ગુનાશાસ્ત્ર (criminology) : ગુના સંબંધી વિજ્ઞાન. ‘ગુનાશાસ્ત્ર’ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ ફ્રેંચ માનવશાસ્ત્રી પી. ટોપિનાર્ડનાં લખાણોમાં ઓગણીસમી સદીના અંત ભાગમાં થયેલો. વ્યક્તિના ગુના સ્વરૂપના ગેરકાયદેસર વર્તનનો અભ્યાસ કરનારા વિજ્ઞાન તરીકે ‘ગુનાશાસ્ત્ર’ને વિકસાવવામાં મુખ્ય ભાગ ભજવનારાં વિજ્ઞાનોમાં મુખ્યત્વે સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, મનોચિકિત્સાશાસ્ત્ર, સામાજિક મનોવિજ્ઞાન, તેમજ કાયદાશાસ્ત્રને ગણાવી શકાય.
આધુનિક સંદર્ભોમાં, ગુનાશાસ્ત્ર એટલે ગુનો ગણાતું વર્તન, તેનાં કારણરૂપ પરિબળો અને પરિણામો, તેમજ તેનાં નિવારણ અને નિયંત્રણ અંગેનો અભ્યાસ કરનારું તથા તેમાંથી તે અંગેની સૈદ્ધાંતિક સમજ અને જરૂરી પરિભાષા વિકસાવતું વિજ્ઞાન.
સામાન્ય રીતે, આ વિજ્ઞાનમાં મુખ્યત્વે નીચેના વિષયવસ્તુને આવરી લેવામાં આવે છે : (1) ગુનાઇત વર્તન, તેનું સ્વરૂપ (nature) તથા વિવિધ ર્દષ્ટિએ તેના પ્રકારો. સમાજવિરોધી પરંતુ ગુનો ન ગણાતું વર્તન; ખાસ કરીને જે વર્તન અમુક સમાજમાં ગુનો ગણાય છે; પરંતુ અન્ય દેશોમાં ગુનો ગણાતું નથી. (2) ગુનેગારોની શારીરિક અને માનસિક લાક્ષણિકતાઓ; તેમનાં ભૂતકાલીન જીવન, ઉછેર અને ગુનાઇત કારકિર્દી (વિશેષ કરીને, રીઢા અને સતત ગુના કરનારાઓનાં); તેમની ગુનાઇત વૃત્તિનાં કારણો; ગુનેગારોનું અન્ય અસામાન્ય (વિકૃત) વર્તન અને તેમનો ગુનાઇત વૃત્તિ સાથેનો સંબંધ; (3) ગુનેગારોનો શિકાર બની જનારા તથા તેમની ખાસિયતો; (4) ગુનાઇત વર્તન શક્ય એટલે અંશે અટકાવવાનાં તથા નિયંત્રિત કરવાનાં પદ્ધતિઓ અને પ્રયત્નો. તેમાં પોલીસતંત્ર તથા ન્યાયતંત્રનાં કાર્યો અને સ્થાન. ગુનેગારોને સજા કરવી, યથાર્થ રીતે કેળવવા તેમજ તેમની સાથે વ્યવહાર કરવા માટેની નીતિ, પદ્ધતિ અને સંસ્થાઓ; તેમનાં (ખાસ કરીને, સજા/સુધારા સંબંધી) માળખાં, સંગઠનો અને કામગીરીઓ.
આ ઉપરાંત, કેટલાક વિદ્વાનો ગુનાઓ શોધી કાઢવાની તથા ગુનેગારોને પકડી પાડવાની પદ્ધતિઓ, ફોજદારી (ગુનાઇત વૃત્તિ સૂચક) સંવિધાનના ઉદભવ અને વિકાસ તેમજ ગુના તથા ગુનેગારો પ્રત્યેનાં લોકવલણોને પણ આ વિજ્ઞાનના અભ્યાસક્ષેત્રમાં આવરી લે છે.
