ગંગ (કવિ) : મધ્યકાલીન હિંદી ભાષાના માર્મિક કવિ. તે સન 1534થી 1614ના ગાળામાં થઈ ગયાનું માનવામાં આવે છે. ગંગની કવિતાનો મોટો ભાગ નષ્ટ થઈ ગયો છે; જે બચ્યો છે તેનાથી પણ એમની પ્રતિભાનો પરિચય મળી રહે છે. એમનો એક ‘ખાનખાનાકવિત’ શીર્ષક ગ્રંથ મળ્યો છે. એમનાં કાવ્યોનું વાહન વ્રજભાષા હતું. એમ છતાં બે-ત્રણ ઉપભાષાનો પણ એમણે ઉપયોગ કર્યો જાણવામાં આવ્યો છે. એમની કવિતામાં જેમ ઉદ્દંડતા દેખાય છે તેમ હાસ્યની પણ છોળો ઊડતી અનુભવાય છે. એમનાં યુદ્ધનાં વર્ણન ઉત્કૃષ્ટ કોટિનાં છે.

કે. કા. શાસ્ત્રી