ગાંધી (ચિત્રપટ)
January, 2010
ગાંધી (ચિત્રપટ) : કોલંબિયા પિક્ચર્સ દ્વારા 1981–82માં નિર્મિત આઠ ઑસ્કર ઍવૉર્ડ વિજેતા વિશ્વવિખ્યાત રંગીન ચલચિત્ર. તે અંગ્રેજી અને હિંદી ભાષામાં તૈયાર કરવામાં આવ્યું છે. તેના દિગ્દર્શક પ્રસિદ્ધ બ્રિટિશ ચલચિત્રનિર્માતા રિચાર્ડ ઍટનબરો છે. આ ચલચિત્ર ગાંધીજી(1869–1948)ના જીવનનાં 79 વર્ષમાંથી 56 વર્ષની જાહેર કારકિર્દી આવરી લે છે. તેમાં મહાત્મા ગાંધીજીની મુખ્ય ભૂમિકામાં બેન કિંગ્ઝલે, કસ્તૂરબાની ભૂમિકામાં રોહિણી હતંગડી, જવાહરલાલ નહેરુની ભૂમિકામાં રોશન શેઠ, સરદાર પટેલની ભૂમિકામાં સઈદ જાફરી, મહંમદઅલી ઝીણાની ભૂમિકામાં એ. પદમસી, મૌલાના આઝાદની ભૂમિકામાં વીરેન્દ્ર રાઝદાન, લૉર્ડ માઉન્ટબૅટનની ભૂમિકામાં પીટર હાર્લો, અબ્દુલ ગફારખાનની ભૂમિકામાં દિલશેરસિંગ તથા સરોજિની નાયડુની ભૂમિકામાં તરલા મહેતાનો સમાવેશ થાય છે. જ્હૉન બ્રેવીએ ચિત્રપટની પટકથા લખી છે, સંગીત-દિગ્દર્શન વિખ્યાત સિતારવાદક રવિશંકરે કર્યું છે અને વેશભૂષા ભાનુ અઠૈયાએ સંભાળી છે.
ચલચિત્રની શરૂઆત ગાંધીજીની સ્મશાનયાત્રાના ર્દશ્યથી થાય છે જેમાં જુદી જુદી ભૂમિકા ધરાવતા આ ચલચિત્રના મહત્વના 14 કલાકારો, 1060 લશ્કર અને પોલીસના અધિકારીઓ અને જવાનો, 1000 શોકસંતપ્ત સ્ત્રી-પુરુષો, ગૃહરક્ષક દળના 3000 જવાનો તથા વિલાપ કરતા આશરે 89,500 પ્રજાજનો મળીને લાખેક લોકોને સામેલ કરવામાં આવ્યા છે. ઉપરાંત, દિલ્હીના જે માર્ગોથી સ્મશાનયાત્રા પસાર થાય છે તે માર્ગો પર બંને બાજુએ રસ્તા, મકાનોની બારીઓ, છજાં, છતો, વૃક્ષો તેમજ વાહનો પર ગાંધીજીના પાર્થિવ દેહનું અંતિમ દર્શન કરતા અસંખ્ય માનવીઓનું ચિત્રાંકન કરવામાં આવ્યું છે.
દક્ષિણ આફ્રિકામાં એક યુવાન વકીલના વેશમાં ગાંધીજી રેલગાડીના પ્રથમ વર્ગના ડબ્બામાં પ્રવાસ કરવા જતાં ગોરા પ્રવાસીઓ તેમને ધક્કા મારીને સ્ટેશનના પ્લૅટફૉર્મ પર ફેંકી દે છે ત્યાંથી દિલ્હીના બિરલા ભવનના પ્રાંગણમાં 30 જાન્યુઆરી 1948ના રોજ સાંજે તેમની હત્યા થઈ ત્યાં સુધીના ગાંધીજીના જીવનના મુખ્ય પ્રસંગો આ ચલચિત્રમાં આબેહૂબ વણી લેવામાં આવ્યા છે. પચાસ હજાર સ્ત્રી-પુરુષો સાથેની દાંડીકૂચ, 1930માં ધરાસણા ખાતે મીઠું પકવવાના સ્થળે ગાંધીજીના અનુયાયીઓએ કરેલો સત્યાગ્રહ, જલિયાંવાલા બાગ હત્યાકાંડ, સાબરમતી નદીના પટના એક કિનારાથી ગાંધીજી બીજા કિનારા પરની એક અર્ધનગ્ન ગરીબ સ્ત્રી માટે પાણીના વહેણ સાથે પોતાનું વસ્ત્ર મોકલે છે તેમાં રહેલી કરુણા જેવાં ર્દશ્યો ગાંધીજીના જીવનને રૂપેરી પડદા પર તાર્દશ બનાવે છે.
આ ચલચિત્રના આઠ ઑસ્કર ઍવૉર્ડ-વિજેતાઓમાં દિગ્દર્શક-નિર્માતા રિચાર્ડ ઍટનબરો, ગાંધીજીની ભૂમિકા ભજવતા બેન કિંગ્ઝલે તથા વેશભૂષા આયોજન માટે ભારતીય નારી ભાનુ અઠૈયાનો સમાવેશ થાય છે. આ રીતે ભાનુ અઠૈયા ઑસ્કાર-વિજેતા પ્રથમ ભારતીય થાય છે.
વિશ્વના ચલચિત્રનિર્માણના અત્યાર સુધીના ઇતિહાસમાં આ ચલચિત્રનું સર્જન એક ઐતિહાસિક ઘટના (world event) ગણવામાં આવી છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે