ગાડગીળ, ડૉ. ધનંજય રામચંદ્ર (જ. 1૦ એપ્રિલ 19૦1, નાગપુર; અ. 3 મે 1971) : ભારતના અગ્રગણ્ય અર્થશાસ્ત્રી, પુણેના ગોખલે ઇન્સ્ટિટ્યૂટના સંસ્થાપક-નિયામક તથા આયોજન પંચના પૂર્વ ઉપાધ્યક્ષ. જન્મ મધ્યમવર્ગીય કુટુંબમાં. તેમનું બાળપણ નાગપુરમાં વીતેલું, જ્યાં એમના પિતા વકીલાત કરતા હતા. તેમણે 1916માં સિનિયર કેમ્બ્રિજની પરીક્ષા પાસ કરી અને 1918માં ઉચ્ચ શિક્ષણ માટે ઇંગ્લૅન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં દાખલ થયા. 1921માં તેમણે ઇતિહાસ અને અર્થશાસ્ત્ર સાથે કેમ્બ્રિજની પદવી પ્રાપ્ત કરી. ત્યાં તેમણે એમ.લિટ. માટે બે વધુ વર્ષો ગાળ્યાં. પ્રોફેસર હૅન્ડરસનના હાથ નીચે કામ કરીને શોધપ્રબંધ લખ્યો, જે ‘ઇન્ડસ્ટ્રિયલ ઇવોલૂશન ઇન ઇન્ડિયા’ એ શીર્ષક નીચે પાછળથી તે પ્રગટ કરવામાં આવ્યો હતો. એ પુસ્તક વર્ષો સુધી ભારતના આર્થિક ઇતિહાસનું પ્રમાણભૂત પાઠ્યપુસ્તક રહ્યું હતું.
1923માં તે ભારત પાછા ફર્યા. એકાદ વર્ષ મુંબઈ ઇલાકાના નાણાવિભાગમાં તેમણે કામ કર્યું. તેમની અધ્યાપક તરીકેની કારકિર્દીનો આરંભ સૂરતની એમ.ટી.બી. કૉલેજના આચાર્ય તરીકે થયો (1925–3૦). 1927માં તેમનાં લગ્ન સાતારાના વકીલ રાવબહાદુર આર. આર. કાળેનાં પુત્રી પ્રમીલા સાથે થયાં. તેમાંથી તેમના જીવનને વળાંક મળ્યો. તેમના સસરાના રૂપિયા એક લાખના દાનથી 193૦માં સ્થપાયેલી ‘ગોખલે ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પૉલિટિક્સ ઍન્ડ ઇકૉનૉમિક્સ’ના પ્રથમ નિયામક થવાનું તેમણે સ્વીકાર્યું. ત્યાંથી તે 65 વર્ષની વયે 1966માં નિવૃત્ત થયા. 1966–67માં તે પુણે યુનિવર્સિટીના ઉપકુલપતિ હતા. 1967થી 1971 દરમિયાન તેમણે આયોજન પંચના ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી. 1971માં પુણે પાછા ફરી રહ્યા હતા ત્યારે પ્રવાસમાં જ તેમનું અવસાન થયું હતું.
ગોખલે ઇન્સ્ટિટ્યૂટનો ઉદ્દેશ દેશના પ્રવર્તમાન રાજકીય અને આર્થિક પ્રશ્નનો અભ્યાસ કરવાનો હતો. તેથી ગાડગીળે તેમનો સમય ભારતના અર્થતંત્રને લગતી વિગતો ભેગી કરવામાં અને તેનું વિશ્લેષણ કરવામાં ખર્ચ્યો હતો. તેમણે સંખ્યાબંધ વિષયો પર કામ કરીને વિપુલ લેખનકાર્ય કર્યું હતું. તેમના લેખો, પુસ્તકસમીક્ષા, લિખિત વ્યાખ્યાનો વગેરેની સંખ્યા 375 જેટલી થવા જાય છે; તે પૈકી લગભગ 9૦ લેખો મરાઠીમાં છે. તે શિક્ષણના તમામ સ્તરે બોધભાષા તરીકે માતૃભાષાના હિમાયતી હતા. તેમના અભ્યાસના વિષયોનું વૈવિધ્ય ઘણું મોટું હતું. ભારતનું રાજબંધારણ, અલ્પવિકસિત દેશોનો વિકાસ, મોટા પાયાના ઉદ્યોગોના ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિ, જમીનની ટોચમર્યાદા, ફુગાવો અને આયોજન, મુંબઈ શહેરનું ભાવિ, સોનાધોરણ – તેમના અભ્યાસના વિષયોની આ એક સાવ અપૂર્ણ પણ ઉદાહરણરૂપ યાદી છે.
