ગુપ્તચર : ગુપ્ત માહિતી પ્રાપ્ત કરવા તથા રાજકીય અને ગુનાઇત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી વ્યક્તિઓની પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે રોકવામાં આવતા જાસૂસી એજન્ટો. સંરક્ષણની ર્દષ્ટિએ મહત્વની ગણાતી માહિતી દેશવિદેશમાંથી પ્રાપ્ત કરવા માટે ગુપ્તચરો રાખવામાં આવે છે. મોટા ભાગના જાસૂસી એજન્ટો નાણાકીય કે અન્ય ભૌતિક લાભ મેળવવા માટે આ કામ કરતા હોય છે; છતાં કેટલાક કિસ્સામાં અમુક રાજકીય, આર્થિક કે ધાર્મિક વિચારસરણીમાં નિષ્ઠા ધરાવતા લોકો પણ તે વિચારસરણીને વરેલા દેશની તરફેણમાં જાસૂસી કરતા હોય છે.
જાસૂસીના કાર્ય માટેની નિષ્ઠા ગુપ્તચરની સફળતા માટે અનિવાર્ય પરિબળ ગણાય. તે માટે પોતાના કુટુંબની સુખાકારી કે કલ્યાણનો પણ તેને ભોગ આપવો પડે છે. ઇતિહાસમાં એવા દાખલા છે જેમાં અમુક રાજકીય, આર્થિક કે ધાર્મિક વિચારસરણીનું પ્રતિનિધિત્વ કરતા ગુપ્તચરોએ દેશ પ્રત્યેની વફાદારીને ખાતર કુટુંબ સાથેના પોતાના સંબંધો જોખમમાં મૂક્યા હોય, તેવા સંબંધો કાયમ માટે ગુમાવ્યા હોય અથવા દેશવટો વહોરીને તેમની પાસેથી જાસૂસી કરાવનારા દેશમાં પોતે શરણું લીધું હોય. ઇંગ્લૅન્ડના કિમ ફિલ્બી ગુપ્તચરનો કિસ્સો આવા જ પ્રકારનો છે. પોતાના દેશના ગુપ્તચર વિભાગમાં નોકરી કરતો કિમ ફિલ્બી તેના ખાતાના સર્વોચ્ચ પદ સુધી બઢતી પામેલો; પરંતુ હકીકતમાં સામ્યવાદી વિચારસરણી પ્રત્યેની પોતાની નિષ્ઠાને લીધે તે સોવિયેટ સંઘના જાસૂસ તરીકે વર્ષો સુધી કામ કરતો રહ્યો અને જે ક્ષણે તે ખુલ્લો પડવાનો હતો બરોબર તે જ ક્ષણે તે પોતાના કુટુંબને પાછળ મૂકી સોવિયેટ સંઘમાં નાસી ગયો હતો. આ બેવડી કામગીરી કરનાર જાસૂસ વિશે તે પછી કોઈ આધારભૂત માહિતી મળી ન હતી.
ભારતમાં પ્રાચીન કાળથી રાજ્ય દ્વારા ગુપ્તચરો રોકવાની પ્રથા છે. ચાણક્ય-નીતિમાં તેને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. સ્વતંત્ર ભારતમાં રિસર્ચ ઍન્ડ ઍનૅલિસિસ વિંગ (RAW) તથા પોલિટિકલ ઇન્ટેલિજન્સ એજન્સી જેવી સંસ્થાઓ ગુપ્તચરોની સેવા પ્રાપ્ત કરે છે.
પ્રકાશચંદ્ર ચતુર્વેદી
અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે