ગૃહચિકિત્સા

February, 2011

ગૃહચિકિત્સા : ઘરગથ્થુ વૈદકના પ્રયોગો. જનસમાજમાં પરંપરાગત રીતે વપરાતા દેશી (આયુર્વેદિક) ઔષધ ઇલાજો. આવી ગૃહચિકિત્સાને ડોશીવૈદું કે લોક-વૈદક પણ કહે છે. કેટલીક વ્યક્તિઓ વંશવારસામાં કે બહારથી પ્રાપ્ત જ્ઞાનની મદદથી તે સામાન્ય બીમારીઓમાં પ્રાથમિક ઇલાજ રૂપે અજમાવે છે. આવી ગૃહચિકિત્સાનું મહત્વ એ છે કે ઔષધો પ્રાય: ઘરમાંથી જ મળી આવે છે અને તે ઘણાં સાદાં, સરળ અને લાભપ્રદ હોઈ, તેમાં કોઈ વૈદ્ય-ડૉક્ટરની જરૂર પડતી નથી.

ગૃહચિકિત્સા(ઘરેલુ ઔષધોપચાર)માં જે ઔષધો વપરાય છે તે પ્રાય: એક સંપન્ન પરિવારના રસોડામાંથી સહજ મળી આવે છે. આવા ઇલાજોથી જ્યારે લાભ નથી થતો, ત્યારે જ વૈદ્ય-ડૉક્ટરની તે માટે મદદ લેવાય છે.

