ગાઇગર, હાન્સ વિલ્હેલ્મ
January, 2010
ગાઇગર, હાન્સ વિલ્હેલ્મ (જ. 30 સપ્ટેમ્બર 1882, નૉઇ-સ્ટાટ-એન ડર-હાર્ટ; અ. 24 સપ્ટેમ્બર 1945, પોટ્સડૅમ) : ન્યૂક્લિયર વિજ્ઞાનમાં પાયાના સંશોધન તથા ગાઇગર કાઉન્ટર ઉપકરણની શોધ માટે વિખ્યાત જર્મન ભૌતિકશાસ્ત્રી. આ ઉપકરણ દ્વારા ગાઇગરે આલ્ફા
તથા બીટા કણો શેના બનેલા છે તેની શોધ કરી. વિજ્ઞાની અર્નેસ્ટ રુધરફર્ડની સાથે 1930માં દર્શાવ્યું કે આલ્ફા કણ પર +2 એકમ જેટલો વિદ્યુતભાર આવેલો છે અને 1913માં તેવું નિર્દેશન (demonstration) કર્યું કે આલ્ફા કણનો ન્યૂક્લિય વિદ્યુતભાર તેના પરમાણુભાર કરતાં અડધો છે.
(નોંધ : આલ્ફા કણ એ હીલિયમ પરમાણુન્યૂક્લિયસ છે, જેનો પરમાણુ દળાંક — atomic mass unit (amu) — 4 એકમ જેટલો છે, અને વિદ્યુતભાર +2 એકમ જેટલો છે. સંજ્ઞા સ્વરૂપે તેને 2He4 વડે દર્શાવવામાં આવે છે.) તેમણે ઘણું બધું સંશોધન કરેલું છે, જેમાં 1930માં કરેલ બ્રહ્માંડ કિરણો(cosmic rays)નો પણ સમાવેશ થાય છે.
એરચ મા. બલસારા