી ચણતરમાં સિમેન્ટ યા ચૂનાની વપરાશ ઘટે છે. પ્લાસ્ટરમાં પણ સિમેન્ટની વપરાશ ઘટે છે. આથી આવી દીવાલો કરકસરયુક્ત બને છે. દીવાલ લઈ શકે તે વજન આવા બ્લૉકની સંદલનક્ષમતા (crushing capacity) ઉપર આધાર રાખે છે. જો સંદલનક્ષમતા 3.5, 7.0 કે 14.0 ન્યૂ/ મિમી.² હોય તો દીવાલમાં આપી શકાય તેવું વજન અનુક્રમે 2.5, 6.0  અને 10.0 ન્યૂ/ચોમિમી. હોય છે.

પથ્થરનું ચણતર : પથ્થરના ચણતરને બે વિભાગમાં વહેંચી શકાય : (1) રબલ ચણતર અને (2) ઍશ્લર ચણતર. પથ્થરના ચણતરમાં ગ્રૅનાઇટ, રેતાળ પથ્થર ને ચૂનાના પથ્થરનો ઉપયોગ થાય છે.

રબલ ચણતર : આ ચણતરમાં અચોક્કસ માપ અને આકારના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવે છે. ચણતરમાં વપરાતા પથ્થરો ઘડેલા નહિ હોવાથી વચ્ચેના સાંધા પહોળા રહે છે જેને કોલથી સારી રીતે પૂરવા પડે છે. દીવાલની બહારની સપાટી ઉપર સાંધા થર પ્રમાણે નહિ; પરંતુ આડાઅવળા હોય છે. આવા ચણતરમાં સિમેન્ટ યા ચૂનાની વપરાશ વધારે રહે છે.

ઍશ્લર ચણતર : આ પ્રકારના ચણતરમાં વપરાતા પથ્થરો વ્યવસ્થિત રીતે ઘડેલા અને લગભગ એકસરખા માપના હોય છે. આથી સાંધા સાંકડા હોય છે અને થર પ્રમાણે ચણતર કરી શકાય છે.

પથ્થરના દરેક પ્રકારના ચણતરમાં પથ્થરો સખત અને ટકાઉ હોવા આવશ્યક છે. બાંધકામ ચાલુ હોય ત્યારે કોલ કરતાં સુધી પથ્થરની સપાટીને આર્દ્ર રાખવી જોઈએ. શક્ય હોય તો ચણતરના સમગ્ર ભાગને એકસાથે ઊંચો લેવો જોઈએ અને એ શક્ય ન હોય ત્યાં દાંતા રાખવા જોઈએ. દીવાલની રચનામાં કોઈ પણ ભાગ ખાલી ન રહી જાય તેનો ખ્યાલ રાખવો જોઈએ.

ચણતરની વિભાજક (partition) દીવાલો : બહુમાળી ચોકઠાંવાળાં મકાનોમાં ઓરડાની રચના માટે અભારવાહક દીવાલો અડધી ઈંટના ચણતર વડે 9 સેમી. જાડાઈની કરવામાં આવે છે. તે ત્રણ પ્રકારની હોય છે :

(1) ઈંટની સાદી વિભાજક દીવાલ : તે અડધી ઈંટની જાડાઈ જેટલી હોય છે. દરેક ઈંટને સ્ટ્રેચર તરીકે ગોઠવવામાં આવે છે.

(2) ઈંટની પ્રબલિત (reinforced) વિભાજક દીવાલ : તે સાદી દીવાલ જેવી જ હોય છે; પરંતુ દરેક ચોથા યા પાંચમા થરે 6 મિમી. વ્યાસનો લોખંડનો સળિયો મૂકવામાં આવે છે.

(3) નૉગિંગ વિભાજક દીવાલ : નૉગિંગમાં લાકડાનું ચોકઠું રચીને તેની વચ્ચે બાકી રહેતા ભાગમાં 9 સેમી. જાડાઈનું એક ઈંટનું ચણતર કરવામાં આવે છે.

(4) પ્રબલિત સિમેન્ટ કૉંક્રીટ : કપચી, રેતી, સિમેન્ટ અને પાણીને ચોક્કસ પ્રમાણમાં ભેળવીને સિમેન્ટ કૉંક્રીટ તૈયાર કરવામાં આવે છે. કપચીમાં રહેલી રિક્તતા રેતી પૂરે છે અને કપચી અને રેતીના મિશ્રણમાં રહેલી રિક્તતા સિમેન્ટ પૂરે છે. કૉંક્રીટમાં કપચી અને રેતી નિષ્ક્રિય પદાર્થો છે, જ્યારે સિમેન્ટ અને પાણી વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતાં કઠણ પદાર્થ બને છે, જે કપચી અને રેતીના કણોને એકબીજા સાથે મજબૂત રીતે જકડી રાખે છે અને આ મિશ્રણ જામતાં કુદરતી પથ્થર જેવા ગુણધર્મો ધરાવતું બને છે.

સિમેન્ટ કૉંક્રીટનું દાબક સામર્થ્ય ઘણું હોય છે. જ્યારે તાણસામર્થ્ય, દાબક સામર્થ્ય કરતાં દસમા ભાગ જેટલું જ હોય છે. કૉંક્રીટમાં જ્યાં તાણબળ ઉત્પન્ન થતું હોય ત્યાં મૃદુ પોલાદના સળિયા મૂકવાથી તેનું તાણસામર્થ્ય વધે છે. આ ઉપરાંત જ્યાં દાબક બળ હોય ત્યાં પણ આવા સળિયા મૂકવાથી તેના દાબક સામર્થ્યમાં વધારો થાય છે. આવા પોલાદના સળિયાવાળા કૉંક્રીટને પ્રબલિત સિમેન્ટ કૉંક્રીટ કહે છે અને સળિયા વગરના કૉંક્રીટને સાદો સિમેન્ટ કૉંક્રીટ કહે છે.

બીમ ઉપર ભાર આવતાં, બીમના આડછેદના ઉપરની તરફના રેસામાં દાબક અને નીચેની તરફના રેસામાં તાણ પ્રતિબળ પેદા થાય છે. આવા કૉંક્રીટના બીમને તાણ પ્રતિબળ પેદા થતાં હોય ત્યાં પોલાદના સળિયા મૂકીને પ્રબલિત કરવામાં આવે છે.

ઘણી વખત સાદા કૉંક્રીટના બીમમાં, તેના ઉપર ભાર આવે તે પહેલાં, હાઇટેન્સાઇલ વાયરો વડે પ્રતિબળો ઉત્પન્ન કરવામાં આવે છે. આવા વાયરોનું સ્થાન એવી રીતે નક્કી કરવામાં આવે છે કે જેથી બીમમાં આડછેદના સૌથી ઉપરના છેડા ઉપર શૂન્ય પ્રતિબળ હોય અને સૌથી નીચેના છેડા ઉપર મહત્તમ દાબક પ્રતિબળ હોય. વજન આવતાં ઉત્પન્ન થતા તાણ પ્રતિબળની અસર પૂર્વનિર્મિત દાબક પ્રતિબળો વડે નાબૂદ થાય છે અને બીમમાં ફક્ત દાબક પ્રતિબળ જ રહે છે. આવા પૂર્વનિર્મિત પ્રતિબળવાળા કૉંક્રીટને પૂર્વપ્રતિબલિત સિમેન્ટ કૉંક્રીટ (prestressed cement concrete ­ PSC) કહે છે. સામાન્ય રીતે મોટા ગાળાના અને વધારે ભાર સહન કરવાવાળા બીમો માટે પૂર્વપ્રતિબલિત કૉંક્રીટ વપરાય છે.

પ્રબલન (reinforcement) માટે પોલાદના મુખ્ય બે પ્રકારના સળિયા વાપરવામાં આવે છે : (1) મૃદુ પોલાદના સાદા પાંસળી વગરના કે પાંસળીવાળા(ribbed) અને (2) મૃદુ પોલાદના ઉચ્ચ લચક સીમાવાળા વિરૂપિત સળિયા (high yield strength deformed bars). બીજા પ્રકારના સળિયામાં અનુજ્ઞેય (permissible) પ્રતિબળો ઊંચાં હોઈ તે વાપરવાથી પોલાદની વપરાશમાં સરેરાશ 30 % જેટલો ઘટાડો શક્ય બને છે. આ કારણે બીજા પ્રકારના સળિયાનો વિશેષ ઉપયોગ થાય છે.

સિમેન્ટ કૉંક્રીટનું વર્ગીકરણ : સિમેન્ટ કૉંક્રીટના દાબક સામર્થ્યનો આધાર, તેના મિશ્રિત ઘટકો(constituents)ના પ્રમાણ ઉપર છે. આથી સિમેન્ટ કૉંક્રીટનું વર્ગીકરણ બે રીતે કરવામાં આવે છે : (1) મિશ્રિત ઘટકોના – સિમેન્ટ, રેતી અને કપચીના – કદના પ્રમાણની રીતે કરવામાં આવતા વર્ગીકરણને યાર્દચ્છિક (arbitrary) વર્ગીકરણ કહે છે, જેમ કે (1 : 2 : 4), (1 : 1½ : 3) વગેરે. (1 : 2 : 4)માં  1 ભાગ સિમેન્ટના કદ સાથે 2 ભાગ રેતીનું કદ અને 4 ભાગ કપચીનું કદ મિશ્ર કરવામાં આવે છે.

(2) બીજું વર્ગીકરણ કૉંક્રીટના દાબક સામર્થ્ય ઉપર આધારિત છે. આવા વર્ગીકરણને ડિઝાઇન વર્ગીકરણ કહે છે, જેમ કે M-10, M-15, M-20 વગેરે. અહીં M શબ્દ મિશ્રણ માટે છે અને પાછળનો આંકડો કાક્રીટે 28 દિવસે પ્રાપ્ત કરેલ સામર્થ્ય દર્શાવે છે. M-20 એટલે કે સિમેન્ટ કાક્રીટનો એવો વર્ગ જેનું સામર્થ્ય 28 દિવસને અંતે 20 ન્યૂ./ ચોમિમી. જેટલું હોય.

કૉંક્રીટની ગુણવત્તા અને અનુજ્ઞેય પ્રતિબળો : કૉંક્રીટની ગુણવત્તાની ચકાસણી માટે વૈકલ્પિક પરીક્ષણ 7 દિવસને અંતે અને અંતિમ પરીક્ષણ 28 દિવસને અંતે કરવામાં આવે છે. આ પરીક્ષણ વડે નીચે સારણી 2માં દર્શાવેલ પરીક્ષણની જરૂરિયાતો સંતોષાતી હોય તેવા કૉંક્રીટની ગુણવત્તા સારી કહેવાય અને તે બાંધકામને યોગ્ય ગણાય. આ સારણીમાં કૉંક્રીટના ડિઝાઇનવર્ગને સમતુલ્ય યાર્દચ્છિક વર્ગ કયો લઈ શકાય તે પણ દર્શાવેલ છે.

સારણી 2 : કૉંક્રીટની પરીક્ષણજરૂરિયાતો

કૉંક્રીટનો

ડિઝાઇન

વર્ગ

સમતુલ્ય

યાર્દચ્છિક

વર્ગ

દાબક સામર્થ્ય

ન્યૂ./ચોમિમી.

7 દિવસે વિદારણ

માપાંક (modulus

of rupture)

ન્યૂ./ ચોમિમી.

7 દિવસે 28 દિવસે
M–10 (1 : 3 : 6) 7 10 1.70
M–15 (1 : 2 : 4) 10 15 2.10
M–20 (1 : 1½ : 3) 13 20 2.40
M–25 (1 : 1 : 2) 17 25 2.70

ડિઝાઇન માટે સિમેન્ટ કૉંક્રીટનાં અનુજ્ઞેય પ્રતિબળો ભારતીય માનક  IS : 456 : 1978 પ્રમાણે લેવાય છે. પ્રબલિત કૉંક્રીટ માટે, સામાન્ય રીતે M–15ના વર્ગથી નીચેના વર્ગનો કૉંક્રીટ વપરાતો નથી. ઉચ્ચ લચકસીમાવાળા વિરૂપિત સળિયા વાપરવામાં આવે તો પક્કડ પ્રતિબળમાં 40 % વધારો કરી શકાય છે.

પ્રબલન સળિયા માટેનું ગ્રાહ્ય પ્રતિબળ સારણી 3માં દર્શાવેલું છે.

સારણી 3 : પ્રબલન સળિયા માટે ગ્રાહ્ય પ્રતિબળ

નં. પ્રતિબળનો પ્રકાર ગ્રાહ્ય પ્રતિબળ ન્યૂ./ચોમિમી.
મૃદુ પોલાદના

સાદા સળિયા

માટે

ઉચ્ચ લચકસીમા

વાળા વિરૂપિત

સળિયા માટે

1. તાણબળ માટે
(ક)

 

(ખ)

20 મિમી. કે તેથી

ઓછા માપના સળિયા

20 મિમી.થી ઉપરના

માપના સળિયા

140

130

230

230

2. સ્તંભ માટે દાબક બળ માટેના

સળિયા

130 190
3. બીમ અને ધાબા માટે દાબક

બળ માટે

(ક) 20 મિમી. કે તેથી

ઓછા માપના સળિયા

140 190
(ખ) 20 મિમી.થી વધારે

માપના સળિયા

130 190

કૉંક્રીટની સુકાર્યતા (workability) : કૉંક્રીટ મિશ્રણના ઘટકોનું પ્રમાણ એવું હોવું જોઈએ જેથી તાજા કૉંક્રીટને સહેલાઈથી તેની જગાએ ઢાળી શકાય અને તેનું યોગ્ય ઘટ્ટીકરણ (compaction) થઈ શકે. આવા કૉંક્રીટને સુકાર્ય (workable) કૉંક્રીટ કહે છે. સુકાર્યતાને માત્રામાં દર્શાવવામાં આવે છે. અવપાત પરીક્ષણ (slump test), વી. બી. પરીક્ષણ, કંપન પરીક્ષણ વગેરે વડે સુકાર્યતાની માત્રા માપવામાં આવે છે. કૉંક્રીટ ઢાળવાની પરિસ્થિતિ પ્રમાણે સુકાર્યતાની માત્રા રાખવામાં આવે છે. જેમ કે જે તદ્દન નાના માપના ભાગોમાં કંપિત્ર(vibrator)નો ઉપયોગ કરવાનો હોય ત્યાં આ માત્રા ઘણી ઓછી રાખવામાં આવે છે. વધારે પ્રબલન સળિયાવાળા જે ભાગોમાં કંપિત્રનો ઉપયોગ ન કરવાનો હોય ત્યાં આ માત્રા ઊંચી રાખવામાં આવે છે. વચ્ચેની પરિસ્થિતિ માટે યોગ્ય માત્રા પસંદ કરવામાં આવે છે.

