ગર્ગ, ઝુબિન ( જ. 18 નવેમ્બર 1972, તુરા, મેઘાલય ; અ. 19 સપ્ટેમ્બર 2025) : આસામના પ્રખ્યાત ભારતીય ગાયક, સંગીતકાર, ગીતકાર, વાદ્યવાદક અને અભિનેતા. એક આસામી બ્રાહ્મણ પરિવારમાં મોહિની મોહન બોરઠાકુર અને ઇલી બોરઠાકુરને ત્યાં જન્મ થયો હતો. તેમનું નામકરણ ઝુબિન મહેતાના નામ પરથી થયું હતું. તેમણે તેમનાં માતાપિતાની અટક બોરઠાકુર ચાલુ રાખવાને બદલે, તેમના ગોત્રનું બિરુદ “ગર્ગ” પસંદ કર્યું. ગર્ગે ત્રણ વર્ષની ઉંમરથી ગાવાનું શરૂ કર્યું. ગર્ગના પિતા મૅજિસ્ટ્રેટ હતા અને કપિલ ઠાકુર ઉપનામ હેઠળ ગીતકાર અને કવિ તરીકે પણ જાણીતા છે. તેમની માતા, ઇલી બોરઠાકુર, એક ગાયિકા હતી. તેમનાં પહેલા ગુરુ તેમની માતા હતાં જેમની પાસેથી ગાવાનું શીખ્યા અને તેમણે 11 વર્ષ સુધી પંડિત રોબિન બેનર્જી પાસેથી તબલાં વગાડવાનું શીખ્યા. ગુરુ રમણી રાયે તેમને આસામી લોકસંગીતનો પરિચય કરાવ્યો. ગર્ગ તેમના શાળાના દિવસોથી જ ગીતો રચી રહ્યા હતા.
તેમણે 1991માં હાયર સેકન્ડરી પરીક્ષા પાસ કર્યા પછી બી. બોરોહ કૉલેજમાં બેચલર ઑફ સાયન્સની ડિગ્રી મેળવવા માટે પ્રવેશ મેળવ્યો, પરંતુ બાદમાં સંગીતકારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તેમણે શાળા છોડી દીધી.
1990ના દાયકાના મધ્યમાં, ગર્ગ બોલિવૂડ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા મુંબઈ ગયા જ્યાં તેમણે તેમના પ્રથમ ઇન્ડીપોપ સોલો આલબમ ‘ચાંદની રાત’થી શરૂઆત કરી. બાદમાં, તેમણે અનેક હિન્દી આલબમ્સ અને રિમિક્સ રેકૉર્ડ કર્યા.
ઝુબીને ‘ગદ્દાર’ (1995), ‘દિલ સે’ (1998), ‘ડોલી સજા કે રખના’ (1998), ‘ફિઝા’ (2000), ‘કાંટે’ (2002) સહિતની ફિલ્મો માટે ગાયું હતું.
ગર્ગને બોલિવૂડમાં સૌથી મોટી સફળતા ફિલ્મ ‘ગેંગસ્ટર’ ના”યા અલી” ગીતથી મળી . પ્રીતમ રચિત આ ગીતની સફળતા છતાં, ગર્ગ મુખ્ય પ્રવાહના બોલિવૂડ પ્લેબેક સિંગિંગમાં સંપૂર્ણપણે વિલીન ન થયા.
બોલીવૂડ અને આસામી ફિલ્મ અને સંગીતઉદ્યોગમાં ગાયન ઉપરાંત, તેમણે 2003માં બંગાળી સંગીતઉદ્યોગમાં પ્રવેશ કર્યો જ્યાં તેમણે ઘણાં બંગાળી ગીતો રેકૉર્ડ કર્યાં.
ગર્ગના સંગીતને ભાવનાત્મક, શાસ્ત્રીય પરંપરાઓ કરતાં લોકગીતોમાં જેનાં મૂળ છે તેવું સંગીત કહેવામાં આવે છે. તેમનું કાર્ય લોકથી પોપ સુધીની શૈલીઓમાં ફેલાયેલું હતું અને જે ઘણી વાર સૂફી ધૂન સાથે જોડાયેલું હતું. તેમણે આસામના લગભગ 250 આદિવાસી સમુદાયો સાથે સહયોગ કર્યો અને પાંચ હજારથી વધુ પરંપરાગત લોકગીતો શીખ્યાં અને સાચવ્યાં, તેઓ ઘણી વાર પોતાને મુખ્યત્વે લોકગાયક તરીકે ઓળખાવવાનું પસંદ કરતા.
બહુભાષી ગાયક, ઝુબિન ગર્ગે આસામી, બંગાળી, હિન્દી, અંગ્રેજી, તમિળ, તેલુગુ, કન્નડ, પંજાબી અને ઉત્તરપૂર્વ ભારતની અનેક આદિવાસી બોલીઓમાં રેકૉર્ડિંગ કર્યું. તેમની સંગીતનું વૈવિધ્ય રોમૅન્ટિક અને ભક્તિથી લઈને બિહુ-ટ્યૂન અને આધુનિક ગીતો સુધીની વિવિધતા સાથેની અનેક શૈલીઓ રજૂ કરવાની તેમની ક્ષમતામાં પ્રતિબિંબિત થાય છે.
ઝુબીને 40 થી વધુ ભાષાઓમાં ગાયું અને હજારો ગીતો રેકૉર્ડ કર્યાં, જેનાથી સમગ્ર ભારતમાં વ્યાપક ખ્યાતિ મળી. તેઓ આસામના હતા, પરંતુ તેમનું સંગીત સરહદોનાં બંધન સ્વીકારતું ન હતું, ડઝનબંધ ભાષાઓમાં ગાયન કરીને, તેઓ પ્રાદેશિક ભાવનાઓને રાષ્ટ્રીય અવકાશમાં લઈ જવામાં સફળ થયા.
ઝુબીન સંગીતદિગ્દર્શન, અભિનય અને ફિલ્મનિર્માણમાં પણ સામેલ હતા. પ્રાદેશિક અને મુખ્ય પ્રવાહના સંગીતમાં મોટું યોગદાન આપ્યું. દુઃખની વાત છે કે, 19 સપ્ટેમ્બર 2025 ના રોજ સિંગાપોરમાં એક દુ:ખદ અકસ્માતમાં તેમનું અવસાન થયું, જે ભારતીય સંગીતમાં કાયમી વારસો છોડીને ગયા. ‘યા અલી …’ ગીતે તેમને 2006માં શ્રેષ્ઠ પ્લેબેક સિંગર ગ્લોબલ ઇન્ડિયન ફિલ્મ ઍવૉર્ડ્સ (GIFA) જિતાડ્યો.
ત્રિલોક સંઘાણી
