ગાંધી, પ્રતીક (. 28 એપ્રિલ, 1980, સૂરત) : ‘સ્કેમ 1992’ નામની ઓટીટી સિરીઝ સ્કેમ 1992માં ‘બિગબુલ’ હર્ષદ મહેતાનું પાત્ર આબાદ રીતે ભજવીને પ્રસિદ્ધ થયેલો ગુજરાતી અને હિંદી રંગમંચ અને ફિલ્મોનો અભિનેતા. તાજેતરમાં નેટફ્લિક્સ ઓટીટી પ્લૅટફૉર્મ પર ‘સારે જહાં સે અચ્છા’માં પાકિસ્તાનમાં ભારતીય જાસૂસી સંસ્થા રૉના જાસૂસની ભૂમિકાને વિવેચકોએ બિરદાવી છે.

પ્રતીક ગાંધી

પિતા ખ્યાલી રામ કુલ્હારી અને માતા રિટા ગાંધી બંને સૂરતમાં શિક્ષકો. શાળાનું શિક્ષણ સૂરતમાં વી. ડી. દેસાઈમાં મેળવ્યું. અહીંથી જ રંગમંચની દુનિયાની તાલીમ મેળવી. વર્ષ 2004માં મહારાષ્ટ્રનાં જલગાંવ શહેરમાં નૉર્થ મહારાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. વર્ષ 2004થી 2007 સુધી સતારા અને પુણેમાં નૅશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલમાં તથા 2008થી 2016માં રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (મુંબઈ)માં સિમેન્ટ ડિવિઝનમાં કામ કર્યું.

વર્ષ 2014માં ગુજરાતી નાટક ‘આ પાર કે પેલે પાર’થી રંગમંચની દુનિયામાં પ્રવેશ કર્યો. એ જ વર્ષ ગુજરાતી ફિલ્મ ‘બૅ યાર’માં તપન કે ટીનાની ભૂમિકા ભજવીને ફિલ્મી દુનિયામાં પણ પ્રવેશ કર્યો. ત્યાર બાદ ‘હું ચંદ્રકાંત બક્ષી’ નામના નાટકમાં યાદગાર લેખકની ભૂમિકા ભજવીને વિવેચકોની પ્રશંસા મેળવી. વર્ષ 2016માં ‘રોંગ સાઇટ રાજુ’ નામની ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી. આ ફિલ્મને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. વર્ષ 2016માં ‘મોહનનો મસાલો’ નામનું એકાંકી નાટક એક જ દિવસમાં ત્રણ ભાષા અંગ્રેજી, હિંદી અને ગુજરાતીમાં ભજવીને લિમ્કા બુક ઑફ રેકૉર્ડ્ઝમાં સ્થાન મેળવ્યું. પરંતુ સફળતાનું શિખર વર્ષ 2020માં ‘બિગબુલ’ તરીકે જાણીતા સ્ટૉકબ્રોકર અને વર્ષ 1992માં શૅરબજારમાં થયેલા કૌભાંડના મુખ્ય આરોપી હર્ષદ મહેતાના જીવન પર આધારિત ઓટીટી સિરીઝ ‘સ્કેમ 1992’થી મળી. આ સિરીઝમાં પ્રતીકે હર્ષદ મહેતાનું પાત્ર જીવંત કરી દીધું અને ચોતરફ પ્રશંસા મળી. આ સિરીઝ પછી તેની ઓટીટી પ્લૅટફૉર્મ પરની કારકિર્દી પૂરવેગે દોડી.

પ્રતીકને મુખ્યત્વે પ્રસિદ્ધ મહાનુભાવોનું જીવન પડદા પર જીવંત કરવામાં વિશેષ રસ છે. એપ્રિલ, 2025માં મહાત્મા ફુલે પર આધારિત ફિલ્મ ‘ફુલે’માં તેમણે જ્યોતિરાવ ફુલેનું પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મના નિર્દેશક અનંત મહાદેવન છે, જેઓ પ્રતીક ગાંધીની સરખામણી ‘21મી સદીના સંજીવ કુમાર’ તરીકે કરે છે. પ્રતીકની અન્ય યાદગાર ફિલ્મો અને ઓટીટી સિરીઝ આ છેઃ ‘ધૂમધામ’, ‘વિઠ્ઠલ તીડી’ વગેરે.

કેયૂર કોટક