કૉંક્રીટની જરૂરી સુકાર્યતાની માત્રા, કૉંક્રીટના ઘટકોના પ્રમાણના નિયંત્રણ વડે મેળવી શકાય છે. પાણી અને સિમેન્ટના ગુણોત્તરનો આધાર કૉંક્રીટના દાબક સામર્થ્ય ઉપર છે અને તેને સુકાર્ય બનાવવા માટે માપસર પાણી અને સારી જાતની કપચી અને રેતી વાપરવી જોઈએ. ઘણી વખત આ માટે એકદમ બારીક દળેલો ચૂનો, બેન્ટૉનાઇટ, કૅઓલીન, રેતીનો બારીક ભૂકો વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણી વખત હવાના ઝીણા ઝીણા પરપોટા દાખલ કરીને પણ સુકાર્યતાની માત્રા વધારવામાં આવે છે.

કૉંક્રીટનું મિશ્રણ અને કૉંક્રીટ કામ : ઉચ્ચ કક્ષાનો કૉંક્રીટ બનાવવા માટે તેના ઘટકોના યોગ્ય પ્રમાણમાં આવશ્યક પાણી ઉમેરી આ મિશ્રણને એકરૂપ થાય તે રીતે તૈયાર કરવું આવશ્યક છે. કૉંક્રીટના ઘટકોને હસ્તમિશ્રણ અને યાંત્રિક મિશ્રણની રીતે ભેળવાય છે. અલ્પ માત્રામાં કૉંક્રીટનું મિશ્રણ કરવાનું હોય ત્યારે જરૂરી પ્રમાણમાં ઘટકો લઈને તેમાં પાણી રેડી પાવડા વડે હાથે મિશ્રણ કરાય છે. મોટા કૉંક્રીટકામ માટે યાંત્રિક મિશ્રકો વપરાય છે. યાંત્રિક મિશ્રકો વડે ઘટકો સારી રીતે એકબીજા સાથે ભળી એકરૂપ કૉંક્રીટ બનાવે છે. વળી આ પદ્ધતિમાં પાણીની વપરાશ પણ ઘટાડી શકાય છે જેથી કૉંક્રીટનું દાબક સામર્થ્ય પણ વધે છે. હસ્તમિશ્રણની રીતમાં 10 %થી 20 % જેટલો સિમેન્ટ વધારે વાપરવો પડે છે.

કૉંક્રીટના ઘટકોનું પ્રમાણ કૉંક્રીટના દાબક સામર્થ્ય ઉપર આધાર રાખે છે. સામાન્ય પ્રકારના કૉંક્રીટ માટે જરૂરી દાબક સામર્થ્ય પ્રમાણે યાર્દચ્છિક વર્ગનો કૉંક્રીટ પસંદ કરવામાં આવે છે અને આ વર્ગના પ્રમાણ પ્રમાણે 50 કિગ્રા.ની થેલી દીઠ રેતી, કપચી અને પાણીનું કદ નક્કી કરીને તે રીતની પેટીઓ ભરીને મિશ્રણ કરવામાં આવે છે. ઘટકોને કદને બદલે વજનમાં માપવાથી વધારે સારો કૉંક્રીટ ઉત્પન્ન થઈ શકે છે. આ માટે ઘટકોનું પ્રમાણ નીચે સારણી 4માં દર્શાવેલ છે.

સારણી 4 : સામાન્ય પ્રકારના ક્રૉંક્રીટ માટે ઘટકોનું પ્રમાણ

ડિઝાઇન

વર્ગ

સમતુલ્ય

યાર્દચ્છિક

વર્ગ

પાણી

લિટર

કપચી

કિગ્રા.

રેતી
M–5

M–7.5

M–10

M–15

M–20

(1 : 5 : 10)

(1 : 4 : 8)

(1 : 3 : 6)

(1 : 2 : 4)

(1 : 1½ : 3)

60

45

34

32

30

800

625

480

350

250

રેતી કપચીનું પ્રમાણ

સામાન્ય રીતે (1 : 2)

પણ જરૂર પ્રમાણે

(1 : 1½) સુધી વધારી

શકાય અથવા (1 : 2½)

સુધી ઘટાડી શકાય.

ઘટકો નક્કી કરવાની બીજી રીત રિક્તતા ગુણોત્તર(void ratio)ની છે. કપચીમાં રહેલી રિક્તતા કરતાં 5 %થી 10 % જેટલી વધારે રેતી અને તે જ પ્રમાણે રેતીમાં રહેલી રિક્તતા કરતાં 5 %થી 10 % વધારે સિમેન્ટ લઈને ઘટકોનું પ્રમાણ નક્કી કરવામાં આવે છે. ત્રીજી રીતમાં કપચી અને રેતીનું ચાળણીથી પૃથક્કરણ કરીને તેના સૂક્ષ્મતા માપાંક(fineness modulus)ના આધારે ઘટકોનું પ્રમાણ નક્કી કરવામાં આવે છે. આ ત્રીજી રીતથી એકધારી મજબૂતાઈનો ઉચ્ચ ગુણકક્ષાવાળો કૉંક્રીટ ઓછા સિમેન્ટ વડે બનાવી શકાય છે.

કૉંક્રીટનું મિશ્રણ તૈયાર કર્યા પછી આશરે 30 મિનિટમાં બીબામાં નાખવું જોઈએ. આ સમય પછી મિશ્રણ જામવાની શરૂઆત થાય છે. મિશ્રણને 1 મીટરથી વધારે ઊંચાઈએથી નાખવું ન જોઈએ કારણ કે વધુ ઊંચાઈએથી નાખતાં, મિશ્રણમાંથી ઘટકો છૂટા પડી જાય છે અને મિશ્રણ એકરૂપ રહેતું નથી. મિશ્રણ નાખ્યા બાદ તુરત જ લોખંડના સળિયા અથવા કંપિત્ર વડે પોલાણ ન રહે તે રીતે ઘટ્ટીકરણ થવું જોઈએ. 5 % પોલાણ કૉંક્રીટની મજબૂતાઈમાં 30 % જેટલો ઘટાડો કરી શકે છે. ખરાબ રીતે નંખાયેલ કૉંક્રીટનું બંધારણ મધુકોષ (honey-comb) જેવું બને છે. તેમાંથી પાણી ઊતરે છે. પરિણામે પ્રબલન સળિયાને કાટ લાગે છે. લોખંડ કરતાં લોખંડના કાટનું કદ અનેકગણું વધારે હોઈ આ કાટથી કૉંક્રીટમાં તિરાડો પડે છે. વળી મધુકોષમય કૉંક્રીટનું પક્કડ-સામર્થ્ય પણ ઓછું હોઈ, તેની મજબૂતાઈ પણ ઘટે છે.

બીબામાં નંખાયેલા કૉંક્રીટમાં જામવાની પ્રક્રિયા શરૂ થયા પછી તેને સહેજ પણ હલવા દેવો ન જોઈએ, નહિ તો કૉંક્રીટનું સામર્થ્ય ઘટે છે.

કૉંક્રીટ જામવાની શરૂઆત થતાં સુધી કે જામે ત્યાં સુધી કામ અટકે અને થોડાક જ વખત પછી નવું કૉંક્રીટકામ શરૂ કરતાં જૂના અને નવા કૉંક્રીટકામ વચ્ચે સાંધો થાય છે. આવા સાંધા કાળજીથી જોડવામાં ન આવે તો કૉંક્રીટની મજબૂતાઈમાં ખામી રહી જાય છે અને તેમાં થઈને પાણી ઊતરવાની શક્યતા રહે છે. બીમ અને ધાબામાં આવા સાંધા સૌથી ઓછું કર્તનબળ (shearing stress) લાગતું હોય તેવી જગાએ મુખ્ય પ્રબલન સળિયાને કાટખૂણે ઊર્ધ્વ દિશામાં મૂકવા તે ઇચ્છનીય છે. બીમ અથવા ધાબાના ગાળાના ત્રીજા ભાગે મૂકવા તે ઇચ્છવાજોગ છે. ધાબું બીમની સળંગ લંબાઈ ઉપર થઈને ભરાતું હોય તો સાંધો બીમની પહોળાઈના મધ્ય ભાગે રાખવો જોઈએ. સ્તંભમાં આવા સાંધા સ્તંભની મધ્ય ઊંચાઈએ રાખવા તે સલાહભરેલું છે.

થોડાક કલાક કામ અટકેલ હોય તો જૂના કૉંક્રીટના ભાગ ઉપર સિમેન્ટ-પાણીનો રગડો લગાડી નવું કૉંક્રીટકામ આગળ ચાલુ કરવું જોઈએ. જૂનો કૉંક્રીટ પૂરેપૂરો જામી ગયેલો હોય ત્યાં જૂના કૉંક્રીટની સપાટી વાયરના બ્રશ વડે સાફ કરી તેને ખરબચડી બનાવ્યા પછી તેના ઉપર સિમેન્ટ-રેતીના 1 : 1ના પ્રમાણમાં પાણી રેડી રગડો બનાવી રેડવો જોઈએ. ત્યારપછી નવું કૉંક્રીટ કામ આગળ ચાલુ કરવાનું થાય. જૂના અને નવા કૉંક્રીટનો સંપર્ક બરાબર થાય તે માટે નવા કૉંક્રીટને પટ્ટીથી બરાબર દબાવવો જોઈએ. આવા સાંધા મકાનની રચના કરતી વખતે ઉદભવતા હોઈને તેને રચના-સાંધા (construction joints) કહે છે.

સેન્ટરિંગ : મકાનના જે ભાગો કૉંક્રીટ વડે રચવાના હોય તે ભાગોના આકાર અને માપનાં બીબાં તૈયાર કરીને તેમને ટેકવવામાં આવે છે. આને સેન્ટરિંગ કહેવામાં આવે છે. તાજા કૉંક્રીટમાં ભાર વહન કરવાની ક્ષમતા નહિ હોવાથી તે જામી જઈને પૂરતું દાબક સામર્થ્ય પ્રાપ્ત કરે ત્યાં સુધી સેન્ટરિંગ તેને આધાર આપે છે. તે પછી સેન્ટરિંગને દૂર કરી શકાય છે.

ધાબા તથા બીમ માટે લોખંડની પ્લેટો કે પાટિયાં વડે બીબાં રચવામાં આવે છે. વળીઓના ટેકા, વૉલ પ્લેટો અને બેઝ પ્લેટો વડે પ્લેટો કે બીબાંને આધાર આપવામાં આવે છે. ટેકવવા માટેની વળીઓનો વ્યાસ અને બે વળીઓ વચ્ચેનું અંતર, ઢાળવાના કૉંક્રીટના વજન ઉપર આધાર રાખે છે. સામાન્ય રીતે 5થી 7.5 સેમી.ના વ્યાસની વળીઓ 1 મીટર જેટલા અંતરે વાપરવામાં આવે છે. કૉંક્રીટ નાખતાં પહેલાં પાણી છાંટી બીબાંની સપાટી ભેજવાળી કરવી આવશ્યક છે. કૉંક્રીટ નંખાયા બાદ નીચે જણાવેલા સમય બાદ સેન્ટરિંગ ખોલી નાખવામાં આવે છે.

1. પાયા, સ્તંભ, બીમ કે દીવાલની ઊર્ધ્વ બાજુઓનું 1થી 2 દિવસે
2. 4.5 મી.ના ગાળા સુધીના ધાબાની નીચેનું 7 દિવસે
3. 4.5 મી.થી વધારે ગાળાવાળા ધાબાની નીચેનું અથવા

6.0 મી.ના ગાળા સુધીના બીમો નીચેનું

 

14 દિવસે

4. 6.0 મી.થી 9.0 મી.ના ગાળાવાળા બીમ નીચેનું 21 દિવસે
5. 9.0 મી.થી વધારે ગાળાવાળા બીમ નીચેનું 28 દિવસે

શીઘ્ર ર્દઢકારી (rapid hardening) સિમેન્ટ વાપરવામાં આવ્યો હોય તો ઉપર જણાવેલા સમયના 3/7 ભાગ જેટલા સમય પછી સેન્ટરિંગ દૂર કરી શકાય છે.

સંસાધન (curing) : કૉંક્રીટ તેમાં રહેલા સિમેન્ટ અને પાણી વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા વડે સામર્થ્ય મેળવે છે. આ રાસાયણિક પ્રક્રિયા ચાલુ રહે તે માટે કૉંક્રીટમાં પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે એ જરૂરી છે. તાજા કૉંક્રીટમાં જરૂરી પાણી હોય છે; પરંતુ બાષ્પીભવન તથા રાસાયણિક પ્રક્રિયાને લીધે ઉત્પન્ન થતી ગરમીને લીધે તે ઝડપથી ઊડી જાય છે. પાણીની આ ખોટ પૂરવા કૉંક્રીટ ઉપર પાણીનો બાહ્ય છંટકાવ કરવો પડે છે. પાણી છાંટવાની આ ક્રિયાને તરાઈ અથવા સંસાધન કહે છે. સંસાધનના સમયગાળાનો આધાર કામનો પ્રકાર, સિમેન્ટનો પ્રકાર અને હવામાન ઉપર છે. સામાન્ય સંજોગોમાં કૉંક્રીટનું સંસાધન ઓછામાં ઓછા 7 દિવસ સુધી કરવું જોઈએ. પૂર્વનિર્મિત (precast) કૉંક્રીટના ભાગો કે પૂર્વપ્રતિબલિત કૉંક્રીટના ભાગોને બીબામાંથી જલદી છૂટા પાડવા માટે ઘણી વખત વરાળ વડે પણ સંસાધિત કરવામાં આવે છે.

કૉંક્રીટ નંખાઈ ગયા પછી સૂર્યકિરણોને લીધે પાણી સુકાવાની શક્યતા હોય તો બે કલાક પછી ભીની શણની કોથળીઓ વડે સપાટીને ઢાંકવામાં આવે છે. 24 કલાક પછી ધાબાની સપાટી ઉપર માટી અથવા રેતીની પાળીઓ વડે ક્યારા બનાવીને તેમાં પાણી ભરવામાં આવે છે. પાણી ભરી શકાય તેમ ન હોય ત્યાં સપાટીને શણની થેલીઓ વડે ઢાંકીને તે ઉપર પાણી છાંટી થેલીઓ ભીની રાખી સંસાધિત કરવામાં આવે છે.

પ્રબલન સળિયાની ગોઠવણી : પ્રબલન સળિયાની ગોઠવણી ઇજનેરની ડિઝાઇન મુજબ કરવી જોઈએ. આ ગોઠવણીમાં કેટલાક અગત્યના મુદ્દા ધ્યાનમાં રાખવાના હોય છે. બે સળિયા વચ્ચેનું ચોખ્ખું લઘુતમ અંતર તે સળિયાના વ્યાસ જેટલું કે કપચીના ટુકડાના મહત્તમ માપ કરતાં 5 મિમી. વધારે, એ બેમાંથી જે વધારે હોય તેટલું રખાય છે. પ્રબલન સળિયા બે સ્તરમાં મૂકવામાં આવ્યા હોય તો તે બે સ્તર વચ્ચેનું ચોખ્ખું અંતર પણ ઉપરના નિયમ પ્રમાણે રખાય છે. ધાબામાં મુખ્ય પ્રબલનના બે સળિયા વચ્ચે મહત્તમ અંતર ધાબાની વાસ્તવિક ઊંડાઈના ત્રણગણા કરતાં વધારે ન હોવું જોઈએ અને વિતરણ (distribution) પ્રબલનના બે સળિયા વચ્ચે મહત્તમ અંતર ધાબાની વાસ્તવિક ઊંડાઈના પાંચગણા અથવા 450 મિમી. એ બેમાંથી જે ઓછું હોય તેનાથી વધવું ન જોઈએ.

બીમ અને ધાબાના સંધાણ ઉપર ઘણા સળિયા ભેગા થતા હોય ત્યાં બીમમાં સળિયા બે સ્તરોમાં બાંધવા જોઈએ અને આવા ભાગોમાં કૉંક્રીટ નાખ્યા પછી સળિયા કે કંપિત્ર વડે કૉંક્રીટનું ઘટ્ટીકરણ બરાબર થવું જોઈએ.

પ્રબલન સળિયાને કૉંક્રીટમાં બહારની સપાટીથી યોગ્ય આવરણ મળે તે રીતે મૂકવા જોઈએ. આવા આવરણની જાડાઈ જુદા જુદા કિસ્સામાં નીચે પ્રમાણે રાખવામાં આવે છે :

(ક) દરેક સળિયાને છેડે આવરણની જાડાઈ 25 મિમી.થી ઓછી નહિ અથવા સળિયાના વ્યાસના બેગણાથી ઓછી નહિ.

(ખ) સ્તંભોમાં મુખ્ય પ્રબલન સળિયાના આવરણની જાડાઈ 40 મિમી.થી ઓછી નહિ અથવા સળિયાના વ્યાસથી ઓછી નહિ. 200 મિમી.ની ઓછામાં ઓછી બાજુવાળા સ્તંભો કે જેમાં પ્રબલન સળિયાનો વ્યાસ 12 મિમી.થી વધારે ન હોય ત્યાં આવરણની જાડાઈ 25 મિમી. રાખી શકાય.

(ગ) બીમ માટેના મુખ્ય પ્રબલન સળિયાના આવરણની જાડાઈ 25 મિમી.થી ઓછી નહિ અથવા સળિયાના વ્યાસથી ઓછી નહિ.

(ઘ) ધાબાના પ્રબલન સળિયા માટે આવરણની જાડાઈ 15 મિમી.થી ઓછી નહિ અથવા સળિયાના વ્યાસથી ઓછી નહિ.

(ચ) અન્ય કોઈ પ્રકારના પ્રબલન સળિયા માટે આવરણની જાડાઈ ઓછામાં ઓછી 15 મિમી. અથવા સળિયાના વ્યાસથી ઓછી ન હોય તેટલી રાખવામાં આવે છે. પ્રબલન સળિયા સામાન્ય રીતે 10થી 15મી. જેટલી લંબાઈના હોય છે. લાંબા ધાબા અથવા બીમમાં આવા સળંગ સળિયા જ્યાં ટૂંકા પડતા હોય ત્યાં સળિયાની લંબાઈ આકૃતિ 1માં દર્શાવ્યા પ્રમાણે છાદનસાંધા (lap joint) વડે વધારવામાં આવે છે.

આકૃતિ 1 : છાંદનસાંધો

આ છાદનસાંધાની લંબાઈ કૉંક્રીટના અનુજ્ઞેય પક્કડ પ્રતિબળ અને પ્રબલન સળિયાના તાણસામર્થ્ય ઉપર આધાર રાખે છે. સળિયામાંનું ખરેખર પ્રતિબળ અનુજ્ઞેય તાણ પ્રતિબળ કરતાં વધી ન જાય તેમજ કૉંક્રીટમાં સળિયાની પક્કડને લીધે કૉંક્રીટમાં પક્કડ પ્રતિબળ પણ તેના અનુજ્ઞેય પક્કડ પ્રતિબળ કરતાં વધી ન જાય તે માટે અમુક લંબાઈની પક્કડ કૉંક્રીટમાં હોવી જરૂરી છે. પક્કડની આવી લંબાઈને પક્કડ લંબાઈ (bond length) કહે છે. સામાન્ય રીતે છાદનસાંધાની લંબાઈ પક્કડ લંબાઈ જેટલી રાખવામાં આવે છે.

જુદા જુદા વર્ગના કૉંક્રીટ અને પ્રબલન સળિયા માટેની છાદન લંબાઈ સારણી 5માં દર્શાવેલ છે.

સારણી 5 : પ્રબલન સળિયાની છાદન (lap) લંબાઈ

કૉંક્રીટનો છાદનલંબાઈ તાણમાં છાદનલંબાઈ દબાણમાં
સાદા સળિયા

માટે

ઉચ્ચ લચક

સીમાવાળા

વિરૂપિત

સળિયા માટે

સાદા સળિયા

માટે

ઉચ્ચ લચક

સીમાવાળા

વિરૂપિત

સળિયા માટે

M–15

M–20

M–25

63 × d*

52 × d

45 × d

65 × d

50 × d

46 × d

50 × d

42 × d

36 × d

52 × d

44 × d

37 × d

*પ્રબલન સળિયાનો વ્યાસ

વર્ધનસાંધા (expansion joints) : તાપમાન તથા ભેજના ફેરફારોને લીધે કૉંક્રીટની લંબાઈમાં ફેરફાર થાય છે. આ ફેરફાર મુક્તપણે ન થવા દેવાય તો કૉંક્રીટમાં તણાવ યા દાબક પ્રતિબળો ઉત્પન્ન થાય છે જે અનુજ્ઞેય પ્રતિબળો કરતાં વધી જાય છે અને કૉંક્રીટમાં તિરાડો પડે છે. આ ક્રિયા અટકાવવા માટે કૉંક્રીટની સળંગ લંબાઈને સાંધા આપી એક કરતાં વધુ ભાગોમાં વહેંચી બે ભાગ વચ્ચે થોડીક જગા રાખવામાં આવે છે. આવા સાંધાને વર્ધનસાંધા કહે છે. ભેજના ફેરફારની અસરો સારા કૉંક્રીટકામથી નિયંત્રિત થઈ શકે છે; પરંતુ તાપમાનના ફેરફારોની અસરો નિયંત્રિત થઈ શકતી ન હોઈ આવા સાંધા જરૂરી છે. સામાન્ય રીતે આવા સાંધા 30થી 40મી.ની સળંગ લંબાઈને અંતે રાખવામાં આવે છે.

આવા સાંધા સ્તંભના પાયાના ઉપરના ભાગથી શરૂ કરીને મકાનની ટોચ સુધી ઊર્ધ્વ દિશામાં રાખવામાં આવે છે. આવા સાંધાને ડામરના પાટિયા વડે પૂરવામાં આવે છે. સાંધાને ભેજચુસ્ત બનાવવા માટે કાટ ન લાગે તેવી તાંબાની પટ્ટી વડે પૂરવામાં આવે છે. છત(ceiling)માં આવતા આવા સાંધાને રબર પૅકિંગ વડે પૂરવામાં આવે છે.

દાદર, લિફ્ટ અને સરકતી સીડી (escalator) : મકાનમાં એક માળથી બીજે માળ ચઢઊતર કરવા માટે દાદરની આવશ્યકતા હોય છે. પ્રત્યેક મકાનમાં માળની રચના અને ઉપયોગિતાને લક્ષમાં રાખીને દાદરનો પ્રકાર નક્કી કરવામાં આવે છે. દાદરની રચનામાં લાકડું, પથ્થર, પ્રબલિત કૉંક્રીટ, પોલાદ કે બીડ વપરાય છે.

સામાન્ય રીતે નીચેના પ્રકારના દાદર વપરાય છે : (1) સીધા દાદર, (2) અર્ધાવર્ત (quartex turn) દાદર, (3) પ્રતિવર્તી (dog-legged) દાદર (4) દ્વિશાખી (bifurcating) દાદર, (5) ભૌમિતિક દાદર, (6) સર્પિલ (spiral) દાદર અને (7) કૂપક (open well) દાદર.

પગથિયાનો ઉપરનો ક્ષૈતિજ સમતલ ભાગ, જેના ઉપર પગ મૂકીને ચડવામાં આવે છે તેને ટ્રેડ કહે છે; જ્યારે બે નિકટવર્તી ટ્રેડ વચ્ચે રહેલા ઊર્ધ્વ ભાગને રાઇઝર કહે છે. (જુઓ આકૃતિ 2)

આકૃતિ 2

આકૃતિ 2

ટ્રેડની પહોળાઈને ચાલ કહે છે અને રાઇઝરની ઊંચાઈને ચઢાણ કહે છે. પગથિયાંની સળંગ હારમાળાને દાદરપંક્તિ (flight) કહે છે. એક પંક્તિમાં 10થી વધારે પગથિયાં રાખવામાં આવતાં નથી. બે દાદરપંક્તિ વચ્ચે રાખેલા દાદરના સમતલ ભાગને રમણું કહે છે.

દાદરની રચનામાં ટ્રેડ અને રાઇઝરનાં માપ એવી રીતે નક્કી કરવામાં આવે કે ચઢઊતર કરતાં થાક ન લાગે. ઘણી વખત નીચેનાં અનુભવસિદ્ધ સૂત્રોનો ઉપયોગ થાય છે :

ચઢાણ + ચાલ = 42થી 45 સેમી.

2 × ચઢાણ + ચાલ = 55થી 60 સેમી.

ચઢાણ × ચાલ = 400થી 430 ચોસેમી.

સામાન્ય રીતે ચાલ 23થી 30 સેમી. અને ચઢાણ 15થી 20 સેમી. રાખવામાં આવે છે.

દાદરની પહોળાઈ ખાનગી મકાનોમાં 90 સેમી. જેટલી રાખવામાં આવે છે. માણસોની અવરજવર વધારે હોય તેવાં જાહેર મકાનો માટે આ પહોળાઈ 120થી 150 સેમી. રાખવામાં આવે છે.

દાદરની બહારની ધારે હાથને ટેકવવા માટે અને રક્ષણ માટે 75થી 85 સેમી. ઊંચો કઠેડો રાખવામાં આવે છે. તેની રચના કાષ્ઠ, લોખંડ અથવા પ્રબલિત કૉંક્રીટની દીવાલ વડે કરવામાં આવે છે.

મકાનમાં માળની સંખ્યા 4 કરતાં વધારે હોય ત્યાં દાદર ઉપરાંત લિફ્ટ પણ મૂકવી જરૂરી છે. આ માટે સીડીની નજીકમાં જ કૂપની રચના કરી તેમાં લિફ્ટ ગોઠવવામાં આવે છે. કૂપક દાદરમાં, કૂપનો ઉપયોગ લિફ્ટ ગોઠવવા માટે કરી શકાય.

સરકતી સીડી : હવાઈ મથક, મોટાં ખરીદકેન્દ્રો, બૅંક, રેલવે સ્ટેશન વગેરે સ્થળોએ જ્યાં મોટી સંખ્યામાં વ્યક્તિઓની અવરજવર ઓછામાં ઓછી જગામાં નિયંત્રિત કરવાની હોય ત્યાં સીડી યા લિફ્ટના ઉપયોગમાં ઘણો સમય બગડે છે. આવી જગાએ સીડી યા લિફ્ટને બદલે સરકતી સીડીનો ઉપયોગ લાભદાયી નીવડે છે. સરકતી સીડી એ ગતિશીલ દાદર છે. તેનાં પગથિયાં બે માળ વચ્ચે ઉપરની તરફ સતત ગતિથી સરકતાં રહે છે. સરકતી સીડીથી દર કલાકે 4,000, 6,000 અને 8,000 વ્યક્તિઓની હેરફેર કરવા માટે તેની પહોળાઈ અનુક્રમે 60 સેમી., 90 સેમી. અને 120 સેમી. રખાય છે. સરકતી સીડીનો ઢાળ ક્ષૈતિજ દિશા સાથે 30 અંશથી વધારે ખૂણે રખાતો નથી. સરકતી સીડીની સાથેસાથે સરખી ગતિથી સરકી શકે તેવા કઠેડા બંને બાજુએ રાખવામાં આવે છે. સરકતી સીડીનું સંચાલન વિદ્યુતબળથી કરવામાં આવે છે.