ગુનાશોધન : કાયદાનું ઉલ્લંઘન કરતી સજાપાત્ર પ્રવૃત્તિઓની તપાસનું કાર્ય.
ગુનાશોધન એ કેટલીક કાર્યપદ્ધતિનો સરવાળો છે, જેમાં ગુનાથી અસર પામેલ વ્યક્તિની ઓળખ, ગુનો કરવા પાછળ ગુનેગાર વ્યક્તિનો ઇરાદો, ગુનેગારે ગુનો કરવા માટે અને ગુનો પકડાઈ ન જાય તે માટે અપનાવેલ ગુનાઇત પદ્ધતિનું શોધન, ગુનેગારની પહેચાન, અને ગુનો થયો હોય તે સ્થળનું ચોક્કસપણે નિરીક્ષણ તથા ગુનો સાબિત કરવા માટે પુરાવાઓ અને સાક્ષીઓની તપાસ વગેરેનો સમાવેશ થાય છે.
ગુનાનાં કારણોમાં જીવનની પ્રાથમિક જરૂરિયાતોની પૂર્તિ ન થવાનું કારણ અને જાતિભેદ, વર્ણભેદ, ધર્મ અને સંપ્રદાયભેદ અને પેઢી દર પેઢી ઊભું કરવામાં આવેલ પૂર્વગ્રહગ્રસ્ત ધિક્કારનું માનસ પણ ગુનાઓને વધારે છે. વસ્તીવધારો પણ ગુનાનું બીજ છે.
ભૌગોલિક સ્થિતિ, વસ્તીમાં પુરુષો અને સ્ત્રીઓના પ્રમાણમાં તફાવત, યુવાનો અને વૃદ્ધોની વસ્તીમાં સંખ્યાનું વધુ પ્રમાણ, અક્ષરજ્ઞાનનો અભાવ અને એકબીજાંને સહી લેવાની અનિચ્છા પણ ગુના પ્રેરે છે.
નિરાશા, હતાશા, નિષ્ફળતા, શારીરિક ક્ષમતાનો અભાવ, વ્યસન અને રુગ્ણ, માનસિક કે શારીરિક સ્થિતિ પણ ગુના નિપજાવે છે. ગુનાશોધન અભ્યાસીઓ આવાં બધાં પાસાં લક્ષમાં લઈને નિયમો, ધારાઓ, કાયદાઓ અને નીતિઓ ઘડે છે. સંશોધન માટે આ સર્વ નોંધાતા ગુનાઓ, પુરવાર થતા ગુનાઓ અને ન પુરવાર થતા ગુનાઓના આંકડા ઉપરથી અભ્યાસ કરવામાં આવે છે, પણ સામાજિક ર્દષ્ટિએ નીચા પડવાનો ભય, અન્ય ભય, આબરૂ જવાના ભયથી કે ગુનાના કેસોના નિકાલ માટે થતા વિલંબને કારણે ઘણા ગુના નોંધાવવામાં આવતા નથી. એટલે આવી અધૂરી નોંધને કારણે ગુનાશોધન માટે થતી જોગવાઈઓ અધૂરી અને ખામીભરી બની જાય છે. ગુનાશોધન માટે જે તે વિસ્તારમાં થતા ગુનાઓનો ઇતિહાસ અને રેકૉર્ડ (નોંધ) ઉપયોગી બની રહે છે.
ગુનાશોધન માટે ગુનાશોધક તંત્ર, ગુનાશોધન પૃચ્છાની ટૅકનિક, ગુનાશોધન પ્રયોગશાળાઓ અને ગુનાશોધન સંસ્થાઓ તથા ગુનાના સ્થળેથી મેળવાયેલ પુરાવા ઉપર કામ કરનાર ગુનાશોધક ડિટેક્ટિવ(detective)ની સૂઝ ઘણું કામ કરી જાય છે.
મોટા ભાગના ગુનાઓમાં ર્દશ્ય કે અર્દશ્ય રીતે ગુના કર્યાનાં પુરાવારૂપ નિશાનો રહી જતાં હોય છે. ગુનાશોધનની ટૅકનિક અને તંત્ર, ગુનાશોધન પ્રયોગશાળા, ધારા કે અન્ય રીતે ગુનેગારને મોટે ભાગે પકડ્યા વિના રહેતાં નથી.
ગુનાશોધન તંત્ર : ગુનાની શોધ કરવા માટે ઊભું કરવામાં આવેલું શાસકીય અથવા ખાનગી તંત્ર. ભારતમાં તથા વિશ્વના બધા દેશોમાં ગુનાશોધન માટે પોલીસ ચોકીઓની વ્યવસ્થા હોય છે. ભારતના તાલુકાઓમાં તે માટે સવિશેષ વ્યવસ્થા હોય છે, જેમાં આંગળાંની છાપ લેવાય છે. પગના જોડા કે ચંપલની છાપ, પ્લાસ્ટર ઑવ્ પૅરિસની મદદથી ઉપાડાય છે, એનાં બીબાં કે ઢાંચાને સાચવી રાખે છે. આ બધી છાપના રેકૉર્ડ રાખે છે.
ચોરી, હિંસા, લૂંટ, ખૂનની ઘટનાના સ્થળના ફોટા લેવા, ગુનો થયાના સ્થળેથી મળી આવેલ પુરાવા સાચવવા, સાઇકલ, રિક્ષા, ખટારો, મોટર વગેરેનાં ટાયરની છાપ ઉપસાવવા ગુનેગારનાં પગરખાં ઉપર ચોંટેલી માટી તપાસવા, ગુનામાં વપરાયેલ સાધન, રિવૉલ્વર, પિસ્તોલ, બંદૂક, રાઇફલ આદિમાંથી છૂટેલી ગોળી સાચવીને કાઢવાં, તેની ઓળખ માટે તેવા જ પ્રકારની ગોળી છોડવાની સગવડ (રેંજ જાણવાનાં), ગુનેગારોએ પીધેલા દારૂના માદક દ્રવ્યનું પ્રમાણ તપાસવું, અથડામણમાં ઘા પડતાં ગુનાના સ્થળેથી મળી આવેલ કપડામાં લોહીના ડાઘ પરથી લોહી તપાસવું, મળી આવેલાં કપડાંમાંનાં પસીના-ડાઘ, ધોબીનાં નિશાન, કપડાંના ટુકડા કે તાંતણા વગેરે તપાસવા માટેનાં સાધનો અને વ્યવસ્થા હોય છે.
શહેરમાં ચોરી, ખૂન કે અન્ય ગુના વધુ બનતા હોઈ, ગુનેગારની ગંધ ઉપરથી સગડ મેળવવા કેળવાયેલાં કૂતરાંની ટોળી જિલ્લા પોલીસ ચોકીઓ પર હોય છે.
તાલુકાની પોલીસ ચોકીઓ ગામડાં કે શહેરોમાંથી આવેલ ગુનાની ફરિયાદ નોંધીને તેની તપાસ આગળ ચલાવે છે. ગુનામાં હિંસા, બળાત્કાર, અથડામણ કે ખૂન થયાં હોય ત્યારે તેનો ભોગ બનેલી વ્યક્તિની ડૉક્ટરી તપાસ કે મરી ગયેલ વ્યક્તિની ઑટૉપ્સિ (શબ ચીરીને તેમાં વણપચ્યા ખોરાકના આધારે તથા શબનાં અન્ય ખાસ અંગોની સ્થિતિ જાણી ગુનાનું કારણ જાણવાની રીત) માટે ડૉક્ટરની મદદ લેવાય છે.
