ગાયકવાડ, અંશુમાન (જ. 23 સપ્ટેમ્બર, 1952, મુંબઈ) : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ જમણેરી ઓપનિંગ બૅટ્સમૅન અને ભારતના પૂર્વ સુકાની દત્તાજી ગાયકવાડના પુત્ર. 1964–7૦માં વડોદરા તરફથી પ્રથમ કક્ષાની ક્રિકેટમાં ગોલંદાજ તરીકે પ્રારંભ કર્યો. 23 વર્ષની કારકિર્દીમાં 18 વર્ષ સુધી વડોદરાની રણજી ટ્રોફી ટીમના સુકાની તરીકે રહ્યા. 1975–76માં ન્યૂઝીલૅન્ડ સામે ટેસ્ટપ્રવેશ મેળવ્યો. 1984–85માં પાકિસ્તાન સામે જલંધરમાં 652 મિનિટ સુધી બૅટિંગ કરીને 2૦1 રન
નોંધાવ્યા અને ભારત તરફથી પ્રથમ કક્ષાની ક્રિકેટમાં સૌથી ધીમી બેવડી સદી નોંધાવવાનો વિક્રમ કર્યો. રણજી ટ્રોફીની 95 મૅચોમાં 47.6ની સરેરાશથી 5951 રન કર્યા અને 4૦ ટેસ્ટમાં 3૦.૦7ની સરેરાશથી 1985 રન કર્યા. ત્રેવીસ વર્ષની કારકિર્દીમાં 35 સદી સાથે 12 હજારથી વધુ રન નોંધાવ્યા છે અને 52 એકદિવસીય આંતરરાષ્ટ્રીય મૅચોમાં 32.14ની સરેરાશથી 1543 રન કર્યા છે. પ્રથમ કક્ષાની કારકિર્દીમાં કુલ 2૦7 મૅચમાં 42.16ની સરેરાશથી 12,354 રન કર્યા છે. ભારતીય ખેલાડીઓની પસંદગી સમિતિના સભ્ય તરીકે તેમણે પણ કામગીરી બજાવી હતી.
કુમારપાળ દેસાઈ