કાષ્ઠકામ : આર્થિક ર્દષ્ટિએ કાષ્ઠ મોંઘું પડવાથી ગૃહનિર્માણમાં કાષ્ઠકામનો ઉપયોગ દિવસે દિવસે ઘટતો જાય છે અને લોખંડનો ઉપયોગ વધતો જાય છે. તેના સુંદર દેખાવ તેમજ ગરમી અને અવાજ સામેની પ્રતિરોધક શક્તિની ર્દષ્ટિએ મકાનમાં કાષ્ઠનું મહત્વ વિશિષ્ટ છે.

કાષ્ઠ લીલું હોય ત્યારે નરમ હોય છે અને ઓછો ભાર સહન કરી શકે છે તેમજ તેને ઝડપથી સડો લાગે છે; તેથી તેનો ઉપયોગ કરતાં પહેલાં તેમાં રહેલા ભેજનું પ્રમાણ ઘટાડવું જરૂરી હોય છે. ભેજ ઘટાડવાની આ ક્રિયાને પક્વન (seasoning) કહે છે. આ ક્રિયાથી કાષ્ઠમાંના ભેજનું પ્રમાણ 20 %થી ઘટાડી 8 % જેટલું કરવામાં આવે છે.

લાકડાને ગૃહનિર્માણ માટે વાપરતાં પહેલાં અને પછી વાતાવરણની અસર, ફૂગ અને અન્ય જીવાતોથી ખવાયા સિવાય સારી હાલતમાં લાંબા સમય સુધી ટકે તે માટે તેનું પરિરક્ષણ કરવું આવશ્યક છે.

આ માટે કૉલટાર ક્રિઑસોટ, પૅન્ટાકલોરોફિનૉલ, કૉપર નેફ્થિનેટ, ઝિંક નૅફ્થિનેટ, ટેટ્રાક્લૉરોફિનૉલ વગેરેનો ઉપયોગ થાય છે. જલોઢ (water borne) પરિરક્ષકો તરીકે કૉપર, ઝિંક, ફ્લૉરિન અને આર્સેનિકનાં સંયોજનો વપરાય છે. મૅગ્નેશિયમ સિલિકોક્લોરાઇડ, મર્ક્યુરિક ક્લોરાઇડ અને ક્રોમેટ સંયોજનો પણ ઉપયોગમાં લેવાય છે. તૈલી રંગો લગાડવાથી પણ લાકડાનું પરિરક્ષણ થાય છે. જમીનમાં જતા લાકડાના ભાગને સામાન્ય રીતે ડામર લગાડવામાં આવે છે.

કાષ્ઠ કુદરતી સર્જન હોઈ તેનું બંધારણ એકસરખું હોતું નથી. તેમાં ગાંઠો, રસોળી, મરડાયેલા રેસા, વાતડ, આંતરફાટ, વલયફાટ વગેરે કુદરતી ખામીઓ મુખ્ય હોય છે. ગાંઠવાળું કાષ્ઠ તાણસામર્થ્યમાં નબળું હોય છે. મહત્તમ તાણવાળા ભાગ ઉપર ગાંઠવાળો ભાગ ન આવે તેની કાળજી રાખવી જોઈએ. ગૃહનિર્માણમાં વપરાતા કાષ્ઠ માટેનાં અનુજ્ઞેય પ્રતિબળો સારણી 6માં દર્શાવ્યાં છે.

સારણી 6 : કાષ્ઠ માટેનાં ગ્રાહ્ય પ્રતિબળો

 

 

અનુ.

નં.

 

 

લાકડાનું

નામ

 

 

ઘનતા

કિગ્રા./

.મી.

અનુજ્ઞેય પ્રતિબળો, ન્યૂ./ચોમિમી.
દાબક, કણરચનાને           તાણ              કર્તન
સમાંતર કાટખૂણે (નમનને

લીધે)

કણ

રચનાને

સમાંતર

ક્ષૈતિજ

કણ

રચનાને

સમાંતર

1. આંબો 690 7.40 3.10 12.40 0.90 1.40
2. ચીલ 560 6.40 2.20 8.40 0.60 0.90
3. દેવદાર 560 7.80 2.60 10.20 0.70 1.00
4. બાવળ 835 11.20 6.50 18.20 1.50 2.20
5. સાગ 625 8.80 4.00 14.00 1.00 1.40
6. સાલ 865 10.60 4.50 16.80 0.90 1.30

 

આધુનિક જમાનામાં કુદરતી કાષ્ઠ ઉપરાંત કાષ્ઠમાંથી બનાવેલાં પ્લાયવુડ અને રેસા બોર્ડ જેવાં ખાસ ઉત્પાદનો તેમજ સનમાઇકા, ફૉરમાઇકા, સનગ્લાસ જેવાં વ્યાપક કાષ્ઠનો બહોળો ઉપયોગ ફર્નિચર, બારીબારણાંનાં ચોકઠાં અને કમાડ, છત, પૅનલ, પાર્ટિશન, દાદર વગેરેમાં થાય છે.

કાષ્ઠ વિશે વિશિષ્ટ બાબતો : કાષ્ઠની કણરચનાની દિશામાં રંધો મારવો જોઈએ. બારીબારણાંનાં ચોકઠાં અને કમાડમાં, કેંચીઓમાં આવતા સાંધા બહુ ચુસ્ત કે બહુ ઢીલા ન હોવા જોઈએ. ચુસ્ત સાંધા કાષ્ઠને ફાડી નાખે છે અને ઢીલા સાંધા કાષ્ઠરચનાને નબળી બનાવે છે. ઢીલા સાંધાને ચુસ્ત બનાવવા માટે ફાચરનો ઉપયોગ ન કરવો જોઈએ. સાંધામાં બહારથી કે અંદરથી પોલાણ ન હોવું જોઈએ. બહારથી જોતાં સાંધો દેખાવો ન જોઈએ. સાંધામાંથી કાષ્ઠરચના હચમચી ન જાય તે માટે ફ્રેમને ભીડા(vice)માં દબાવી સાંધામાં ખીલી, સ્ક્રૂ અથવા બોલ્ટ લગાવવાં જોઈએ.

છાપરાકામમાં કેંચી, રાફ્ટર, પરલિન, બૅટન, નેવાનાં પાટિયાં વગેરેમાં કાષ્ઠનો ઉપયોગ થાય છે. વરંડાની જાળી બનાવવા માટે કાષ્ઠની પટ્ટીઓ વપરાય છે. જૂનાં મકાનોમાં ફરસ પણ કાષ્ઠની બનાવવામાં આવતી હતી. સુશોભિત દાદર, કઠેડો, કમાન વગેરે પણ કાષ્ઠમાંથી રચવામાં આવે છે.

પોલાદકામ : ગૃહનિર્માણ કરતી વખતે પોલાદનો ઉપયોગ અનેક ભાગોની રચનાઓમાં થતો હોવાથી ગૃહરચનામાં તે મહત્વનો ભાગ ભજવે છે. 10 માળથી વધારે ઊંચાઈવાળાં બહુમાળી મકાનોમાં મોટા ગાળાવાળાં છાપરાંની કેંચીઓમાં, બારીબારણાંની ફ્રેમ અને બારીઓનાં કમાડ તેમજ કંપાઉન્ડની દીવાલના ઝાંપા માટે વિવિધ આકારવાળા પોલાદના ખંડો(sections)નો બહોળો ઉપયોગ કરવામાં આવે છે.

વિવિધ ખંડો :

(ક) પટ્ટી : વિવિધ જાડાઈ અને પહોળાઈમાં ઉપલબ્ધ હોય છે.

(ખ) સળિયા : ગોળ અને ચોરસ આકારમાં 3 મિમી.થી 35 મિમી.ના માપ સુધી ઉપલબ્ધ હોય છે. પ્રબલન સળિયા, બારીની જાળી વગેરે માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

(ગ) કોણ ખંડ (angle) અને T ખંડ : સરખી બાજુવાળા સમકોણ ખંડ અને નાનીમોટી બાજુવાળા વિષમકોણ ખંડ તેમજ T ખંડ વિવિધ માપ અને જાડાઈમાં ઉપલબ્ધ હોય છે. કોણ ખંડનો આકાર અંગ્રેજી અક્ષર L (એલ) અને T ખંડનો આકાર અંગ્રેજી અક્ષર T (ટી) જેવો હોય છે. બારીબારણાંનાં ચોકઠાં, ઝાંપા, છાપરાંની કેંચીઓ વગેરેમાં તેનો ઉપયોગ થાય છે.

(ઘ) I અને ચૅનલ ખંડ : આવા ખંડોનો આકાર અંગ્રેજી અક્ષર I (આઈ) અથવા C (સી) જેવો હોય છે. ક્ષૈતિજ પટ્ટીઓને કિનારપટ્ટી (flange) અને ઊર્ધ્વ પટ્ટીને જોડપટ્ટી (web) કહે છે. બીમમાં નમન પ્રતિબળો મુખ્યત્વે કિનારપટ્ટી અને કર્તન પ્રતિબળ મુખ્યત્વે જોડપટ્ટી સહન કરે છે. બંને ખંડોનો વ્યાપક ઉપયોગ મકાનોના ફરસનું માળખું રચવા માટે બીમ અને સ્તંભ તરીકે થાય છે.

મોટો ભાર સહન કરવા માટે વિવિધ આકારના એક કરતાં વધારે ખંડોનો ઉપયોગ કરીને સંઘટિત ખંડ (compound section) આકૃતિ 3માં દર્શાવ્યા પ્રમાણે રચવામાં આવે છે.

આકૃતિ 3

પોલાદમાં અનુજ્ઞેય પ્રતિબળો : ભારતીય માનક IS : 800 – 1984 પ્રમાણે આ પ્રતિબળો નીચે પ્રમાણે છે : તાણમાં અનુજ્ઞેય પ્રતિબળ = 0.6 × (નીચામાં નીચી લચક-સીમાનું પ્રતિબળ). પોલાદના પ્રકાર પ્રમાણે લચક-સીમા ભિન્ન ભિન્ન હોય છે. 250 ન્યૂ./ચોમિમી.ની લચક-સીમાવાળા પોલાદનું તાણમાં પ્રતિબળ 150 ન્યૂ./ચોમિમી. જેટલું હોય છે. દબાણમાં અનુજ્ઞેય પ્રતિબળ પોલાદનો પ્રકાર તથા જે તે ભાગના તનુતા (slenderness) ગુણોત્તર ઉપર આધાર રાખે છે અને તે સદર માનકના કોઠા 5.1માંથી જોઈ શકાય છે. તનુતા ગુણોત્તર એ ભાગની અસરકારક લંબાઈ અને ભાગના છેદની ન્યૂનતમ ઘૂર્ણન ત્રિજ્યા(radius of gyration)નો ભાગાકાર છે. નમનમાં મહત્તમ અનુજ્ઞેય પ્રતિબળો પોલાદની લચક-સીમાને 0.66 વડે ગુણવાથી મેળવી શકાય છે. આનો આધાર પણ બીમની લંબાઈ, આડછેદનું ક્ષેત્રફળ, ખંડની ઘૂર્ણન ત્રિજ્યા વગેરે ઉપર રહેલો છે અને આવાં પ્રતિબળ ભારતીય માનકના કોઠા 6-1A વડે મેળવી શકાય છે. મહત્તમ અનુજ્ઞેય કર્તન પ્રતિબળ, પોલાદની લચક-સીમાને 0.45 વડે ગુણવાથી મેળવી શકાય છે. તે પોલાદના ખંડો માટે વાપરી શકાય છે.

વિવિધ ખંડોનું જોડાણ : આ જોડાણ રિવેટથી, વેલ્ડિંગથી કે બોલ્ટથી કરવામાં આવે છે. રિવેટ અથવા બોલ્ટનો આકાર નળાકાર હોય છે અને તેને એક છેડે માથું હોય છે. બોલ્ટમાં આ નળાકાર ભાગ ઉપર આંટા પાડવામાં આવે છે. જે રીતે ભાગ જોડવાના હોય તે રીતે રિવેટના વ્યાસથી 1½થી 2.0 મિમી. જેટલા વધારે વ્યાસનાં કાણાં પાડવામાં આવે છે. બંને ભાગોને ગોઠવી તેમાં રિવેટ પરોવી બીજે છેડે યંત્ર વડે માથું ઘડવામાં આવે છે. આ કામ સ્થળ ઉપર યા વર્કશૉપમાં થઈ શકે છે. બોલ્ટ-જોડાણમાં બોલ્ટ કાણામાં પરોવી, બીજે છેડે ચાકી ચઢાવી તેને ચુસ્ત બેસાડવામાં આવે છે.

રિવેટ યા બોલ્ટ એક અથવા જરૂરિયાત પ્રમાણે બે, ત્રણ કે વધારે હારમાં ગોઠવી શકાય છે. નજીકના બે રિવેટ યા બોલ્ટનાં કાણાંનાં કેન્દ્રો વચ્ચેનું અંતર વ્યાસના 2.5 ગણાથી ઓછું ન હોવું જોઈએ અને જોડવામાં આવતા ભાગોની જાડાઈના 32 ગણાથી યા 300 મિમી.થી વધારે ન હોવું જોઈએ. ધાર ઉપર રાખવામાં આવતા આવા રિવેટ યા બોલ્ટ માટે ધારથી કાણાના કેન્દ્રનું ઓછામાં ઓછું અંતર ભારતીય માનકના કોઠા 8.2 પ્રમાણે રાખવું જોઈએ.

બીજા પ્રકારનું જોડાણ વેલ્ડિંગથી થાય છે. આ પદ્ધતિ સરળ હોઈ તેનો ઉપયોગ વ્યાપક બન્યો છે. વેલ્ડિંગ ઑક્સિ-ઍસિટિલીન ગૅસ અથવા વીજ-ચાપ (electric-arc) વડે થાય છે. પ્રથમ પ્રકારમાં બે ભાગો ભેગા કરી ઑક્સિ-ઍસિટિલીનની વાદળી જ્યોત વડે ગરમી ઉત્પન્ન કરતાં બંને ભાગોની ધાતુ પીગળીને એકરસ થઈ જાય છે. તે ઠંડી પડતાં બંને ભાગોનું જોડાણ થાય છે. વીજ-ચાપ પદ્ધતિમાં જે ભાગોનું જોડાણ કરવાનું હોય ત્યાં સાંધા ઉપર વીજ ચાપ વડે વેલ્ડિંગ સળિયાની ધાતુને પિગાળવામાં આવે છે. ધાતુ ઠંડી પડતાં બંને ભાગોનું જોડાણ થાય છે. વેલ્ડિંગ ઝડપી અને પૂરી ર્દઢતા આપનારું હોય છે પણ તે એકસરખું અને જગા ન રહે તે રીતે સળંગ થવું જોઈએ.

