ગુજરાતી ગદ્ય : ગુજરાતી ગદ્ય મધ્યકાલીન તેમજ અર્વાચીન સ્વરૂપે ઉદભવ્યું અને લલિત-લલિતેતર એવી બે તરાહ(pattern)માં વિકસ્યું. ગુજરાતી ગદ્યનો આરંભ તેરમી સદીમાં જૈન સારસ્વતોએ ધર્મનીતિ પ્રબોધવા નિમિત્તે કર્યો. ત્યારથી લગભગ 1850 સુધીમાં ખેડાયેલું ઉપલબ્ધ મધ્યકાલીન ગદ્ય મુખ્યત્વે ‘બાલાવબોધ’ કે ‘સ્તબક’, ‘ઔક્તિક’ અને ‘વર્ણક’ પ્રકારોમાં ખેડાયું, જે બહુધા શુષ્ક, રૂઢ અને અણઘડ હતું. સાહિત્યિક ર્દષ્ટિએ નોંધપાત્ર ‘પૃથ્વીચંદ્રચરિત’(1422)નું ગદ્ય કર્ણરંજક પ્રાસાનુપ્રાસને કારણે ‘પદ્યકલ્પ’ ગદ્ય કહેવાય તેવું છે, જેમાં પદ્યાનુસારી લયથી કેવળ વર્ણન-અંશને ખીલવવાનો પ્રયત્ન છે. મધ્યકાળના અંતભાગનું સ્વામી સહજાનંદના ‘વચનામૃત’(1820–24)નું ગદ્ય મધ્યકાલીન પદ્યસંસ્કારોથી મુક્ત બની સાદું, સૂત્રાત્મક, અલંકારરહિત અને સ્પષ્ટ રીતિનું બને છે. ગદ્યમાં વિચાર, સીધા કથનનો પ્રભાવ અને અર્વાચીન ભાષાસ્વરૂપના આવિષ્કારથી તે અર્વાચીન ગદ્યની દિશા ઉઘાડે છે. ‘પૃથ્વીચંદ્રચરિત’ પછીનું જૂના ગદ્યનું તે બીજું સીમાચિહન છે.
પ્રબોધકાળમાં સાંસ્કારિક આંદોલનો, પશ્ચિમનાં ભાષા-સાહિત્ય-સંસ્કૃતિની અસરો, નવી શિક્ષણપ્રણાલી, મુદ્રણયંત્રોની મદદ, સામયિકો-વર્તમાનપત્રોનો પ્રચાર-પ્રસાર ગદ્યને લોકસંપર્ક તેમજ વિચાર-અભિવ્યક્તિના પ્રબળ માધ્યમ રૂપે સ્થાપે છે. પ્રબોધકાળનું ગદ્ય સમાજસુધારાના વિચારો રજૂ કરવા વિષયોચિત અભિવ્યક્તિ અર્થે અંગ્રેજી ગદ્યની વિરામચિહન અને પરિચ્છેદ (paragraphs) રૂપની વ્યવસ્થા, અંગ્રેજીના પર્યાયરૂપ શબ્દો, વાક્યરચના, વાક્યમરોડ, કંડિકા, અલંકાર જેવાં ઉપકરણો આત્મસાત્ કરીને અર્વાચીન સ્વરૂપ ધારણ કરવા લાગે છે. અર્વાચીન ગદ્યનાં પ્રથમ ચિહનો રણછોડભાઈ ગિરધરભાઈનાં પાઠ્યપુસ્તકોની બોધકથાઓમાં વરતાય છે. ત્યારબાદ દુર્ગારામની માનવધર્મસભાની નોંધોમાં વિચારસ્પર્શ પામતું, દલપતરામના નિબંધોમાં વ્યવહારુ ભાષામાં પલોટાતું, નર્મદના નિબંધો-વ્યાખ્યાનોમાં તેનું અર્વાચીન રૂપ સ્પષ્ટ આકાર ધારણ કરી લે છે. ‘મંડળી મળવાથી થતા લાભ’ એ નર્મદના પહેલા વ્યાખ્યાન અને ગુજરાતી સાહિત્યની પ્રથમ નિબંધરચનાથી અર્વાચીન ગદ્યનો આરંભ થયો લેખી શકાય. સમયર્દષ્ટિએ નહિ પરંતુ સાહિત્યિક ર્દષ્ટિએ અર્વાચીન ગદ્યનો પિતા નર્મદ ઠરે છે. નર્મદના સમકાલીનોમાં કરસનદાસ મૂળજી, મહીપતરામ, હરગોવિંદદાસ કાંટાવાળા, રણછોડભાઈ ઉદયરામ, મન:સુખરામ આદિએ ગદ્યને નવલકથા, નિબંધ, પ્રવાસવર્ણન, ચરિત્ર, નાટક જેવાં સ્વરૂપો(genres)માં પ્રયોજ્યું; પરંતુ બોલાય તેવું જ લખાય એવી સમજને પરિણામે તેમાં ગ્રામ્યતા, શિથિલતા અને અણઘડતાના દોષો રહેવા પામ્યા. નર્મદના નિબંધોમાં શિષ્ટતા, વ્યવસ્થિતતા, વિષયોચિત ભાષાબળ અને શૈલીની કક્ષા ગદ્યમાં પહેલપ્રથમ સિદ્ધ થાય છે. વિષયને અસરકારક બનાવવામાં પ્રત્યક્ષ ઉદબોધન, પ્રશ્ન, ચેતવણી, સમજાવટ, દલીલ જેવી ઘણી ભાવછટાઓ લયબંધમાં રસાઈને નિબંધકારના વ્યક્તિત્વથી ગદ્યને સજીવ બનાવે છે. વક્તવ્યને સચોટ બનાવવામાં બોલચાલની ભાષાનો મરોડ, કહેવતો, રૂઢિપ્રયોગો, સંસ્કૃત અને ફારસી શબ્દો, અંગ્રેજીના પર્યાયરૂપ શબ્દો જેવી સામગ્રી ઘણી ઉપયોગી થાય છે. ગદ્યમાં તે ઓતપ્રોત બનીને અભિવ્યક્તિનું રૂપ ઘડે છે. સચોટતા, ગૌરવ, ચિત્રાત્મકતા, રૂપક–સજીવારોપણથી સધાતી પ્રત્યક્ષતા પણ નર્મદના ગદ્યમાં જણાય છે. ‘સ્પેક્ટેટર’ની પ્રેરણાથી શરૂ થયેલ ‘ડાંડિયો’(1864)માં શબ્દરમત, વાર્તાલાપી છટાઓ, પ્રસંગચિત્રો, પ્રત્યક્ષ ઉદબોધન, અનૌપચારિક વાગ્ભંગિઓ જેવી લોકભોગ્ય પ્રયુક્તિઓથી સામયિક નિબંધ(periodical essay)નો આરંભ થયો; તો સાથે જ જોમ, તાર્દશતા, સચોટતા જેવાં લક્ષણોથી રસળતી શૈલીનો આવિષ્કાર થયો. સાહિત્યના વિવરણાત્મક ગદ્ય(explanatory prose)માં અર્થવાહી મરોડ, વિશદતા, સુર્દઢ વાક્યબંધ, અર્થાનુકૂલ ધીરગંભીર પ્રવાહિતા, વક્તવ્યને અનુરૂપ શબ્દપસંદગી જેવાં લક્ષણોથી અભિવ્યક્તિની સમતુલા અને ભારક્ષમતા નવલરામે દાખવી. અંગ્રેજીના પર્યાયરૂપ વિવેચનની પરિભાષાનું ઘડતર પણ તેઓ કરતા રહે છે.
સર્જનાત્મક ગદ્ય(creative prose)ની કેટલીક ખાસિયતો બતાવતો ગુજરાતી નિબંધ કથાસ્વરૂપમાં એક પગલું આગળ વધે છે. ‘કરણઘેલો’ (1866) ચિત્રાત્મક, કલ્પનાપ્રેરિત અને રસાળ ગદ્યનો પ્રથમ ઉન્મેષ છે. મૅકૉલેની અસર દાખવતા, વાક્છટાવાળા આ ગદ્યમાં વર્ણનોને ખીલવવાનો પ્રયત્ન છે. પ્રબોધકાળમાં બહુશ્રુતતા ને સંસ્કૃત-પ્રાચુર્યના સંસ્કારોથી એક તરફ અતિશિષ્ટ ને આડંબરી બની જતું મન:સુખરામનું શિષ્ટ શૈલીનું વલણ, તો બીજી તરફ કાંટાવાળા ને દલપતરામનું સામાન્યતામાં સરી પડતું વ્યવહારુ શૈલીનું વલણ : બંને રીતે ગદ્ય પલોટાયું છે. પારસી શૈલીએ પણ ગદ્યના ઊગમકાળે નાટક-નવલકથામાં, વિશેષે હાસ્યનિરૂપણમાં ગદ્યને પલોટ્યું છે.
સાક્ષરયુગનું ગદ્ય સંસ્કૃત અને અંગ્રેજીના અભ્યાસી, શાસ્ત્રીયતાના આગ્રહી વ્યુત્પન્ન પંડિતોને હાથે ધર્મ, સંસાર, રાજ્ય, સાહિત્યના મૂળગામી પ્રશ્નોને અખિલાઈથી તપાસવા-નિરૂપવા પ્રયોજાયું છે. ચિંતનાત્મક ગદ્ય(reflective prose)નાં વસ્તુ તેમજ શૈલી-અભિવ્યક્તિની સમૃદ્ધિ સહજપણે આ યુગમાં વિશેષ પ્રગટ થાય છે. ચિંતનને અખિલાઈથી વ્યક્ત કરવા માટે સંસ્કૃતમય ભાષાસમૃદ્ધિ, પશ્ચિમના ગદ્યસ્વામીઓના ગદ્યસંસ્કારો-ઉપકરણો તેમજ તળપદી ભાષાસંપત્તિને ગોવર્ધનરામ, મણિલાલ, નરસિંહરાવ અને બ. ક. ઠાકોર જેવા ગદ્યકારોએ આત્મસાત્ કરી આપીને ગદ્યની અભિવ્યક્તિક્ષમતા વિકસાવી. ‘સાક્ષરજીવન’(1919)માં થયેલ ઉચ્ચ પાંડિત્ય ને તર્કની સુશ્લિષ્ટ અભિવ્યક્તિમાં ગદ્યનો સંસ્કૃતમય, દીર્ઘસમાસયુક્ત ને વિશિષ્ટ પરિભાષામય ચુસ્ત શાસ્ત્રીય આવિષ્કાર થયો છે. ‘સુદર્શનગદ્યાવલિ’(1919)માં ધર્મ, ગૃહ, રાજ્ય આદિ તમામ ક્ષેત્રના વિષયોની તત્વચર્ચા ને સિદ્ધાંતનિરૂપણમાં સ્વસ્થતા, ગૌરવ અને ઊંડી પર્યેષકતા સાથે ગદ્ય સંપૂર્ણ ગુજરાતી અધ્યાસવાળું, પ્રૌઢ તેમજ ઉષ્માસભર બન્યું છે. નિબંધમાં વિષયના સુર્દઢ ગ્રથન ને નિરૂપણથી તેમજ ‘પ્રિયંવદા’ અને ‘સુદર્શન’માં ચાલેલા વિવાદો દ્વારા મણિલાલે ગદ્યને શાસ્ત્રીય ચર્ચા માટે પલોટ્યું. રમણભાઈએ તર્કબદ્ધતાનો સ્પર્શ આપી ગદ્યને દલીલપૂર્ણ (argumentative) બનાવ્યું. મણિલાલ અને આનંદશંકર સુધીમાં ચિંતનાત્મક ગદ્ય પ્રાસાદિકપણે વ્યક્ત થવાની ક્ષમતા ધારણ કરી લે છે. ચિંતન-સર્જનમાં વ્યક્તિત્વદ્યોતક વિશિષ્ટ શૈલી-આવિષ્કારો થયા. ગોવર્ધનરામ, મણિલાલ, બ. ક. ઠાકોર આદિની શૈલી આ ર્દષ્ટિએ પરસ્પરથી વિલક્ષણ છે. ગોવર્ધનરામ અને ઠાકોરની દીર્ઘવાક્યયુક્ત શૈલીઓનો વેગ મંદ છે. ઠાકોર ગદ્યને અર્થઘન ને અખિલાઈયુક્ત બનાવવા જતાં સંકુલ ને દુર્બોધ બનાવી દે છે; આમ છતાં વિલક્ષણ વ્યક્તિછટાઓ વિકસાવતા અનુનેય (flexible) રચનાબંધનો એ લાક્ષણિક નમૂનો છે. બહુશ્રુતતા, જ્ઞાનપૂર્ણ સમાલોચના, સર્વાંગીણ તત્વનિષ્ઠા, સંસ્કૃતાદિ ગ્રંથોનાં અવતરણોથી સધાતી પ્રમાણભૂતતા, વિચારોને સુર્દઢપણે ઝીલીને સુસંકલિતપણે વિકસાવતા સુબદ્ધ ગદ્યખંડો, ઉપમા-રૂપકરીતિનો વિનિયોગ જેવાં લક્ષણો મન:સુખરામથી ઉત્તમલાલ ત્રિવેદી અને નર્મદાશંકર દે. મહેતા સુધીના ચિંતનાત્મક ગદ્યમાં એક યા બીજા સ્વરૂપે કળાય છે.
ગદ્યમાં અધ્યાત્મપ્રદેશની અનુભૂતિનો આવિષ્કાર સાધતાં વ્યક્તિત્વ ને વક્તવ્યદ્યોતક વિવિધ શૈલીઓ પણ કેટલાકે નિપજાવી છે. ભાવોદ્રેક ને તદ્રૂપતામાંથી સર્જાતો નિજી લય; શિષ્ટ, તળપદા ને પારિભાષિક શબ્દોનું અભિવ્યક્તિમાં યથાનુરૂપ ગ્રહણ તેમજ યથાર્થ લઢણોમાંથી નીપજતા બલિષ્ઠ પોતવાળું શ્રીમદ્ રાજચંદ્રનું ગદ્ય; સુર્દઢ કસાયેલા વક્તાની છાપ પાડતી વિશ્વવંદ્યની શૈલી; વાક્છટાસભર ને ક્રાંતિકારી અભિનિવેશથી સચોટ ને ઉત્કટતાની કક્ષાઓ દાખવતી વા. મો. શાહની શૈલી અધ્યાત્મચિંતનની કેટલીક લાક્ષણિક મુદ્રાઓ ઉપસાવે છે.