ગાડગીળે 24 જેટલી સમિતિઓના સભ્ય કે અધ્યક્ષ તરીકે કામગીરી બજાવી હતી. એ સમિતિઓના હેવાલો તૈયાર કરવામાં તેમણે મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો. સુતરાઉ કાપડના ઉદ્યોગના કામદારો માટેની સમિતિ શરૂ કરીને તેમની આ કામગીરીનો આરંભ ત્રીસીના દસકાના ઉત્તરાર્ધમાં થયો હતો. તેમણે જે વિવિધ સમિતિઓમાં કામગીરી બજાવી હતી તે પૈકી ત્રણ ઉલ્લેખનીય છે : સંયુક્ત રાષ્ટ્રસંઘે અલ્પવિકસિત દેશોના આર્થિક વિકાસ માટેનાં પગલાં સૂચવવા નીમેલી સમિતિ, ભારતના ગ્રામીણ વિસ્તારોમાં ધિરાણની મોજણી માટેની સમિતિ તથા ગ્રામોદ્યોગો અને નાના પાયાના ઉદ્યોગો માટેની સમિતિ. ગાડગીળ અનેક મુદ્દા પર પોતાના આગવા અને ચોક્કસ વિચારો ધરાવતા હોવા છતાં, સમિતિના હેવાલોમાં તેમણે એ આગ્રહો જતા કરવાનું વલણ રાખ્યું હતું. તેમણે કોઈ સમિતિના હેવાલમાં અસંમતિસૂચક નોંધ લખી ન હતી.
આમજનતા માટેની હમદર્દીએ તેમને સહકારી પ્રવૃત્તિની સાથે સાંકળ્યા હતા. તે સંખ્યાબંધ સહકારી સંગઠનો સાથે સભ્ય કે અધ્યક્ષ તરીકે ગાઢ રીતે સંકળાયેલા હતા. સહકારી પ્રવૃત્તિને સ્પર્શતા અનેક વિષયો પર તેમણે લેખો અને નોંધો લખ્યાં હતાં. સહકારી પ્રવૃત્તિમાં ગાડગીળનું એક મહત્વનું પ્રદાન કૃષિપેદાશોના પ્રોસેસિંગના ક્ષેત્રે છે. તેમણે સહકારી ધોરણે ખાંડનું સર્વપ્રથમ કારખાનું સ્થાપ્યું અને તેના પ્રથમ પ્રમુખ બન્યા (1949–6૦). એ પછી મહારાષ્ટ્રમાં સહકારી ધોરણે ખાંડનાં સંખ્યાબંધ કારખાનાં ઊભાં થયાં.
ભારતના આયોજન પંચના ઉપાધ્યક્ષ તરીકે તેમણે એક યાદગાર કામગીરી બજાવી. પંચવર્ષીય યોજનામાં સમાવિષ્ટ કાર્યક્રમોનો અમલ કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી રાજ્યોને જે નાણાકીય સહાય આપવામાં આવતી હતી તે માટે 1962 સુધી કોઈ વસ્તુલક્ષી ધોરણો મુકરર કરવામાં આવ્યાં ન હતાં. ગાડગીળે રાજ્યો માટેની કેન્દ્રીય સહાય માટેનાં ધોરણો તૈયાર કર્યાં, જે ‘ગાડગીળ ફૉર્મ્યુલા’ તરીકે જાણીતાં છે. તે ધોરણો 1969થી અમલી બન્યાં. તેમાં ફેરફારો થતા રહ્યા છે, પરંતુ ગાડગીળે તૈયાર કરેલી ફૉર્મ્યુલાનું હાર્દ જળવાઈ રહ્યું છે.
ગાડગીળ આર્થિક આયોજનમાં ર્દઢ શ્રદ્ધા ધરાવતા હતા, ગ્રામીણ અને નાના પાયાના ઉદ્યોગોના હિમાયતી હતા, તેથી બજારતંત્રની મુક્ત કામગીરીમાં તેમને શ્રદ્ધા ન હતી. સામાજિક ઉદ્દેશોને નજર સમક્ષ રાખીને બજારતંત્ર પર અંકુશો મૂકવાનો તેમનો આગ્રહ હતો. તેમના અંગત જીવનમાં તે સાદા અને શિસ્તબદ્ધ હતા અને નીતિ તથા ધર્મની બાબતમાં ભારે ઉદ્દામવાદી વિચારો ધરાવતા હતા. વર્ષ 2૦૦8માં ભારત સરકારે તેમની જન્મશતાબ્દી નિમિત્તે તેમને સન્માનવા માટે એક ટપાલટિકિટ બહાર પાડી હતી. કોઈ અર્થશાસ્ત્રીના નામની ટિકિટ બહાર પડી હોય તેવો ભારતમાં આ પહેલો કિસ્સો છે.
રમેશ ભા. શાહ