ગીર સોમનાથ : જૂનાગઢ જિલ્લાનું વિભાજન કરીને નવો બનાવાયેલો જિલ્લો.
ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : આ જિલ્લો 20 53´ ઉ. અ. અને 70 36´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. તેનો વિસ્તાર 3,755 ચો.કિમી. છે. આ જિલ્લાની ઉત્તરે અને પશ્ચિમે જૂનાગઢ જિલ્લો, પૂર્વે અમરેલી જિલ્લો અને દક્ષિણે અરબસાગર સીમા રૂપે આવેલ છે. તેમજ દક્ષિણે દીવ એ કેન્દ્રશાસિત પ્રદેશનો ટાપુ આવેલો છે.
આ જિલ્લામાં સૌરાષ્ટ્રના ડુંગરોનો સમાવેશ થાય છે. અહીંની ટેકરીઓ 24 કિમી. લાંબી અને 6.5 કિમી. પહોળા વિસ્તારમાં પથરાયેલી છે. ગિરનારની ટેકરીઓ 250થી 640 મીટરની સરેરાશ ઊંચાઈ ધરાવે છે. ગિરનારની ટેકરીઓમાં ગુજરાતનું સૌથી ઊંચું શિખર ગોરખનાથનું જે 1,111 મીટરની ઊંચાઈ ધરાવે છે. આ સિવાય સરકલા (693 મી.), કનારા (326 મી.), સાસણ (480 મી.), નંદીવેલ (529 મી.) અને તુલસીશ્યામ વગેરે ઊંચી ટેકરીઓ આવેલી છે.
આ જિલ્લાની મોટા ભાગની નદીઓનો વહનમાર્ગ ટૂંકો છે. વર્ષાઋતુ દરમિયાન અહીંની નદીઓ બંને કાંઠે વહે છે. જેમાં મહત્ત્વની નદીઓમાં હિરણ, સરસ્વતી, ઉબેણ, ઓઝત, શિંગોડા, મચ્છુંદરી, ધન્વંતરી, રાવલ વગેરે નદીઓ છે.
અહીં ઉનાળાની ઋતુ દરમિયાન મહત્તમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 27 સે. અને 19 સે. જ્યારે શિયાળાની ઋતુમાં મહત્તમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 37 સે. અને 13 સે. જેટલું અનુભવાય છે. ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ આશરે 900 મિમી. પડે છે.
કુદરતી વનસ્પતિ – પ્રાણીસંપત્તિ : આ જિલ્લામાં મોટે ભાગે સૂકાં ઝાંખરાંવાળાં જંગલો જોવા મળે છે. કેટલીક જગ્યાએ ભેજવાળાં પાનખર જંગલો પણ આવેલાં છે. આ જંગલોમાં સાગ સૌથી મહત્ત્વનું વૃક્ષ છે. આ ઉપરાંત સાલ, વાંસ, સાદડ, શીમળો, આંબળા, બહેડાં, કેસૂડો વગેરે વૃક્ષો અધિક છે.
આ જંગલોમાં સિંહ મુખ્ય પ્રાણી છે. એશિયામાં સિંહની વસ્તી આ જિલ્લામાં જ જોવા મળે છે અને તે પણ સાસણગીરમાં જ રહેલા છે જેની સંખ્યા 500 કરતાં પણ અધિક છે. આ સિવાય દીપડા, કાળિયાર, ચૌસીંગો, સાબર, નીલગાય, ઝરખ, જંગલી ભૂંડ, વરુ, વાંદરા વગેરે વનચર પ્રાણીઓ જોવા મળે છે. પક્ષીઓમાં ગિરનારી ગીધ મુખ્ય છે. આ સિવાય રાડિયો ઘુવડ, ચીબરી, સમડી વગેરે છે.
અર્થતંત્ર : આ જિલ્લામાં લોકોની મુખ્ય પ્રવૃત્તિ ખેતી છે. ખેતીમાં મગફળી, ઘઉં, કપાસ, શેરડી મુખ્ય છે. ફળાઉ વૃક્ષોમાં કેરી, ચીકુ, પપૈયા વગેરેની ખેતી લેવાય છે.
અહીં ચૂનાના પથ્થર, બૉક્સાઇટ, કૅલ્સાઇટ, ચિરોડી વગેરે અધાતુમય ખનીજો પ્રાપ્ત થાય છે. પરિણામે અહીં સિમેન્ટ અને સોડા એશ બનાવવાના એકમો સ્થપાયા છે. જેમાં ગુજરાત સિદ્ધિ સિમેન્ટ (સુત્રાપાડા તાલુકા), જી.એચ.સી.એલ. પ્લાન્ટ કે જ્યાં વિશ્વમાં સૌથી વધુ ‘સોડા એશ’નું ઉત્પાદન મેળવાય છે. સમુદ્રકિનારાને કારણે વેરાવળમાં મોટી બોટ બનાવવાનો ઉદ્યોગ તથા ભારતની સૌથી મોટી રેયૉન મૅન્યુફૅક્ચરિંગ કંપનીઓ કાર્યરત છે તેમજ મત્સ્ય-ઉદ્યોગો પણ છે. અહીં ‘ફિશ પ્રોસેસિંગ’ની ફૅક્ટરી આવેલી છે. જેની નિકાસ મોટે ભાગે યુ.એસ., જાપાન અને ગલ્ફના દેશોમાં થાય છે. અહીં ઘાસચારો ઉપલબ્ધ હોવાથી પશુપાલનપ્રવૃત્તિ અને જંગલોને કારણે કુટિરઉદ્યોગો પણ આવેલા છે. તાલાળાની ‘કેસર કેરી’ની ગુણવત્તાને કારણે GI (Geographical Indication- ભૌગોલિક સૂચકાંક) ટેક મળેલ છે. શેરડીનું ઉત્પાદન વધુ થતું હોવાથી કોડીનાર ખાતે ખાંડ બનાવવાનું એકમ આવેલું છે.
