ગિલ, પ્યારસિંહ (જ. 28 ઑક્ટોબર 1911, ચેલા, પંજાબ; અ. 23 માર્ચ 2002, એટલાન્ટા, યુ. એસ. એ.) : ભારતના પ્રતિષ્ઠિત ભૌતિકવિજ્ઞાની અને બ્રહ્માંડ-કિરણોની શોધના અગ્રયાયી (pioneer). તેમણે પ્રાથમિક શિક્ષણ કોટ-ફતૂહી ગામમાં અને માધ્યમિક શિક્ષણ માહિલપુરની ખાલસા હાઇસ્કૂલમાંથી લીધું. 1920માં બબ્બર ખાલસાના આંદોલનકારીઓના સંપર્કમાં આવતાં ક્રાંતિનો માર્ગ પકડ્યો. ક્રાંતિવીરોએ પ્યારસિંહના દિમાગમાં રાષ્ટ્રીય મુક્તિઆંદોલનની ભાવના ભરી દીધી. પરિણામે ક્રાંતિસંગ્રામમાં જોડાવાનો સંકલ્પ કરી લીધો.

1928માં ઉચ્ચ અભ્યાસાર્થે તેઓ અમેરિકા ગયા. ત્યાં કૅલિફૉર્નિયા વિશ્વવિદ્યાલય, બર્કલેમાં પ્રવેશ મેળવ્યો. સખત મહેનત-મજૂરી કરીને તેમણે અધ્યયનકાર્ય ચાલુ કર્યું. તે પછી ગિલ લૉસ એન્જેલસ ગયા. તેમને ભૌતિકવિજ્ઞાન અને ગણિત પરત્વે વિશેષ રુચિ હતી. 1935માં ગિલ ભૌતિકશાસ્ત્રના વિષય સાથે સ્નાતક થયા. 1936માં એ જ વિષય સાથે અનુસ્નાતક થયા.

1936માં તે શિકાગો વિશ્વવિદ્યાલયમાં જોડાયા અને તેમણે નોબેલ પુરસ્કારવિજેતા એ. એચ. કૉમ્પ્ટનના માર્ગદર્શન હેઠળ સંશોધનકાર્ય શરૂ કર્યું. 1940માં તેમણે પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. ગિલને બ્રહ્માંડ-કિરણોમાં રસ હતો. 1938માં શિકાગોમાં યોજાયેલ પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં તેમણે Time Variation of Cosmic Rays અને Size Distribution of Cosmic Rays ઉપર પોતાનું કાર્ય રજૂ કર્યું; તેથી વિશ્વના વિજ્ઞાનીઓનું ગિલના બ્રહ્માંડ-કિરણો ઉપરના સંશોધન પ્રત્યે ધ્યાન દોરાયું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન શિકાગો યુનિવર્સિટીમાં ફેલો તરીકે રહી બ્રહ્માંડ-કિરણોના ક્ષેત્રે સંશોધનકાર્ય ચાલુ રાખ્યું. અમેરિકામાં તેમને માન અને તકો મળ્યાં, પણ આ ભારતપ્રેમી વિજ્ઞાનીએ સ્વદેશ પાછા ફરી લાહોરની ફૉરમૅન ક્રિશ્ચિયન કૉલેજમાં નાની સરખી પ્રયોગશાળામાં સંશોધનકાર્ય શરૂ કર્યું. તમામ પ્રકારની વિષમ પરિસ્થિતિઓ હોવા છતાં તેમણે સંશોધનકાર્ય ચાલુ રાખ્યું.

