ગવર્નમેન્ટ મ્યુઝિયમ, મથુરા (ઉત્તરપ્રદેશ)
January, 2010
ગવર્નમેન્ટ મ્યુઝિયમ, મથુરા (ઉત્તરપ્રદેશ) (સ્થાપના : 1874) : પ્રારંભમાં કર્ઝન મ્યુઝિયમ ઑવ્ આર્કિયૉલૉજી તરીકે ઓળખાતું મ્યુઝિયમ. 1912માં ઉત્તરપ્રદેશની સરકારે તેનો વહીવટ સંભાળ્યો તે પછી 1930માં તેની તમામ શિલ્પકૃતિઓ તથા કલાસંગ્રહ નવા મકાનમાં ખસેડવામાં આવ્યાં હતાં. તે પહેલાં તેમાંની ઉત્તમ શિલ્પકૃતિઓ ઇન્ડિયન મ્યુઝિયમ, કૉલકાતામાં; લખનૌના મ્યુઝિયમમાં અને બ્રિટિશ મ્યુઝિયમ, લંડન જેવાં મોટાં અને વધુ મહત્ત્વનાં મ્યુઝિયમોમાં ખસેડવામાં આવી હતી.
મ્યુઝિયમનું હાલનું અષ્ટકોણાકાર મકાન મથુરાના ગુલાબી પથ્થરમાંથી બાંધવામાં આવ્યું છે. તેમાં શિલ્પકૃતિઓને કાલક્રમાનુસાર ગોઠવવામાં આવી છે. તેના પ્રવેશદ્વારે 2 ચિરસ્મરણીય વિશાળ શિલ્પકૃતિઓ છે. જમણી તરફ સિંહાસન પર બેઠેલા રાજા વીમ કદ્ફિસની પ્રતિમા છે. તે કુષાણ કાળની મસ્તકવિહીન શિલ્પકૃતિનો અનોખો નમૂનો છે. આ મ્યુઝિયમમાં આવી શિલ્પકૃતિઓનો સમૃદ્ધ સંગ્રહ છે. આ શિલ્પકૃતિઓના નીચેના ભાગે કોતરેલા શિલાલેખમાં શાસનકર્તાનાં નામો દર્શાવ્યાં છે.
તેની ડાબી બાજુ રાજા કનિષ્કની મસ્તકવિહીન પ્રતિમા કલાત્મક રીતે કંડારેલી છે. તેની નીચે પણ શિલાલેખ કોતરેલ છે. જમણી બાજુ શિલ્પકૃતિઓની ગૅલરીનો વિભાગ છે. તેને છેડે જમણી દીવાલ પર બૌદ્ધ ધર્મનો ફક્ત પીપળાના વૃક્ષના પ્રતીકના સંકેતવાળો સ્તૂપ દર્શાવતી લંબરૂપ પૅનલ છે. આ સ્તૂપ બૌદ્ધ ધર્મના હીનયાન સમયનો છે. આ ગૅલરી પછીના ખંડમાં મથુરામાંથી મળેલ પકવેલ માટીની શિલ્પકૃતિઓ (ટેરાકોટા), પાષાણશિલ્પો અને ધાતુપ્રતિમાઓનો સંગ્રહ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. આ બહુ નાની ટેરાકોટા આકૃતિઓ પરનું સુશોભન, કેશગુંફનની વિવિધ શૈલી અને પોશાકોની વિપુલતા મંત્રમુગ્ધ કરે છે. મૌર્ય, શુંગ અને ગુપ્તકાળના નમૂનાઓ સહિત આમાંની કેટલીક શિલ્પાકૃતિઓ ચોથી સદી પહેલાંની છે.
ગૅલરીની જમણી બાજુએ ગંધારમાંથી એકત્ર કરેલ શિલ્પ-કૃતિઓનો ગોખ છે. આ ગોખની અંદર બુદ્ધ અને બોધિસત્વની ગ્રીકો-રોમન અસરવાળી શિલ્પકૃતિઓ ગોઠવેલી છે. મુખ્ય પ્રવેશદ્વારની ડાબી બાજુએ સામેના ભાગે રથ પર આરૂઢ થયેલા સૂર્ય જેવા કોઈ હિંદુ દેવની પ્રતિમાઓ અને શિલ્પકૃતિઓ આવેલી છે.
બીજી સદીનું નાગરાણીના પૂતળાનું શિલ્પ અતિ મોહક છે. વિવિધ માથાંવાળી નાગની ફણાની જેમ પાંચ નાગણીઓની ફેણ મધ્યભાગમાંથી નીકળતી કોતરેલી છે. આ ઉપરાંત તેના અભિલેખો, મૃત્પાત્રો, મૃત્તિકા-મુદ્રાંક, સિક્કાઓ અને ધાતુપ્રતિમાઓનો સંગ્રહ સુપ્રસિદ્ધ છે. ડૉ. સેગેલે અને ડૉ. અગ્રવાલે તૈયાર કરેલા આ સંગ્રહના સૂચિગ્રંથોએ પણ આ મ્યુઝિયમને ખ્યાતિ અપાવી છે.
બળદેવભાઈ કનીજિયા