ખોપકર, દત્તાત્રેય (જ. 16 ડિસેમ્બર 1917, ઉનાવા) : ગુજરાતના જાણીતા તસવીરકાર. મૂળ મહારાષ્ટ્રના ખપોલી ગામના, કાયસ્થ પ્રભુ જ્ઞાતિના પણ જન્મે ગુજરાતી; મહારાષ્ટ્રની પ્રજામાં જોવા મળતો કલાપ્રેમ તેમના કુટુંબમાં પણ જોવા મળે છે. તેમના મોટા ભાઈ દ્વારકાનાથે તેમને ફોટોગ્રાફી શીખવા માટે 14-15 વર્ષની ઉંમરે પ્રોત્સાહન આપ્યું અને તેમની સાથે 1939માં ખોપકર્સ સ્ટુડિયોની સ્થાપના કરી. તસવીર-કલાક્ષેત્રે દત્તા ખોપકરે ગુજરાતનું નામ ઉજ્જ્વળ કર્યું છે. સામાન્ય કૅમેરાથી શરૂઆત કરીને અનેક નાનાંમોટાં ઇનામો મેળવ્યાં. તેમનું શ્રેષ્ઠ પ્રદાન કુદરતી દૃશ્યોના ક્ષેત્રે છે. શ્વેત-શ્યામ લૅન્ડસ્કેપમાં તેમણે ઉચ્ચ શિખરો સર કર્યાં છે. 1971માં તેઓ ફેલો ઑવ્ ધ રૉયલ ફોટોગ્રાફિક સોસાયટી (FRPS, લંડન) થયા.
દત્તાત્રેય ધંધાદારી ફોટોગ્રાફી પણ એટલી સુંદર કરતા હતા કે તેમની ઘણી તસવીરો કૉમર્શિયલ વિભાગને બદલે પિક્ટોરિયલ વિભાગમાં મૂકવાનું મન થાય. સ્વભાવે શાંત, ગૌર વર્ણ, વાદળી આંખો ધરાવતા અને પોતાની કલામાં ઓતપ્રોત રહેતા દત્તાત્રેય એક અલગ જ પ્રકારની કલાક્ષેત્રની પ્રતિભા છે. પૉર્ટ્રેટ ફોટોગ્રાફી, મૅરેજ ફોટોગ્રાફી, સમારંભની ફોટોગ્રાફી વગેરે અનેક વિષયોમાં તેમની અનુભવી હથોટી અને સુંદર ટૅકનિકસભર પ્રિન્ટ-ક્વૉલિટી છે. જગન મહેતા અને સ્વ. બળવંત ભટ્ટની જેમ તેમણે પણ ગાંધીજીની સુંદર તસવીરો તૈયાર કરેલી છે. ફોટોગ્રાફી ટૅક્નિક ઉપરનો તેમનો અદભુત કાબૂ જોઈને ઇન્ડિયા ઇન્ટરનૅશનલ ફોટોગ્રાફિક કાઉન્સિલ, દિલ્હી તેમને ફોટોગ્રાફી વર્કશૉપ અને ફોટો-એક્ઝિબિશનના નિર્ણાયકપદ માટે આમંત્રણ આપે છે. નિહારિકા સોસાયટી તથા સ્વ. બળવંત ભટ્ટનું માર્ગદર્શન તેમની પ્રગતિ માટે મુખ્ય રીતે કારણભૂત છે તેમ તેઓનું માનવું છે.
હેમેન્દ્ર શાહ