ગરોળી : સરિસૃપ પ્રકારનું નિશાચર પ્રાણી. શ્રેણી Squamata, ઉપશ્રેણી Sauria અને કુળ Lacertidae નું Hemidactylus flaviviridisના શાસ્ત્રીય નામે ઓળખાતું આ પ્રાણી સામાન્યપણે ભીંતગરોળી તરીકે જાણીતું છે. માનવવસ્તીવાળા સ્થળે તે દીવાના પ્રકાશથી આકર્ષાયેલા કીટકોને ઝડપી ભક્ષણ કરતી જોવા મળે છે.

ગરોળીનું શરીર ઉપર નીચેથી ચપટું, જ્યારે ચહેરો ત્રિકોણાકાર હોય છે. તેનો રંગ આછો ભૂખરો હોય છે, અને તેની લંબાઈ 20 સેમી. જેટલી હોય છે. પૂંછડીની લંબાઈ શરીરના શેષભાગ (એટલે શીર્ષ અને ધડ પ્રદેશ) કરતાં સહેજ ટૂંકી હોય છે. શરીરના પૃષ્ઠ ભાગ પર આવેલાં ભીંગડાં સહેજ નાનાં હોય છે. આંખની કીકી લંબ કક્ષાએ ગોઠવાયેલી હોવાથી રાત્રે જોવું ગરોળી માટે સરળ બને છે. તેની પાંપણ સ્થિર હોય છે અને આંખ આડા પ્રવર્ધ વડે રક્ષાયેલી હોય છે. પગની આંગળીઓની નીચેની સપાટી ગાદીથી સંધાયેલી હોય છે જે તેના પર પ્રચલન દરમિયાન શોષક(suckers)ની ગરજ સારે છે. વળી તેના પર તાંતણા જેવા ઝીણા પ્રવર્ધો આવેલા હોવાથી દીવાલ કે વૃક્ષ પર આરોહણ કરતી વખતે અથવા દીવાલ પર વિસામો લેતી વખતે આધારતળ લીસું હોય કે ખરબચડું પણ ગરોળી તેની પર ચીટકીને પોતાની પકડ મજબૂત બનાવી શકે છે.

ગરોળી

ગરોળીનું અવસારણ દ્વાર (cloacal opening) આડું ગોઠવાયેલું હોય છે. નર ગરોળીને સમાગમ અંગ તરીકે શિશ્ર્નની એક જોડ હોય છે અને તેને જાંઘ-જનન છિદ્રો (praenofemoral pores) આવેલાં હોય છે. ગરોળીની પૂંછડીનો આગળનો ભાગ પહોળો હોય છે. જ્યારે પાછલા ભાગ તરફ પૂંછડી પાતળી અને સાંકડી બને છે. પૂંછડીમાં આવેલી કશેરુક કાયનો વચલો ભાગ અસ્થિ વગરનો (unossified) હોય છે. પરિણામે કશેરુકી ત્યાંથી સહેલાઈથી બે ભાગમાં વહેંચાઈ જાય છે. ભક્ષક પ્રાણીથી ભાગી છૂટવા ગરોળી પોતાની પૂંછડીના પાછલા ભાગને શરીરથી અલગ કરે છે. અલગ થયેલો પૂંછડીનો શેષ ભાગ સળવળતો હોવાથી ભક્ષક પ્રાણી તેનાથી આકર્ષાય છે. તેનો લાભ ઉઠાવી ગરોળી ત્યાંથી છટકી જાય છે. સમય જતાં પુનર્જનન (regeneration) પ્રક્રિયા દ્વારા તૂટેલ ભાગની જગ્યાએ નવી પૂંછડી આવે છે. જોકે આ ભાગ કશેરુકી વિનાનો હોય છે; પરંતુ કરોડસ્તંભને સ્થાને માત્ર કરોડનાલી(neural canal)નું સર્જન થાય છે અને તેમાંથી નવેસરથી નિર્માણ થયેલો શેષ કરોડરજ્જુ (spinal cord) પસાર થાય છે.

સાપની જેમ ગરોળી જૂની ચામડીનો ત્યાગ કરે છે અને તેની જગ્યાએ નવી ચામડી આવે છે. ગરોળી પોતાનો રંગ પણ થોડેક અંશે બદલી શકે છે.

ગરોળી અંડપ્રસવી (oviparous) પ્રાણી છે. માદા એકી સાથે બે ઈંડાં મૂકતી હોય છે. ઈંડું ગોળ, નાનું અને સખત કવચવાળું હોય છે. કેટલીક માદા એક જ જગ્યાએ ઈંડાં મૂકતી હોવાથી ઘણી વાર એક જ સ્થળે અનેક ઈંડાં જોવા મળે છે.

ગરોળી કીટકભક્ષી હોવાથી માનવની ર્દષ્ટિએ તે એક ઉપયોગી પ્રાણી છે.

નટવર ગ. પટેલ