ગાર્નેટ : રત્ન તરીકે વપરાતું અને આકર્ષક સ્વરૂપોમાં મળતું ખનિજ. તેના છ પેટા પ્રકારો છે : પાયરોપ, ઍલ્મન્ડાઇન, સ્પેસરટાઇટ, યુવારોવાઇટ, ગ્રોસ્યુલર અને એન્ડ્રેડાઇટ. મોટે ભાગે ગાર્નેટ વિકૃત પ્રકારના શિસ્ટ ખડકોમાંથી, તો ક્યારેક પેગ્મેટાઇટ જેવા અગ્નિકૃત ખડકોમાંથી પણ મળી રહે છે. શિસ્ટ ખડક નરમ હોવાથી તે સરળતાથી છૂટાં પડી શકે છે. પાયરોપ અને ઍલ્મન્ડાઇન વિક્ટોરિયન સમયમાં ખૂબ જ વપરાતાં હતાં. આજે તે ટાન્ઝાનિયા અને શ્રીલંકામાંથી સુંદર, ગુલાબી અને પર્પલ રંગમાં મળી રહે છે. હીરાની અવેજીમાં હવે તો ગાર્નેટની સંરચનાને મળતાં આવતાં કૃત્રિમ ગાર્નેટ YAG (Yttrium Aluminium Garnet) અને GGG (Gadolinium Gallium Garnet) તૈયાર થઈ શકે છે.
પાયરોપ : Mg3Al2(SiO4)3. ઊઘડતા લાલ રંગનું ગાર્નેટ. પારદર્શક, ચોખ્ખા સ્ફટિક સ્વરૂપે પ્રાપ્ય. કાંડા ઘડિયાળોમાં જ્વેલ તરીકે વપરાય છે. યુ.એસ., ચેક પ્રજાસત્તાક અને ટ્રેબનિટ્ઝ તેનાં મુખ્ય પ્રાપ્તિસ્થાનો છે.
ઍલ્મન્ડાઇન : Fe3+2Al2(SiO4)3. ઘેરા લાલ રંગનું ગાર્નેટ. કાપીને, ચમક આપીને નંગ તરીકે વપરાય છે. મુખ્યત્વે તે તુર્કી, ભારત, ઝિમ્બાબ્વે અને માડાગાસ્કરમાંથી, તો અમુક પ્રમાણમાં યુ.એસ., કૅનેડા, બ્રાઝિલ, ગ્રીનલૅન્ડ, નૉર્વે, સ્વીડન, ઑસ્ટ્રિયા, શ્રીલંકા, ટાન્ઝાનિયા, જાપાન અને ઑસ્ટ્રેલિયામાંથી મળે છે.
સ્પેસરટાઇટ : Mn3Al2(SiO4)3. લાલ, પીળો-લાલ, કેસરી-લાલ, પીળો-કથ્થાઈ, લાલ-કથ્થાઈ, કથ્થાઈ રંગમાં પ્રાપ્ય. તેની માત્ર પારદર્શક જાત ઉપયોગમાં લેવાય છે. તે યુ.એસ., બ્રાઝિલ, ઇંગ્લૅન્ડ, ફિનલૅન્ડ, ચેકોસ્લોવેકિયા, ન્યૂઝીલૅન્ડ અને માડાગાસ્કરમાંથી મળી રહે છે.
યુવારોવાઇટ : Ca3Cr2(SiO4)3. લાલરંગી સ્ફટિકો. રશિયન રાજનીતિજ્ઞ યુવારોવ પરથી નામ પડેલું છે. તે યુરલ પર્વતોમાંથી તેમજ સ્કૉટલૅન્ડના શેટલૅન્ડ ટાપુસમૂહના અર્ન્સ્ટ ટાપુ પરથી મળે છે.
ગ્રોસ્યુલર : Ca3Al2(SiO4)3 વ્યાપારી ધોરણે વખણાતો કેસરી-કથ્થાઈ રંગનો પેટાપ્રકાર હેસોનાઇટ શ્રીલંકામાંથી મળે છે. સોનેરી પીળું હેસોનાઇટ પૂર્વ આફ્રિકામાંથી અને તેજસ્વી લીલું ગ્રોસ્યુલર યુરલ પર્વતોમાંથી મળે છે. આ ઉપરાંત યુ.એસ., કૅનેડા, મેક્સિકો, ઇટાલી, સ્વિટ્ઝર્લૅન્ડ, રશિયા, કોરિયા અને ઑસ્ટ્રેલિયામાંથી પણ મળે છે.
એન્ડ્રેડાઇટ : Ca3Fe2+3(SiO4)3. પોર્ટુગીઝ ખનિજશાસ્ત્રી એન્ડ્રેડ પરથી નામ પડ્યું છે. ડિમૅન્ટૉઇડ એ તેની લાલ રંગની જાત રત્ન તરીકે વપરાય છે. મુખ્યત્વે તે યુરલ પર્વતોમાંથી મળે છે. આ ઉપરાંત યુ.એસ., ઇટાલી, રશિયા, ગ્રીનલૅન્ડ, નૉર્વે, સ્વીડન, સ્વિટ્ઝર્લૅન્ડ, ચેક પ્રજાસત્તાક અને રુમાનિયામાંથી પણ મળે છે.
ગિરીશભાઈ પંડ્યા