કાન્ત-કલાપીએ પત્ર અને સંવાદમાં આત્મલક્ષી-પરલક્ષી અભિવ્યક્તિને સરળતા, ઊર્મિલતા, ઋજુતા, અરબી-ફારસીની છટા આદિનો સ્પર્શ આપ્યો. ‘કાશ્મીરનો પ્રવાસ’ (1912)ની સૌંદર્યદર્શનના વિસ્મયને ઊર્મિરસિત, સુરેખ વર્ણનોમાં કંડારતી શૈલી, અંગ્રેજી-સંસ્કૃતની અસર રૂપે ક્યાંક દેખાતી કૃતકતાને બાદ કરતાં, આસ્વાદ્ય બને છે. ‘સિદ્ધાંતસારનું અવલોકન’(1920)ની તર્કપાટવ, વિનોદવૃત્તિ ને કટાક્ષકલાના સંયોજનરૂપ શૈલી વિલક્ષણ છે; તો નરસિંહરાવની ‘વિવર્તલીલા’(1933)માં ત્રુટક લાગતું ચિંતન ક્વચિત્ લાલિત્યમય બનીને રસળતી શૈલીના ર્દષ્ટાંતરૂપ બને છે. ઊર્મિ અને ભાવનાની અભિવ્યક્તિ માટે કલ્પનોડ્ડયનમાં રાચતું ન્હાનાલાલનું પદ્યગંધી ગદ્ય (‘ડોલનશૈલી’થી અતિરિક્ત) રંગદર્શિતાનું જાણે એક શિખર રચે છે.
સર્જનાત્મક ગદ્યની અનેકવિધ સિદ્ધિઓ કથન, વર્ણન, ચિંતન ને સંવાદ રૂપે ‘સરસ્વતીચંદ્ર’ નવલકથામાં જોઈ શકાય છે. ગદ્યના પ્રયોજનને અનુરૂપ સંસ્કૃતમય અને તળપદી ભાષાસામગ્રીનો એ ગદ્યમાં સાહજિક વિનિયોગ થાય છે. અલંકારસમૃદ્ધિ, ભાવાનુકૂળ આરોહ-અવરોહ અને યથાવશ્યક સૂત્રાત્મક અને/અથવા દીર્ઘ વાક્યકલાપ ગોવર્ધનગદ્યના આસ્વાદ્ય અંશો છે. વર્ણનો ઇન્દ્રિયસંતર્પક અને કથનો રસયુક્ત બની રહે એવી માવજત ‘સરસ્વતીચંદ્ર’ના ગદ્યને સર્જનાત્મક ગદ્ય ઠેરવે છે. ‘ભદ્રંભદ્ર’(1900)માં ગદ્ય પાત્રસર્જનમાં ઉપહાસ(parody)ની રીતે પ્રયોજાયેલું છે; જે શબ્દાળુતા, શબ્દાડંબર, અલંકારવૈવિધ્ય ને વૈચિત્ર્ય, વ્યંગકટાક્ષ, સંસ્કૃતપ્રચુરતા, સામાસિકતા, વિલક્ષણ શબ્દઘડતર જેવાં ઓજારોથી હળવી કથનકલાનું સર્જન કરે છે.
ભોગીન્દ્રરાવ સુધીમાં નવલકથાનું ગદ્ય યથોચિત સંવાદો ગ્રહી ભાવવાહી, હૃદયસ્પર્શી તથા સરળ રીતિનું બની નવલકથાને રસિક બનાવે તેવી સ્વરૂપગત યોગ્યતા કેળવે છે. જયેન્દ્રરાવ દૂરકાળ અને અતિસુખશંકર નિબંધનાં વસ્તુ તેમજ નિરૂપણરીતિમાં પલટો લાવી વ્યક્તિત્વના રસલક્ષી આવિષ્કરણ દ્વારા લલિત નિબંધની ભૂમિકા રચે છે. ‘રાઈનો પર્વત’(1913)ના દીર્ઘસૂત્રી અને પાંડિત્યમય ભાષાવાળા સંવાદોને સ્થાને નાટકનાં વસ્તુ, પાત્ર, રસ અને ક્રિયાને અનુલક્ષીને સંવાદની સ્વાભાવિકતા ને યથાર્થતા ડાહ્યાભાઈ ધોળશાજીએ પ્રથમ વાર સિદ્ધ કરી. તેમના નાટ્યગદ્યની ખૂબીઓ – પાત્રભેદે ભાષાભેદના વલણથી આગળ વધી ભાષાભેદે ચરિત્રનો ઉઠાવ, મનોભાવ તેમજ ક્રિયાને સહજપણે ને જીવંતતાથી પ્રગટ કરે તેવી પાત્રના વ્યક્તિત્વમાં ભાષાની સમરસતા, નાદતત્ત્વની સૂઝવાળા પ્રાસપ્રયોગો, મનોભાવની અલંકારમિશ્રિત અભિવ્યક્તિ, ભાવ-અંતર્ભાવ(action-interaction)થી સધાતો ક્રિયાવેગ; તળપદી, શિષ્ટ, સંસ્કૃતમય એવી ભાષાતરાહોમાંથી ઉદભવતી, સાહિત્યિક નાટકોના ગદ્યથી નિરાળી સંવાદ-અભિનયક્ષમતા – એ સૌ લાક્ષણિકતાઓ ‘ભટ્ટનું ભોપાળું’ (1867) અને ‘મિથ્યાભિમાન’(1871)ની હળવી શૈલી પછીનો બહુવિધ વિકાસ દર્શાવે છે.
