ગામીત : માત્ર ગુજરાત રાજ્યમાં જોવા મળતી જાતિ. તે ગાવીંત, ગામતડા કે માવચી વગેરે નામે ઓળખાય છે. તેમની વસ્તી ગુજરાતમાં સૂરત, વડોદરા, ભરૂચ, વલસાડ અને ડાંગ જિલ્લામાં જોવા મળે છે. દંતકથાઓ પ્રમાણે મૌર્યકાળના સૈનિકો ગામને છેવાડે જંગલમાં ભાગી ગયેલા તેથી ગામ-તડે-માંથી ગામતડા થયું હશે. ક્યાંક મહેસૂલ ઉઘરાવનાર ગાવીંત કહેવાતો હોઈ તેની પ્રજા ગાવીંત થઈ હશે. રૉયબર્મન તે શિવાજીના મરાઠા સૈનિકો હશે તેમ દર્શાવે છે, જ્યારે સિદ્ધરાજ સોલંકીએ લોકગીતોને આધારે તેમને માળવાના સૂર્યવંશી રજપૂતો તરીકે દર્શાવ્યા છે.
પુરુષો ધોતિયું, ખમીસ કે બંડી, માથે ટોપી કે ફાળિયું પહેરે છે. સ્ત્રીઓ કછોટો મારીને લાલ-ભૂરા કે ભૂખરા રંગનું 9 વારનું લૂગડું પહેરે છે, જેનો એક છેડો માથે ઓઢે કે બાંધે છે. જુવાન સ્ત્રીઓ ઉપરના ભાગમાં કબજો પહેરે છે. વૃદ્ધ સ્ત્રીઓ તે પહેરતી નથી. તેઓ ગળામાં પથ્થરના સફેદ મણકાની માળા ‘દરહાં’ પહેરે છે, જે તેમને ગામીત તરીકે સ્પષ્ટ જુદા પાડે છે. તેમને પોતાની બોલી છે, જે ‘ગામતી બોલી’ તરીકે ઓળખાય છે. તેમાં ઘણું લોકસાહિત્ય રહેલું છે.
તેમનામાં ગામીત, માવચી, વળવી અને વસાવા જેવાં પેટા-જૂથો છે. તે દરેક વચ્ચે સ્તરભેદ છે અને ક્રમમાં ઊંચાનીચા ગણાય છે. તે 56 જેટલાં કુળો-ગોત્રોમાં વહેંચાયેલા છે. તેમાંના કેટલાંક કુંવર, દેસાઈ, રાવળ, ચૌધરી, વારલી, રાવુત, માળવી, વાઘ, ભૂરા, માવચી, ભારતી, વેરત, વળવી વગેરે છે. તે પિતૃસત્તાક, પિતૃવંશીય અને પિતૃસ્થાનીય કુટુંબવ્યવસ્થા ધરાવે છે. પુખ્ત ઉંમરે લગ્ન થાય છે. તેમના કુટુંબમાં છોકરા-છોકરીને સમાન સ્થાન છે. લગ્નની પસંદગીમાં માબાપની પસંદગી ઉપરાંત સ્વપસંદગી, ભાગી જઈને લગ્ન કરવાં, ખંધાડલગ્ન(ઘરજમાઈ)ની વિશિષ્ટ પ્રથા છે. લગ્નમાં મામા-ફોઈનાં સંતાનોની પસંદગીને પ્રાધાન્ય આપવામાં આવે છે. વિધવાવિવાહ અને છૂટાછેડાની છૂટ હોય છે.
તે વન્યધર્મી છે. તેમનાં દેવદેવી ઝાડ કે ડુંગર પર, ગુફામાં કે કોતરડે હોય છે, જેની કોઈ આકૃતિ હોતી નથી. મૃત પિતૃઓને પૂજે છે, તેમનું ખતરું મૂકે છે. મૃતાત્માઓનો ભય તેમને સતાવે છે. ધાર્મિક વડો ભગત દેવપૂજા, મંત્રતંત્ર, ભોગ, માંદગી, લગ્ન વગેરેમાં આગેવાન હોય છે. તે પરંપરાગત સીમાયા દેવ, ભવાની માતા, આહિંદો ડોગાર, કાળો કાકર, નાંદરવો દેવ, વાઘદેવ, હનુમાન, ગોવાળદેવ, કંસરી માતા, પેટફોડી માતા વગેરેને પૂજે છે. આઝાદી પહેલાં જુગતરામ દવેના પ્રયત્નોને પરિણામે તેમનામાં શિક્ષણનો વિકાસ થયેલો છે. આજે શિક્ષિતો સરકારી નોકરીઓમાં, પ્રાથમિક, માધ્યમિક શાળાઓમાં ઠીક સંખ્યામાં જોડાયેલા છે. તે પરંપરાગત ખેતી, ખેતમજૂરી, છૂટક મજૂરી ઉપરાંત પુરુષ અને સ્ત્રીઓ માછલાં પકડવાં, જંગલની પેદાશ ભેગી કરવી વગેરે વ્યવસાયો કરે છે. સામાજિક ન્યાય માટે તેમનું પોતાનું જાતિ પંચ હોય છે. સંપર્કને પરિણામે તેઓ ખ્રિસ્તી, સતકેવલ, સતીપતિ વગેરે સંપ્રદાયોની અસરમાં પણ આવ્યા છે.
અરવિંદ ભટ્ટ