ગજેન્દ્રગડકર, પ્રહલાદ બાળાચાર્ય

January, 2010

ગજેન્દ્રગડકર, પ્રહલાદ બાળાચાર્ય (જ. 16 માર્ચ 1901, સાતારા, મહારાષ્ટ્ર; અ. 12 જૂન 1981, મુંબઈ) : વિખ્યાત ધારાશાસ્ત્રી અને ભારતની સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ. જૂના મુંબઈ રાજ્યના ધારવાડ જિલ્લાના ગજેન્દ્રગડ ગામના મૂળ વતની પરંતુ સાતારા ગામમાં આવી વસેલા; પાંચ પેઢીથી સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિતોના પરિવારમાં જન્મ. 1918માં વિશેષ પ્રાવીણ્ય સાથે મૅટ્રિક થયા પછી શરૂઆતનાં બે વર્ષ ધારવાડ કૉલેજમાં અને તે પછી પુણે ખાતેની ડેક્કન કૉલેજમાં ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કર્યું. 1922માં બી.એ.ની પરીક્ષામાં અંગ્રેજી અને સંસ્કૃત વિષયો સાથે વિશિષ્ટતા સાથે પ્રથમ વર્ગમાં પાસ થતાં દક્ષિણા ફેલો નિમાયા. 1924માં તે જ વિષયો સાથે એમ.એ.ની પરીક્ષા વિશિષ્ટતા સાથે પ્રથમ વર્ગમાં પાસ કરી. 1926માં એલએલ.બી.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કર્યા પછી મુંબઈની વડી અદાલતમાં વકીલાત શરૂ કરી અને સાથોસાથ ‘હિંદુ લૉ’ ત્રિમાસિકનું સંપાદન સંભાળ્યું. એક બાહોશ અને પ્રખર ધારાશાસ્ત્રી તરીકે ખ્યાતિ મેળવ્યા પછી 1945માં મુંબઈની વડી અદાલતના ન્યાયમૂર્તિ નિમાયા. કુશળ, વિનયી અને અંતરાત્માના અવાજને ધ્યાનમાં રાખી ન્યાય આપનાર નિરભિમાની ન્યાયમૂર્તિ તરીકે તેઓ આદર અને સન્માનને પાત્ર બન્યા હતા. સંસ્કૃત ભાષાના તથા હિંદુ ધર્મશાસ્ત્રોના પ્રખર અભ્યાસી હોવાથી હિંદુ કાયદાના ગૂંચવણભરેલા મુદ્દાઓ પર તેમણે આપેલા ચુકાદા આજે પણ આધારભૂત ગણાય છે. 1945-57 દરમિયાન મુંબઈની વડી અદાલતના ન્યાયમૂર્તિ તરીકેની જ્વલંત કારકિર્દી પછી 1957માં ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ નિમાયા તથા 1964માં મુખ્ય ન્યાયમૂર્તિપદ સંભાળ્યું. 1966માં નિવૃત્ત થયા પછી 1966-70ના ગાળામાં મુંબઈ યુનિવર્સિટીના કુલપતિપદે કામ કર્યું. દરમિયાન 1966-67માં મોંઘવારી ભથ્થા આયોગના, 1967-68માં જમ્મુ અને કાશ્મીર તપાસપંચના, 1967-69માં રાષ્ટ્રીય શ્રમ આયોગના તથા 1968-69માં બનારસ હિંદુ વિશ્વવિદ્યાલય તપાસપંચના અધ્યક્ષપદે સેવાઓ આપી હતી.

કાયદાના ક્ષેત્ર ઉપરાંત તેઓ અનેક શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સામાજિક સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા હતા. ઇન્ડિયન લૉ કમિશન; એશિયાટિક સોસાયટી, મુંબઈ; રામકૃષ્ણ મિશન આશ્રમ અને ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પબ્લિક ઍડમિનિસ્ટ્રેશન જેવી અગ્રણી સંસ્થાઓના અધ્યક્ષપદે તેમણે કામ કર્યું છે. આ ઉપરાંત, પ્રેસ ટ્રસ્ટ ઑવ્ ઇન્ડિયા અને રિઝર્વ બૅન્ક ઑવ્ ઇન્ડિયાના સંચાલક મંડળના સભ્ય; ઇન્ટરનેશનલ સેન્ટર ફૉર લૉ ઍન્ડ ડેવલપમેન્ટ, નવી દિલ્હીના ટ્રસ્ટી; યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન તથા રાષ્ટ્રીય એકતા સમિતિના સભ્ય જેવાં પદો પણ તેમણે શોભાવ્યાં છે.

પ્રહલાદ બાળાચાર્ય ગજેન્દ્રગડકર

મુંબઈ યુનિવર્સિટીના ઉપક્રમે 1950માં લલ્લુભાઈ આશારામ વ્યાખ્યાનમાળામાં હિંદુ કાયદા પર તથા 1952માં કર્ણાટક યુનિવર્સિટીમાં હિંદુ કોડ બિલ પર તેમણે વ્યાખ્યાનો આપેલાં. તેમણે ભારતીય વિદ્યાભવન ગ્રંથમાળામાં ઉપનિષદો ઉપરનાં વિવિધ ભાષ્યોનું અધ્યયન-સંપાદન આરંભેલું. ઈશ ઉપનિષદનાં બે ભાષ્યોવાળો ગ્રંથ તેમણે સંપાદિત કરેલો છે.

1969માં તેમને સર જહાંગીર ગાંધી ઔદ્યોગિક શાંતિ ચંદ્રક અર્પણ કરાયેલ. 1972માં ભારત સરકાર દ્વારા તેમને ‘પદ્મભૂષણ’થી સન્માનવામાં આવ્યા હતા.

તેમણે લખેલા ગ્રંથોમાં ‘લૉ, લિબર્ટી ઍન્ડ સોશિયલ જસ્ટિસ’ (1965), ‘કાશ્મીર — રિટ્રોસ્પેક્ટ ઍન્ડ પ્રૉસ્પેક્ટ’ (1967), ‘જવાહરલાલ નેહરુ — એ ગ્લિમ્પ્સ ઑવ્ ધ મૅન ઍન્ડ હિઝ ટીચિંગ્ઝ’ (1969), ‘ધ કૉન્સ્ટિટ્યૂશન ઑવ્ ઇન્ડિયા — ઇટ્સ ફિલૉસૉફી ઍન્ડ બેઝિક પૉસ્ચ્યૂલેટ્સ’ (1969) તથા ‘સેક્યૂલેરિઝમ ઍન્ડ ધ ઇન્ડિયન કૉન્સ્ટિટ્યૂશન’ વિશેષ નોંધપાત્ર છે.

ઉમાકાન્ત મા. પંડિત