ગાંધર્વ (બેનર્જી), દીના
June, 2026
ગાંધર્વ (બેનર્જી), દીના (જ. ભાવનગર) : ગુજરાતી લોકગાયિકા. તેમનો જન્મ ગાંધર્વ પરિવારમાં થયેલો. 1950ના દાયકામાં શ્રીમતી દીનાબહેને વિનયનમાં સ્નાતક અને અનુસ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરેલી. લોકસંગીતનું શિક્ષણ તેઓએ આકાશવાણી રાજકોટ ખાતે શ્રી હેમુભાઈ પાસેથી મેળવેલું અને સોરઠી મિજાજમાં અદભુત લોકગીતો, ભજનો, કથાગીતો ગાયેલાં. 1955થી 1962 સુધી તેઓ રાજકોટ કેન્દ્ર પર રહ્યાં.
ત્યારબાદ એ સમયના રાજકોટ પોલિટૅકનિકના અધ્યાપક એવા શ્રી તરુણ બેનર્જી સાથે લગ્નવિધિથી જોડાયાં. આકાશવાણી રાજકોટ કેન્દ્રના પ્રારંભના સમયે આકાશવાણી રાજકોટના ઉદઘોષિકા અને લોકગાયક હેમુ ગઢવીનાં સહકર્મી રહેલાં. લગ્ન બાદ તેઓ દિલ્હી ખાતે સ્થાયી થયેલાં. આકાશવાણી દિલ્હી કેન્દ્ર પર તેમણે ગુજરાતી વિભાગ માટે સંશોધન, સંકલન અને પ્રસ્તુતિનું પ્રશંસનીય કાર્ય કર્યું. નિવૃત્તિ બાદ થોડો સમય દિલ્હીમાં રહ્યા બાદ આ યુગલ અમદાવાદ સ્થાયી થયું હતું. 2016માં એમના પતિનું અવસાન થયા બાદ તેઓ એકલાં પણ ખૂબ જ આત્મવિશ્વાસથી રહ્યાં.
ઉલ્લેખનીય છે કે દીનાબહેને હેમુ ગઢવીના આકાશવાણી રાજકોટના મોટા ભાગનાં સર્જનોમાં ગીતો ગાયાં છે. કવળાં સાસરિયાં, જેસલ-તોરલ, દાસીજીવણ વગેરે સાંગીતિકાઓમાં દીનાબહેને સ્વર આપ્યો છે. આ ઉપરાંત HMVમાં હેમુ ગઢવીના અતિ લોકપ્રિય થયેલા આલબમ ‘સ્મરણાંજલિ’માં ‘સોનાવાટકડી રે કેસર ઘોળ્યા’, ‘દાદા હો દીકરી’, ‘સવા બશેરું મારું દાતરડું’, ‘પેલા પેલા જુગમાં રાણી’, ‘કચ્છમાં અંજાર મોટા શેર છે’, ‘મોરબીની વાણિયણ મચ્છુ પાણી જાય’ જેવાં યાદગાર ગીતો દીનાબહેને હેમુભાઈ સાથે ગાયેલાં, જે આજે પણ સંભળાય છે. તેમનું કાર્ય ઘણી વાર ઝવેરચંદ મેઘાણી દ્વારા લખાયેલ ‘કસુંબીનો રંગ’ સંકલન સાથે સંકળાયેલું છે. તે પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક કુમાર ગંધર્વથી અલગ કલાકાર છે.
દીનાબહેન નિઃસંતાન હતાં, પરંતુ હેમુભાઈનાં સંતાનોને તેઓ કાયમ પોતીકાં માનતાં અને હેમુ ગઢવી પરિવારના તમામ સારા-માઠા પ્રસંગે અચૂક હાજરી આપતા. 2015માં હેમુ ગઢવીની 50મી પુણ્યતિથિના અવસરે એમણે લોકસંગીતમાં આપેલ યોગદાન બદલ તેઓનું હેમુ ગઢવી પરિવાર દ્વારા સન્માન કરવામાં આવેલું. ઋણાનુબંધનો આ સિલસિલો ત્યાં સુધી રહ્યો કે એમના અંતિમ સમયે કાંધ પણ હેમુભાઈના પુત્રોએ આપી.
દીનાબહેનનું અવસાન 94 વર્ષની ઉંમરે એમના અમદાવાદ ખાતેના નિવાસસ્થાને સવારના 10:30 કલાકે થયું હતું. લોકસંગીતનાં આ દિગ્ગજ ગાયિકાની ગરવાઈ આભને આંબે તેવી હતી.
કનુભાઈ શાહ
