ગત્યાત્મક માનસશાસ્ત્ર (dynamic psychology) : મનુષ્યનાં વર્તન અને ક્રિયાઓ સમજવા માટેની માનસશાસ્ત્રની એક શાખા. રૉબર્ટ સેશન્સ વુડવર્થનું નામ ગત્યાત્મક માનસશાસ્ત્રના પ્રણેતા તરીકે પ્રસિદ્ધ છે. 1910થી 1960 સુધીનાં પચાસ વર્ષોમાં વુડવર્થે વર્તનરૂપી મનોવૈજ્ઞાનિક પ્રવૃત્તિ કેવી રીતે અને શા માટે થાય છે એ સમજવાનો અને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જોકે વુડવર્થના વિચારો નહોતા નવા કે નહોતા ક્રાંતિકારી. તેનાં મૂળિયાં મુખ્યત્વે માનસશાસ્ત્રના કાર્યવાદી સંપ્રદાયમાં જ હતાં. આથી એમ કહેવાય છે કે વુડવર્થ પહેલા કાર્યવાદી માનસશાસ્ત્રી છે અને પછી ગત્યાત્મક માનસશાસ્ત્રી. વુડવર્થનું પ્રદાન એ છે કે તેમણે કાર્યવાદમાં ગત્યાત્મક માનસશાસ્ત્રનું પરિમાણ ઉમેર્યું. જો ગત્યાત્મકતાનો અર્થ પરિવર્તન અને પરિવર્તન પાછળનાં પ્રવર્તક કારક બળો એવો કરવામાં આવે તો કાર્યવાદ નિ:શંક રીતે ગત્યાત્મકતાનો જ એક સિદ્ધાંત બની જાય છે.
વુડવર્થના ગત્યાત્મક માનસશાસ્ત્રની વિશેષતા એ છે કે તેમણે મનુષ્યના વર્તનને સમજવામાં પ્રેરણ(motivation)ની સમસ્યાને કેન્દ્રવર્તી સ્થાન આપ્યું. વુડવર્થના મતે માનસશાસ્ત્રની મુખ્ય સમસ્યા માનવી અને પ્રાણી ‘શી લાગણી અનુભવે છે’ અને ‘શું કરે છે’ તે નથી; પરંતુ તેઓ ‘શા માટે’ અમુક રીતે લાગણી અનુભવે છે અને વર્તે છે તે છે. વર્તન કે ક્રિયા કેવી રીતે ઉત્પન્ન થાય છે, લક્ષ્યગામી બને છે, ટકી રહે છે અને બદલાય છે એની સમજૂતી આપવી એ ગત્યાત્મક માનસશાસ્ત્રીનું લક્ષ્ય છે. જેવી રીતે ભૌતિકશાસ્ત્રીને ઇલેક્ટ્રિક ટ્રેન શેના લીધે ચાલે છે એમ પૂછવામાં આવે તો તે એના જવાબમાં વીજળીના ગત્યાત્મક ઘટકનો નિર્દેશ કરવાનો; તેવી જ રીતે માનસશાસ્ત્રી મનુષ્યનાં વર્તન કે ક્રિયા પાછળના ગત્યાત્મક ઘટકોનો ખુલાસો કરે છે. ‘ગત્યાત્મકતા’નો અર્થ છે કોઈ પણ તંત્ર પર અસર કરતાં પરિબળો કે ઘટકો. મનોવિજ્ઞાનમાં ‘ગત્યાત્મકતા’નો અર્થ છે મનુષ્યના વર્તન પર નિર્ણાયક રીતે અસર કરતાં ચાલક બળોની આંતરક્રિયા. તેની સમજૂતીમાં મનુષ્યના વર્તન પાછળનાં પ્રેરકબળો પર ભાર મૂકવામાં આવે છે. મનુષ્યના વર્તન પાછળનાં સભાન અને અભાન બળોના સંદર્ભમાં પણ ‘ગત્યાત્મકતા’ શબ્દ પ્રયોજાય છે. વ્યક્તિત્વના મનોવિશ્લેષણાત્મક કે મનોગત્યાત્મક સિદ્ધાંતોમાં આ શબ્દનો વ્યાપક રીતે ઉપયોગ થતો જોવા મળે છે.
