ગુડિયાટ્ટમ : તામિલનાડુ રાજ્યની છેક ઉત્તર સીમા પાસે વેલ્લોર જિલ્લામાં આશરે 12° 58´ ઉ. અક્ષાંશવૃત્ત અને 78° 53´ પૂ. રેખાંશવૃત્ત પર આવેલું શહેર. તે ચેન્નાઈ શહેરથી લગભગ 170 કિમી. દૂર પશ્ચિમમાં સમુદ્રસપાટીથી આશરે 150થી 300 મી. ઊંચાઈ ધરાવતા પ્રદેશમાં આવેલું સ્થાનિક બજારકેન્દ્ર છે. તેની દક્ષિણેથી પાલાર નદી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે. તે ચેન્નાઈ ઉપરાંત તેની આસપાસનાં અગત્યનાં શહેરો સાથે સડકમાર્ગે સંકળાયેલું છે. વળી આ શહેરથી આશરે 8 કિમી. દૂર દક્ષિણમાં ચેન્નાઈથી સાલેમને જોડતો રેલમાર્ગ તથા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે. આ શહેરની વસ્તી આશરે 1,78,000 (2025) છે.

બીજલ પરમાર