ગૃત્સમદ : એક મંત્રદ્રષ્ટા. ગૃત્સ એટલે પ્રાણ અને મદ એટલે અપાન. ગૃત્સમદમાં આ બંને વાયુઓની સમાનતા હતી તેથી તે એ નામે ઓળખાયા એમ ઐતરેય બ્રાહ્મણમાં કહ્યું છે. ઋક્સંહિતાનું દ્વિતીય મંડળ ગૃત્સમદનું કુલમંડલ છે. ગૃત્સમદ અંગિરસ ગોત્રીય શુનહોત્રના ઔરસપુત્ર હતા, અને પછી ભૃગુ કુલના શુનકે તેમને દત્તક લીધા. અનુક્રમણિકામાં તેમનો ‘અંગિરસ શૌનહોત્ર’ અને ‘ભાર્ગવ શૌનક’ એમ બે રીતનો પરિચય મળે છે. સ્વયં ગૃત્સમદે મંત્રોમાં गृत्समदास: गृत्समदा:, शुनहोत्रेषु એ શબ્દોથી સ્વપરિચય આપ્યો છે.
ઋક્સંહિતાના દ્વિતીય મંડળનાં 42 સૂક્તોમાંનાં 36 સૂક્તો ગૃત્સમદનાં છે અને 3 સૂક્તો કૂર્મ ગાર્ત્સમદનાં અથવા વિકલ્પે સ્વયં ગૃત્સમદનાં અનુક્રમણિકામાં દર્શાવ્યાં છે. માત્ર 4 જ સૂક્તો સોમાહુતિ ભાર્ગવના નામે છે. ઉપરાંત નવમા મંડળના છ્યાસીમા સૂક્તના 3 મંત્રો(46—48)નું દર્શન પણ ગૃત્સમદે કર્યું છે.
ગૃત્સમદે તપ દ્વારા ઇન્દ્ર સરખું રૂપ પ્રાપ્ત કર્યું હતું. તેથી ઇન્દ્રના વિરોધી ધુનિ અને ચુમુરિ નામના અસુરોએ તેને ઘેરી લીધેલા. ત્યાં પોતે ઇન્દ્ર નથી, ઇન્દ્ર તો આવો હોય એવું વર્ણન કરતું પ્રસિદ્ધ ‘स जनास: इन्द्रः’ એવા ધ્રુવપદવાળું સૂક્ત (ઋ. 2.12) ગાઈ તેણે અસુરોના ઘેરામાંથી મુક્તિ મેળવેલી એવી આખ્યાયિકા બૃહદ્દેવતા અને પુરાણોમાં છે. ગૃત્સમદ વીતહવ્ય રાજાના ક્ષેત્રજ પુત્ર હતા એવો પણ પૌરાણિક ઉલ્લેખ છે. મહાભારતે તો ગૃત્સમદને શરશય્યા પર પોઢેલા ભીષ્મને મળવા આવેલા પણ બતાવ્યા છે.
નટવરલાલ યાજ્ઞિક