ગાંધીવિચાર તેમજ ગાંધીજીની વસ્તુનિષ્ઠ શૈલી ગદ્યના સ્થિત્યંતરનું અગત્યનું પરિબળ નીવડ્યું. ગાંધીજીએ ગદ્યને સાહિત્યિક અધ્યાસોથી મુક્ત કરી સાદું, સરળ, સાત્વિક, સ્વાભાવિક અને અર્થલક્ષી બનાવ્યું. સમાજલક્ષી અભિગમ સાથે અભિવ્યક્તિમાં ઘરગથ્થુ કહેવતો, શબ્દો, રૂઢિપ્રયોગો તેમજ લોકભાષાના જીવંત સ્પર્શથી તેમણે ભાષાની ગુંજાશ વધારીને ગદ્યને સર્વભોગ્ય બનાવ્યું. મહાદેવભાઈની પારદર્શી ગદ્યશૈલી, મશરૂવાળાની તત્વાન્વેષી પૃથક્કરણપટુ ને વૈજ્ઞાનિક ઢબની શૈલી, રા. વિ. પાઠકની તર્કશુદ્ધ, સ્વસ્થ, સ્વાભાવિક ને આત્મીય શૈલી કે કાકાસાહેબની સંસ્કૃત ગરિમા દાખવતી લલિત ગૌરવાન્વિત શૈલી ગાંધીશાસનના ગદ્યની વિશિષ્ટ ભાત ઉપસાવે છે.
ગાંધીયુગની સમાન્તરે મુનશીએ કલાપરક અભિગમ પર ભાર મૂક્યો. ર. વ. દેસાઈનું સંવેદનશીલ ગદ્ય તો ઠીક ઠીક પ્રતિષ્ઠિત રહી શક્યું. મુનશીએ નાટકોમાં સંવાદને સાહિત્યિક અધ્યાસવાળા તેમજ નાટ્યાત્મક એમ દ્વિપરિમાણી બનાવી તેમાં રંગદર્શિતા તેમજ બૌદ્ધિકતાનું સંયોજન કર્યું; જ્યારે નવલકથામાં પાત્ર, પ્રસંગ, મનોભાવ, ક્રિયાદિને ઉચિત વેધક, ચોટદાર, ક્રિયાપ્રતિક્રિયાત્મક ને ગતિશીલ સંવાદોની અસરકારકતા કથાસંદર્ભે સિદ્ધ કરી. કથન-વર્ણનમાં સરસતા, સચોટતા, ભાવનાત્મક અપૂર્વતા, કાવ્યમયતા ને લયવૈવિધ્યથી તેમણે ગદ્યને રંગદર્શી બનાવ્યું. ઊર્મિની ઉત્કટતા, કલ્પનાની ભવ્યતા, ભાવનાપ્રીતિ, ગૌરવ ને ઉષ્માથી તેઓ ગદ્યને સર્જનાત્મક છટાવાળું બનાવે છે. ધૂમકેતુએ ભાવોદ્રેકવાળું ગદ્ય રચ્યું. પન્નાલાલે ગદ્યમાં સંવેદનની ગહરાઈ પ્રગટ કરી. પ્રવાસ-આત્મકથામાં ચંદ્રવદન વાતચીતના લહેકા, બોલચાલના રણકા, છોછ વિના સપાટે ચડ્યા તે શબ્દો, સેન્દ્રિયતા (sensuousness), ચિત્રાત્મકતા જેવાં ઉપકરણોથી વૈયક્તિકતાના સ્પર્શવાળો ગદ્યનો જીવંત પુદગલ રચી દે છે.
ઝવેરચંદ મેઘાણી, ચુનીલા મડિયા, પુષ્કર ચંદરવાકર, ગુણવંતરાય આચાર્ય જેવા સોરઠી લેખકોએ પ્રાદેશિકતાના ઘેરા રંગોથી ગદ્યને લોકબોલીના વૈભવવાળું, રંગદર્શી, ભાતીગળ ને બુલંદ રણકાવાળું બનાવ્યું. સોરઠી બોલીના બહુવિધ અંશોનો તેમણે સર્જનાત્મક વિનિયોગ કર્યો. મડિયાની પ્રહસનશૈલી, મેઘાણીની પત્રકાર-શૈલી ને ગુણવંતરાયની ઓજસયુક્ત ચિત્રાત્મક શૈલી તેમાં વિશિષ્ટ ભાત પાડે છે.
ટૂંકી વાર્તામાં કોયડા, કિસ્સા, ર્દષ્ટાંત, રૂપક, પરિસ્થિતિચિત્રો, ગદ્યકાવ્યની શૈલીથી માંડી ર્દશ્યશૈલીપ્રયોજના આદિથી દ્વિરેફે કથનરીતિને સમૃદ્ધ કરી. જયન્તિ દલાલમાં કટાક્ષ, માર્મિકતા ને ઉક્તિલાઘવ દાખવતી અર્થદ્યોતક અરૂઢ શૈલી, પ્રતીક, ચેતનાપ્રવાહ ને પુરાકલ્પન (myth) જેવાં લક્ષણો આધુનિકતાનો સંકેત આપે છે.
