ગિલ, મોહિન્દરસિંઘ (જ. 12 એપ્રિલ 1947, જાલંધર) : ભારતના મહાન ખેલકૂદવીર (athlete). ખેલકૂદમાં ત્રિકૂદ (લંગડી ફાળકૂદ) ખૂબ જ મુશ્કેલ કૂદ ગણાય છે. આ કૂદમાં સારો દેખાવ કરવા માટે ખેલાડીમાં ઝડપ, ઉછાળશક્તિ, સ્નાયુબદ્ધ તેમજ ગતિમેળયુક્ત શરીર અને સશક્ત પગની જરૂર પડે છે. પંજાબના વતની મોહિન્દરસિંઘમાં આ બધાં જ લક્ષણો સપ્રમાણ હોવાથી તેમણે ફક્ત ભારતમાં જ નહિ પરંતુ
સમસ્ત વિશ્વમાં લંગડી ફાળકૂદમાં નામના મેળવી છે. 1970માં બૅંગકૉક મુકામે આયોજિત એશિયાઈ રમતોત્સવમાં 16.11 મી. કૂદીને સુવર્ણચંદ્રક સાથે નવો એશિયાઈ રેકૉર્ડ પણ પ્રસ્થાપિત કર્યો હતો. ભારત સરકારે તેમની આ અજોડ સિદ્ધિની કદર કરી 1970માં તેમને રમતગમત ક્ષેત્રના સર્વોચ્ચ સમ્માનરૂપ અર્જુન ઍવૉર્ડ એનાયત કર્યો હતો. 1972માં મ્યૂનિક મુકામે આયોજિત ઑલિમ્પિક રમતોત્સવમાં તેમણે ત્રિકૂદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1974માં તહેરાન મુકામે એશિયન રમતોત્સવમાં ભાગ લઈ ત્રિકૂદમાં તેમણે રૌપ્ય ચંદ્રક મેળવ્યો હતો. કોમનવેલ્થ ગેમ્સમાં પણ તેમણે એક રૌપ્ય ચંદ્રક અને બે કાંસ્ય ચંદ્રકો મેળવ્યા હતા. તેમણે આંતરરાષ્ટ્રીય ખેલકૂદની સ્પર્ધાઓમાં ભારતનું 15 વાર પ્રતિનિધિત્વ કર્યું હતું.
પ્રભુદયાલ શર્મા