1942માં તેમણે ચમેલી હુકમસિંહ સાથે લગ્ન કર્યાં. ડૉ. ગિલે બ્રહ્માંડ-કિરણોના કાર્યનું વૃત્ત અને મેસૉન કણનો નિશ્ચિત માર્ગ જાણ્યો. લાહોર ઘાટીમાં જઈ ગિલે તટસ્થ કિરણોની મદદથી મેસૉનના ઉત્પાદનનું અધ્યયન કર્યું. ત્રણ મહિના સુધી વિમાન દ્વારા લાહોર અને અમૃતસર ઉપર ત્રીસ હજાર ફૂટની ઊંચાઈએ જઈ બ્રહ્માંડ-કિરણોનો અભ્યાસ કર્યો. પરિણામે બ્રિટિશ સરકારે 1946માં તેમને યુરોપ અને અમેરિકાની વિવિધ પ્રયોગશાળાઓમાં અધ્યયન માટે તક આપી. ડૉ. ગિલે શિકાગો વિશ્વવિદ્યાલયમાં પ્રો. માર્કેલ સ્કીન સાથે રહીને બ્રહ્માંડ-કિરણો ઉપર સંશોધન આગળ ધપાવ્યું. ત્યાં પોતાનું કાર્ય પૂરું કરીને તેઓ ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સની પ્રયોગશાળાઓના નિરીક્ષણ માટે ગયા. 1947માં તે ભારત પાછા ફર્યા. ભારત અને પાકિસ્તાનની રચના બાદ તે મુંબઈની તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફન્ડામેન્ટલ રિસર્ચ સંસ્થામાં સ્થાયી થયા. ત્યાં પ્રાયોગિક ભૌતિકવિજ્ઞાની ગિલ અને સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાની ડૉ. હોમી ભાભાનો સમન્વય થયો.

1948માં ડૉ. ગિલને કાર્નેગી ઇન્સ્ટિટ્યૂટના પ્રો. વેલેટા અને પ્રો. ફૉરબુશ સાથે બ્રહ્માંડ-કિરણો ઉપર સૂર્યના તાપમાનની અસરને લગતી સમસ્યાના ઉકેલ માટે નિમંત્રણ મળ્યું.

ભારત પાછા ફર્યા બાદ ભારત સરકારના આગ્રહથી એ દિલ્હી આવ્યા અને પરમાણુ-ઊર્જા આયોગના વિશેષાધિકારીનો પદભાર સંભાળ્યો. ત્યારબાદ તેઓ અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયમાં પ્રાધ્યાપક બન્યા. તે પછી ડૉ. ગિલે નૅશનલ બ્યૂરો ઑવ્ સ્ટાન્ડર્ડમાં ન્યૂક્લિયર ભૌતિકવિજ્ઞાન ઉપર સંશોધનકાર્ય કર્યું.

1951માં ડૉ. ગિલે ગુલમર્ગ ખાતે બ્રહ્માંડ-કિરણોના અભ્યાસ માટે ઉચ્ચ લંબત્વ પ્રયોગશાળા(High Altitude Laboratory)ની સ્થાપના કરી. જમ્મુ-કાશ્મીર વિશ્વવિદ્યાલયમાં તેઓ માનાર્હ પ્રાધ્યાપક તરીકે રહ્યા. અલીગઢ વિશ્વવિદ્યાલયમાં તેઓ છ વર્ષ સુધી ડીન રહ્યા. 1961–62માં વૉશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટીમાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે જોડાયા. 1962માં ચીને ભારત ઉપર આક્રમણ કર્યું ત્યારે ડૉ. ગિલને કેન્દ્રીય વૈજ્ઞાનિક યાંત્રિક સંગઠનના નિર્દેશક બનાવવામાં આવ્યા.

ડૉ. ગિલ ઇન્ડિયન નૅશનલ એકૅડેમીના ફેલો અને ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમીનાં ચાર વર્ષ સુધી વિદેશ સચિવ રહ્યા. 1964માં તેઓ ભારતીય વિજ્ઞાન કૉંગ્રેસના ભૌતિકવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ રહ્યા. દેશના બ્રહ્માંડ-કિરણોના સંશોધન અને વૈજ્ઞાનિક સંસ્થાઓના નિર્માણમાં ડૉ. ગિલનો મહત્ત્વનો ફાળો રહ્યો છે.

પ્રહ્લાદ છ. પટેલ