સ્વાતંત્ર્યોત્તર કાળમાં બનેલી કે બનતી ઘટનાઓ પરત્વે કટાક્ષડંખીલા કે નિર્દંશને ચમકાવતી નર્મમર્મરીતિના હાસ્યનિબંધો સર્જાયા. ધનસુખલાલ મહેતા, જ્યોતીન્દ્ર દવે, વિજયરાય વૈદ્ય, ગગનવિહારી મહેતા, બકુલ ત્રિપાઠી, વિનોદ ભટ્ટ, રતિલાલ બોરીસાગર આદિએ અત્યુક્તિ, અતિશયોક્તિ, શબ્દરમત, આડંબરી ભાષાનો પ્રયોગ, સંવાદચાતુર્ય, પ્રાસાનુપ્રાસ, અલંકારવૈશિષ્ટ્ય, વિચિત્ર શબ્દઘડતર કે સંયોજન જેવી પ્રયુક્તિઓથી કથા તેમજ નિબંધોમાં હળવી શૈલી વિકસાવી. ‘સ્મરણમુકુર’ (1926) પછી રેખાચિત્રોનું ગદ્ય સ્થૂળ શબ્દચિત્રોથી માંડી આંતરિક ચિત્રણમાં સૂક્ષ્મતા ધારતું વિકસતું રહ્યું છે.
સાહિત્યવિષયક લેખો, સમીક્ષાઓ, આસ્વાદ, વિવેચન, ચર્ચામાં ‘વસન્ત’, ‘બુદ્ધિપ્રકાશ’, ‘સ્વાધ્યાય’, ‘ઊર્મિ-નવરચના’, ‘ફાર્બસ સભા ત્રૈમાસિક, ‘સંસ્કૃતિ’, ‘કુમાર’, ‘અખંડ આનંદ’, ‘ઊહાપોહ’, ‘ભાષાવિમર્શ’, ‘કવિલોક’, ‘એતદ્’, ‘શબ્દસૃષ્ટિ’, ‘પરબ’, ‘ગદ્યપર્વ’ જેવાં સંખ્યાબંધ સામયિકોએ ગદ્યને ચિંતન-સર્જન-વિવેચન તથા પરિભાષામાં સમૃદ્ધ કર્યું છે.
સાતમા દાયકાથી ગુજરાતી ગદ્યે વિશ્વવ્યાપી આધુનિક વલણોની સર્વતોમુખી અસર હેઠળ મુખ્યત્વે પ્રયોગશીલ વલણો દાખવ્યાં. ‘જનાન્તિકે’(1965)થી નિબંધનું અને ‘ગૃહપ્રવેશ’ (1957), ‘છિન્નપત્ર’ (1965), ‘મરણોત્તર’ (1974) દ્વારા કથાસાહિત્યના ગદ્યની પરંપરાગત પરિપાટીનું, આંતરબાહ્ય અભિવ્યક્તિસ્વરૂપ, સમગ્ર (total) કલેવર બદલાયું. સુરેશ જોષીની ગદ્યને તર્કપૂર્ણ તથ્યની બરડતામાંથી મુક્ત કરવાની સંકલ્પના અને ઘટનાના તિરોધાન દ્વારા સર્જનપ્રક્રિયામાં ભાષાની વિધાયક શક્તિ તરીકેની પ્રસ્થાપના, ગદ્યને સંયત પ્રક્રિયા- (deescalating process)ના પરિણામ રૂપે માધ્યમની અન્ત:ક્ષમતા તાગવા પ્રેરે છે. સ્થૂળ ઘટના કે વાસ્તવના શબ્દાનુવાદને સ્થાને સૂક્ષ્મ-સંકુલ વાસ્તવનું પ્રત્યક્ષીકરણ, અનુભવનું કલ્પનોત્થ રૂપાંતર, આંતરચેતનાપ્રવાહનું નિરૂપણ, સંવેદનાનો સાક્ષાત્કાર કરાવતો ઇન્દ્રિયપ્રત્યક્ષીકરણવ્યાપાર, શબ્દની અપરિમેયતામાંથી વ્યંજના- વિસ્તારની સિદ્ધિ – આ સૌ આધુનિક ગદ્યવિધાનનાં દ્યોતક છે.
