ગુજરાત વેપારી મહામંડળ (Gujarat Chamber of Commerce & Industry) : ગુજરાત રાજ્યનાં ઉદ્યોગ તથા વ્યાપારનાં હિતોનું પ્રતિનિધિત્વ કરતી મધ્યવર્તી સંસ્થા. તેની સ્થાપના ફેબ્રુઆરી 1949માં થઈ હતી. 1948–49 દરમિયાન અમદાવાદ નગરના વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રના કેટલાક અગ્રણીઓ સારાભાઈ છોટાલાલ કાશીપારેખ, ગિરધરલાલ દામોદરદાસ, ભોગીલાલ સુતરિયા અને આનંદી ઠાકોરના પ્રયાસને પરિણામે આ સંસ્થા સ્થપાઈ. તેના પ્રથમ પ્રમુખ તરીકે કસ્તૂરભાઈ લાલભાઈ અને ઉપપ્રમુખ તરીકે અમૃતલાલ હરગોવનદાસની વરણી થઈ હતી. અમૃતલાલ હરગોવનદાસ સંસ્થાની બંધારણ સમિતિના પ્રમુખ ચૂંટાયા હતા. આશરે 250 સભ્યસંખ્યા સાથે શરૂ થયેલી આ સંસ્થાના સભ્યપદના પટલ પર 1990માં આશરે 5447 સભ્યો હતા, જેમાં 4459 પેઢીઓ, 568 વ્યાપાર-ઉદ્યોગની સંસ્થાઓ અને બાકીની કંપનીઓનો સમાવેશ થતો હતો. હવે તેના સભ્યોની યાદીમાં ગુજરાત રાજ્યની યાદીમાં વ્યાપાર-વાણિજ્ય-ઉદ્યોગ ક્ષેત્રે કાર્ય કરતી આ પ્રકારની બધી સંસ્થાઓ તથા કંપનીઓનો સમાવેશ થાય છે.
સંસ્થાના ઉદ્દેશોમાં (1) વ્યાપાર, વાણિજ્ય તથા ઉદ્યોગોનાં હિતોનું રક્ષણ કરવું, (2) વ્યાપાર તથા ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન આપવું, (3) વ્યાપાર તથા ઉદ્યોગોને સ્પર્શતી સમસ્યાઓ અંગે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર તથા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ સમક્ષ રજૂઆત કરવી વગેરેનો સમાવેશ થાય છે.
આ સંસ્થા દેશની મહત્વની મધ્યવર્તી સંસ્થાઓ સાથે સંલગ્ન છે જેમાં ફેડરેશન ઑવ્ ઇન્ડિયન ચેમ્બર્સ ઑવ્ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝ (FICCI), ઇન્ડિયન નૅશનલ કમિટી ઑવ્ ઇન્ટરનૅશનલ ચેમ્બર ઑવ્ કૉમર્સ (ICC), ઑલ ઇન્ડિયા ઑર્ગેનાઇઝેશન ઑવ્ એમ્પ્લૉયર્સ (AIOE) તથા ઇન્ડિયન સ્ટૅન્ડર્ડ્ઝ ઇન્સ્ટિટ્યૂટનો સમાવેશ થાય છે.
1949–62 દરમિયાન આ સંસ્થા મસ્કતી મહાજન, કાળુપુર ખાતે તથા તે પછી ‘ગુજરાત સમાચાર’ દૈનિકના ખાનપુર ખાતેના મકાનમાં બેસતી હતી. 1962થી તે આશ્રમ રોડ, અમદાવાદ ખાતેના પોતાના વિશાળ મકાનમાં કાર્ય કરે છે. 1971માં તેની પાછળની જમીન પર તેનો વિસ્તાર કરીને વધારાનું બાંધકામ કરેલું છે. અમદાવાદ શહેરના મધ્યવિસ્તારમાં આ સંસ્થા આવેલી હોવાથી તેના મધ્યસ્થ સભાખંડનો ઉપયોગ આ સંસ્થાના પોતાના કાર્યક્રમો ઉપરાંત નગરની અન્ય જાહેર સંસ્થાઓ સભાઓ, ચર્ચાપરિષદો, પરિસંવાદો તથા સંમેલનો જેવા કાર્યક્રમો માટે અવારનવાર કરે છે. આમ, આ સંસ્થા અન્ય જાહેર સંસ્થાઓને પણ ઉપયોગી નીવડે છે.
મધ્યસ્થ ખંડ, સેમિનાર ખંડ, ઉપભવન તથા આજુબાજુની વિશાળ ખુલ્લી જમીન ઉપરાંત સંસ્થાની મુખ્ય ઇમારતના પ્રથમ માળ પર તેનું કાર્યાલય તથા વિશાળ ગ્રંથાલય અને વાચનાલય છે, જે વ્યાપાર, વાણિજ્ય, ઉદ્યોગના ક્ષેત્રે સંશોધન કરનારાઓને ઉપયોગી નીવડે છે.
સરકાર તથા સ્થાનિક સંસ્થાઓ સમક્ષ વ્યાપાર, વાણિજ્ય તથા ઉદ્યોગ ક્ષેત્રની સમસ્યાઓની રજૂઆત કરવા માટે આ સંસ્થા પત્રવ્યવહાર ઉપરાંત લેખિત નિવેદનો, મુલાકાતો, જાહેર સભા-સંમેલનો, અધિવેશનો તથા પરિસંવાદોનું આયોજન કરે છે અને તે દ્વારા તે ક્ષેત્રોનાં હિતોનું રક્ષણ કરવા સતત પ્રયત્નશીલ હોય છે. સંસ્થાની એક માસિક પત્રિકા પણ પ્રકાશિત કરવામાં આવે છે.
અમદાવાદ શહેરમાં આ સંસ્થાની સ્થાપનાને અનુષંગે બીજી અનેક મહત્વની સંસ્થાઓ સ્થપાઈ છે તથા તેમની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળ્યું છે. દા.ત., વેપારી મહામંડળ સહકારી ઔદ્યોગિક વસાહત, સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇકૉનૉમિક ઍન્ડ સોશિયલ રિસર્ચ, સંકટનિવારણ સોસાયટી, સ્મૉલ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન વગેરે.
ગુજરાત રાજ્યના તથા દેશના વિકાસમાં ફાળો આપતી દરેક પ્રવૃત્તિમાં આ સંસ્થાએ સક્રિય રસ દાખવ્યો છે. દા.ત., ઔદ્યોગિક વસાહતો, ઇન્ડિયન ઇન્ફર્મેશન સેન્ટર, કંડલા મુક્ત વ્યાપાર ઝોન, તારાપુર ખાતે અણુશક્તિ મથક, નર્મદા યોજના પ્રકલ્પ, અમદાવાદ શહેરમાં ઑલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન, અદ્યતન રેલવે સ્ટેશન વગેરે. રાજ્ય પર તથા દેશ પર જ્યારે જ્યારે કુદરતી આફતો આવી છે ત્યારે ત્યારે સંસ્થાએ રાહતકાર્યોનું સંયોજન કર્યું છે અને ફંડફાળો તથા અનાજ, કપડાં, દવાઓ જેવી વસ્તુઓ અસરગ્રસ્ત વિસ્તારોને પહોંચાડી છે. દેશ પર વિદેશી આક્રમણો થયાં ત્યારે પણ સંસ્થાએ દેશ પ્રત્યેની વફાદારી તથા ફરજો અદા કરી છે.
કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની ઘણી સલાહકાર સમિતિઓ પર સંસ્થાને વખતોવખત પ્રતિનિધિત્વ મળતું રહ્યું છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે