ગિલ્લીદંડા : દક્ષિણ ભારતની પ્રાચીન રમત. ગિલ્લીદંડાની રમતને મોઈદંડાની રમત પણ કહે છે. તે આખા દેશમાં પ્રચલિત થયેલી છે. ભલે પછી તે વિટ્ટી દાંડુ, ઇટીડકર, ગિલ્લીદંડા, ગુલ્લીદંડા, ડાંગગુલ્લી, કુટ્ટીદેજો કે એવા કોઈ નામે ઓળખાતી હોય. આ રમત માટે ચોગાનમાં એક બાજુએ લગભગ 4 સેમી. ઊંડો, 10 સેમી. લાંબો તથા આગળ પાછળ સાંકડો અને વચ્ચે 5 સેમી. પહોળો ખાડો ખોદવામાં આવે છે; તેને ગબી કહે છે. લાકડાનો 2.5 સેમી. જાડો અને 40 સેમી. લાંબો દંડો તેમજ વચ્ચે જાડી અને બંને છેડે પાતળી એવી 8 સેમી. લાંબી લાકડાની ગિલ્લી વડે આ રમત રમાય છે. ગિલ્લીદંડાની રમતના ખૂબ પ્રચલિત પ્રકારો નીચે મુજબ છે :
(1) વકટ રેંટ અથવા જકુની રમત : દાવ લેનાર સૌપ્રથમ ગબી ઉપર ગિલ્લીને આડી મૂકીને ઈચશે અને દાવ આપનાર ગિલ્લી જ્યાં પડી હશે ત્યાંથી ગબી ઉપર આડા મૂકેલા દંડાને તાકશે. ઈચેલી ગિલ્લી ફીલ્ડરથી ઝિલાઈ જાય અથવા તો દાવ આપનારે ફેંકેલી ગિલ્લી આડા મૂકેલા દંડાને વાગે તો દાવ લેનાર આઉટ થયો ગણાશે, અને પછીનો રમનાર દાવમાં આવશે. પણ જો દાવ લેનાર આઉટ ન થાય તો તે ટોલ્લો મારશે અને દાવ આપનાર ગિલ્લીને ગબી તરફ ફેંકશે. તે વખતે દાવ લેનાર દંડો વીંઝી ફેંકેલી ગિલ્લીને અધ્ધર ફટકારવા પ્રયત્ન કરશે અને એ રીતે ગિલ્લીને ગબીથી દૂર ધકેલવાનું કરશે. હવે ગિલ્લી જ્યાં પડી હશે ત્યાંથી ગબી સુધી દંડા ભરતાં વકટ, રેંટ, મૂઠ, નાળ, અંખી, બંકો, જકુ એ પ્રમાણે ક્રમસર બોલતો જઈ આવર્તન-પુનરાવર્તન કરશે અને ગબી સુધી ગણતાં જે દંડો આવ્યો હશે તે પ્રમાણેનો ફટકો તે પછી મારશે તથા જેટલા જકુ થયા હશે તેટલા તેના નામે નોંધાશે. આમ દરેક ફટકા વખતે ગણતાં જેના વધારે જકુ થાય તે વિજયી ગણાશે. ફટકો મારેલી ગિલ્લી ફીલ્ડરથી ઝિલાઈ જાય તો દાવ લેનાર આઉટ થયો ગણાશે. આ રમત પક્ષો પાડીને પણ રમી શકાશે.
1 2 3 4 5 6 7 8
(2) લાલમલાલ : ગિલ્લી ઈચવામાં દાવ લેનાર આઉટ ન થાય તો તે ગિલ્લીને ગબી પર સીધી અને તેનો આગલો છેડો જમીનથી સહેજ ઊંચો રહે તેમ ગોઠવી ગિલ્લીના ઊંચા રહેલા છેડા પર દંડો પછાડી ઊછળેલી ગિલ્લીને ફટકો મારશે. હવે આ ગિલ્લી જ્યાં પડી હશે ત્યાં ફરી તેને દંડો પછાડી ઉછાળી ફટકો મારી દૂર મોકલશે અને આમ કુલ ત્રણ વખત કરશે. પછી ગિલ્લી ગબીથી જેટલા અંતરે ગઈ હશે તેને અનુલક્ષીને દસ દંડે એક લાલના હિસાબે ‘લાલ’ નક્કી કરવામાં યા ગણવામાં આવશે. ઈચેલી કે ફટકારેલી ગિલ્લી ઝિલાઈ જાય તો દાવ લેનાર આઉટ થયો ગણાશે. તે જ પ્રમાણે ત્રણ ફટકા પછી પણ ગિલ્લી ગબીથી દસ દંડાથી ઓછા અંતરે રહે અથવા એક પણ ફટકો વાગે નહિ ત્યારે પણ દાવ લેનાર આઉટ થયો ગણાશે. પોતાના દાવ દરમિયાન સૌથી વધુ ‘લાલ’ નોંધાવનાર વિજયી ગણાશે.
(3) સો દંડે : આગળની ‘લાલમલાલ’ની રમત પ્રમાણે દાવ લેનાર ગિલ્લીને ગબી પર મૂકી ઊછળેલી ગિલ્લીને ફટકારશે. ફટકો ન વાગે અથવા ગિલ્લી ઝિલાઈ જાય તો દાવ લેનાર આઉટ થયો ગણાશે. ફટકો વાગેલી ગિલ્લી ગબીથી જેટલા દંડા દૂર પડી હશે તેટલા દંડા દાવ લેનારના નામે નોંધાશે. આમ વારાફરતી દાવ લેતાં જેના સો દંડા વહેલા થઈ જાય તે વિજયી ગણાય.
(4) નૂતન ગિલ્લીદંડા : ગિલ્લીદંડાના ‘વકટ રેંટ’ પ્રકારના ચોક્કસ નિયમો ઘડી તેને બે પક્ષો વચ્ચેની રમતનું વ્યવસ્થિત સ્પર્ધાત્મક સ્વરૂપ આપવાનો પ્રયત્ન 1938ની સાલમાં અમદાવાદમાં વાસુદેવ ભટ્ટે કર્યો હતો અને અખિલ અમદાવાદ વ્યાયામ મહામંડળે તથા ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળે તેનો વ્યવસ્થિત પ્રચાર પણ કર્યો હતો; પરંતુ હાલમાં આ રમત પણ સંજોગાનુસાર મૃતપ્રાય બની ગઈ છે.
ચિનુભાઈ શાહ