કથામૂલક ગદ્યે સૂક્ષ્મ વાસ્તવને ઝીલતી ભાષાની પ્રયોગશીલ અભિજ્ઞતા દાખવી છે. કલ્પનશ્રેણીઓથી રચાતા કપોલકલ્પિત સૃષ્ટિના રોમાંચથી માંડી સ્વપ્નવાસ્તવ અને અસંબદ્ધને ઉપસાવવા સુધીના આયામોમાં, રોમાંચક ઇન્દ્રિયપ્રત્યક્ષોથી માંડી દુર્ગમતા ને અપારદર્શકતા સુધીની ગદ્યકોટિઓ નિપજાવી છે. ચૈતસિક પ્રક્રિયાના લયવાળું, કલ્પનલીલાયુક્ત સુરેશ જોષીનું પાસાદાર ગદ્ય; વાસ્તવશ્રેણીઓ તથા ભાવકલ્પનશ્રેણીઓને સઘન (massive), સુબદ્ધ અને સંકુલ વાક્યઘનતામાં આકારતું ચલચિત્રાત્મક – ‘ફોટોગ્રાફિક’ અસરોવાળું ને ક્યારેક અસંક્રમણશીલ બનતું કિશોર જાદવનું ગદ્ય; બોલચાલની ભંગિઓ સાથે અંગ્રેજી છટાઓ ગ્રહતું, શબ્દના શબ્દપણાને ઉપસાવતું, વ્યાકરણી પરિચિતતાને તોડવાનું આધુનિક વલણ દાખવતું પ્રબોધ પરીખનું ગદ્ય; શિષ્ટ-પ્રશિષ્ટ ભાષાભાતોના મિશ્રણવાળું વ્યંજનાપૂત ભાષાકર્મથી ભાષાની ગુંજાશને બઢાવતા ચલચિત્રસંયોજનના જેવા પ્રયોગશીલ તરીકા(techniques)વાળું રાધેશ્યામનું ગદ્ય અને ‘હાર્મોનિકા’માં વર્ણાવલંબિત નાદ પર અર્થશૂન્યતાની માંડણીથી ગદ્યના માધ્યમનો આમૂલ તાગ લેતું, ‘હરિયાજૂથ’ની વાર્તાઓમાં પરિહાસશૈલી સફળતાથી પ્રયોજતું મધુ રાયનું ગદ્ય નોંધપાત્ર પ્રયોગશીલ વલણોના નમૂના છે. ભરત નાયકે નિસર્ગવાદી આલેખનમાં પદાર્થો, ક્રિયાઓ કે ઘટનાઓના ઇન્દ્રિયરાગી ચિત્રણમાં કલ્પનશૈલીને વિશેષભાવે યોજી છે. આધુનિક ગદ્યમાં લૈંગિક પ્રતીકો, કેલાઇડોસ્કોપિક ગતિવિધિઓ અને ‘મૉન્ટાજ’ના નમૂના પણ મળે છે (ઉદા. મહેશ દવેની ‘મુકાબલો’ વાર્તા). ઉપમામિશ્રિત ભાષા, અભિવ્યક્તિની તાજગી અને કાવ્યપ્રવણતાથી રાવજીનું સંવેદનમૂલક ગદ્ય નોખી મુદ્રા ઉપસાવે છે.
શબ્દને અભિધાથી દૂર લઈ જવા, વાયવ્ય અનુભૂતિઓને આંબવા અને મનની અગોચરતાને તાગવા આધુનિક ગદ્યકાર તરંગલીલા, ઉરાંગ- ઉટાંગ, ચેતનાપ્રવાહ, દુ:સ્વપ્ન, પ્રતીક, નાટ્યાત્મક ભંગિ પ્રયોજે છે; તો સાથે જૂની રંગભૂમિ કે ભવાઈના વેશની લઢણો, રવાનુકારી શબ્દપ્રયોગો, નાટકીય નિર્દેશો, લયવિધાનની સંબંધભૂમિકાઓ, શબ્દવાક્યની પુનરાવૃત્તિઓ, ધ્વનિ કે સ્મૃતિસાહચર્યો, પુરાકલ્પનો કે સહોપસ્થિતિની પ્રયુક્તિઓથી બાળવાર્તા, પરીકથા, બોધકથા કે કપોલકલ્પિતની સૃષ્ટિને અનુરૂપ અભિવ્યક્તિનું રૂપ ઘડે છે.
ઍબ્સર્ડના સંવેદનને ઝીલતાં ‘એક ઉંદર અને જદુનાથ’ (1964), ‘અશ્વત્થામા’ (1973) જેવાં નાટકો અને ‘પીળું ગુલાબ અને હું’ (1985), ‘જાલકા’ (1989) જેવી અન્ય આધુનિક રચનાઓ પરંપરાગત સંવાદોના કાકુ, વાક્છટા, આરોહ-અવરોહ અને સમગ્ર ઉક્તિરચનામાં અરૂઢ સંવાદરૂપ સર્જી પાત્રમનોગત સંવેદનાને મૂર્ત કરવા તાકે છે. ભાષાસંયોજનાની વિવિધ પ્રયુક્તિઓ, પ્રશ્નો, સાદા ટૂંકા સંવાદોથી માંડી દીર્ઘ એકોક્તિઓ, ભાષાનો અનેકસ્તરીય વિનિયોગ, અભિનવ લઢણો ને પ્રતીકો, ભવાઈની ભાષાલીલાના અધ્યાસોથી માંડી શિષ્ટ કે કાવ્યમય ભાષાપોત સુધીના સ્તરો જેવી બહુમુખી ભાષાસમૃદ્ધિથી સંવાદો નવું ભાવવિશ્વ ઝીલવાને સક્ષમ – અભિનવ બન્યા (ઉદા. ‘એક ઉંદર અને જદુનાથ’ 1967, ‘મરી જવાની મઝા’ 1973, ‘સ્વપ્નપિંજર’ 1973). આધુનિક નાટ્યગદ્ય કાવ્યસર્દશ બની અનુભૂતિક્ષમ બને છે; તો ક્યારેક સંવાદબળે વિવિધ અસરો સર્જીને શબ્દના માહાત્મ્યને નવા સંદર્ભે સ્થાપે છે.
