ગવસ, રાજન ગણપતિ
January, 2010
ગવસ, રાજન ગણપતિ (જ. 21 નવેમ્બર 1959, અટયાલ, જિ. કોલ્હાપુર, મહારાષ્ટ્ર) : મરાઠી નવલકથાકાર અને વાર્તાકાર. તેમને તેમની નવલકથા ‘તણકટ’ માટે 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે એમ.એ., એમ.એડ્. અને પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ હિંદી તથા અંગ્રેજી ભાષાની સારી જાણકારી ધરાવે છે.
1982થી તેમણે લેખનપ્રવૃત્તિ શરૂ કરીને નવલકથાઓ, વાર્તાસંગ્રહ, કાવ્યસંગ્રહ અને શોધ-પ્રબંધ આપ્યા છે. તે ઉપરાંત તેમણે પુસ્તકોનું સંપાદન સંભાળ્યું છે. તેમની ઘણી કૃતિઓ અંગ્રેજી, કન્નડ અને હિંદીમાં અનૂદિત કરવામાં આવી છે.
તેમને યથા સંસ્કૃતિ પ્રતિષ્ઠાન, નવી દિલ્હીનો સંસ્કૃતિ પુરસ્કાર, મહારાષ્ટ્ર સરકારના એચ. એન. આપ્ટે અને શ્રેષ્ઠ નવલકથા પુરસ્કાર, એમ. એસ. પી. પુણેનો શંકર પાટીલ તથા જી. એલ. થોકલ પુરસ્કાર તેમજ મહારાષ્ટ્ર ફાઉન્ડેશન પુરસ્કાર જેવા અનેક પુરસ્કારથી તેઓને સન્માનિત કરવામાં આવ્યા છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘તણકટ’માં તેમણે અત્યંત તટસ્થ અને કલાત્મક રીતે ભારતીય ગ્રામીણ માનસમાં વ્યાપ્ત નાત-જાતનું ગંભીરતાપૂર્વક યથાર્થ ચિત્રાંકન કર્યું છે. તેથી તેમાં સામાજિક પરિવેશના વિવિધ સ્તરો ઉજાગર થાય છે. સામાજિક અને સાંસ્કૃતિક પાસાંની અભિવ્યક્તિમાં તેમની ક્ષમતા, વિવિધ બોલીઓના ઉપયોગ દ્વારા ક્ષેત્રીય જીવનના યથાયોગ્ય ચિત્રાંકનને કારણે આ કૃતિ મરાઠીમાં લખાયેલ ભારતીય કથાસાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન મનાય છે.
બળદેવભાઈ કનીજિયા