ગઢવા (Gadhawa) : ઝારખંડના પશ્ચિમ ભાગમાં પાલામૌ વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24o 11´ ઉ. અ. અને 83o 49´ પૂ. રે.ની આજુબાજુનો 4,044 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ રોહતાસ જિલ્લો (બિહાર), પૂર્વ તરફ પાલામૌ જિલ્લો, દક્ષિણ તરફ સરગુજા જિલ્લો (છત્તીસગઢ) તથા પશ્ચિમ તરફ સરગુજા અને સોનભદ્ર જિલ્લો (ઉ. પ્ર.) આવેલા છે. જિલ્લામથક ગઢવા જિલ્લાની મધ્યમાં પૂર્વ ભાગમાં આવેલું છે.
ભૂપૃષ્ઠ–જળપરિવાહ–આબોહવા : જિલ્લાનું ભૂપૃષ્ઠ છૂટીછવાઈ ટેકરીઓથી છવાયેલું છે. સોન નદીના દક્ષિણ કાંઠે ટેકરીઓ આવેલી છે, તે પશ્ચિમે ઉત્તરપ્રદેશના સોનભદ્ર જિલ્લાથી પૂર્વમાં કોયેલ નદી સુધી વિસ્તરેલી છે.
સોન અને કોયેલ આ જિલ્લાની મુખ્ય નદીઓ છે. સોન નદી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે અને જિલ્લાની ઉત્તર સીમા બનાવે છે. ઔરંગા અને અમાન્ત કોયેલની સહાયક નદીઓ છે. જિલ્લાની નૈર્ઋત્ય સીમા બનાવતી કાન્હાર નદી છત્તીસગઢના સરગુજા જિલ્લાને જુદો પાડતી સીમા રચે છે.
જિલ્લો દરિયાથી દૂર આવેલો હોવાથી અહીંના ઉનાળા ગરમ અને શિયાળા ઠંડા રહે છે. અહીં વરસાદ મધ્યમસરનો પડે છે.
ખેતી–પશુપાલન : જિલ્લાના મુખ્ય પાકોમાં ડાંગર, ઘઉં, મકાઈ અને શેરડીનો સમાવેશ થાય છે. શેરડીનું વાવેતર જિલ્લાના ઉત્તર ભાગમાં નદીખીણોમાં થાય છે. નહેર, નાના આડબંધ, કૂવા વગેરે સિંચાઈ માટેના સ્રોત છે.
ગાયો, ભેંસો, બળદ, આખલા, ઘેટાં-બકરાં અને ડુક્કર અહીંનાં મુખ્ય પાલતુ પશુઓ છે. પશુદવાખાનાં, પશુચિકિત્સાલયોની સગવડ છે.
ઉદ્યોગો–વેપાર : જિલ્લામાં લાખ-ઉદ્યોગનો વિકાસ થયેલો છે. આ ઉપરાંત, બીડીઓ બનાવવાના એકમો પણ છે. પાષાણોને કચરીને કપચી પણ બનાવાય છે. આ જિલ્લામાં બિસ્કિટ, આઇસક્રીમ અને લાખનું ઉત્પાદન લેવાય છે. જિલ્લામાંથી લાખ, તેલીબિયાં અને કોલસાની નિકાસ તથા ખાદ્ય-સામગ્રી, કપડાં અને સિમેન્ટની આયાત થાય છે.
પરિવહન–પ્રવાસન : જિલ્લામાં રાજ્યમાર્ગોની સગવડ સારી છે. ગઢવાથી છત્તીસગઢની સીમા સુધીનો માર્ગ 57 કિમી. જેટલો છે. પૂર્વીય રેલવિભાગની એક શાખા દેહરી-ઑન-સોનથી ગઢવા થઈને ગોમોહ સુધી જાય છે, ગઢવાથી તેનો એક ફાંટો ઉત્તરપ્રદેશના સોનભદ્ર સુધી પણ લંબાવવામાં આવેલો છે.
નગર ઉન્તરી તાલુકાનું વંશીધર મંદિર, 1937માં સ્થાપેલો કૅથલિક આશ્રમ તથા નગર ઉન્તરીથી દક્ષિણે 35 કિમી. દૂર કાન્હાર નદી પરનો ધોધ અહીંનાં જોવાલાયક સ્થળો છે. મકરસંક્રાન્તિ, કાર્તિકી પૂર્ણિમા અને રામનવમીના દિવસોએ અહીં મેળા ભરાય છે.
વસ્તી–લોકો : 2011 મુજબ આ જિલ્લાની વસ્તી 13,22,387 જેટલી હતી. તે પૈકી 90% વસ્તી ગ્રામીણ છે અને 10% વસ્તી શહેરી છે. હિન્દી અને ઉર્દૂ અહીંની મુખ્ય ભાષાઓ છે. જિલ્લામાં પ્રાથમિક-માધ્યમિક શાળાઓનું તેમજ કૉલેજોનું પ્રમાણ ઓછું છે. જિલ્લામાં એક દવાખાનું, ત્રણ આયુર્વેદિક અને પાંચ હોમિયોપથિક દવાખાનાંની સગવડ છે. આ ઉપરાંત કુટુંબનિયોજન-કેન્દ્ર અને નર્સિંગ-હોમની સુવિધા પણ છે. વહીવટી સરળતા માટે જિલ્લાને બે ઉપવિભાગો અને નવ સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. અહીં માત્ર એક જ શહેર આવેલું છે.
આ જિલ્લાને તેના મૂળ માતૃ-જિલ્લા પાલામૌમાંથી અલગ પાડવામાં આવેલો હોવાથી તેનો ઇતિહાસ પાલામૌ જિલ્લા સાથે સંકળાયેલો છે.
ગિરીશભાઈ પંડ્યા