ગુજરાતનો નાથ (પ્રથમ આવૃત્તિ 1918) : કનૈયાલાલ મુનશીની ઐતિહાસિક નવલકથા. કૃતિ તરીકે સ્વતંત્ર છતાં કથા તરીકે ‘પાટણની પ્રભુતા’ની કથાનું અનુસંધાન છે. નવલકથા ચાર વિભાગોમાં વહેંચાયેલી છે, જે કથાવિકાસની જ ચાર ભૂમિકાઓ છે.
લાટનો સુભટ કાક અને કૃષ્ણદેવ નામ ધારણ કરી છદ્મવેશે આવેલો જૂનાગઢનો કુંવર ખેંગાર, પાટણને પાદરે નગરપ્રવેશની રાહ જોતાં અકસ્માત્ પરિચયમાં આવે છે ત્યાંથી કથાનો આરંભ થાય છે. નવા યુવાન રાજાના રાજ્યકાળનાં પ્રારંભિક વર્ષોમાં, રાજ્યારોહણ સમયની ખટપટોના વમળમાંથી પાટણ બહાર આવી હજી સ્થિર થઈ રહ્યું છે તે મોકાનો લાભ લેવા માળવાનો પરમાર રાજા અને જૂનાગઢનો રા’નવઘણ બંને પાટણ પર ચડી આવે છે. મહામંત્રી મુંજાલ મહેતાની મુત્સદ્દીગીરી અને કાકની કુશળતાથી, પરમાર રાજાના સેનાપતિ ઉબક સાથે સંધિ થાય છે અને નવઘણને હરાવવામાં આવે છે. તેની વાત પહેલા વિભાગમાં કહેવાઈ છે. ખેંગારની કૃષ્ણદેવ તરીકેની જાસૂસી, મંડળેશ્વર દેશળદેવ અને તેના ભાઈ વિશળદેવનું પાટણ વિરુદ્ધ નવઘણપક્ષે કાવતરું, ને તેને નિષ્ફળ બનાવતો કાક, કાક અને ત્રિભુવનપાળ દ્વારા નવઘણનું સપડાવું વગેરે ઘટનાઓ દ્વારા વાર્તાનો એક દોર રચાય છે. તેમાં ખેંગાર અને સોમનો પરિચય રંગીનતા ઉમેરે છે; તો કાકની ખંભાતની મુલાકાત દરમિયાન ખતીબનો પ્રસંગ, મંજરીને ભગાડી જવી, ઉદાના સુભટ તિલકચંદ્રની હત્યા તથા તે બધાંને કારણે કાક અને ઉદા મહેતા વચ્ચે બંધાતી વૈરગાંઠ વગેરેથી વાર્તાનો બીજો દોર રચાયો છે. આ બંને દોર નવલકથામાં લગભગ અંત સુધી વણાતા ચાલે છે અને નવલકથાને સંકુલતા અને રસવૈવિધ્ય આપે છે. મુંજાલ, મીનળદેવી, પ્રસન્ન – હવે કાશ્મીરા, ત્રિભુવનપાળ, ઉદો મહેતો, શાન્તુ મહેતા વગેરે ‘પાટણની પ્રભુતા’નાં પરિચિત પાત્રો અહીં આગળ વધે છે. તો કાક–મંજરી–ખેંગારનાં ચિરસ્મરણીય પાત્રો અહીં ઉમેરાય છે.
બીજા ભાગમાં માળવા સાથે સંધિ અને તેને આનુષંગિક પ્રસંગો આલેખાયા છે. મંજરીને કારણે કાક અને ઉદાની દુશ્મનાવટ આગળ વધે છે. ઉબક સાથે આવેલા કીર્તિદેવનું તેજસ્વી પાત્ર અહીં ઉમેરાય છે ને તેનો કાક સાથે પરિચય થાય છે. કીર્તિદેવ આ વિભાગથી વધુ પ્રાધાન્ય મેળવવા માંડે છે, તો કૃષ્ણદેવ તરીકે ખેંગારની કામગીરી ચાલુ છે. તે સંદર્ભમાં રાણકનો પ્રવેશ નોંધપાત્ર છે. આગળના વિભાગમાં વરતાયેલી મંજરીની જ્ઞાનગર્વિષ્ઠતા અહીં વધુ પ્રગટ થાય છે. તે સાથે તેના પરનું જોખમ પણ વધતું જણાય છે. એ પ્રકરણો તથા કીર્તિદેવના કુળનું રહસ્ય વાર્તામાં કૌતુક ઉમેરે છે.
ત્રીજા વિભાગમાં કીર્તિદેવ લગભગ કેન્દ્રવર્તી બની જાય છે. ઉત્કટ ભાવનાશીલતા અને સંમોહક વ્યક્તિત્વથી તે સૌને આકર્ષે છે પણ બધાં તેનો પોતપોતાની રીતે ઉપયોગ કરે છે. તો મુંજાલ તેનામાં મોટો સુભટ જુએ છે. તે કીર્તિદેવના કાવતરાને ગંભીર લેખી તેને કેદમાં પૂરી તેનો વધ કરવાનો પ્રયત્ન પણ કરે છે. પણ કાકની કુશળતા તેને બચાવે છે. મંજરીનું ઉદાથી બચવા નછૂટકે, કમને કાક સાથે પરણવું, કીર્તિદેવની ગુપ્ત સભા, કીર્તિદેવ અને મુંજાલનો મેળાપ, કીર્તિદેવની કુળવિષયક જોગણીઓ ને કાલભૈરવની સાધનાની વાત અને સૌથી વધુ તો કીર્તિદેવનો વધ કરવા જતા લોહીતરસ્યા મહા અમાત્યને અટકાવી તેઓ પિતાપુત્ર હોવાનું રહસ્ય ઉઘાડતો કાક આ બધાં પ્રકરણો અત્યંત રોમાંચક અને નાટ્યાત્મક છે. તો ખેંગારને કર્કસૂરિ દ્વારા મળતો ગુપ્ત સંદેશ, તેનો સોમ સાથે નાસવાનો પ્રયત્ન અને મુંજાલ પર ઘા કરવા જતાં સોમનું ઘાયલ થવું એ પણ એટલી જ રોમાંચક ઘટનાઓ છે. વિભાગના આરંભે કાકને તિરસ્કારતી મંજરી, અંતે તેના પ્રત્યે પ્રશંસાપૂર્ણ ભાવ ધરાવતી થઈ ગઈ છે. તો કૃષ્ણદેવ નાઠો છે તે સાથે જ વાર્તાની દિશા બદલાય છે.
ચોથા વિભાગમાં જૂનાગઢની ઘટનાઓ કેન્દ્રમાં છે. નવઘણના અવસાન સમયે ખેંગારની પ્રતિજ્ઞા, કાકનું જૂનાગઢમાં કેદ થવું ને મંજરી દ્વારા ભાગવું, ખેંગાર દ્વારા રાણકનું અપહરણ એ આ વિભાગની મુખ્ય ઘટનાઓ છે.
એક રીતે ત્રણ વિભાગમાં કાકની કામગીરી, એની કુશળતા અને સાહસિક પરાક્રમો કથાનું મુખ્ય આકર્ષણ બની રહે છે. કાક અને મંજરી, ત્રિભુવન–કાશ્મીરા અને છેલ્લે ખેંગાર–રાણકનાં રસમય જોડકાંની પશ્ચાદભૂમાં પ્રૌઢ મીનળ–મુંજાલ ગૌરવથી શોભે છે.
વાર્તાવેગને નાટ્યાત્મક નિરૂપણથી તેમ રોમાંચસભર વસ્તુથી વાચકને ર્દઢ રીતે જકડી રાખતી આ કથાનાં મુખ્ય પાત્રો ગુજરાતી સાહિત્યમાં ચિરંજીવ બની રહ્યાં છે. વર્ણનોની ખોટ પટાબાજી જેવા સંવાદોથી તો ચિંતનની ખોટ ક્રિયાવેગથી ભરપાઈ થઈ જાય છે.
ફ્રેન્ચ નવલકથાકાર ડ્યૂમાની નવલકથાની સામગ્રીનો મોટા પ્રમાણમાં ઉપયોગ છતાં કળાકૃતિ તરીકે તેમાં મુનશીની સર્જકતાનો આવિર્ભાવ જ સર્વોપરી બની રહે છે.
સમગ્રતયા ‘ગુજરાતનો નાથ’ ગુજરાતી નવલકથાની રૂપરચનામાં ‘સરસ્વતીચંદ્ર’ પછીની બીજી પ્રભાવક કૃતિ ગણાય છે. તેની રસાત્મકતા તેને લોકપ્રિય જ નહિ પણ મુનશીની યશસ્વી કૃતિ બનાવે છે તો ગુજરાતી નવલકથાસાહિત્યની પણ તે શિરમોર સમી કૃતિ બની રહી છે.
વિનોદ અધ્વર્યુ