વુડવર્થને પોતાના અધ્યયન દરમિયાન એ બાબતની પ્રતીતિ થઈ હતી કે વર્તનવાદીઓએ વર્તનની સમજૂતી માટે આપેલ ઉદ્દીપક-પ્રતિચાર(ઉ.પ્ર.)નું સૂત્ર પૂરતું નથી. ઉદ્દીપક અને પ્રતિચાર વચ્ચે એક મહત્વની કડી ખૂટે છે. આ ખૂટતી કડી એ વ્યક્તિ છે. વુડવર્થે વ્યક્તિનો પાયાના એક એકમ તરીકે સ્વીકાર કર્યો છે. વુડવર્થે તેને માટે ‘જીવંત ચેતાતંત્ર’ (living organism) એવો શબ્દપ્રયોગ કર્યો છે. ઉદ્દીપક અને પ્રતિચાર વચ્ચેનો એ મધ્યસ્થ ઘટક છે. પ્રતિચાર ઉત્પન્ન થવા માટે ઉદ્દીપક પરિસ્થિતિ ઉપરાંત વર્તન કરનાર વ્યક્તિનાં આંતરિક બળો, મનોવલણો, સ્થિર ભાવો ઇત્યાદિ બાબતો પણ નિર્ણાયક ભાગ ભજવે છે. ખાવાનું સામે પડ્યું હોય પરંતુ ભૂખ જ ન હોય તો ખાવાનું વર્તન જોવા મળતું નથી. ઉદ્દીપક-પ્રતિચારનો સંબંધ એ વર્તનની યંત્રણા (mechanism) છે; પરંતુ આ યંત્રણાનું ચાલક બળ તો ‘ઈરણ’ જ છે. યંત્રણા ક્રિયા કેવી રીતે થાય છે તેની સાથે સંબંધ ધરાવે છે, જ્યારે ઈરણ ક્રિયા શાથી થાય છે તેની સાથે સંબંધ ધરાવે છે. બાળક સાઇકલ ચલાવવામાં સમતોલન કઈ રીતે રાખે છે એની સમજૂતી યંત્રણા દ્વારા આપી શકાય; પરંતુ બાળક સાઇકલ ચલાવવા શા માટે પ્રેરાય છે એની સમજૂતી તો ઈરણ જ આપી શકે. યંત્રણા ક્રિયા કેવી રીતે થાય છે તેની સાથે સંબંધ ધરાવે છે, જ્યારે ઈરણ ક્રિયા શાથી થાય છે તેની સાથે સંબંધ ધરાવે છે. વુડવર્થે બતાવ્યું છે કે ‘યંત્રણા’ પણ કેટલીક વાર ‘ઈરણ’ રૂપે કાર્ય કરે છે. જો તેના દ્વારા બીજી કોઈ યંત્રણા સુગમ બને કે તેને પ્રબલન મળે તો તે યંત્રણાનું ઈરણમાં રૂપાંતર થઈ જાય છે; જેમ કે, કોઈ મિત્રના આગ્રહને વશ થઈ આપણે સવારમાં ફરવા જવાનું શરૂ કર્યું હોય અને પછી તે મિત્ર બીજે જતો રહે તોપણ ફરવા જવાનું ચાલુ રહે છે. આપણે જે ટેવો સંપાદિત કરી હોય છે તે ઈરણો તરીકે કાર્ય કરે છે અને આ ટેવોમાંથી જ વ્યક્તિ નવા વર્તન તરફ જાય છે.
ગત્યાત્મક માનસશાસ્ત્ર દ્વારા વુડવર્થે એક બાબત સ્પષ્ટ કરી કે માનસશાસ્ત્રે કેવળ વર્તન કે કેવળ ચેતના(consciousness)નો અભ્યાસ કરવાનો નથી. તેણે કેવળ વસ્તુલક્ષી કે કેવળ આત્મલક્ષી પદ્ધતિઓ અપનાવવાની નથી. માનસશાસ્ત્રે તો આ બધાંનો સમન્વય કરવાનો છે.
વુડવર્થે વર્તનવાદીઓએ આપેલ ‘ઉ-પ્ર’ (S-R) સૂત્રનું ‘ઉ-વ્ય-પ્ર’ (S-O-R) સૂત્રમાં રૂપાંતર કર્યું છે. ‘ઉ’ એટલે ઉદ્દીપક, ‘વ્ય’ એટલે વ્યક્તિ અને ‘પ્ર’ એટલે પ્રતિચાર. ઉદ્દીપક વ્યક્તિને અસર કરે એટલે તેમાંથી પ્રતિચાર પ્રગટે છે. વુડવર્થ માને છે કે ઉદ્દીપક અને વ્યક્તિ બંને દ્વારા પ્રતિચાર નક્કી થતો હોય છે. વુડવર્થનું ગત્યાત્મક માનસશાસ્ત્ર આ રીતે ટોલમેનના ‘મધ્યવર્તી પરિવર્ત્ય’ તરીકે પ્રસિદ્ધ થયેલ ઉપયોગી વિચારનું પુરોગામી બન્યું છે.
વુડવર્થે તેના સમયના સર્વ માનસશાસ્ત્રીઓના વિધાયક પ્રદાનનો સ્વીકાર કર્યો છે અને તે સૌમાં રહેલી એકતાને શોધવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે પોતે કોઈ એક સંપ્રદાયની કંઠી બાંધી નથી કે તે કોઈ નવા સંપ્રદાયના મહંત પણ બન્યા નથી. ગત્યાત્મક માનસશાસ્ત્ર દ્વારા તેમણે મધ્યમમાર્ગ અપનાવ્યો છે. વુડવર્થે સ્પષ્ટ કર્યું હતું કે ગત્યાત્મક માનસશાસ્ત્રીનું તો એક જ કામ છે, ભિન્ન ભિન્ન સ્વરૂપોમાં જોવા મળતી મનોવૈજ્ઞાનિક ક્રિયાઓ માટેનાં જવાબદાર પરિબળો શોધવાં. વુડવર્થે ગત્યાત્મક માનસશાસ્ત્ર દ્વારા મનોવિજ્ઞાનના સંપ્રદાયોમાં જોવા મળતા બંધિયારપણાને દૂર કરી વર્તનને સમજવા માટે ખુલ્લાપણાનો નવો માર્ગ કંડાર્યો.
નટવરલાલ શાહ