ગલત આંજિયો (ગલત અંગારિયો)
January, 2010
ગલત આંજિયો (ગલત અંગારિયો) : Ustilaginoidea virens નામની ફૂગથી ડાંગરના દાણાને થતો રોગ. જુદા જુદા પાકોમાં Telletia કે Sphacelotheca જાતિની ફૂગથી આંજિયાનો રોગ થાય છે, જ્યારે ગલત આંજિયો તે સિવાયની Ustilaginoidea ફૂગથી થાય છે.
આ ફૂગનું આક્રમણ કંટીમાં છૂટાછવાયા દાણાને લીલા વેલ્વેટી કાબુલી ચણા જેવા દેખાવમાં ફેરવી નાખે છે. આ આક્રમણવાળા દાણામાં શરૂઆતમાં સફેદ રાખોડી રંગની ફૂગની વૃદ્ધિ દાણામાંથી બહાર નીકળતી જોવા મળે છે. શરૂઆતમાં તે સફેદ પાતળા પડથી ઢંકાયેલી રહે છે અને દાણાને ગોળ કે લંબગોળ દડા આકારનો બનાવે છે અને અડધા ઉપરાંત દાણાને ઘેરી લે છે, તે આખા દાણાને આવરી લઈને ડાંગરના દાણાની જગ્યાએ પીળા કે લીલા કાળા કાબુલી ચણા જેવો દેખાવ આપે છે. તેની ઉપરનું નાજુક સફેદ પડ તૂટતાં તેમાંથી ફૂગનાં બીજ બહાર આવે છે. ફૂગનું કવચ અને દાણાની પેશીઓ એકબીજાં સાથે મજબૂત જોડાયેલાં હોય છે. આ ફૂગના બીજાણુ પરિપક્વ થઈ ઘેરા લીલા કે કાળા થતાં બીજાણુદંડ ઘેરા લીલા કે કાળા થાય છે.
જીવનચક્ર : ગરમ પ્રદેશમાં રોગની ફૂગ જલાશ્મો (sclerotia) કે કંચૂક-બીજાણુ(chlamydospore)ના સ્વરૂપમાં જીવંત રહે છે, જેનું પ્રાથમિક આક્રમણધાની બીજાણુ(ascospore)થી થતું હોવાનું માનવામાં આવે છે અને ત્યારપછીના આક્રમણમાં કંચૂક-બીજાણુ અગત્યનો ભાગ ભજવે છે. કંટી નીકળવાની શરૂઆત પહેલાં આક્રમણ થતું હોય છે. બીજાશય(ovary)નો નાશ કરી તેનાં પરાગવાહિની (style), પરાગાસન (stigma) અને પરાગાશય(anther lobe)ને પાછળથી ફૂગની કવચવૃદ્ધિ ઢાંકી દે છે. ક્યારેક આ આક્રમણ બીજના ઉગાવાથી કંટીના દાણા સુધી ફેલાઈ જાય છે. જ્યારે છૂટાછવાયા દાણામાં આક્રમણ થતું હોય ત્યારે તેમાં આક્રમણવાળા દાણાની આજુબાજુના દાણા પરિપક્વ થતા નથી અને પોચા રહી જાય છે.
સાનુકૂળ વાતાવરણ : વધુ ખાતરથી ઉગાડેલ પાક રોગગ્રાહ્ય બને છે. વધુ ભેજ અને સતત વરસાદ, કંટી નીકળવાના સમયે રોગને અનુકૂળ હોય છે.
નિયંત્રણ : (1) કંટી નીકળવાના પહેલાં અથવા શરૂઆત થાય કે તરત જ કૅપ્ટાફોલ કે ફોલટાફ 15 ગ્રામ 10 લિટર પાણીમાં ભેળવી, 15થી 20 દિવસના અંતરે બે છંટકાવ કરવાથી રોગ ઉપર નિયંત્રણ આવે છે.
ખાતાએ ભલામણ કરેલું ખાતર બેથી ત્રણ હપતામાં આપવાથી રોગ ઉપર નિયંત્રણ આવે છે.
હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