ગૃહચિકિત્સાનાં મુખ્ય વ્યવહારોપયોગી ઔષધોનાં નામ અને તેનો પ્રચલિત ઉપયોગ નીચે પ્રમાણે છે : (1) આદું : શરદી, સળેખમ, ખાંસીમાં તેનો રસ કાઢી મધ સાથે; તે જ રીતે સૂંઠ. (2) હળદર : હળદરનો ચોખ્ખો પાઉડર છરી-ચપ્પુ-બ્લેડ વાગવાથી થતા રક્તસ્રાવને બંધ કરવા તથા તેનો પાઉડર શરદી-કફ-ખાંસીમાં મધમાં ચટાડવા. (3) અજમો : પેટના વાયુ – શૂળ – સબાકા, આફરો તથા શરદીમાં તેની ફાકી મીઠા અથવા સંચળ સાથે ગરમ પાણી સાથે પીવી. (4) મીઠું (નમક) : ભારે તાવમાં મીઠું ઠંડા પાણીમાં નાખી, દર્દીના કપાળે, હાથપગના તળિયે ભીનાં પોતાં મૂકવાં; ગળાના કાકડા તથા કફ-ખાંસીમાં ગરમ પાણીમાં મીઠું નાખી કોગળા કરવા; મીઠું + હળદર ફાકવાં. (5) ઘી (પ્રાણિજ) : ભારે તાવ, ગરમીનું મસ્તકશૂલ, નેત્રદાહ, અંગદાહ વગેરેમાં ઘી કપાળે તથા દાહની જગ્યાએ માલિસ કરવું; હાથપગનાં તળિયે કાંસાની વાટકીથી ઘી માલિસ કરવાથી તાવ-નેત્રદાહ મટે. (6) દિવેલ : નાનાંમોટાંની ઝાડાની કબજિયાતમાં ઉકાળા, દૂધ કે ચા સાથે પીવું, હાથપગના ચીરામાં પગે માલિસ કરવું. (7) હરડે : નાનાં બાળકો તથા મોટાની ઝાડાની કબજિયાત તથા પેટનાં દર્દોમાં. (8) ખાવાનો સોડા : પેટનો આફરો, ઉદરશૂળ, છાતીમાં દાહ(દાઝરો)માં તે પાણી સાથે પીવું તથા ઝેરી જંતુના ડંખમાં તેનું પ્રવાહી લગાવવું. (9) મેથી : કમરનો વા, હાથપગના સાંધાનાં દર્દો, પગની એડીનો વા વગેરેમાં મેથી શેકીને ફાકવી, કે મેથીના લાડુ ખાવા. (10) લીંબુ : લીંબુનો રસ, મધ અને ગરમ પાણી મિશ્ર કરીને રોજ નરણા કોઠે પીવાથી શરીરની ચરબી ઘટે, ભોજનમાં તેનો રસ મેળવવાથી આહાર સારી રીતે પચી જાય, પેટનાં દર્દો મટે. (11) ઠંડું પાણી : ભારે તાવ, અંગદાહ, અંગની ગરમીમાં ઠંડા પાણીનાં કપાળે, અંગે પોતાં મૂકવાં, ઠંડું પાણી પીવું ને ઠંડા જળથી સ્નાન કરવું. (12) માટી : કાળી કે પીળી માટી પાણીથી 1-2 કલાક પલાળીને તે માથાના તાળવે મૂકે તો નસકોરી બંધ થાય; સ્ત્રી-પુરુષના ગુપ્તાંગ માર્ગેથી પડતું લોહી તથા થતો દાહ બંધ થાય. (13) કોથમીર (લીલા ધાણા) : તેનો રસ કાઢી આંખમાં નાખવાથી નેત્ર-દાહ તથા લાલાશ મટે. પેટ-છાતીમાં થતી દાહમાં તેના રસમાં સાકર નાખી પીવો. (14) લીમડો : તેનાં પાન વાટીને ગડ-ગૂમડાં પર લેપ કરવાથી તે મટે. શીળી, અછબડા, ઓરીમાં તેનાં પાનની પથારીમાં દર્દીને સુવડાવવો. ત્વચા-દર્દોમાં લીમડો નાખી ગરમ કરેલ જળથી નિત્ય સ્નાન કરવું. (15) કેસર : નાનાં બાળકોની શરદી, છાતીમાં કફનો ભરાવો, ન્યુમોનિયા વગેરેમાં કેસર દૂધમાં ઘૂંટીને પાવું, મોટાને કેસરયુક્ત દૂધ કામોત્તેજક તથા વીર્યવર્ધક છે. (16) ખસખસ : નાનાં કે મોટાંને થતા ઝાડામાં ખસખસ દૂધ કે પાણી સાથે વાટી, તેમાં સાકર ઉમેરી પાવું. અનિદ્રામાં ખસખસની ખીર બનાવી પીવી. દૂબળા જો ખસખસની ખીર પીએ તો જાડા બને. (17) છાશ : ઝાડા સંગ્રહણીના દર્દમાં દર્દીને માત્ર છાશ ઉપર જ રાખવો. ગરમ ધાતુથી હાથ-પગ દાઝી ગયા હોય તો તે અંગ છાશમાં બોળી રાખવાથી થતી દાહ-પીડા શમે. છાશમાં ચણાનો લોટ નાખી, વાળ તેના મિશ્રણથી રગડી ધોવાથી માથાનો ખોડો મટે. (18) મધ : કડવી દવા કે કીમતી દવાનું ઉપયોગી અનુપાન છે. તે કફ, શરદી, સળેખમ મટાડી શરીરમાં શક્તિ-સ્ફૂર્તિ આપે છે. (19) ખાંડ – સાકર : કોઈ પ્રકારે દાઝી જવા પર ખાંડનું પ્રવાહી બનાવી લગાવવું. અમ્લપિત્તમાં ધાણા તથા સાકર ફાકવાં; સફેદ પાણી પડવાના સ્ત્રીઓના રોગમાં ખાંડ-ઘી-કેળાં ખાવાં. (20) ગંઠોડા : લો બ્લડ પ્રેશરના કારણે થતા ચક્કરમાં, પેટના ગૅસ-વાયુમાં, અપચો અને અનિદ્રાના દર્દમાં ગંઠોડા પાણી કે દૂધ સાથે લેવાય. (21) લસણ : કફ, શરદી, વાયુનાં દર્દો, અપચાનાં પેટનાં દર્દોમાં લસણ તેલમાં કકડાવીને ભોજન સાથે ખાવા અપાય છે કે શાકભાજીમાં નંખાય છે. (22) લવિંગ : તેને શેકીને કફ, શરદી ખાંસીના દર્દીને ખાવા  ચૂસવા અપાય. (23) વરિયાળી : પેટમાં દાહ, બળતરા, લૂ લાગવી, ઍસિડિટી, ઝાડાની ગરમી–કબજિયાત તથા લોહીવિકારનાં દર્દોમાં તેના ચૂર્ણમાં સાકર ઉમેરી અપાય છે. (24) હિંગ : બાળકો કે મોટાના પેટના આફરામાં, ઉદરશૂળમાં, આંચકીમાં હિંગ, ચણાનો લોટ, મીઠું તથા પાણી ભેળવી વાટકીમાં ગરમ કરી તેનો લેપ નાભિ ફરતે કરાય છે.

આ રીતે ઘરમાંથી, ઘર-આંગણામાંથી મળતી કે પાદરમાંથી મળતી કેટલીક જાણીતી વનસ્પતિઓ ગૃહચિકિત્સાનાં ઔષધો તરીકે આજે પણ સમાજમાં પ્રચલિત છે. તેની એક ટૂંકી યાદીમાં તુલસી, અરડૂસી, શંખાવળી, બ્રાહ્મી, ચણા, એરંડો, તલ, સાટોડી, શ્રીફળ-જળ, મગફળી, અખરોટ, બદામ, મરી, આમળાં, અડદ, કળથી, જવ, ઇલાયચી, જાયફળ, તજ, દૂધ, માખણ, સરસિયું તેલ, દૂધી, તાંદળજો, ફુદીનો, સરગવો, ગુલાબ, આકડો, આવળ, બાવળ, વડ, પીપળો ઇત્યાદિનો સમાવેશ કરી શકાય.

ભારતના દરેક રાજ્યના લોકો પોતપોતાના અનુભવ અને પરંપરા મુજબ સામાન્ય દર્દોમાં આ રીતે ગૃહચિકિત્સા કરે છે. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાની તે એક વિશિષ્ટ પ્રણાલી છે.

બળદેવપ્રસાદ પનારા