ગુજરાત ફૉરેસ્ટ રેન્જર્સ કૉલેજ, રાજપીપળા
February, 2011
ગુજરાત ફૉરેસ્ટ રેન્જર્સ કૉલેજ, રાજપીપળા : વનવિસ્તારના અધિકારીઓની તાલીમ માટેની સરકાર હસ્તકની સંસ્થા. વનવિસ્તારની તાંત્રિક વ્યવસ્થામાં વનખંડ અધિકારીઓ (rangers) ઘણી અગત્યની ભૂમિકા ભજવતા હોય છે. તેઓ વનસંરક્ષણમાં, વનવિકાસનાં કામોમાં તેમજ વનવિસ્તરણ માટેની વિવિધ પ્રક્રિયાઓમાં વન અંગેનાં કામો પરની ક્ષેત્રીય કક્ષાની દેખરેખ, તેની તાંત્રિક ચકાસણી, માપચકાસણી, તે માટેની નાણાકીય ચુકવણી, હિસાબી કામકાજ તેમજ રોજબરોજના પત્રવ્યવહાર માટે અગત્યની કામગીરી બજાવતા હોય છે. આ અધિકારીઓને અસરકારક કામગીરી બજાવવા માટે વનવૃક્ષવિજ્ઞાન (silviculture), વનમાપણી વિજ્ઞાન (forest mensuration), વનસ્પતિશાસ્ત્ર (botany), વનવ્યવસ્થા (forest management), ભૂમિવિજ્ઞાન (soil science), ભૂસ્તરશાસ્ત્ર (geology), વનસંરક્ષણ અને અધિનિયમ (forest protection and law) વગેરે વિષયોનું જ્ઞાન હોવું જરૂરી છે.
સામાન્ય રીતે વનવ્યવસ્થાને લગતી ઉચ્ચ તાલીમ માટે ભારત સરકાર જ પ્રબંધ કરતી હોય છે અને તે પ્રમાણે મદદનીશ વનસંરક્ષકો તથા વનખંડ અધિકારીઓ માટેની તાલીમ વ્યવસ્થા કેન્દ્ર સરકાર હસ્તક રખાયેલ, જ્યારે વનરક્ષક (forest guard) અને વનપાલ (forester) કક્ષાના કર્મચારીઓ માટેની તાલીમવ્યવસ્થા રાજ્ય સરકાર હસ્તક રખાયેલ હતી. દસબાર વર્ષ પહેલાં સામાજિક વનનિર્માણ(social forestry)નો પ્રસાર વધારવા દેશભરમાં જે ઝુંબેશ શરૂ કરાઈ તેમાં તાલીમ પામેલ અધિકારીઓ તેમજ કર્મચારીઓની માગ ઘણી વધી જતાં કેન્દ્ર સરકારે વનખંડ કક્ષાના અધિકારીઓની તાલીમની જવાબદારી પણ રાજ્ય સરકારોને સુપરત કરતાં ગુજરાત રાજ્યમાં 1979થી વનખંડ અધિકારીની તાલીમ માટે રાજપીપળા ખાતે રેન્જર્સ કૉલેજ શરૂ કરી, જેને ગુજરાત ફૉરેસ્ટ રેન્જર્સ કૉલેજ, રાજપીપળા એવું નામ અપાયું. આ કૉલેજમાં તાલીમાર્થીઓને રહેવા માટે છાત્રાલયની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. વળી તાલીમ દરમિયાન રમતગમત, અંગકસરત, શસ્ત્રવિદ્યા વગેરે પર પણ ધ્યાન અપાય છે.
ઉક્ત કૉલેજને વનખંડ અધિકારીઓની તાલીમ માટે હાલ પ્રતિવર્ષ એકંદરે 40 તાલીમાર્થીઓ માટે અધિકૃત કરવામાં આવેલ છે તેમાં 60 % જેટલી બેઠકો ગુજરાત રાજ્યના તાલીમાર્થીઓ માટે અને 40 % જેટલી બેઠકો કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ મંત્રાલય હેઠળના વનવિદ્યાનિયામકની ગોઠવણ પ્રમાણે ઇતર રાજ્યોમાંથી પસંદ કરાયેલ તાલીમાર્થીઓ માટે રાખવાની હોય છે.
અગાઉ જણાવ્યા પ્રમાણે વનખંડ અધિકારીઓની તાલીમ 1979 પહેલાં બે વર્ષના ગાળાની હતી જ્યારે 1979થી વિજ્ઞાનપ્રવાહના સ્નાતક કક્ષાના તાલીમાર્થીઓને પસંદ કરીને તેમને ફક્ત એક જ વર્ષની તાલીમ આપવાનું નક્કી થયેલ છે, જેથી વનખંડ અધિકારીઓ માટેની વધેલી માગ ઝડપથી પૂરી કરવાનું શક્ય બને. હવે એપ્રિલ 1991થી આ તાલીમ ફરીને બે વર્ષના ગાળાની કરાઈ છે. જોકે વિજ્ઞાન કક્ષાના સ્નાતકને જ રાજ્ય જાહેર સેવા આયોગ દ્વારા પસંદ કરીને આ તાલીમમાં મોકલવાનું ધોરણ યથાવત્ રખાયેલ છે.
વનખંડ અધિકારીની તાલીમ માટેની આ કૉલેજમાં અપાતી તાલીમમાં તાંત્રિક શિક્ષણના વિકાસ ઉપરાંત શારીરિક વિકાસ તથા રમતગમતને પણ મહત્વ અપાય છે. એકંદરે 16 વિષયો શીખવવા ઉપરાંત તાલીમાર્થીઓને વિવિધ રાજ્યોમાંનાં વનો અંગેનો અનુભવ પણ મળે તે માટે તેમને ગુજરાતનાં વનો ઉપરાંત આસપાસનાં ચારપાંચ રાજ્યનાં વનો તેમજ વનની ઊપજ પર આધારિત ઉદ્યોગો જોવા પણ લઈ જવામાં આવે છે. આ કૉલેજમાં અપાતી તાલીમ માટે કૉલેજના નિયત અધિકારીઓ ઉપરાંત વિવિધ વિષયોમાં બહોળો અનુભવ ધરાવતા નિષ્ણાતોની સેવાનો પણ લાભ લેવામાં આવે છે. આ કૉલેજની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીમાં 400 ઉપરાંત વનખંડ અધિકારીઓને તાલીમ આપવામાં આવી છે. આ ઉપરાંત અહીં વનવિદ્યા અંગેના ઓપવર્ગો તથા ટૂંકા તાલીમવર્ગોમાં વનઅધિકારીઓ તેમજ અન્ય અધિકારીઓને તાલીમ આપવાની વ્યવસ્થા છે જેનો વનવિભાગ ઉપરાંત ગ્રામવિકાસ વિભાગ, ભૂમિવિકાસ વિભાગ, ઊર્જાવિકાસ સંસ્થા, બૅન્કો વગેરે લાભ લેતાં રહે છે.
મૃગેન્દ્ર વૈષ્ણવ