ગુર્જર સંસ્કૃત રંગમ્ : શાસ્ત્રીય સંસ્કૃત નાટકો ભરત મુનિના નાટ્યશાસ્ત્રમાં વર્ણિત નાટ્યશૈલી મુજબ સંસ્કૃતમાં જ ભજવવા અને એ રીતે સંસ્કૃત નાટકોની સાચી પરખ મેળવવા 1990માં સ્થપાયેલી સંસ્થા. તેનું કેન્દ્ર અમદાવાદમાં છે. તેના ટ્રસ્ટીઓમાં નિરંજન ભગત અને રાજેન્દ્ર શુક્લ જેવા ખ્યાતનામ કવિઓ, અમિતભાઈ અંબાલાલ જેવા કલાકાર, પ્રહલાદભાઈ પટેલ જેવા સમાજસેવક અને ઉદ્યોગપતિ, સ્વ. ગોવર્ધન પંચાલ, રાજુ બારોટ, ભાર્ગવ ઠક્કર જેવા નાટ્યનિષ્ણાતો અને અભિનેતાઓ તેમજ હરિણાક્ષી દેસાઈ જેવાં ભરતનાટ્યમનાં નિષ્ણાતનો સમાવેશ થાય છે. સ્વ. ડૉ. હરિવલ્લભ ભાયાણી સંસ્થાના સલાહકાર હતા.
ગુર્જર સંસ્કૃત રંગમે પ્રથમ નાટક ભાસનું ‘દૂતવાક્યમ્’ ભજવ્યું. આ નાટકમાં ભરતે વર્ણવેલા ચાર પ્રકારના અભિનય આંગિક, વાચિક, સાત્વિક અને આહાર્ય તેમજ નૃત્ય અને સંગીતનો સમન્વય સાધવામાં આવ્યો હતો.
તેનો પ્રયોગ પણ નાટ્યશાસ્ત્રમાં વર્ણવેલ વિકૃષ્ટ મધ્યપ્રકારના નાટ્યમંડપનો અછડતો પણ ખ્યાલ આપે તેવી રીતે થયો હતો. સંસ્કૃત નાટકોમાં બે-ત્રણ કે ચાર ર્દશ્યો એકસાથે ચાલતાં હોય છે અને તેને માટે નાટ્યમંડપની વિભિન્ન કક્ષાઓમાં અવિરત ર્દશ્યો બદલાય અને નાટકની સળંગસૂત્રતામાં ભંગ ન થાય તેવી તેની રચના હતી.
નાટ્યમંડપમાં કોઈ યાંત્રિક ઉપકરણો ન હતાં. માત્ર ત્રણ પ્રકારના પડદાઓના કલ્પનાસભર ઉપયોગ દ્વારા જ આખું નાટક ભજવાતું. રંગની પાછળની દીવાલમાં આવેલા રંગપ્રવેશ અને નિષ્ક્રમણ માટેનાં બે દ્વાર પરના બે પડદા જેને ‘પટી’ અથવા ‘અપટી’ કહ્યા છે. રંગપીઠ અને રંગશીર્ષની મધ્યમાં આવેલા પડદાને ‘યવનિકા’ કહી છે અને ત્રીજો એક ચલંત (moving) પડદો જેને ભવભૂતિએ ‘ચિત્રયવનિકા’ નામ આપ્યું છે : આટલું જ માત્ર સંસ્કૃત નાટક ભજવવા પર્યાપ્ત હતું. કલાકારની કલ્પનાશીલ અભિનયશક્તિ પ્રેક્ષકોની કલ્પનાશક્તિને ઉદ્દીપ્ત કરતી અને નાટકમાં રસ જામતો.
‘દૂતવાક્યમ્’માં ‘ચિત્રયવનિકા’નો ભિન્ન ભિન્ન રીતે ઉપયોગ થયો હતો. નાટકમાં આવતા ‘ચિત્રપટ’ને અને ભગવાન વાસુદેવનાં ‘આયુધો’ને જીવંત રૂપ આપીને દર્શાવવામાં થતા વિશિષ્ટ રંગપ્રયોગની શૈલી, સંગીત અને નૃત્યનો ઉપયોગ અને કસાયેલા કલાકારોના અભિનયને કારણે ‘દૂતવાક્યમ્’નો પ્રયોગ ખૂબ પ્રશંસા પામ્યો હતો.
ભોપાલના ભારત ભવનમાં તેના ગ્રીષ્મ સમયના ઉત્સવમાં પણ આ નાટક ખાસ આમંત્રણથી ભજવાયેલું ને પ્રશંસા પામ્યું હતું.
ગુર્જર સંસ્કૃત રંગમે પલ્લવ રાજા મહેન્દ્ર વિક્રમ વર્મનનું પ્રખ્યાત પ્રહસન ભગવદજ્જુકીયમ્ પણ સફળ રીતે ભજવી બતાવ્યું છે.
ગુજરાતના ચૌલુક્યયુગના જૈન મુનિશ્રી રામભદ્રરચિત ‘પ્રબુદ્ધ રૌહિણેયમ્’ નાટકની અભિનેયતા અંગે કેટલાક પાશ્ચાત્ય વિદ્વાનો અને તેમને અનુસરીને ભારતીય પંડિતોએ અભિપ્રાય આપતાં કહેલું કે આ નાટક ભજવવા યોગ્ય નથી. ગુર્જર સંસ્કૃત રંગમના ‘પ્રયોગ સૂત્રધાર’ ગોવર્ધન પંચાલે આ છ અંકી નાટકને ‘નાટ્ય’ શૈલીમાં ભજવી બતાવ્યું એટલું જ નહિ પણ તેની અસાધારણ સફળતાએ તેને રાષ્ટ્રીય નાટ્ય તખ્તા પર સ્થાન અપાવ્યું.
‘પ્રબુદ્ધ રૌહિણેય’ નાટકના છેલ્લા ર્દશ્યની કલ્પના સ્વર્ગની હતી. માત્ર એક કાળા કપડા પર મોટા નાના ગોળ કાચના ટુકડાઓ ચોંટાડી તેના પર દીવાઓનો પ્રકાશ પાડી તેના ઝગમગાટમાં અપ્સરાઓને નૃત્ય કરતી બતાવી. આ નવા પ્રકારની યવનિકાને નામ આપ્યું ‘અભ્ર યવનિકા’.
ધીરુભાઈ ઠાકર