ગુનાના પુરાવા તપાસવા માટે મુખ્ય જિલ્લા મથકોમાં સૂક્ષ્મદર્શક યંત્ર, જૂઠ પકડવા માટે ડર્મલનાઇટ્રેટ ચકાસણી થાય છે એટલે કે ઘાયલ વ્યક્તિને ગોળી જો નજીકથી છોડાઈ હોય તો એનો સ્ફોટક પદાર્થ પણ અડ્યો હોય છે, જ્યારે દૂરથી ગોળી છૂટી હોય તો એ સ્ફોટક પદાર્થ ન લાગ્યો હોય, માત્ર ગોળીનો જ આઘાત હોય. આવી રાસાયણિક પદાર્થથી થતી ચકાસણી માટેની વ્યવસ્થા પણ હોય છે.
સીમા-સુરક્ષા, સમુદ્ર રસ્તે થતી કસ્ટમ-જકાતની ચોરી રોકવા કે પકડવા, હથિયારોની ગેરકાનૂની હેરાફેરી રોકવાની કામગીરી, માદક દ્રવ્યો કે લોહીનો વેપાર રોકવા સમુદ્ર ચોકિયાતોનું દળ – ‘સાગરતટ રક્ષકદળ’ એક અલગ તંત્ર તરીકે કામ કરે છે.
આતંક ફેલાવનારાઓ, દેશની કીમતી ચીજવસ્તુઓ, ઐતિહાસિક અગત્યની વસ્તુઓ કે સુંદર મૂર્તિઓની ચોરી, રાજકીય કે લશ્કરી ગુપ્ત માહિતીની ચોરીઓ પકડવા અલગ ગુનાશોધન તંત્ર હોય છે જેને ભારતમાં સી.બી.આઈ. અને રૉ કહેવાય છે. આવાં તંત્ર કેન્દ્રીય સ્તરે કામગીરી બજાવતાં હોય છે.
ગુનાશોધન પૃચ્છા : ગુનાની શોધ કરી ગુનેગારને પકડી પાડવા માટે કરાતી તપાસ દરમિયાનની અગત્યની પ્રક્રિયા.
કેટલાક સાંયોગિક પુરાવાના આધારે કે શકને કારણે ગુનેગાર જેવા અન્ય શખ્સો સાથે ગુનેગારને – શકમંદને ઊભો કરી, સાક્ષી કે ઘાયલ થનાર અથવા ફરિયાદી દ્વારા ઓળખી બતાવેલ ગુનેગાર પાસેથી ગુનાની વિગત મેળવવા માટે પૂછપરછ કરવા માટે તેના નિષ્ણાતો કે તાલીમી પોલીસો કાર્ય કરતા હોય છે.
જ્યાં સુધી જરૂર ન પડે ત્યાં સુધી આવી માહિતી મેળવવા સહાનુભૂતિભર્યું વલણ અપનાવાય છે. ક્યારેક ઓછી સજાની લાલચ અપાય છે. આરોપી કે સાક્ષી ખોટું બોલે છે કે સાચું તે જાણવા ‘લાઇ-ડિટેક્ટર’, જૂઠું પકડવા સ્કોપોલેમાઇન, સોડિયમ પેન્ટોથેલ, સોડિયમ એમાટેલ વગેરે સત્યાન્વેષી પ્રવાહી પગની, હાથની કે કમર ઉપરની નસના માર્ગે ધીમે ધીમે લોહીમાં દાખલ કરવામાં આવે છે. પહેલી વાર ગુનો કરનાર, નવા કે નબળા મનના ગુનેગારો ઉપર કે સ્ત્રીઓ ઉપર એની વધુ અસર થાય છે. આવી આલ્કલી દવાઓને કારણે તે અર્ધજાગ્રત તંદ્રામાં સરી જાય છે, તેથી તેનો બચાવવ્યૂહ તૂટી પડે છે અને વધારે વિચારવાની શક્તિનો હ્રાસ થતાં તે સાચા જવાબો આપી દે છે.
