ગતિવર્ધન (acceleration) (અર્થશાસ્ત્ર) : વપરાશી ચીજવસ્તુઓની માગમાં થતા ફેરફારોની, મૂડીસાધનોની માગ પર પડતી અસર સમજાવતી સંકલ્પના (hypothesis). આ સંકલ્પના ગુણક(multiplier)ના પાયા પર રચાયેલી છે. વ્યાપારચક્રના વિશ્લેષણમાં ગુણકનો સિદ્ધાંત તેમજ ગતિવર્ધનનો સિદ્ધાંત ખૂબ જ ઉપયોગી છે. ગુણકનો સિદ્ધાંત મૂળ મૂડીરોકાણની, તેની વપરાશી ખર્ચ પરની અસર દ્વારા કુલ આવક પર કેટલી અસર કરે છે તેની સમજૂતી આપે છે. બીજી તરફ ગતિવર્ધનનો સિદ્ધાંત વપરાશી વસ્તુઓની માગમાં થતા ફેરફારની, મૂડીરૂપ વસ્તુઓની માગ પર પડતી અસર સમજાવે છે. વપરાશી વસ્તુઓનું ઉત્પાદન સામાન્ય રીતે મૂડીરૂપ વસ્તુઓની મદદથી થતું હોય છે. આથી વપરાશી વસ્તુઓની માગમાં વધારો થવાથી સામાન્યત: મૂડીરૂપ વસ્તુઓની માગમાં વધારો થાય છે. ઉત્પાદનમાં થતા ફેરફાર અને મૂડીરોકાણમાં થતા ફેરફાર વચ્ચે પ્રત્યક્ષ અને સીધો સંબંધ હોય છે તેવું આ સિદ્ધાંતનું કથન છે.
ગતિવર્ધનનો આંક વપરાશી ખર્ચમાં થયેલો ફેરફાર અને તેને પરિણામે મૂડીરોકાણમાં થયેલા ફેરફાર વચ્ચેનું પ્રમાણ બતાવે છે; દા. ત., વપરાશી ખર્ચમાં રૂ. 10 કરોડનો વધારો અને તેને પરિણામે મૂડીરોકાણમાં રૂ. 20 કરોડનો વધારો થાય છે. આ કિસ્સામાં ગતિવર્ધનનો આંક (ratio) 2 છે.
ગતિવર્ધનનો આંક શૂન્ય (0) હોઈ શકે. જ્યારે વપરાશી વસ્તુઓના ઉત્પાદન માટે મૂડીરૂપ વસ્તુઓની જરૂર પડતી જ ન હોય ત્યારે આમ બની શકે. બિનવિકસિત અને હસ્તઉદ્યોગોનું પ્રાધાન્ય હોય તેવાં અર્થતંત્રોમાં આવું જોવા મળે છે. તે જ પ્રમાણે ગતિવર્ધનનો આંક એકમ કરતાં ઓછો હોય તેવું બની શકે, એટલે કે વપરાશી ખર્ચમાં થયેલા વધારાની બહુ જ ઓછી અસર મૂડીરોકાણ પર પડે. જ્યારે વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે અગાઉથી જ વધુ પડતાં મૂડીસાધનો વસાવી લેવામાં આવ્યાં હોય અથવા વપરાશી વસ્તુઓની નવી માગ લાંબો સમય ટકશે નહિ એમ માનવામાં આવતું હોય ત્યારે વપરાશી ખર્ચમાં થયેલા વધારાની મૂડીરોકાણ પર બહુ ઓછી અસર પડે છે.
વપરાશી ખર્ચમાં થતા ફેરફારની મૂડીરોકાણ પર પડતી અસર અનિશ્ચિત હોય છે, જે નીચેના ર્દષ્ટાંતની મદદથી સમજી શકાશે :
ધારો કે 2000 વપરાશી વસ્તુઓનો સતત પ્રવાહ ચાલુ રાખવા માટે 200 મૂડીસાધનોની જરૂર પડે છે. આ 200 મૂડીસાધનો 10 વર્ષ કામ આપી શકે છે અને તેથી દર વર્ષે 20 મૂડીસાધનોનું પુન:સ્થાપન કરવું પડે છે. ધારો કે ગતિવર્ધનનો આંક 1 છે. પરિણામે વપરાશમાં 10 % વધારો થવાથી મૂડીસાધનોના ઉત્પાદનમાં સામાન્ય પુન:સ્થાપન ઉપરાંત 10 % વધારો થશે.
સમયનો
ગાળો |
વપરાશમાં
ફેરફાર |
મૂડીસાધનો | કુલ મૂડીરોકાણ | કુલ મૂડી–
રોકાણમાં ટકાવારી ફેરફાર |
||
વધારો | પુન:-
સ્થાપન |
કુલ
વધારો |
||||
0
1 2 |
2000
2200 2200 |
200
220 220 |
0
20 0 |
20
20 20 |
20
40 20 |
–
+ 100 % – 50 % |
ઉપર સારણીમાં બતાવ્યા પ્રમાણે સમયના પહેલા ગાળામાં વપરાશી વસ્તુઓની માગ 2200 થવાથી 220 મૂડીસાધનોની જરૂરત પડે છે. તે ઉપરાંત પુન:સ્થાપનાના હેતુ માટે 20 મૂડીસાધનો જરૂરી છે. આ રીતે મૂડીસાધનોની માગમાં 40નો વધારો થાય છે. બીજી રીતે મૂકીએ તો મૂડીસાધનોની માગમાં 100 % વધારો થાય છે. વપરાશી વસ્તુઓની માગમાં માત્ર 10 % વધારો થયો હતો.
પરંતુ આ પ્રક્રિયા આટલેથી જ અટકતી નથી. જો વપરાશનો દર સ્થિર રહે તો તેને પરિણામે સમયના બીજા ગાળામાં, કુલ મૂડીરોકાણમાં 50 %નો ઘટાડો થાય છે. આ રીતે વપરાશી વસ્તુઓની માગમાં થતા ફેરફારની મૂડીવસ્તુઓની માગ પર પડતી અસર જોખમી સ્વરૂપની છે. આ કારણસર આવકનિર્માણની પ્રક્રિયા પૂરેપૂરી સમજવી હોય તો ગુણક અને ગતિવર્ધનની સંકલિત અસર જાણવી જરૂરી બને છે.
ગજાનન ત્રિવેદી