ઘાટરચના (fabrication) અને સ્થાપન (erection) : પોલાદના ભાગોના આકાર અને માપ પ્રમાણે ટેમપ્લેટ તૈયાર કરવામાં આવે છે અને તે ઉપર માપ પ્રમાણે કાણાં પાડવામાં આવે છે. આ ટેમપ્લેટ પ્રમાણે પોલાદના ભાગો કાપી તેમાં કાણાં પાડવામાં આવે છે. આ માટે કરવત, કર્તનયંત્ર અને ઑક્સિ-ઍસિટિલીન ગૅસનો ઉપયોગ થાય છે.

પ્રત્યેક ભાગનું જોડાણ ડિઝાઇનની વિગતો પ્રમાણે કરવામાં આવે છે. જોડાણ સંપૂર્ણ થયા પછી તે ભાગનું તેની સ્થિતિ પ્રમાણે ડેરિક, ઊંટડો, તાણિયા વગેરેના ઉપયોગ વડે સ્થાપન કરવામાં આવે છે.

ફરસ (floor) અને ફરસબંધી (floor finish) : સંરચનાકીય સિદ્ધાંત મુજબની ફરસની રચના તેના ઉપર આવતા ભારને અનુલક્ષીને થાય છે. ફરસની સપાટીનું સૌંદર્ય વધારવા તથા તેની ઉપયોગિતા મુજબ તેના ઉપર કરવામાં આવતા અંતિમ સમાપનને ફરસબંધી કહે છે.

ફરસરચના : ભૂતલ માળ જમીનથી થોડોક જ ઊંચો હોઈ તેની ફરસરચના સાદી હોય છે. તે માટે સારી જાતની માટી વડે પુરાણ કરી, તેનું ઘનીકરણ કરી, તે ઉપર 1 : 3 : 6ના પ્રમાણમાં સિમેન્ટ, રેતી અને રોડાં(અથવા કપચી)નું કૉંક્રીટનું 10થી 15 સેમી. જાડું પડ રચવામાં આવે છે. અન્ય માળા માટે ફરસરચના કાષ્ઠની, પ્રબલિત કૉંક્રીટની, પૂર્વપ્રતિબલિત કૉંક્રીટની કે અન્ય રીતે થઈ શકે છે. મકાનની રચનાનો પ્રકાર, મકાનની ઊંચાઈ, અગ્નિપ્રતિરોધકતા, ઉપયોગિતા વગેરે બાબતોને અનુલક્ષીને ફરસરચનાનો પ્રકાર પસંદ કરવામાં આવે છે. વધુ ભાર સહન કરવાનો હોય તેવાં બહુમાળી મકાનોમાં પ્રબલિત કૉંક્રીટની કે પોલાદની ફરસરચના વધારે અનુકૂળ અને કરકસરયુક્ત છે. કાષ્ઠ ખૂબ જ મોંઘું હોઈ તેની ફરસરચના હવે લુપ્ત થતી જાય છે; પરંતુ કાષ્ઠનાં પાટિયાં અને બીમના ઉપયોગ વડે આવી રચના કરી શકાય છે. પટલાશ્મ (flag stone) ફરસમાં પથ્થરના માપ પ્રમાણે પોલાદના T ખંડો ઊંધા મૂકી તેની કિનારપટ્ટીઓ ઉપર પથ્થર આકૃતિ 4માં દર્શાવ્યા પ્રમાણે ગોઠવીને ઉપર કૉંક્રીટનું પડ રચવામાં આવે છે.

આકૃતિ 4

પ્રબલિત કૉંક્રીટની ફરસ પ્રબલિત કૉંક્રીટના બીમ અને ધાબા વડે રચવામાં આવે છે. જરૂર ના હોય ત્યાં ધાબાને દીવાલો ઉપર પણ ટેકવી શકાય. પ્રબલિત કૉંક્રીટના ધાબાના નીચેના ભાગમાં આકૃતિ 5(ક)માં દર્શાવ્યા પ્રમાણે પોલા બ્લૉક, નળિયાં કે ઈંટો રાખવાથી નીચેની સપાટીનો દેખાવ સારો રહે છે અને તેવાં ધાબાં કરકસરયુક્ત બને છે. ઘણી વખત આકૃતિ 5(ખ)માં દર્શાવ્યા પ્રમાણે પૂર્વપ્રબલિત રિબ્ડ ફરસ પણ વપરાય છે. ઉત્થાપક કમાન (jack arch) મુજબની ફરસરચના નવાં મકાનોમાં લુપ્ત થતી જાય છે. ઈંટો અથવા કૉંક્રીટની કમાનને I ખંડો ઉપર આધારિત કરીને આવી ફરસરચના કરવામાં આવે છે. હાલના સંજોગોમાં પ્રબલિત કૉંક્રીટની ફરસરચના વ્યાપક બની છે.

આકૃતિ 5

ફરસબંધી : દેખાવ, ટકાઉપણું, આરામદાયકતા, અવાજપ્રતિરોધકતા, અગ્નિરોધકતા, સ્વચ્છતા, નિભાવખર્ચ વગેરે અગત્યના મુદ્દાને અનુલક્ષીને ફરસબંધીનો પ્રકાર નક્કી કરવામાં આવે છે. પ્રકાર નક્કી કરવાનું કાર્ય અગત્યનું છે, સાથે સાથે તેટલું જ મુશ્કેલ પણ છે. વિવિધ પ્રકારની ફરસબંધીનો ખ્યાલ નીચે આપ્યો છે.

પથ્થરની ફરસબંધી : શાહબાદ, કોટા, ધોલપુર, આરસપહાણ, તાંદુર, મોરાક વગેરે જાતના 15થી 35 મિમી. જાડા પથ્થરોને ચોક્કસ માપ અને આકારમાં ઘડીને ફરસ ઉપર કોલમાં બેસાડવામાં આવે છે. બે પથ્થર વચ્ચેનો સાંધો ચોખ્ખો, પાતળો અને સીધો હોવો જોઈએ. આ સાંધાને ઘણી વખત ઍલ્યુમિનિયમની પટ્ટી, કાચની પટ્ટી કે આરસપહાણની પાતળી પટ્ટી વડે પૂરીને સુશોભિત કરવામાં આવે છે. ફરસબંધી બેસાડ્યા બાદ સપાટીને હાથથી કે મશીન વડે ઘસીને પૉલિશ કરવામાં આવે છે. આ દરમિયાન સાંધા ઉઘાડા થતાં તેમાં સિમેન્ટનો કોલ પૂરવામાં આવે છે જે જામી જતાં અંતિમ પૉલિશ કરવામાં આવે છે. છેલ્લી પૉલિશ વખતે તળિયું ગરમ પાણી અને સાબુ વડે ધોવાનું હોવાથી 10 દિવસ પછી કરવું હિતાવહ છે.

વધુ ચળકાટ માટે ટર્પેન્ટાઇન અને બીઝ વૅક્સનું ગરમ મિશ્રણ 1 : 3ના પ્રમાણમાં લગાવી હાથથી ઘસવામાં આવે છે. ચારેક કલાક પછી કૉટન વેસ્ટથી ઘસવાથી સારો ચળકાટ આવે છે.

કૉંક્રીટની ફરસબંધી : ફરસ ઉપર 40 મિમી. જાડાઈનું સિમેન્ટ કૉંક્રીટનું 1 : 2 : 4ના મિશ્રણવાળું પડ રચીને તે ઉપર સિમેન્ટ-રેતીના 1 : 3ના પ્રમાણના કોલ વડે સમાપન કરવામાં આવે છે. તે સહેજ જામવા માંડે તે પછી તે ઉપર મનપસંદ રંગના સિમેન્ટના રગડા વડે સપાટી સુંવાળી બને ત્યાં સુધી અંતિમ સમાપન કરવામાં આવે છે. આવી સપાટી ઉપર દોરી વડે ચોરસના આકાર આપી શકાય છે. આવી ફરસબંધીને ઇન્ડિયન પેટન્ટ સ્ટોન પણ કહે છે.

મોઝેક ફરસબંધી : ફરસ ઉપર ચૂનાસુરખીના કોલનું 5 સેમી. જેટલું જાડું પડ રચીને ઉપર 1 ભાગ પોઝોલોના, 1 ભાગ આરસપહાણના પથ્થરનો બારીક ભૂકો અને 2 ભાગ પલાળેલા ચૂના વડે બનાવેલા કોલનું પડ ચઢાવવામાં આવે છે. આ પડ જામતાં, આશરે 4 કલાક પછી તે ઉપર આરસના પથ્થરના ટુકડા કે ગ્લેઝ લાદીના ટુકડા મનપસંદ રંગોમાં અને ડિઝાઇન પ્રમાણે ચોડવામાં આવે છે. રોલર વડે સપાટી સમતલ કરવામાં આવે છે. તે પછી સપાટી કઠણ થતાં તેના ઉપર પુમિસ (ઝામરો) પથ્થર વડે પૉલિશ કરવામાં આવે છે.

ટેરૅઝો ફરસબંધી : આ માટે 25 સેમી. x 25 સેમી. કે 30 સેમી. × 30 સેમી.ના માપની ટેરૅઝો સપાટીવાળી લાદી મનપસંદ રંગના સિમેન્ટમાં અને કપચીની ડિઝાઇનમાં મળે છે. ચૂનાના કોલમાં આ લાદી બેસાડીને 10 દિવસ પછી હાથથી કે મશીન વડે સપાટીને ઘસીને પૉલિશ કરવામાં આવે છે.

સ્થળ ઉપર પણ ટેરૅઝો ફરસબંધી રચી શકાય છે. ફરસ ઉપર 6 મિમી. જાડાઈનો રેતીનો થર કરી તે ઉપર ભેજચુસ્ત કાગળ મૂકવામાં આવે છે. આ ઉપર સિમેન્ટ-રેતીના 1 : 3ના પ્રમાણવાળું 20થી 30 મિમી. જાડું પડ રચવામાં આવે છે. સપાટી સમતલ રાખવામાં આવે છે. કોલ જામી ગયા પછી તે ઉપર મનપસંદ રંગના સિમેન્ટ અને આરસપહાણની કપચીનું 1 : 2ના પ્રમાણનું પાતળું પડ રચવામાં આવે છે. ધાતુની પટ્ટી વડે સપાટી સમતળ થાય તે રીતે અને 80 % જેટલી કપચી સપાટી ઉપર દેખાય તે રીતે સમાપન કરવામાં આવે છે. આ મિશ્રણ જામી ગયા પછી આશરે 10 દિવસે પથ્થર યા મશીન વડે સપાટી ઉપર ઘસાઈ કરીને પૉલિશ કરવામાં આવે છે. સુંદર દેખાવ માટે, ફરસબંધીને કાચની કે ઍલ્યુમિનિયમની પટ્ટી મૂકી ચોરસ આકારના ખંડોમાં વહેંચવામાં આવે છે.

આ ઉપરાંત રબર અને લિનોલિયમ ફરસબંધી વિવિધ રંગો અને ડિઝાઇનમાં ઉપલબ્ધ છે જે યોગ્ય બંધક વડે ફરસ ઉપર બેસાડી શકાય છે. અવાજ-પ્રતિરોધકતા અનિવાર્ય હોય ત્યાં કૉર્ક ફરસબંધી વપરાય છે. નૃત્યખંડ, બૅડમિંટન ખંડ વગેરે માટે કાષ્ઠનાં પાટિયાં વડે ફરસબંધી રચવામાં આવે છે. મનપસંદ ડિઝાઇન અને રંગોમાં પી.વી.સી.ની ફરસબંધી બજારમાં ઉપલબ્ધ હોય છે અને તેને બંધક વડે ફરસ ઉપર બેસાડી શકાય છે. ચિનાઈ ફરસબંધી બજારમાં ટાઇલ્સ રૂપે વિવિધ રંગોમાં અને વિવિધ ડિઝાઇનોમાં ઉપલબ્ધ હોય છે. ઓરડાની તેમજ જાજરૂ અને બાથરૂમની ફરસબંધી આવા ટાઇલ્સ વડે રચી શકાય છે. આ ઉપરાંત ફરસબંધી માટે રંગો પણ મળે છે જે પાણીના ભેજથી કઠણ થતાં ફરસબંધી માટે સુંવાળી અને કઠણ સપાટી રચે છે.

અગાસી અને છાપરું : મકાનના સૌથી ઉપરના ભાગને અગાસી અથવા છાપરું કહે છે. જો ફરસની રચના ક્ષૈતિજ દિશામાં સમતલ હોય તો તેના ઉપર ફરસબંધી કરીને તેનો ઉપયોગ કરી શકાય છે. આવી ફરસને અગાસી કહે છે. આ ફરસ ખુલ્લી હોઈ તે ઉપર વરસાદનું પાણી પડે છે. આ પાણીના નિકાલ માટે વ્યવસ્થા હોવી જરૂરી છે. તેમજ ફરસ ઉપર ફરસબંધી કરતાં પહેલાં ભેજચુસ્ત પડ યોગ્ય રસાયણો વાપરીને રચવું પડે છે.

છાપરાં ઢાળવાળાં પણ હોય છે. ઓરડાના માપ પ્રમાણે ઢાળ એક દિશામાં અથવા વધારે દિશામાં રાખવામાં આવે છે. છાપરાની ફરસ પ્રબલિત કૉંક્રીટના ધાબા વડે યા તો લાકડા યા લોખંડની કેંચીઓ ઉપર પરલિન સાથે ગૅલ્વેનાઇઝ કરેલા લોખંડનાં પતરાં અથવા ઍસ્બેસ્ટૉસ સિમેન્ટનાં પતરાં બેસાડીને કરવામાં આવે છે. સુંદર દેખાવ માટે, ધાબાવાળા છાપરા ઉપર વિવિધ રંગ અને ડિઝાઇનવાળાં મૅંગ્લોરી નળિયાં પણ બેસાડવામાં આવે છે. લાકડાની પરલિનનું માળખું લાકડાની કેંચી અથવા બીમ ઉપર ગોઠવી તે ઉપર પણ નળિયાં બેસાડી શકાય છે. આવું છાપરું ગરમીપ્રતિરોધક હોઈ ઓરડાનું વાતાવરણ ઠંડું રહે છે. લોખંડનાં પતરાં, ઍસ્બેસ્ટૉસ સિમેન્ટનાં પતરાં કે નળિયાં વડે રચિત છાપરું તેમજ ગટરવ્યવસ્થા ભેજચુસ્ત રહે તેવી રચના હોવી જોઈએ.