લાઇ-ડિટેક્ટર – પૉલિગ્રાફ (lie-detector and poligraph) અસત્યશોધક નામના યંત્ર દ્વારા આરોપી કે શકદારના હૃદયની ગતિ શરીરમાં ખોટું બોલવાને કારણે સુકાતી ભીનાશ, લોહીનું દબાણ, શ્વાસોચ્છવાસ, ચામડીની કુમાશ, પ્રતિકારશક્તિ વગેરે માપી લઈ તેમાં થતા ફેરફાર નોંધી તે દ્વારા એ શકદાર આરોપી છે કે નહિ તે નક્કી કરી શકાય છે. રીઢા આરોપી જ્યારે આવી કસોટીઓમાંથી છટકી જાય ત્યારે પોલીસ અધિકારી તેને ઢોરમાર મારી અથવા લાલચો આપી સત્ય કઢાવે છે. ઘણીવાર બે અધિકારીઓ યુક્તિ ગોઠવે છે. એક ઉચ્ચ અધિકારી પૃચ્છા કરનાર સબ ઇન્સ્પેક્ટર કે ઇન્સ્પેક્ટરને ખોટુંસાચું ધમકાવી, ડીગ્રેડ કરવાની ધમકી આપી, શકદાર પ્રત્યે સહાનુભૂતિ બતાવી તેને વિશ્વાસમાં લઈ, મિત્રતા બતાવીને ગુનેગાર પાસેથી ગુનાની હકીકતો બહાર લાવે છે.
ગુનાના શકદારના માનસને જાણી લઈ પૃચ્છા કરનાર તેની સાથે સહાનુભૂતિપૂર્વક વર્તવું કે જબરજસ્તીપૂર્વક તેનો કુનેહથી નિર્ણય લે છે. કોઈ કોઈ વાર તો તેને વ્યવસાય કે ઇનામની લાલચ પણ અપાય છે.
પૃચ્છા કરનાર પોલીસ અધિકારી પહેલાં તો ગુનાનો હેતુ જાણવાનો પ્રયત્ન કરે છે. ગુનાથી કોને અને કેટલો લાભ મળશે તે જાણવા માટે મિત્રો તથા ઓળખીતાઓ વચ્ચે તેના મિત્ર તરીકે બેસે છે. થોડું ઘણું પોતે જે જાણતા હોય તેમાં અનુમાનનો આધાર ઉમેરી જાણકાર હોય તે રીતે વાતની રજૂઆત કરીને અનાયાસ સામી વ્યક્તિથી બોલાઈ જાય તેમાંથી સત્ય તારવવાની કોશિશ કરે છે.
પૃચ્છા કરનાર અધિકારી પોતે બધું જાણી ગયા છે એવા આત્મવિશ્વાસથી ગુનેગાર કે શકદાર સાથે વાતો કરે છે ત્યારે શકદાર એનો પ્રતિભાવ ખચકાઈને આપે છે કે તેનો ટોન બદલીને સજાગ થઈને ગોખેલું બોલતો હોય એમ આપે છે. તે ઉપરથી પણ સત્ય માહિતી પ્રાપ્ત કરે છે.
મોટે ભાગે તો જ્યારે ગુનેગારને ઇનામની અને પૂરા રક્ષણની લાલચ અપાય છે ત્યારે વધુ સાચી ને સારી એવી માહિતી મળે છે. સહાનુભૂતિનાં પરિણામો વધુ સારાં આવે છે. આ પૃચ્છાને આધારે કબૂલાત લખાવી લઈને તેમાં લાગતાવળગતાની સહી કરાવાય છે.
તે પ્રકારે કબૂલાત લખાવી, સાક્ષી રૂબરૂ સહી મેળવી લે તે પછી પણ ગુનેગાર છેલ્લી ઘડીએ ફરી જતા હોય છે.
ગુનાશોધન પ્રયોગશાળા (forensic laboratory) : ગુનેગારને પકડી પાડવા માટે ખાસ પ્રકારની રાસાયણિક પ્રકિયાઓ હાથ ધરવામાં આવે છે તે સ્થળ. આ પ્રયોગશાળામાં ગુનાના સ્થળેથી મળી આવેલા પુરાવારૂપ પદાર્થ ઉપર રાસાયણિક પ્રક્રિયાઓ કરીને અથવા પારજાંબલી (ultra-violet) કે અધોરક્ત (infra-red) કે ક્ષ-કિરણો (એક્સ-રે) દ્વારા પુરાવાઓ તપાસાય છે.
