ગણેશ દૈવજ્ઞ : નામાંકિત જ્યોતિષી. હાલમાં ભરતખંડમાં તેના ગ્રહગણિતના ગ્રંથો પ્રચારમાં છે તેટલા બીજા કોઈના નથી. તેનું ગોત્ર કૌશિક અને માતાપિતાનાં નામ લક્ષ્મી અને કેશવ હતાં. તેનો જન્મકાળ લગભગ શક 1420 (ઈ. સ. 1498) છે અને લગભગ 80 વર્ષની ઉંમરે શક 1500(ઈ. સ. 1578)માં તેણે ‘વિવાહ વૃંદાવન-ટીકા’ નામક ગ્રંથની રચના કરી હતી.
તેનો પ્રસિદ્ધ ગ્રંથ ‘ગ્રહલાઘવ’ (આરંભવર્ષ શક 1442, ઈ. સ. 1520) છે. પિતા વેધશાસ્ત્રી હતા; તેમના અનુભવ ઉપરાંત ગણેશ દૈવજ્ઞે પણ ખગોલીય પદાર્થોના વેધ લીધા હતા. એ બંનેના યોગથી ‘ગ્રહલાઘવ’ ગ્રંથ વધારે વેધશુદ્ધ થયો હોવો જોઈએ. ‘ગ્રહલાઘવ’માં ભુજજ્યાનો ઉપયોગ કર્યો નહિ હોવા છતાં સૂર્યસ્પષ્ટીકરણ એટલું સૂક્ષ્મ સાધ્યું છે કે ભુજજ્યાનો ઉપયોગ કર્યો હોય તેવા કરણગ્રંથોમાંના નિર્દેશ કરતાં ‘ગ્રહલાઘવ’નો સૂર્ય વધારે સૂક્ષ્મ આવે છે. ગણિત સહેલું કરવાની વૃત્તિથી ક્યાંક ક્યાંક ગણેશે સૂક્ષ્મતા તરફ ઇરાદાપૂર્વક દુર્લક્ષ કર્યું છે. પ્રાચીન આચાર્યોએ ગ્રહના જે કાલાંશ કહ્યા હતા તેમાં વેધ આધારિત ફેરફાર જણાવ્યા છે, જે વડે ગ્રહ દકતુલ્ય ગણતરી થઈ શકી છે. ગણેશે, બીજા પંચાંગોપયોગી ગ્રંથો ‘બૃહચ્ચિંતામણિ’ અને ‘લઘુચિંતામણિ’ (શક 1447, ઈ. સ. 1525) રચ્યા છે.
ઈન્દ્રવદન વિ. ત્રિવેદી