ગાડે, હરિ એ. (જ. 15 ઑગસ્ટ 1917, દશાસર, મહારાષ્ટ્ર; અ. 16 ડિસેમ્બર 2001) : જાણીતા મરાઠી ચિત્રકાર. વિજ્ઞાનના સ્નાતક થયા પછી મુંબઈની જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં પેઇન્ટિંગ લઈ ડિપ્લોમા અને આર્ટમાસ્ટરનો સર્ટિફિકેટ કોર્સ કર્યો. તેમનાં ચિત્રોમાં નિસર્ગનો વિપર્યાસ (distortion) કરી
ઊર્મિઓને મુક્ત રીતે રજૂ કરવાની અમૂર્ત પદ્ધતિ છે. ર્દઢ સંયોજનથી તેમનાં ચિત્રો આકર્ષક બન્યાં છે. 1947માં ‘પ્રોગ્રેસિવ આર્ટિસ્ટ ગ્રૂપ’ના સ્થાપક સભ્ય બની મુંબઈ, વડોદરા, અમદાવાદ અને કૉલકાતાનાં પ્રદર્શનોમાં ભાગ લીધો. 1958માં બૉમ્બે આર્ટિસ્ટ ગ્રૂપના સ્થાપક સભ્ય બની 1956માં તથા 1958માં પ્રદર્શનો યોજ્યાં. 194૦થી તે કલા-પ્રદર્શનોમાં પોતાની કૃતિઓ રજૂ કરે છે. 1958 સુધી લલિતકલાનાં બધાં પ્રદર્શનોમાં ભાગ લીધો છે. એકલ પ્રદર્શનો મુંબઈ, દિલ્હી,
નાગપુર, હૈદરાબાદ અને વિદેશમાં રૂમાનિયા તથા હંગેરીમાં યોજ્યાં છે. 1956માં બૉમ્બે આર્ટ સોસાયટીનો સુવર્ણચંદ્રક તેમને અર્પણ થયેલો. 1958માં મહારાષ્ટ્રના રાજ્ય પ્રદર્શનમાં ઍવૉર્ડ મળ્યો તથા તે રાજ્ય તરફથી 1992માં સન્માન થયું. 1962માં સાયગોન દ્વિવાર્ષિકીમાં ઍવૉર્ડ મળ્યો. તેમનાં ચિત્રો દેશવિદેશોનાં સંગ્રહસ્થાનોમાં છે. કલા-પરિસંવાદ તથા કાર્યશાળાઓમાં તેમણે કલાશિક્ષણ પરત્વે ફાળો આપ્યો છે. યુનેસ્કોની સલાહકાર સમિતિમાં (પૅરિસ અને વેનિસ) ભાગ લેવાનું તેમને બહુમાન સાંપડ્યું છે. લકવાની અસર થયા પછી તે કલમ કે પીંછી ઉપાડી શક્યા નથી.
કનુ નાયક