ગાલ્સ્ટન, આર્થર ડબ્લ્યૂ.
January, 2010
ગાલ્સ્ટન, આર્થર ડબ્લ્યૂ. (જ. 21 એપ્રિલ 1920, બ્રુકલિન, ન્યૂયૉર્ક; અ. 15 જૂન 2008, હૅમ્ડેન, કનેક્ટિકટ) : વિશ્વવિખ્યાત અમેરિકીય વનસ્પતિ-દેહધર્મવિજ્ઞાની (plant-physiologist). વનસ્પતિ વિકાસમાં અને અંત:સ્રાવોની મુખ્ય અસરો વિશેના તે એક અધિકૃત વિજ્ઞાની ગણાય છે. તેમણે વનસ્પતિ વૃદ્ધિ અંત:સ્રાવો, પ્રકાશ જીવવિજ્ઞાન (photobiology), દૈનિક તાલબદ્ધતા (circadian rhythm) અને પ્રકાશસામયિકતા(photoperiodism)ના જૈવરસાયણ (biochemistry) પર વિસ્તૃત સંશોધનકાર્ય કર્યું છે. તેમનાં કેટલાંક મુખ્ય સંશોધનોમાં સાયટોકાઇનિન્સ, તેમનું સંશ્લેષણ અને સુષુપ્તતા (dormancy), નિશાનુકુંચન (nyctinasty) અને પીનાધાર(pulvinus)નો સમાવેશ થાય છે.
તે ‘પિપલ્સ રિપબ્લિક ઑવ્ ચાઇના’માં પ્રવેશનારા પ્રથમ અમેરિકીય વિજ્ઞાનીઓ પૈકી એક હતા; જ્યાંથી તેમણે ઇંડોચાઇના, ખાસ કરીને વિયેટનામમાં શાકનાશકો(herbicides)ની પારસ્થિતિક (ecological) અસરોનું અન્વેષણ કર્યું. તેમણે 1943–55 દરમિયાન ‘કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલૉજી’માં અધ્યાપન અને સંશોધનકાર્ય કર્યું; ત્યારપછી તે અમેરિકાના કનેક્ટિકટ રાજ્યના ન્યૂ હેવન ખાતે આવેલી યેલ યુનિવર્સિટી(1955–90)માં દેહધર્મવિદ્યાના અધ્યાપક તરીકે સેવા આપી.
તેમના અધ્યાપનકાર્ય દરમિયાન તેમણે વનસ્પતિઓના જીવનચક્ર પર પોતાના અભિગમને સ્પષ્ટ કરતું પુસ્તક, ‘ધ લાઇફ ઑવ્ ધ ગ્રીન પ્લાન્ટ્સ’ (1964) પ્રસિદ્ધ કર્યું. વનસ્પતિ જીવનચક્રને નવી દિશામાં કંડારવાનું શ્રેય તેમને ફાળે જાય છે. આ વિષયને અનુલક્ષીને તેમનાં કેટલાંક પ્રકાશનો પ્રસિદ્ધ થયાં છે.
તે અમેરિકાના કનેક્ટિકટ રાજ્યના ન્યૂ હેવન ખાતે આવેલી યેલ યુનિવર્સિટીમાં વનસ્પતિ દેહધર્મવિજ્ઞાનીના અધ્યાપક તરીકે સેવા આપી.
તેમણે પોતાના વિદ્યાર્થી ડૉ. રૂથ સેટર સાથે લજામણી(Mimosa)ના છોડમાં પૉટેશિયમનાં આયનો વડે ઉત્તેજના(stimulus)નું વહન કેવી રીતે થાય છે તે શોધવાના પ્રયત્ન કર્યા હતા.
ઈન્દુમતી શાહ