ગાર્નેટ (વિશિષ્ટ ખનિજ વર્ગ) : આ ખનિજ વર્ગમાં ચોક્કસ નામવાળા મહત્વના ખનિજ પેટાપ્રકારોની શ્રેણીનો સમાવેશ કરેલો છે. ગાર્નેટ ખનિજ ક્યૂબિક સ્ફટિક વર્ગમાં સ્ફટિકીકરણ પામે છે. તેમનાં સ્ફટિકોમાં સ્વાભાવિક રીતે જોવા મળતાં સ્વરૂપો ‘ડોડેકાહેડ્રન’ અને ‘ટ્રેપેઝોહેડ્રન’ છે. બધાં ગાર્નેટનું સામાન્ય સૂત્ર એક છે; પરંતુ બંધારણમાં રહેલાં તત્વો જુદાં જુદાં હોય છે, જેને કારણે વચગાળાના બંધારણવાળા પ્રકાર પણ જોવા મળે છે. કેટલાંક ગાર્નેટ ખનિજોમાં સિલિકોનની પુરવણી થોડાઘણા પ્રમાણમાં ટાઇટેનિયમથી થયેલી હોય છે. આ પ્રકારના રાસાયણિક બંધારણવાળાં ગાર્નેટ ખનિજો ‘સ્કોર્લોમાઇટ’ જેવી વિરલ શ્રેણી સાથે સંબંધિત હોય છે.

રાસાયણિક બંધારણ : ગાર્નેટ ખનિજો ઑર્થોસિલિકેટ છે અને તેમનું સામાન્ય બંધારણ 3RO.R2O3.3SiO2 સૂત્ર દ્વારા દર્શાવાય છે. તેમના બંધારણમાં રહેલાં દ્વિ-સંયોજક તત્વો કૅલ્શિયમ, મૅગ્નેશિયમ, ફેરસ આયર્ન કે મૅંગેનીઝ છે, જ્યારે ત્રિસંયોજક તત્વો ઍલ્યુમિનિયમ, ફેરિક આયર્ન કે ક્રોમિયમ અને ક્વચિત્ ટાઇટેનિયમ હોય છે. ગાર્નેટમાંના વિવિધ અણુઓ એકબીજા સાથે સમરૂપ હોય છે; પરંતુ તેમનું મિશ્રસ્વરૂપ મર્યાદિત હોય છે. મોટા ભાગનાં ગાર્નેટ ખનિજોમાં બે કે ત્રણ અણુ ઘટકો રહેલા હોય છે; પરંતુ જે ગાર્નેટ ખનિજમાં ત્રણ ઘટકો હોય છે તેમાં એક ઘટક ગૌણ પ્રમાણમાં હોય છે. ઉલ્લેખનીય હકીકત એ છે કે ગાર્નેટ ખનિજો (1) પાયરોપ-ઍલ્મન્ડાઇન-સ્પેસરટાઇટ અને (2) ગ્રોસ્યુલેરાઇટ-એન્ડ્રેડાઇટ જેવી બે સમરૂપ શ્રેણીઓથી બનેલાં છે. આ બંને શ્રેણીઓ અલ્પ પ્રમાણમાં એકબીજી સાથે મિશ્રિત બને છે. ગાર્નેટ ખનિજોનો વક્રીભવનાંક અને વિશિષ્ટ ઘનતા રાસાયણિક બંધારણ પ્રમાણે બદલાયા કરે છે. પરમાણુરચનાની ર્દષ્ટિએ ગાર્નેટ ખનિજોમાં SiO4 ટેટ્રાહેડ્રા અલગ એકમો તરીકે રહેલા હોય છે અને તે ધાતુ આયનથી જોડાયેલા હોય છે.

ગાર્નેટ ખનિજોના પ્રકારો નીચે મુજબ છે :

    નામ સૂત્ર   રંગ વક્રીભવનાંક
1. પાયરોપ Mg3Al2Si3O12 રક્તરંગી 1.705
2. ઍલ્મન્ડાઇન Fe3Al2Si3O12 ઘેરો લાલ 1.830
3. સ્પેસરટાઇટ Mn3Al2Si3O12 લાલ 1.800
4. યુવારોવાઇટ Ca3Cr2Si3O12 લીલો 1.870
5. ગ્રોસ્યુલેરાઇટ Ca3Al2Si3O12 લીલો અથવા

નારંગી રાતો

 

1.735

6. એન્ડ્રેડાઇટ

(મેલેનાઇટ)

 

Ca3Fe2Si3O12

 

કાળો

 

1.895

પ્રકાશીય ગુણધર્મોની ર્દષ્ટિએ પાયરોપ, ઍલ્મન્ડાઇન અને સ્પેસરટાઇટ પ્રકારનાં ગાર્નેટ સાવર્તિક છે, જ્યારે બીજા વર્ગનાં ખનિજો – યુવારોવાઇટ, ગ્રોસ્યુલેરાઇટ અને એન્ડ્રેડાઇટ ઘણી વાર પ્રકાશીય અસ્વાભાવિકતાઓ બતાવે છે. ખડકવિદ્યાની ર્દષ્ટિએ ગાર્નેટ ખનિજો ખડકવિકૃતિની કક્ષાનો નિર્દેશ કરે છે.

સામાન્ય રીતે ગાર્નેટ ખનિજો મૂળ જળકૃત મૃણ્મય ખડકોમાંથી ઉદભવેલા નાઇસ અને શિસ્ટ જેવા વિકૃત ખડકો, સ્ફટિકમય ચૂનાખડકો તેમજ વિકૃતિ પામેલા બેઝિક કે અન્ય અગ્નિકૃત ખડકોમાં મળી આવે છે.

ગાર્નેટ ખનિજોની કેટલીક જાતો રત્ન તરીકે તેમજ કેટલીક જાતો ઘર્ષકો તરીકે વપરાય છે. રત્ન તરીકે ઉપયોગમાં લેવાતાં ગાર્નેટ માટે વપરાતા પર્યાયોમાં બોહેમિયન ગાર્નેટ, કેપ રૂબી, કાર્બન્કલ, સીનામોન- સ્ટોન વગેરેનો સમાવેશ થાય છે. રત્ન તરીકે ઉપયોગમાં લેવાતાં ગાર્નેટ ચેક પ્રજાસત્તાક, ભારત, શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકામાંથી મળી આવે છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે