ગિલ, ગુલઝાર સિંઘ (જ. 1929, થાન્ડિયન) : ચંડીગઢના ચિત્રકાર અને શિલ્પકાર. તેમણે ગવર્નમેન્ટ સ્કૂલ ઑવ્ આર્ટ(ચંડીગઢ)માંથી ડિપ્લોમા પ્રાપ્ત કર્યો છે. કલાશિક્ષક તરીકે પણ તાલીમ લીધી છે. તેમનાં એકલ પ્રદર્શનો 1976 સુધીમાં છની સંખ્યા સુધી પહોંચ્યાં છે. તેમની કલામાં વાસ્તવિક દર્શનની છાંટ રહી છે. રંગોની પ્રવાહિતા અને પારદર્શિતા આવકારલાયક ગણી શકાય. તેમનાં ચિત્રો ચંડીગઢનાં સંગ્રહાલયો શોભાવી રહ્યાં છે. ગુરુ નાનકના કલા-વિષયક તત્વજ્ઞાન વિશે તે સંશોધન કરે છે. ચંડીગઢના કલાવૃંદમાં આગળ પડતો ભાગ લઈ રહ્યા છે. કલા સંસ્થાઓમાં ઉચ્ચ અધિકારીપદે રહી માર્ગદર્શન આપે છે.
કનુ નાયક