60 સેમી. × 30 સેમી. કે 40 સેમી. × 20 સેમી.ના માપનો સ્લેટ પથ્થર, વિવિધ રંગોમાં છાપરા માટે વપરાય છે. આ માટે પણ લાકડાની પરલિનનું માળખું રચવું જરૂરી છે. વાંસ અને વળી ઉપલબ્ધ હોય તેવા ગ્રામીણ વિસ્તારોમાં વળી અને વાંસ વડે માળખું રચીને તે ઉપર દેશી નળિયાં વડે છાપરું રચવામાં આવે છે.

ગૅલ્વેનાઇઝ કરેલા લોખંડના અથવા ઍસ્બેસ્ટૉસ સિમેન્ટનાં પતરાં વડે છાપરું અર્ધવર્તુળાકાર પણ રચી શકાય છે. કેંચીને બદલે 5 સેમી. વ્યાસના પાઇપ અને ગોળ સળિયા વડે માળખું રચી તે ઉપર પતરાં બેસાડવામાં આવે છે.

અગાસી કે છાપરા ઉપર પડતા વરસાદી પાણીનો પાઇપ વડે યોગ્ય નિકાલ કરવામાં આવે છે. અગાસીમાંથી પાઇપ દ્વારા પાણી નીચે જમીન ઉપર અથવા વરસાદી ગટરમાં નાખવું જોઈએ. છાપરા ઉપરનું પાણી, નીચલી ધારે પતરાની ગટર બેસાડી તેમાં ભેગું કરીને વરસાદી પાઇપ દ્વારા તેનો નિકાલ કરવો જોઈએ.

કેંચીઓ : ઓછા ગાળા માટેની કેંચી લાકડામાં રચી શકાય છે. મોટા ગાળા માટેની કેંચી પોલાદના કોણ ખંડો વડે રચવામાં આવે છે. ગાળાના માપ પ્રમાણે કેંચીઓના વિવિધ આકારો હોય છે. બે કેંચીઓ વચ્ચેનું અંતર 3.0થી 3.5 મી. જેટલું રાખવામાં આવે તો પરલિન સસ્તી પડે છે.

કોણ ખંડો વડે રચેલી કેંચી એક યા બે કોણ ખંડને ગસેટ પ્લેટ ઉપર રિવેટ યા વેલ્ડિંગ વડે જોડીને રચવામાં આવે છે. કેંચીના રાફ્ટર ઉપર કોણ ખંડની ક્લીટ મૂકીને તે સાથે પરલિન જોડવામાં આવે છે. છાપરાનાં પતરાંને પરલિન સાથે (J) બોલ્ટ વડે, ભેજચુસ્તતા માટે પતરા ઉપર ડામરનાં વાઇસર મૂકીને જોડવામાં આવે છે. કેંચીના બંને છેડા દીવાલો ઉપરના કૉંક્રીટના બ્લૉક ઉપર ફાઉન્ડેશન બોલ્ટ વડે આધારિત કરવામાં આવે છે. ટૂંકા ગાળાની કેંચીઓમાં એક છેડાની બેઝ પ્લેટ નીચેની બેઝ પ્લેટ ઉપર સરકી શકે તેવી રીતે જોડવામાં આવે છે જ્યારે મોટા ગાળાની કેંચીઓનો એક છેડો રોલર ઉપર આધારિત રાખવામાં આવે છે. ગરમીને લીધે કેંચીની લંબાઈમાં વધઘટ થાય તો આવી વ્યવસ્થાથી એક છેડો ખસી શકે છે અને કેંચીના ભાગોમાં ઉત્પન્ન થતાં વિપરીત પ્રતિબળોને ટાળી શકાય છે.

પ્રકાશ માટે છાપરામાં યોગ્ય જગાએ ફાઇબર ગ્લાસ પણ વાપરી શકાય છે.

પ્લાસ્ટરકામ અને ટિપકામ (pointing) : ચણતરની વિષમ સપાટીને સમતલ અને લીસી કરવા પ્લાસ્ટરકામ કરવામાં આવે છે. ચણતરની સપાટી સમતલ જેવી જ હોય ત્યાં ચણતરના સાંધા પૂરવામાં આવે છે. આને ટિપકામ કહે છે.

પ્લાસ્ટરકામ વિવિધ પ્રકારના કોલમાં કરવામાં આવે છે. પ્લાસ્ટરકામ કરતાં પહેલાં સપાટી ધૂળ અને ચીકાશથી મુક્ત કરીને ભેજવાળી કરવી જોઈએ. સાંધા 1 સેમી. જેટલી ઊંડાઈ સુધી ખોતરવા જોઈએ જેથી પ્લાસ્ટરને પકડ મળી રહે. પ્લાસ્ટરની સપાટી સમતલ બને તે માટે સપાટી ઉપર 15 સેમી. × 15 સેમી. માપના પ્લાસ્ટરનાં પડ લગભગ 2મી.ના અંતરે રચવાં જોઈએ. દીવાલો જૂની હોય તો એકદમ મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડ વડે સપાટી ધોઈને તેને ખરબચડી બનાવવી જોઈએ.

પ્લાસ્ટર એક કે બે અસ્તરમાં કરી શકાય. બે અસ્તરમાં કરેલા પ્લાસ્ટરની સપાટી સમતલ રહે છે. પહેલું અસ્તર સમતલ સપાટી રચવા માટે આશરે 12 મિમી. જાડાઈનું કરવામાં આવે છે. તે બરાબર જામી ગયા પછી ત્રણ દિવસ સુધી ભેજવાળું રાખી, પાંચેક દિવસ પછી બીજું અસ્તર રચી શકાય છે. આ માટે પહેલા અસ્તરની સપાટી ખરબચડી, ચોખ્ખી તેમજ ભેજવાળી હોવી જોઈએ.

પ્લાસ્ટર ખરબચડી સપાટીવાળું (sand faced), લીસી સપાટીવાળું અને પેબલ સપાટીવાળું રચી શકાય છે. કપચી પ્લાસ્ટર(aggregate plaster)માં બીજું અસ્તર મનપસંદ રંગના સિમેન્ટ અને આરસપહાણની કપચીના મિશ્રણ વડે રચવામાં આવે છે. સપાટી કઠણ થયા પછી પાણી વડે ધોઈને કપચી ઉઘાડી કરવામાં આવે છે. પ્લાસ્ટરમાં ઘીસી પણ કરી શકાય છે. રાસાયણિક બંધકો અને ઝીણા માપની કૃત્રિમ કપચી વડે પણ બીજું અસ્તર વિવિધ રંગોમાં રચી શકાય છે. આને વિનરા-ટેક્સ પ્લાસ્ટર કહે છે.

નીરૂ સમાપનવાળા પ્લાસ્ટરમાં પીસેલા ચૂનાને 15 દિવસ સુધી કોવડાવી તેમાં સરખે ભાગે રેતી તેમજ એક ઘ.મી.માં 4 કિગ્રા.ના હિસાબે શણના બારીક રેસા ઉમેરી તૈયાર કરેલા સુંવાળા રગડા વડે સમાપન કરવામાં આવે છે. સુંવાળી સપાટી માટે લેલા વડે તેને બરાબર ઘસવી જોઈએ.

સિમેન્ટ, રેતી અને ચૂનાના કોલ વડે પણ પ્લાસ્ટર કરવામાં આવે છે. ચૂના અને રેતીના કોલ વડે પણ પ્લાસ્ટર કરી શકાય છે. આ માટે ફેટ ચૂનો કે જલર્દઢ (hydraulic) ચૂનો વપરાય છે. સિમેન્ટ વધારે અનુકૂળ હોઈ, ચૂનાનું પ્લાસ્ટર હવે લુપ્ત થતું જાય છે.

ભેજચુસ્ત પ્લાસ્ટર માટે કોલમાં ભેજપ્રતિરોધક (waterproof) પદાર્થ ઉમેરવામાં આવે છે.

ટિપકામમાં દીવાલના ફક્ત સાંધા જ કોલ વડે પૂરવામાં આવે છે. પ્રથમ સાંધા 1 સેમી. જેટલા ખોતરીને કોલ દબાવીને ભરવામાં આવે છે. આ માટે દીવાલ ચોખ્ખી અને ભેજવાળી હોવી જરૂરી છે. સપાટ, ઊપસેલ, ઘીસીવાળું એમ વિવિધ આકારવાળું ટિપકામ કરી શકાય છે.

સિમેન્ટના કોલમાં કરેલ પ્લાસ્ટર યા ટિપ સુકાય ત્યારે સંકોચાય છે અને તિરાડો પડવાની શક્યતા રહે છે અને તેથી લગભગ એક અઠવાડિયા સુધી તેમાં સંસાધન કરી ભેજવાળું રાખવું જોઈએ.

પ્લાસ્ટર કે ટિપકામ માટે વપરાતા કોલના ઘટકોનું પ્રમાણ સારણી 7માં દર્શાવેલ છે.

સારણી 7 : કોલના ઘટકોનું પ્રમાણ

  સિમેન્ટ પ્લાસ્ટર સિમેન્ટચૂનાનું પ્લાસ્ટર
  પ્રમાણ સિ. : રેતી પ્રમાણ સિ. : ચૂનો : રેતી
 

પ્રથમ

અસ્તર

દ્વિતીય

અસ્તર

પ્રથમ

અસ્તર

દ્વિતીય

અસ્તર

દીવાલ માટે 1 : 4 1 : 3 1 : 1 : 8 1 : 1 : 6
સિલિંગ માટે 1 : 3 1 : 2.5 1 : 1 : 6 1 : 1 : 4
ટિપકામ માટે 1 : 3 1 : 2 : 9

કોલમાં વાપરવાની રેતી ચાળણી વડે ચાળીને વાપરવી જોઈએ. પ્લાસ્ટર પર વપરાતી સ્લરીમાં દર ચોમી. દીઠ લગભગ 1 કિગ્રા. સિમેન્ટ વપરાય છે.

પછાત પ્રદેશોમાં ગામડાંમાં વાંસ, ઘાસ કે માટીની દીવાલો પર છાણમાટીનું પ્લાસ્ટર કરવામાં આવે છે. પ્રથમ સ્તર ચોખ્ખી માટીનું 12 મિમી. જેટલું જાડું હોય છે. તેના ઉપર 1 : 1ના પ્રમાણમાં છાણ-માટીનું 3થી 4 મિમી. જાડું પડ સમાપન રૂપે લગાવાય છે. તેના ઉપર ઓકળીઓ પાડી ડિઝાઇન રચવામાં આવે છે. તેના ઉપર ચૂનાનું અસ્તર પણ લગાવી શકાય છે.

રંગકામ : કાષ્ઠનાં બારી-બારણાં, છત, પ્લાસ્ટર વગેરે ઉપર રંગકામ કરવાનો મુખ્ય ઉદ્દેશ સપાટીનું ખવાણ અટકાવીને શોભા વધારવાનો છે. નિયમિત રીતે રંગકામ કરવાથી કાષ્ઠ કે પોલાદના ભાગોનું આયુષ્ય વધે છે.

રંગકામના પ્રકારો અને પ્રલેપો (paints)

વાર્નિશ : વૃક્ષોના ગુંદરમાંથી મેળવેલ રેઝિનનો ઉપયોગ વાર્નિશ બનાવવામાં થાય છે. આ પ્રકારના રંગકામ વડે ચમકતી અને પારદર્શક સપાટી રચી શકાય છે. તૈલી વાર્નિશ પણ આ માટે વપરાય છે.

ફ્રેંચ પૉલિશ : આ રંગકામ સ્પિરિટ વાર્નિશના પ્રકારમાં આવે છે. તેનો ઉપયોગ મુખ્યત્વે કાષ્ઠની સપાટી ઉપર થાય છે. આ રંગકામ વડે પણ સપાટીને ચળકતી અને પારદર્શક બનાવી શકાય છે.

ઍલ્યુમિનિયમ પ્રલેપ : આવા પ્રલેપ વડે રંગેલી સપાટી અંધારામાં જોઈ શકાય છે. તે લોખંડનું ખવાણ અટકાવે છે અને તેની અગ્નિપ્રતિરોધકતા પણ વધારે છે.

ઝિંક પ્રલેપ : તે મુખ્યત્વે કાષ્ઠ, લોખંડ કે સિમેન્ટ પ્લાસ્ટરની સપાટીને સફેદ રંગ આપવા માટે વપરાય છે. તેની આચ્છાદન (covering) શક્તિ વધારે હોય છે.

સેલ્યુલોઝ પ્રલેપ : છંટકાવ સાધન (spray gun) વડે કરવાના રંગકામ માટે તે વપરાય છે. શીઘ્ર સુકાઈ જતું હોવાથી સખત; પરંતુ સુંવાળી અને નમ્ય સપાટી રચે છે. તેના પર હવામાનની અસર નહિ જેવી થાય છે. આ પ્રલેપ બીજા પ્રલેપ કરતાં મોંઘો હોય છે.

સિમેન્ટ પ્રલેપ : ચણતર અને કૉંક્રીટ કે પ્લાસ્ટરવાળી સપાટી માટે બહારની દીવાલો ઉપર વપરાય છે. તે સિમેન્ટમાંથી બનાવેલ પ્રલેપ છે અને પાણી સાથે મેળવીને વાપરવામાં આવે છે. સુકાઈ ગયા પછી અઠવાડિયા સુધી સપાટી ભેજવાળી રાખવી જોઈએ. દીવાલો આનાથી ભેજચુસ્ત બને છે.