મરહૂમ માણસનાં કપડાં ઉપર પડેલ લોહીના ડાઘ કે મારામારી કે સ્વબચાવમાં કે વળતા પ્રહારમાં નખમાં ભરાયેલ મેલ કે લોહીના ડાઘ, મૃતકની લાળ તથા પસીનાના ડાઘને રસાયણો દ્વારા ઓળખી, મરનાર કે મારનારના લોહીનું ગ્રૂપ જાણી શકાય છે તેવી જ રીતે ગુનાના સ્થળેથી મળી આવેલ વાળ, પગરખાંને ચોંટેલા ધૂળમાટીના કણો, ગુના માટે વપરાયેલાં માદક અને વિષભરેલાં દ્રવ્યો, ખૂનીનાં કપડાંના તાંતણા, ગુનાના સ્થળેથી મળેલાં દીવાસળી વગેરે આ પ્રયોગશાળાઓમાં નિષ્ણાતો દ્વારા તપાસાય છે. તેના આધારે ગુનેગારનું પગેરું મળે છે.
આવી પ્રયોગશાળામાં જૂના લખાણ તરીકે ગણાવેલ દસ્તાવેજ, તેની શાહી, સહીની બનાવટી નકલ વગેરે રાસાયણિક પ્રક્રિયાથી સાચું છે કે ખોટું તે પારખી શકાય છે. બનાવટી ચલણી નોટ કે સિક્કાઓ પણ આ જ રીતે ઓળખી શકાય છે. હિંસામાં વપરાયેલ ધાતુની બુલેટ – ગોળીના માપ ને ઢાંચો સરખાવવા માટે બીજી તેવી જ ગોળી તે જ માપની રિવૉલ્વર દ્વારા છોડે છે અને પરખ કરે છે. તે માટે સૂક્ષ્મદર્શક યંત્રો હોય છે. આ યંત્રોથી હસ્તાક્ષર, ટાઇપ કરેલ લખાણ અને અન્ય ટાઇપરાઇટરના અક્ષરો, ગુનાના સ્થળેથી મળી આવેલ રંગ, આગ લગાડવામાં વપરાયેલ રસાયણ જાણવા માટે મળી આવેલ રાખ વગેરે તપાસવામાં પણ આ ખાસ પ્રકારનાં સૂક્ષ્મદર્શક યંત્રો (સ્ટીરિયોસ્કોપિક બાયનૉક્યુલર) વપરાય છે.
સ્પેક્ટ્રોફોટોમીટર દ્વારા મનુષ્યની આંખ દ્વારા ખોળી ન કાઢી શકાય તેવાં ઉષ્ણતા અને પ્રકાશનાં કિરણો નોંધી હસ્તાક્ષરોની નકલો ન દેખાય તેવી રીતે કાગળો કે દસ્તાવેજો ઉપરથી ભૂંસેલ અક્ષરોની વિગતો જાણી શકાય છે.
‘ગૅસ ક્રોમેટોગ્રાફ’ દ્વારા મનુષ્યના લોહીમાં ભળેલ દારૂનું પ્રમાણ જાણી શકાય છે. પોલેરાઇઝિંગ સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા ધાતુના કણો, માદક દ્રવ્યો, નારકોટિક્સ ઓળખાય છે. ભારતના દરેક રાજ્યના મુખ્ય શહેરમાં આવી પ્રયોગશાળા હોય છે.