પ્રયોગશીલતાના અભિનિવેશથી પર રહીને ગદ્ય(માધ્યમ)ને કથાને અનુરૂપ કેળવનારા વાસ્તવલક્ષી ગદ્યરીતિના રઘુવીર ચૌધરી, ચંદ્રકાન્ત બક્ષી, મોહમ્મદ માંકડ, વર્ષા અડાલજા, ધીરુબહેન પટેલ, વિનેશ અંતાણી, ધીરેન્દ્ર મહેતા, ઇવા ડેવ, ચિનુ મોદી, જયંત ગાડીત, યોગેશ જોષી જેવા લેખકોની પ્રયોગશીલતા કથાની અસરકારકતા અર્થે હોય છે. ‘આંગળિયાત’ (1986) પ્રાદેશિક ભાષાના કથાત્મક વિનિયોગનો પ્રબળ સંકેત આપે છે.
સ્મૃતિમાં ઘૂંટાતા સંવેદનને આકૃત કરતા, કશીક પરિસ્થિતિની આસપાસ સંવેદનનું નિર્માણ કરતા સ્મૃતિકથારૂપના સર્જક નિબંધો (‘વનાંચલ’ 1967, ‘દૂરના એ સૂર’ 1970, ‘ધૂળમાંની પગલીઓ’ – 1984) રમણીય રૂપસૃષ્ટિના સર્જનમાં પરિણમ્યા છે. ‘નંદ સામવેદી’ (1980) ઉપમા-રૂપકની અપૂર્વતા, કવિત્વના ઉન્મેષો અને ‘હું’ના અનેકવિધ આવિષ્કારોથી લલિત નિબંધોમાં નોખી ભાત પાડે છે. ‘વિદિશા’ (1980) અને ‘દેવોની ઘાટી’ (1989) જેવું પ્રવાસનું ગદ્ય પણ લલિત ગદ્યને ઉચિત ભાવવ્યંજકતા, સૂક્ષ્મતા, રસિકતા દાખવે છે. દૈનિકોમાં આવતી કટારોમાં સાંપ્રતને મર્માળી ર્દષ્ટિથી વ્યક્ત કરતું ગદ્ય ગુણવંત શાહ (‘કાર્ડિયોગ્રામ’ 1978, ‘રણ તો લીલાંછમ’ 1978), અનિલ જોશી (‘સ્ટેચ્યુ’ 1988) અને પ્રવીણ દરજી(‘ઘાસનાં ફૂલ’ 1990)માં વિશદ, રોચક, માર્મિક, કવિતાના કે કવિતાઈ પાસવાળું બને છે. આઠમા-નવમા દાયકામાં ગુલામ મોહમ્મદ શેખ અને ભરત નાયક, યજ્ઞેશ દવે તથા પ્રફુલ્લ રાવળના લલિત નિબંધો ગદ્યને નવું બળ આપે છે.
અનુ-આધુનિક ગદ્યની એક નવી ઝાંય આપણી સમક્ષ હવે આવી છે. હવે માનવ એના વ્યાપક રૂપે, સમૂહ રૂપે કેન્દ્રમાં આવ્યો છે. તળપદ તરફની ગતિએ વેગ પકડ્યો છે. વાસ્તવિકતા પ્રિયતર થતી જાય છે. ભાષાભિમુખતા પ્રત્યેનું તીવ્ર વલણ મંદતેજસ્ બન્યું છે. ટૅક્નૉલૉજી, નવું બજાર, સમૂહ માધ્યમો, ગ્રાહક તરીકે સંપ્રજ્ઞતા – આ બધું વ્યાપક લોકને લક્ષે છે. આજનું સાહિત્ય પણ – ગદ્ય પણ ત્યાંથી આવે છે. અનુઆધુનિક ગદ્ય એમ જુદું તરી રહે છે. પરિવર્તન પાછળ જતું ટૅક્નૉલૉજીનું જગત-લોક-તળપદ ભાષા-સમાજ, ઐતિહાસિક-રાજકીય નવાં સમીકરણો, કેળવણી વિશે બદલાતો અભિગમ – આ બધું એક નવી ચેતના રૂપે, નવા શબ્દભંડોળ રૂપે અવતરી રહ્યું છે. આજની ઘણી નવલકથાઓ–વાર્તાઓ–નિબંધોમાં આ વસ્તુ જોવા મળે છે. ઇલા આરબ મહેતા, ગુણવંત શાહ, પ્રવીણ દરજી, દલપત ચૌહાણ, અજિત ઠાકોર, અજય સરવૈયા, બાબુ સુથાર, નરોત્તમ પલાણ, નટવરસિંહ પરમાર વગેરે અનેકે અવારનવાર તેમની વિવિધ સ્વરૂપની રચનાઓ વડે આવાં અનુઆધુનિક ગદ્યનો અનુભવ કરાવી રહે છે.
જૉસેફ પરમાર