ક્રિયોસોટ અને સોલિગ્નમ પ્રલેપ : ક્રિયોસોટ ટારના નિસ્યંદન વડે મળે છે. કાષ્ઠ માટે તે પરિરક્ષક (preservative) તરીકે વપરાય છે. તે ભિન્ન ભિન્ન રંગોમાં મળે છે.

તૈલી પ્રલેપ (oil paint) : ઇમારતના રંગકામમાં વિશેષત: વપરાતો સોંઘો પ્રલેપ છે. બેલતેલ વડે આ પ્રલેપ તૈયાર થાય છે.

સિન્થેટિક રબર પ્રલેપ : આ પ્રલેપ રેઝિનમાંથી તૈયાર થાય છે, શીઘ્ર સુકાઈ જાય છે અને વાતાવરણની અસર તેમજ રાસાયણિક પ્રક્રિયાનો અવરોધ કરે છે.

ઇનેમલ પ્રલેપ : વાહક તરીકે વાર્નિશ વાપરી પ્રલેપ યથેચ્છ રંગમાં તૈયાર કરવામાં આવે છે. લીસી, ચળકતી અને સખત સપાટી માટે વપરાય છે. મકાનની અંદર તેમજ બહાર પણ લગાડી શકાય છે.

રંગકામ માટે પહેલાં સપાટીને સાબુના પાણી વડે ચોખ્ખી કરવી જોઈએ. જૂનો રંગ હોય તો વૉશિંગ સોડા વાપરીને કાઢી નાખવો જોઈએ. હવે ખાસ પ્રકારના રંગ નિર્લેપકો (removers) પણ મળે છે. તે પછી પ્રાથમિક અસ્તર યોગ્ય પ્રલેપ વાપરી તૈયાર કરવું જોઈએ. તે પછી લાપી વડે તિરાડો તેમજ ખાડા અને કાણાં પૂરી દેવાં જોઈએ. અને ત્યારબાદ બીજું અસ્તર લગાવવું જોઈએ જેથી સપાટી એકદમ સુંવાળી અને લીસી બને. સપાટી સખત થયા પછી બારીક કાચપેપર વડે વધારે સુંવાળી બનાવીને પસંદ કરેલો પ્રલેપ બે કે ત્રણ પડમાં લગાડવો જોઈએ.

સિમેન્ટ કે ચૂનાના પ્લાસ્ટરમાં મુક્ત આલ્કલી હોય છે, જે પ્રલેપનો નાશ કરે છે અને સુકાવામાં પણ મુશ્કેલી ઊભી કરે છે. આથી પ્લાસ્ટર કર્યા પછી સપાટીને ચૂના વડે ધોળી લગભગ 12 મહિના પછી પ્રલેપ લગાડવો હિતાવહ છે. ભેજવાળી દીવાલો ઉપર જો પ્રલેપ લગાડવામાં આવે તો પ્રલેપની સપાટી પરપોટાવાળી બને છે ને પ્રલેપ ઊખડી જાય છે.

કાચકામ : કાચ મોટે ભાગે બારી, બારણાં, પાર્ટિશન વગેરેમાં વપરાય છે. કાચને લાપી યા લાકડાની પટ્ટી વડે જડી શકાય છે. કાચ ભિન્ન ભિન્ન રંગોમાં, પારદર્શક કે અપારદર્શક સપાટીવાળા મળે છે. નીચે વર્ણવેલા પ્રકારના કાચ બજારમાં ઉપલબ્ધ હોય છે.

શીટ કાચ : 2 મિમી.થી 6 મિમી.ની જાડાઈવાળા

પ્લેટ કાચ : 5 મિમી.થી 25 મિમી.ની જાડાઈવાળા.

તારજડિત (wired) કાચ : લોખંડના તાર વડે પ્રબલિત કરેલ કાચ તાપપ્રતિરોધક હોય છે. તિરાડો પડતાં તેના ટુકડા છૂટા પડતા નથી.

સેફ્ટી કાચ : તે ખાસ પ્રકારે પ્રબલિત થયેલ કાચ છે.

પાયરેક્સ કાચ : આ કાચ તાપઅવરોધક છે.

ધ્વનિઅવરોધન (soundproofing) : રસ્તા ઉપરના વાહન-વ્યવહારના અવાજની અસર ઘટાડવા માટે મકાનના ઓરડા રસ્તાથી દૂર હોય તે હિતાવહ છે. વૃક્ષો પણ કેટલેક અંશે ધ્વનિઅવરોધક તરીકે વર્તે છે. દીવાલની બહારની સપાટી પરાવર્તક હોય તો તે પણ ધ્વનિઅવરોધક બને છે. દીવાલમાં વચ્ચે પોલાણ (air-gap) રાખવાથી પણ દીવાલો ધ્વનિઅવરોધક બને છે. ફરસરચનામાં ધ્વનિઅવરોધક તરીકે બૂચ, કૉર્ક, રબર કે આસ્ફાલ્ટનું આવરણ ફરસબંધી નીચે રાખવાથી ઉપરના માળનો અવાજ નીચેના માળે સંભળાતો નથી. થર્મોકૉલ કે ઍસ્બેસ્ટૉસનાં પાટિયાં વડે બનાવેલી લટકતી છત(suspended ceiling)થી પણ ધ્વનિઅવરોધક પડ રચી શકાય છે. ફરસબંધી ઉપર લિનોલિયમ કે ગાલીચા પાથરીને પણ અવાજનું પ્રમાણ ઘટાડી શકાય છે. ફાઇબર બોર્ડ કે છિદ્રાળુ (porous) કે હેરફેલ્ટનાં પાટિયાં વડે પણ ધ્વનિઅવરોધક સપાટી રચી શકાય છે. દીવાલો ઉપર આવાં પાટિયાં જડવાથી અવાજના પડઘા તેમજ પ્રતિધ્વનિ (reverberations) શોષી શકાય છે. આ સિવાય દબાયેલા (compressed) સ્ટ્રૉબોર્ડ, કૉર્કસ્લૅબ, સ્લૅગવૂલ, સ્પન્જ રબર, લાકડાનો વહેર, ફેલ્ટ બિટ્યુમિન, ઍસ્બેસ્ટૉસ, થર્મોકૉલ વગેરેનો પણ ધ્વનિઅવરોધક તરીકે વિવિધ રીતે ઉપયોગ થાય છે.

અગ્નિપ્રતિરોધન (fire-proofing) : સંપૂર્ણપણે અગ્નિરોધક મકાન રચવું અશક્ય છે. અગ્નિરોધક ઈંટો (fire-bricks) વડે આ શક્ય છે; પરંતુ આવી ઈંટોની કિંમત ખૂબ જ ઊંચી હોઈ સામાન્ય મકાનના અગ્નિપ્રતિરોધન માટે તે વપરાતી નથી. મકાનની ચીમનીમાં અગ્નિપ્રતિરોધન માટે આવી ઈંટો વપરાય છે. ભઠ્ઠી, બૉઇલર વગેરેમાં આવી ઈંટો વિશેષ વપરાય છે. અગ્નિપ્રતિરોધન માટે મકાનની રચનામાં નીચેની બાબતોનું પાલન કરવાથી તેની અગ્નિરોધકશક્તિ વધારી શકાય છે.

(1) કાષ્ઠકામ ઉપર ઍમોનિયમ સલ્ફેટ, સોડિયમ આર્સિનેટ, ટેટ્રોબૉરેટ જેવાં રસાયણો દબાણપૂર્વક લગાડાય છે. અગ્નિપ્રતિરોધક પ્રલેપ પણ લગાડાય છે. આનાથી લાકડું અગ્નિથી મોડું બળવા લાગે છે.

(2) અગ્નિથી પોલાદનું જલદી વિચલન (deflection) થાય છે. આ માટે પોલાદનાં બીમ અથવા સ્તંભોને કૉંક્રીટ વડે સમાવૃત્ત (encased) કરવાં જોઈએ.

(3) ગરમીથી કૉંક્રીટમાં ફાટ પડવાની શક્યતાઓ છે; પરંતુ તે માટે થોડો સમય લાગતો હોવાથી, અગ્નિશમન વડે તે સ્થિતિ નિવારી શકાય છે. પ્રબલિત કૉંક્રીટમાં પ્રબલન-સળિયાનું આવરણ-પડ વધારે જાડું રાખવાથી પણ કૉંક્રીટની અગ્નિપ્રતિરોધક શક્તિમાં વધારો થાય છે.

ભેજચુસ્તતા (water-proofing) : કૉંક્રીટ કામમાં ભેજચુસ્તતા : આ માટે કૉંક્રીટ બનાવવામાં પાણી-સિમેન્ટના શક્ય તેટલા ઓછામાં ઓછા ગુણોત્તર પ્રમાણે પાણી વાપરવું જોઈએ. આનાથી કૉંક્રીટ ઘન અને ઓછો છિદ્રાળુ બને છે. વધારે પાણી કૉંક્રીટને છિદ્રાળુ બનાવે છે. ભેજચુસ્તતા માટે સુમિશ્રિત કૉંક્રીટ વાપરી તેને બરાબર ખાંચવો જોઈએ. પ્રબલન સળિયા યોગ્ય આવરણ રાખીને મૂકવા જોઈએ. જરૂર પડે ત્યાં ભેજઅવરોધક ભૂકો પણ કૉંક્રીટમાં ઉમેરી શકાય છે.

ચણતરકામમાં ભેજચુસ્તતા : સારી પકવેલી ઈંટો કે બ્લૉકમાં સાંધા પૂરેપૂરા ભરીને ચણતર કરવામાં આવે અને સપાટી ઉપર સારું પ્લાસ્ટર થાય તો દીવાલોમાં ભેજ આવતો નથી. મકાનની પરથાર તળે કૉંક્રીટનો કે પ્રબલિત કૉંક્રીટનો 75થી 100 મિમી. જાડો ભેજઅવરોધક સ્તર રચવાથી નીચેનો ભેજ ઉપર જઈ શકતો નથી. મકાનની આજુબાજુ પાણી ન ભરાય તે રીતે માટીપુરાણ કરીને, દીવાલથી 60 સેમી. જેટલું પહોળું પરથાર સંરક્ષણ (plinth protection) કરવું જોઈએ. પરથારના કૉંક્રીટ નીચે રેતી ભરવાથી તળિયાનો ભેજ ઉપર આવતો નથી.

અગાસી અને છતમાં ભેજચુસ્તતા : અગાસીના ધાબામાં ભેજચુસ્તતા માટે યોગ્ય ભેજરોધક પદાર્થ વાપરીને કૉંક્રીટ કરી તે ઉપર મોઝેક ટાઇલ્સ કે આઇ.પી.એસ. નાખવામાં આવે છે. ગરમ ડામર વડે, ડામરના બે થર પાથરવામાં આવે છે. ધાબા અને પૅરાપેટના સાંધા ઉપરના વાટા પણ ડામરના થર વડે ભેજચુસ્ત કરવામાં આવે છે.

પાઇપમાં ભેજચુસ્તતા : પાણી યા ગટર માટેની પાઇપોના જોડાણના સાંધામાં યોગ્ય પૂરક (filler) પૂરીને સાંધા ભેજચુસ્ત બનાવવા જોઈએ.

પાણીપુરવઠાની વ્યવસ્થા : પાણીપુરવઠા માટે ભોંયતળિયે તેમજ અગાસી ઉપર ચણતરની, કૉંક્રીટની, લોખંડની કે સિન્થેટિક ટાંકીઓ મુકાય છે. તેમાં પાણીની આવક અને જાવક માટે યોગ્ય પ્લાસ્ટિકની પાઇપો વડે જોડાણ આપવામાં આવે છે.

મકાન માટે પાણીપુરવઠાની મુખ્ય પાઇપ તેમજ અગાસીની ટાંકીમાંથી મકાનના પુરવઠાની પાઇપ 20થી 25 મિમી. વ્યાસની હોય છે. તેમાંથી 15 મિમી.ના વ્યાસની પાઇપની જુદી જુદી શાખાઓ દ્વારા પાણી જાજરૂ, બાથરૂમ, ચોકડી વગેરે જગાએ પહોંચાડવામાં આવે છે. પાઇપોનું આયોજન એવું હોવું જોઈએ કે જેથી વળાંક, સાંધા અને લંબાઈ ઓછામાં ઓછાં હોય. સાંધા વગેરેનાં જોડાણ યોગ્ય રીતે ભેજચુસ્ત હોવાં જરૂરી છે. પાઇપ દીવાલની બહાર કે દીવાલની અંદર ઘીસી પાડીને જડવામાં આવે છે.

ઘણુંખરું ગૅલ્વેનાઇઝ કરેલા પાઇપ વપરાય છે; પરંતુ હવે પી.વી.સી. પાઇપનો ઉપયોગ વધી રહ્યો છે. પી.વી.સી. પાઇપ રચના માટે ખૂબ જ સરળ છે તેમજ તેની સપાટી લીસી હોઈ પાણીનું દબાણ જળવાઈ રહે છે તેમજ તેને કાટ લાગતો નથી. પણ તે યોગ્ય રીતે જડવામાં આવી ન હોય તો તૂટી જવાની શક્યતા રહે છે.

સ્વચ્છતા પ્રબંધ (sanitation) અને પાણીનો નિકાલ : જાજરૂનાં પાણી અને મળનો વ્યવસ્થિત નિકાલ જરૂરી છે. આ માટે મળ અને પાણી બંનેને પાઇપો દ્વારા દરેક માળ ઉપરથી નીચે લાવીને તેને જાહેર ગટરવ્યવસ્થામાં વહેવડાવવામાં આવે છે. આરોગ્ય ન જોખમાય અને સ્વચ્છતા જળવાઈ રહે તેવી રીતે નિકાલ-વ્યવસ્થાનું આયોજન જરૂરી છે.