ગુનાશોધન સંસ્થાઓ (ખાનગી) : ગુનો કે ગુનેગારની ભાળ મેળવવાના કાર્યમાં રોકાયેલી વ્યાવસાયિક સંસ્થા. વિદેશોમાં ખાનગી ગુનાશોધન સંસ્થાઓની બહુ જ માગ રહે છે. કાયદા દ્વારા બધે જ તેને માન્યતા છે. જોકે તે તેવું બધું કબૂલ કરે નહિ છતાં પણ તે સંસ્થાઓ ઘણીવાર કાયદા ઉવેખીને પણ ગુનાશોધન કરતી હોય છે. એટલે સરકારી રીતે કે પોલીસ વડે જ્યારે ગુનો શોધાતો ન હોય, સરકાર અને પોલીસ તંત્રમાં આસ્થા ન હોય ત્યારે આવી સંસ્થાઓની મદદ લેવાય છે. પોલીસને યશ મળે તે રીતે તે સંસ્થાઓ પોતાની શોધ-તપાસ પોતે ભૂગર્ભમાં રહીને કરે છે, જેથી પોલીસ પાસે આવતી માહિતીનો લાભ તેને મળી શકે. ભારતમાં આવી જૂજ સંસ્થાઓ છે. અને તે પણ કોલકાતા, દિલ્હી, ચેન્નાઈ, મુંબઈ, અમદાવાદ જેવાં મેટ્રોપૉલિટન કે મોટાં શહેરોમાં આવેલી છે.
પોલીસ જ્યારે ગુનો શોધી શકતી ન હોય અથવા ગુનાશોધનમાં તેની ગતિ ધીમી હોય, કોઈ વાર ઉચ્ચ અધિકારીઓ કે રાજકારણીઓ આ તપાસને ધીમી કરી દેતા હોય ત્યારે ગુનાથી જેને અસર પહોંચી હોય તેવા લોકો ખાનગી ગુનાશોધન સંસ્થાની સેવા મેળવે છે.
આવી સંસ્થાઓ મેળવેલી માહિતી કે તપાસની વિગત પ્રથમ પોતાના ગ્રાહકને આપે છે, અને પછી તેની પરવાનગીથી પોલીસને પહોંચાડે છે, પણ તે તપાસ દરમિયાન જો તેને એવી માહિતી મળે કે જે કાયદાકીય રીતે ગુનાઇત હોય તો તેના ગ્રાહક તેને પરવાનગી ન આપે તોપણ તેને તે માહિતી કે તપાસનો નિષ્કર્ષ પોલીસને પહોંચાડવાની ફરજ પડે છે નહિ તો તેનું લાઇસન્સ રદ કરાય છે. આવી સંસ્થાઓ મેળવેલ માહિતી વડે તેના ઍાપરેટર – કર્મચારી કોઈને તે માહિતી જાહેરમાં ખુલ્લી કરવાની ધમકી આપી વધારે પૈસા પડાવી શકે નહિ. કાયદો તેમ કરતાં તેને રોકે છે. વળી આ માહિતી પ્રથમ તેને મળે ત્યારે તે સંભવિત ગુનેગારને પણ જાણ કરી પૈસા પડાવી શકે નહિ. ખાનગી સંસ્થાઓ આ શિસ્ત પાળતી હોય છે પણ અપવાદરૂપ આવી કોઈ સંસ્થા બ્લૅકમેલિંગ (ધમકી આપી ડરાવે) કરે તો તે પોતે કાયદેસર ગુનેગાર બને છે.
આ સંસ્થાના કર્મચારીઓ બહુ જ સામાન્ય માણસ હોય તેમ વર્તતા હોય છે. શંકા હોય તેવા લોકોને ત્યાં કોઈ વાર તેઓ હંગામી નોકરી કરીને, અન્ય કોઈ નજીકના સ્થળે છુપાઈને કોઈ વાર શંકા હોય તેનું પગેરું દબાવી તે દિવસરાત કાર્ય કરતા હોય છે. કોઈ વાર શંકા હોય તેવા મનુષ્યના રહેણાકની બાજુમાં રહી વચ્ચે સહમાલિકીની દીવાલ ઉપર ઉપકરણો ગોઠવી તેના રહેણાકમાં થતી માહિતીઓ મેળવતા રહે છે. વીજળીનું બિલ વાંચનારા, તેના ટેલિફોનના થાંભલેથી તેનો ટેલિફોન કાપી, પછી ઠીક (રિપૅર) કરવાને બહાને તે શંકાસ્પદ વ્યક્તિના ઘરમાં ઉપકરણ છુપાવી અન્ય સ્થળે તે રહેણાકમાંથી વાતચીત ટેપ કરી લેતા હોય છે.
