ગુડુચી સત્વ (ગળોસત્વ) : આયુર્વેદનું ઔષધ. લીમડાની ગળોના ચાર ચાર આંગળના કકડા કરી છૂંદીને કલાઈવાળા વાસણમાં પાણી નાખી ચાર પ્રહર સુધી પલાળવા. ત્યારબાદ હાથ વડે ખૂબ મસળીને કપડાથી ગાળી લેવામાં આવે છે. વાસણમાં નીચે ગળોનું સત્વ સફેદ પાઉડર રૂપે તૈયાર થાય ત્યારે પાણી નિતારી તેને સૂકવીને બાટલીમાં ભરી લેવાથી ગળોનું સત્વ તૈયાર થાય છે. તે સ્વાદુ, પથ્ય, લઘુ, દીપન, ચક્ષુષ્ય, ધાતુવર્ધક, મેધ્ય અને વય:સ્થાપક છે. તથા ર્જીણજ્વર, વાતરક્ત, ક્ષય, પિત્ત, કમળો, પ્રમેહ, અર્શ વગેરે રોગમાં ફાયદો કરે છે.
ગળોસત્વના ઔષધિ–પ્રયોગો : (1) પ્રમેહ (મૂત્ર રોગ) : ગાયના 100 મિલિ. દૂધમાં 2 ગ્રામ ગળોસત્વ ઉમેરીને અથવા ત્રિફળા અને સાકરના પ ગ્રામ ચૂર્ણમાં 2 ગ્રામ ગળોસત્વ ઉમેરી રોજ બે વાર અપાય છે. (2) જીર્ણજ્વર (ધીમો તાવ) : ઘી-સાકર અથવા મધ અને લીંડીપીપરના ½ ગ્રામ ચૂર્ણમાં અથવા શાહજીરાના 3 ગ્રામ ચૂર્ણ અને 5 ગ્રામ ગોળમાં ગળોસત્વ 2 ગ્રામ રોજ સવાર-સાંજ આપવાથી રોગ મટે છે. (3) પાંડુરોગ : દૂધ અથવા ઘી અને મધમાં 2 ગ્રામ ગળોસત્વ રોજ બે વાર લેવાથી લાભ થાય છે. (4) દાહમાં : શેકેલ જીરાના 3 ગ્રામ ચૂર્ણમાં 5 ગ્રામ સાકર તથા ગળોસત્વ 2 ગ્રામ મેળવી રોજ 3 વાર પાણી કે દૂધ સાથે લેવાથી દાહ શમે છે. પરેજી : ગરમ ખોરાક બંધ કરવો. (5) પિત્ત (ગરમી) તથા પિત્તજ્વરમાં : 1થી 2 ગ્રામ ગળોસત્વ ઘી + સાકર સાથે રોજ 3 વાર ચટાડી, ઉપરથી સાકરવાળું દૂધ અપાય છે. (6) કફરોગમાં : સૂંઠ ચૂર્ણ દોઢ ગ્રામ તથા ગળોસત્વ 2 ગ્રામ મધ કે ગોળ સાથે રોજ લેવાથી લાભ થાય છે. (7) ગરમીના દોષથી કે જૂના તાવથી થયેલ અશક્તિમાં : ગાયના ધારોષ્ણ દૂધમાં 10 ગ્રામ સાકર તથા બે ગ્રામ ગળોસત્વ અને 1 ચમચી ઘી ઉમેરી રોજ સવાર-સાંજ 2 માસ લેવાથી ઉત્તમ લાભ થાય છે. (8) ઊલટીમાં : ડાંગરની ધાણી પાણીમાં ઉકાળી, તેના 1 કપ પાણીમાં 1 ચમચી સાકર તથા 2 ગ્રામ ગળોસત્વ ઉમેરી વારંવાર 2–3 ચમચી પાવાથી ઊલટીની શાંતિ થાય છે. (9) લોહી પડતા કે ગરમીના હરસની પીડામાં : ગળોસત્વ 2 ગ્રામ, સાકર 3થી 4 ગ્રામ અને માખણ 1થી 2 ચમચી સાથે મેળવી રોજ સવાર-સાંજ લેવાથી લાભ થાય છે. (10) શીઘ્રપતન કે શ્વેતપ્રદરમાં : ગળોસત્વ 10 ગ્રામ, ગોદંતી ભસ્મ 10 ગ્રામ અને ફુલાવેલ ફટકડી 5 ગ્રામ; જીરાનું ચૂર્ણ 25 ગ્રામ સાથે મેળવી, મિશ્ર કરી લઈ, રોજ 3થી 4 ગ્રામ દવા ઘી + સાકર, ગુલકંદ કે માખણ સાથે લેવાથી લાભ થાય છે. (11) કમળામાં : કાળી દ્રાક્ષ (બી વગર) 10-12 દાણા વાટીને, તેમાં દોઢથી બે ગ્રામ ગળોસત્વ મેળવી રોજ સવાર-સાંજ લેવાથી કમળો મટે છે. (12) ક્ષય (ટી.બી.)માં : રોજ 2 ગ્રામ ગળોસત્વ અને દોઢ ગ્રામ હળદર સાથે સાકર 3 ગ્રામ મેળવી મધ સાથે દિનમાં 2-3 વાર લેવાથી રાહત થાય છે. (13) સર્વ નેત્ર રોગમાં : ગાયના 1થી દોઢ ચમચી ઘીમાં દોઢ ગ્રામ ગળોસત્વ અને સાકર 2 ગ્રામ કે મધ 1 ચમચી મેળવી સવાર-સાંજ ચાટવાથી આંખના રોગ મટે છે. (14) વાળ કાળા કરવા માટે : નાની વયે ગરમીથી થયેલા સફેદ વાળના દર્દી જો 2 ગ્રામ ગળોસત્વ, 2 ગ્રામ ત્રિફળા અને 2 ગ્રામ ભાંગરાના ચૂર્ણને રોજ બે વાર પાણી કે ઘી સાથે લે તો વાળ કાળા ઊગે.
મધુકાન્ત ભગવાનજી પંડ્યા
બળદેવપ્રસાદ પનારા