વપરાયેલા પાણી અને મળને પાઇપ દ્વારા દરેક માળ ઉપરથી નીચે લાવવા માટે બે પદ્ધતિ વપરાય છે :

એકપાઇપ પદ્ધતિ : આમાં વપરાયેલ પાણી અને મળ બંનેના પાઇપોને એક જ ઊર્ધ્વ મુખ્ય પાઇપ સાથે ટ્રૅપ દ્વારા જોડવામાં આવે છે અને આ ઊર્ધ્વ મુખ્ય પાઇપને ગલી-ટ્રૅપ દ્વારા જાહેર ગટરવ્યવસ્થા સાથે જોડવામાં આવે છે. બધી ટ્રૅપોને એક જુદા હવા-પાઇપ (vent pipe) સાથે જોડવામાં આવે છે. ઊંચાં મકાનોમાં સ્વાસ્થ્યવર્ધી (sanitary) જોડાણો નજીક નજીક હોવાથી આવી વ્યવસ્થા કરી શકાય છે અને તે સસ્તી પડે છે. દરેક માળે પાણીનો પાઇપ મળના પાઇપથી ઉપર રાખવો જોઈએ. દરેક ટ્રૅપમાં પાણી 75 મિમી. જેટલું ભરાઈ રહેવું જોઈએ. (ટ્રૅપમાં પાણી ભરાઈ રહે તેવા વળાંકવાળી બકનળી હોય છે અને આ પાણી પાઇપમાંથી આવતા વાયુને ટ્રૅપ દ્વારા બહાર આવતો રોકે છે.) હવાપાઇપ 50 મિમી. વ્યાસથી ઓછો ન હોવો જોઈએ.

બેપાઇપ પદ્ધતિ : આમાં મળના નિકાલની તથા વપરાયેલા પાણીના નિકાલની જુદી જુદી પાઇપો હોય છે. બંને પાઇપો ગલી-ટ્રૅપ દ્વારા જાહેર ગટરવ્યવસ્થા સાથે જોડાય છે. બંને માટે અલગ અલગ હવા-પાઇપ હોય છે. આ પદ્ધતિમાં વધારે ખર્ચ થાય છે.

વૉશબેઝિન કે સિંકના પાઇપ સાથે બકનળી વગરની ટ્રૅપ વડે જોડવામાં આવે છે. જાજરૂના ટબમાં એસ (S) ટ્રૅપ કે પી (P) ટ્રૅપ હોય છે અને તેને પાઇપ સાથે જોડવામાં આવે છે. આ ટબને ફ્લશ પાઇપ સાથે પણ જોડવામાં આવે છે. ફ્લશ પાઇપમાંથી વિશેષપણે વહેતા પાણીથી મળના પદાર્થો ટબમાંથી ટ્રૅપમાં થઈને પાઇપમાં ધકેલાય છે અને ટબ સ્વચ્છ બને છે. જાહેર મુતરડીમાં દર મિનિટે 25 લીટર પાણી મળી રહે તેવી ફ્લશપદ્ધતિ હોવી જોઈએ.

બાથરૂમ કે ચોકડીનું પાણી નાની ટ્રૅપ દ્વારા અને પાઇપ દ્વારા ગલી-ટ્રૅપમાં નાંખવામાં આવે છે. ગલી-ટ્રેપને જાહેર ગટરવ્યવસ્થા સાથે ચિનાઈ માટીના ગટર-પાઇપ દ્વારા જોડવામાં આવે છે. જાહેર ગટરનું મૅન-હોલ દૂર હોય તો ગટર-પાઇપમાં વચ્ચે નિરીક્ષણ કૂંડી (inspection chamber) રાખવામાં આવે છે. પાઇપમાં વળાંક આવે ત્યાં પણ મૅન-હોલ યા નિરીક્ષણ કૂંડી રાખવામાં આવે છે. આવા પાઇપમાં વચ્ચે ક્યાંક 100 મિમી. જેટલું પાણી ભરાઈ રહે તેવી બકનળીવાળી ટ્રૅપ મૂકવી હિતાવહ છે.

જ્યાં જાહેર ગટરવ્યવસ્થા અમલમાં ન હોય ત્યાં આવા વપરાયેલા પાણી અને મળનો નિકાલ સેપ્ટિક ટાંકીમાં થઈને શોષકૂવામાં કરવો જોઈએ. પ્રત્યેક વ્યક્તિ દીઠ 0.08થી 0.11 ઘ. મીટર સેપ્ટિક ટાંકીનું માપ નક્કી કરી શકાય છે. સેપ્ટિક ટાંકી 1.5 ઘ.મી.થી નાના માપની ન હોવી જોઈએ. શોષકૂવાનું માપ પણ વ્યક્તિની સંખ્યા અને શોષકૂવાવાળી જમીનમાં પાણીના શોષણાંક (absorption coefficient) ઉપર આધાર રાખે છે. સામાન્ય રીતે આવા કૂવા 2 મીટરથી 5 મીટર વ્યાસના અને 6થી 15 મીટર ઊંડા હોય છે.

વિદ્યુતસેવાનું આયોજન : મકાનના દરેક ઓરડામાં રાત્રિપ્રકાશ માટે વીજળીના ગોળા કે ટ્યૂબલાઇટનું સ્થાન અને હવા માટે છત-પંખા માટેનું સ્થાન નક્કી કરવું જોઈએ. વીજળી વડે ચાલતાં બીજાં સાધનો જેવાં કે ફ્રીજ, ઘરઘંટી, મિક્ષ્ચર, ગીઝર, ટી.વી. વગેરેનાં સ્થાન પણ નક્કી કરવાં જોઈએ. આ ઉપરથી દરેક સાધનના વીજ-વપરાશ પ્રમાણે 5 એમ્પિયર કે 15 એમ્પિયર કે વધારે એમ્પિયર ક્ષમતાનાં પૉઇન્ટનાં સ્થાન નક્કી થઈ શકે છે. વીજળીની ચાંપનું બોર્ડ વાપરવામાં સુગમતા રહે તેવા સ્થાને મૂકવું જોઈએ. આ ઉપરથી વીજળીપ્રવાહ માટેના વાયરિંગનું આયોજન કરી શકાય. આ આયોજન એવું હોવું જોઈએ કે જેથી ઓછામાં ઓછી લંબાઈનો વીજતાર વપરાય.

પ્રકાશ માટે વીજળીના ગોળા કે ટ્યૂબલાઇટ વાપરવામાં આવે છે. વીજળીક ગોળા 25થી 100 વૉટ વીજવપરાશના અને ટ્યૂબલાઇટ 20–40 વૉટ વીજવપરાશની હોય છે. છત પંખા 90થી 140 સેમી. વ્યાસના અને 40થી 100 વૉટના વીજવપરાશના હોય છે. અન્ય વીજળીનાં સાધનોના વીજવપરાશ પણ જાણવા જરૂરી છે.

ઓછી વીજળીની જરૂરિયાતવાળાં મકાનો માટે એક ફેઝ અને વધારે વીજળીની વપરાશવાળાં મકાનો માટે ત્રણ ફેઝ જોડાણ આપવામાં આવે છે. વાયરિંગ માટે ઉચ્ચ ગુણવત્તાનું વિસંવાહન (insulation) ધરાવતા યોગ્ય આડછેદવાળા વીજતાર વાપરવા જોઈએ; જેથી ઉપયોગ દરમિયાન તણખા કે વીજક્ષરણ(leakage)થી બનતા આગના બનાવો નિવારી શકાય. પ્લગ, ચાંપ અને આ માટેનાં બોર્ડ પણ ઉચ્ચ ગુણવત્તાવાળાં અને માળના તળિયાથી ઓછામાં ઓછાં 40 સેમી. જેટલી ઊંચાઈએ રાખવાં જોઈએ. ફ્યૂઝ યોગ્ય સ્થાને રાખવા જોઈએ જેથી અકસ્માતે વધારે પડતો વીજપ્રવાહ તારમાં વહે તો ફ્યૂઝ ઓગળી જઈને આ પ્રવાહ બંધ કરી દે. અકસ્માતે વીજક્ષરણ થાય તો આવો વીજપ્રવાહ જમીનમાં ઊતરી જાય તે માટે વાયરિંગમાં ભૂયોજન(earthing)નો તાર હોવો જોઈએ. આવા તારના છેડાને તાંબાના પતરા સાથે બાંધીને જમીનમાં 1.5થી 2.0 મીટર જેટલો ઊંડો દાટવો જોઈએ.

ગૃહનિર્માણમાં બાંધકામના અધિનિયમો (building bye-laws) : મકાન વપરાશ માટે યોગ્ય અને અડચણ વિનાનું તેમજ મોકળાશવાળું બને તે માટે બાંધકામ માટે અધિનિયમો ઘડવામાં આવ્યા છે. આવા નિયમો ભારતીય માનક નં. 1256માં આપવામાં આવેલા છે. આ નિયમોને આધારે દરેક શહેરની સુધરાઈઓ, નગરપંચાયતો કે ગ્રામપંચાયતોએ પણ બાંધકામપ્રવૃત્તિના સુયોગ્ય વિકાસ માટે અધિનિયમો ઘડ્યા છે અને આ અધિનિયમોને આધારે જ નવાં વિકાસકામોને મંજૂરી આપવામાં આવે છે.

ભારતીય માનક નં. 1256ના આધારે ટૂંકમાં નીચેની બાબતો મહત્વની છે :

ઓરડાનાં માપ અને ક્ષેત્રફળ : બેઠક ખંડ કે શયનખંડનું ઓછામાં ઓછું ક્ષેત્રફળ 9.5 ચોમી. અને એક બાજુ ઓછામાં ઓછા 2.4 મી.ના માપની હોવી જોઈએ. ખંડની ઊંચાઈ ઓછામાં ઓછી 2.75 મી. જોઈએ, જોકે 3.0 મી.થી ઓછી ઊંચાઈ બરાબર નથી. રસોડાનું ઓછામાં ઓછું ક્ષેત્રફળ 5.6 ચોમી. અને એક બાજુ ઓછામાં ઓછી 1.80 મી.જોઈએ. જો ભંડાર માટે અલગ વ્યવસ્થા હોય તો રસોડાનું ક્ષેત્રફળ 4.8 ચોમી. લઈ શકાય. રસોડાનો ઉપયોગ જમવાના ઓરડા તરીકે પણ કરવાનો હોય તો તેનું ઓછામાં ઓછું ક્ષેત્રફળ 9.5 ચોમી. અને એક બાજુ ઓછામાં ઓછી 2.40 મી. જોઈએ.

નાહવાની ઓરડીનું માપ 1.2 મી. (પહોળાઈ) × 1.5 મી. (લંબાઈ) જોઈએ. શૌચાલયના તળનું ઓછામાં ઓછું ક્ષેત્રફળ 1.10 ચોમી. અને એક બાજુ ઓછામાં ઓછી 1.0 મી. જોઈએ. સ્નાનઘર અને શૌચાલય સંયુક્ત હોય તો ઓછામાં ઓછું ક્ષેત્રફળ 2.80 ચોમી. જોઈએ. આવી ઓરડીની ઊંચાઈ ઓછામાં ઓછી 2.10 મી. જોઈએ.

ભોંયરું જો હોય તો તેની ઊંચાઈ ઓછામાં ઓછી 2.40 મી. જોઈએ. ભંડાર, ભોંયતળિયું અને પહેલા માળની વચ્ચે (mezzanine) માળ, ગૅલરી કે ઓસરીની ઓછામાં ઓછી ઊંચાઈ 2.10 મીટર જોઈએ. રમણા નીચે થઈને જતા માર્ગની ઊંચાઈ ઓછામાં ઓછી 2.10મી. જોઈએ.

સંવાતન (ventilation) : ગરમ હવામાનવાળા પ્રદેશોમાં, સંવાતન માટે રાખવામાં આવતી બારીઓનું ક્ષેત્રફળ ઓરડાના તળિયાના ક્ષેત્રફળના મા ભાગ જેટલું જોઈએ; ભેજવાળા યા ઠંડી હવાવાળા પ્રદેશમાં તે મા ભાગ જેટલું લઈ શકાય.

હવાબારી (ventilator) ઓરડાની 10 ઘ.મી. ક્ષમતા દીઠ 0.10 ચોમી. પ્રમાણે રાખી શકાય. હવાબારીનું ઓછામાં ઓછું ક્ષેત્રફળ  0.3 ચોમી. જોઈએ. સામાન્ય રીતે હવાબારી છત નીચે મૂકવામાં આવે છે.

બારીનો ઉમરો 0.75થી 0.90 મીટરની ઊંચાઈએ રાખી શકાય. નાહવાની ઓરડી અને શૌચાલયમાં હવાબારીનું ક્ષેત્રફળ તળના ક્ષેત્રફળના  ભાગ જેટલું જોઈએ. હવાબારી બહારની ખુલ્લી બાજુએ જોઈએ.

ભોંયરામાં હવાબારીનું ક્ષેત્રફળ તળના ક્ષેત્રફળના મા ભાગ જેટલું જોઈએ.

કારખાના અને ગોદામના બારણાનું ક્ષેત્રફળ તળના ક્ષેત્રફળના મા ભાગ જેટલું જોઈએ. બારણાની ઓછામાં ઓછી પહોળાઈ મકાનના માળની ઊંચાઈના ત્રીજા ભાગથી ઓછી ન રાખવી.

ઉપસંહાર : ગૃહનિર્માણ સાથે ધંધાકીય રીતોના કરાર, વિશિષ્ટ વિવરણ (specifications), માલસામાનનો હિસાબ, નિયંત્રણ, પડતર કિંમત (costing) અને મૂલ્યાંકન જેવા વિષયો સંકળાયેલા છે. જમીન સંપાદનથી માંડી બાંધકામ સંપૂર્ણ થાય ત્યાં સુધીમાં તકનીકી દેખરેખ ઉપરાંત સત્તાવાળાની મંજૂરી, કામદાર સંબંધો અને લવાદ જેવી કાયદાકીય બાબતો પણ સંકળાયેલ છે.

ગૃહનિર્માણમાં અનેકવિધ બાબતો અને કામગીરી સંકળાયેલી હોઈ, પ્રગતિ સચવાઈ રહે તે માટે બધી બાબતોનું યોગ્ય સંકલન કરીને કામનું સાતત્ય જાળવવું જોઈએ.

ગૃહનિર્માણની સફળતા તેની સાથે સંકળાયેલ વ્યક્તિઓ, સંસ્થાઓ, કાર્યકરોનાં નિષ્ઠા, અભ્યાસ, અનુભવ અને સહકારભર્યાં વલણ ઉપર આધારિત છે.

સુધીર શાહ