ખોળ : મગફળી, તલ, એરંડા જેવાં તેલીબિયાં ઉપરાંત કેટલાંક વૃક્ષો જેવાં કે મહુડો, પીલુડી, કણજી અને લીમડાનાં ફળોને ઘાણીમાં પીલીને તેલ કાઢી લીધા બાદ બાકી રહેલ જથ્થાનાં પડ કે પાપડી અને ભૂકાને ખોળ કહેવામાં આવે છે. ખોળમાં તેલ ઉપરાંત નાઇટ્રોજન, ફૉસ્ફરસ, પોટાશ અને અન્ય તત્વો રહેલાં હોય છે તેથી તેનો ઢોરના ખાણ-દાણ તરીકે તેમજ પાક અને ફળાઉ ઝાડોમાં ખાતર તરીકે ઉપયોગ થતો આવ્યો છે.

ખોળમાં જેમ તેલના ટકા વધુ તેમ તે વહેલો બગડી જાય છે. ખાદ્ય તેલોની અછતના કારણે હવે તો નહિવત્ તેલ રહી જાય તે રીતે તેલીબિયાંનું પિલાણ થાય છે અને તે રીતે હવે ડી-ઑઇલ કેક કે તેલવિહીન ખોળનું ઉત્પાદન કરવામાં આવે છે જે ખાતર અને ઢોરના ખાણ-દાણમાં વધુ લાંબા સમય સુધી સંગ્રહવા છતાં બગડતો નથી.

તલ કે મગફળીનો ખોળ ખાણ-દાણમાં વધુ વપરાય છે, જ્યારે દિવેલા, લીંબોળી, કણજી, પીલુડી, મહુડા વગેરેનો ખોળ ખાતર તરીકે વાપરવામાં આવે છે. ખોળનો ભૂકો કરીને ખેતરમાં જ્યાં પાક વાવવાનો હોય ત્યાં ચાસમાં અન્ય ખાતરો સાથે ભેળવીને વાપરવામાં આવે છે. ફળપાકમાં ઝાડના થડ ફરતે ખાંપીને ખોળના ભૂકાનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ખોળ સેન્દ્રિય ખાતર હોઈ દરેક પ્રકારનાં જમીન અને પાક માટે ઉપયોગી છે. દિવેલાનો ખોળ જ્યાં ઊધઈનો ઉપદ્રવ વધુ હોય ત્યાં વધુ ફાયદાકારક છે. ખોળમાં રહેલાં કેટલાંક અગત્યનાં પોષક તત્વોની વિગત નીચે મુજબ છે :

અનુ ખોળનું નામ મુખ્ય તત્વોનું પ્રમાણ (ટકામાં)
 ક્રમ નાઇટ્રોજન ફૉસ્ફોરિક

ઍસિડ

પોટાશ
1. મગફળીનો ખોળ 6 1 1
2. દિવેલાનો ખોળ 4 2 1
3. મહુડાનો ખોળ 2થી 3
4. પીલુડીનો ખોળ 2થી 3 0.2થી 0.3 2થી 2.5
5. કણજીનો ખોળ 3થી 4 0.5થી 0.9 2થી 2.5
6. લીંબોળીનો ખોળ 4થી 6 1થી 1.5 1થી 2

કાન્તિલાલ ગોવિંદલાલ મહેતા