વિદેશમાં એક ભાગીદાર અન્ય ભાગીદાર ઉપર કે પતિપત્ની એકબીજાં ઉપર શક કરતાં હોય ત્યારે આવી સંસ્થા-એજન્સીઓની મદદ મેળવી પુરાવા એકઠા કરતા હોય છે. આવી સંસ્થાના કર્મચારીઓ વિશેષ ફી મેળવી તેના માલિકની પરવાનગીથી કે પોલીસ દબાણ કરે ત્યારે કોર્ટમાં સાક્ષી આપતા હોય છે. ધંધાની હરીફાઈ માટે, ઉદ્યોગોની હરીફાઈ માટે પણ એકબીજાંની માહિતી ઉપલબ્ધ કરવામાં આવી સંસ્થાની મદદ લેવાય છે. જોકે તેમ કરવું સ્વયં એક ગુનો છે. આપણી કલ્પનામાં ન આવે તેવાં કામો માટે પણ આવી સંસ્થાની મદદ લેવાય છે.
ખોવાઈ ગયેલ વ્યક્તિ કે વારસદાર કે સંભવિત વારસદારને શોધવા કે બચાવવા આવી સંસ્થા કામ કરે છે. તાતાનાં યેલો પેજમાં જાહેર થયેલાં નામો ઉપરથી તેનાં નામોનો ખ્યાલ આવશે. મુંબઈમાં એડવૉટર્સ (Adworts), કૉમર્શિયલ સર્વિસીસ, લીટલ મોર સર્વિસીસ જેવા ખબર ન પડે તેવાં નામો પણ તેનાં હોય છે. તો એબીસી સિક્યિૂરટી ઍન્ડ (ગનમૅન) ડિટેક્ટિવ, એવર્ક્સ ઇન્વેસ્ટિગેશન ઍન્ડ ડિટેક્શન, બૉમ્બે ઇન્ટેલિજન્સ , સિક્યૂરિટી બૉમ્બે ઇન્વેસ્ટિગેટર્સ, ડૅગર સિક્યૂરિટી ઍન્ડ ફાયર સર્વિસીસ, ફેડરલ પ્રોટેક્શન ઍન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસ, આઇ.બી.આઇ. ડિટેક્ટિવ (પ્રા.) લિ. વગેરે. તેની જાહેરાતમાં ટ્રેડમાર્ક કે પેટન્ટની ચોરી, ધંધાકીય છેતરપિંડી, ઘરેલુ વિશ્વાસઘાત, મૂંઝવણો, નોકરીએ રાખતાં પહેલાં તેની તપાસ (એમ્પ્લૉયમેન્ટ સ્ક્રીનિંગ) લેબર કોર્ટ બાબતો, સંભવિત કોઈ પણ બાબતો, કોઈ પણ જગ્યાએ જ્યાં મુશ્કેલી હોય કે આવી પડવા સંભવ હોય તેની સેવા માટે તેવું દર્શાવાય છે. (વીમાનું ખોટી રીતે કોઈ વળતર ન મેળવી લે તે માટે પણ.)
આ કાર્યમાં કામ કરતા ઑપરેટરને ઈજાનું અને કોઈ વાર મૃત્યુનું જોખમ પણ હોય છે. સ્વસુરક્ષા માટે તેઓ હથિયારનું લાઇસન્સ ધરાવતા હોય છે.
હસમુખભાઈ હરજીવનદાસ પટેલ
પુષ્કર ગોકાણી