પરિવહન – પ્રવાસન – વસ્તી : આ જિલ્લામાંથી રેલમાર્ગો પસાર થાય છે. જે પડોશી જિલ્લાઓનાં રેલવેસ્ટેશનો સાથે સંકળાયેલ છે. આ જિલ્લાનાં રેલવેમથકોમાં વેરાવળ, કોડીનાર, તાલાળા, ઊના છે. ગુજરાત સરકારે આ જિલ્લાના રેલમાર્ગો ઉપર દોડતી ટ્રેનની અડફેટે સિંહ જેવા વન્યજીવો ન આવે તે માટે ચેતવણી આપી છે. આ સિવાય રાષ્ટ્રીય ધોરી માર્ગ અને રાજ્ય માર્ગો અને જિલ્લા માર્ગો ઉપર રાજ્ય પરિવહન બસો અને ખાનગી બસોની સગવડ રહેલી છે.
કેન્દ્રશાસિત પ્રદેશનો ‘દીવ’ ટાપુ આ જિલ્લાના સમુદ્રકિનારે આવેલો છે. અહીંના વિમાની મથકનો લાભ પણ મળેલ છે.
આ જિલ્લાનાં મુખ્ય પ્રવાસન સ્થળોમાં ‘પૌરનિક તાલવ’ (પ્રાચીન તળાવ), રાવલ ડૅમ, અહમદપુર માંડવી બીચ અને જંગલની મધ્યમાં મહાદેવનું બન્નેજ મંદિર, ભગવાન કૃષ્ણના મંદિર માટે જાણીતું તુલસીશ્યામ, ત્યાં આવેલ ગરમ પાણીના કુંડ, કોડીનાર પાસે આવેલ મૂળ દ્વારકા, સોમનાથ મંદિરનો સમાવેશ થાય છે. આ સોમનાથ મંદિરની ગણના વિશ્વના દ્વાદશ જ્યોતિર્લિંગમાંના સર્વ પ્રથમ તરીકે થાય છે. આ મંદિરના પટાંગણમાં એક થાંભલો ઊભો કર્યો છે, જેમાં તીર દ્વારા દર્શાવવામાં આવ્યું છે કે અહીંથી સીધા જ કોઈ પણ અવરોધ વગર એન્ટાર્ક્ટિકા જઈ શકાય. આ મંદિરની નજીકમાં જ ભાલકા તીર્થ આવેલું છે. જે ‘શ્રી કૃષ્ણનિર્વાણ’ સ્થળ તરીકે ઓળખાય છે.
ગીર નૅશનલ પાર્કમાં સિંહદર્શન માટે જઈ શકાય છે. આ ઉપરાંત દેવાળિયા ખાતે જંગલ જેવું જ વાતાવરણ ઊભું કરીને સિંહ જોવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આફ્રિકાથી જમબુર ગામ આવીને વસેલા સિદ્દીનું લોકનૃત્ય ‘ધમલ’ પણ જોવાલાયક છે. આજે આ ગામ ‘મિની આફ્રિકા’ તરીકે ઓળખાય છે.
‘ગીર સોમનાથ’ જિલ્લાની રચના 2013ના વર્ષમાં જૂનાગઢ જિલ્લાનું વિભાજન કરીને કરવામાં આવી છે. આ જિલ્લાને વેરાવળ, ઉના, કોડીનાર, સુત્રાપાડા, તાલાળા અને ગીર ગઢડા તાલુકામાં વહેંચવામાં આવ્યો છે. આ જિલ્લામાં હિન્દુઓની વસ્તી વધુ છે. મુસ્લિમ અને અન્ય ધર્મના લોકો પણ વસે છે. અહીં ગુજરાતી, હિન્દી ભાષા વધુ બોલાય છે. સિદ્દી પ્રજા પોતાની સ્થાનિક ભાષા પણ બોલે છે. જિલ્લાનું મુખ્ય મથક વેરાવળ છે. સાક્ષરતાનું પ્રમાણ આશરે 72% છે. વસ્તી (2011 મુજબ) 12,17,477 હતી.
આ મંદિરની ખ્યાતિથી આકર્ષાઈને અફઘાન મહમદ ગઝની દ્વારા આ મંદિર ઉપર 17 વખત હુમલો કરવામાં આવ્યો હતો. ભારત સ્વતંત્ર થયા પછી તત્કાલીન ગૃહપ્રધાન સરદાર શ્રી વલ્લભભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. તે વખતે ગુજરાતી ભાષાના નવલકથાકાર શ્રી કનૈયાલાલ મુનશીનો પણ ફાળો મહત્ત્વનો છે. તેઓએ જ સોમનાથના મંદિરને લક્ષમાં રાખીને ‘જય સોમનાથ’ નવલકથા લખી હતી.
નીતિન કોઠારી