ગતિશીલતા (mobility) : ઘન સ્થિતિ ભૌતિકી(solid state physics)માં અમુક પ્રકારનો વીજભારિત કણ ઘન દ્રવ્યમાં વીજક્ષેત્રની અસર નીચે જે સરળતાથી ગતિ કરે તેનું માપ. આવા કણો વીજક્ષેત્ર દ્વારા તેની દિશામાં ખેંચાય છે અને ઘન પદાર્થના અણુઓ સાથે નિશ્ચિત સમયાન્તરે સંઘાત અનુભવે છે. વીજક્ષેત્ર તેમજ સંઘાતની સંયુક્ત અસર નીચે કણો જે સરેરાશ વેગથી ગતિ કરે તેને ચલનનો વેગ (drift velocity) કહે છે. વીજક્ષેત્રના એકમ બળ માટે ચલનવેગના મૂલ્ય ઉપરથી ગતિશીલતા વ્યાખ્યાયિત થાય છે.
ગતિશીલતા પ્રાયોગિક પદ્ધતિથી નક્કી કરી શકાય છે. આપેલા ઘન પદાર્થમાં અમુક પ્રકારના કણની ગતિશીલતા તાપમાન(temperature)ના સમપ્રમાણમાં ચાલે છે. એક જ પ્રકારના કણોને સહેજ જુદી ગતિશીલતા હોઈ શકે. તેવા પ્રકારમાં તેમની સરેરાશ ગતિશીલતા માપવામાં આવે છે.
ઘણીખરી ધાતુઓમાં વીજભારનો વાહક ઋણ વીજભારિત ઇલેક્ટ્રૉન હોય છે. ધાતુઓમાં ફક્ત અમુક જ ઇલેક્ટ્રૉન ઘન પદાર્થમાં ગતિ કરવા માટે મુક્ત હોય છે. જે સરળતાથી ધાતુ વીજપ્રવાહનું વહન કરી શકે તેને ધાતુની વીજવાહકતા કહે છે. આ વીજવાહકતા મુક્ત ઇલેક્ટ્રૉનની સંખ્યા, તેમનો વીજભાર અને તેમની ગતિશીલતાના ગુણાકાર બરાબર હોય છે.
કેટલીક ધાતુઓમાં ‘હોલ’ (hole) તરીકે ઓળખાતા ધન વીજભારિત કણોની ગતિ દ્વારા વીજપ્રવાહનું વહન થાય છે. પ્રત્યેક ‘હોલ’ એક ઇલેક્ટ્રૉનની અનુપસ્થિતિને સંગત હોય છે. અર્ધવીજવાહક (semiconductor) તરીકે ઓળખાતા પદાર્થમાં ઇલેક્ટ્રૉન અને ‘હોલ’ બંને ઉપસ્થિત હોય છે. આ કારણે તેમની ભિન્ન ગતિશીલતા નિર્ણીત કરવાનું કઠિન બને છે.
હિંમતલાલ ચૂનીલાલ શુક્લ