ખુશવંતસિંગ (જ. 2 ફેબ્રુઆરી 1915, હડાલી, પાકિસ્તાન; અ. 20 માર્ચ 2014, ન્યૂદિલ્હી) : સુપ્રસિદ્ધ ભારતીય પત્રકાર અને લેખક. પિતાનું નામ સર શોભાસિંગ અને માતાનું નામ લેડી વિરનબાઈ. ખુશવંતસિંગે લંડનમાં એલએલ.બી. અને બૅરિસ્ટર-ઍટ-લૉનું શિક્ષણ મેળવ્યા પછી 1939થી’ 47 સુધી લાહોર હાઈકોર્ટમાં વકીલાત કરી. દેશના ભાગલા પડ્યા પછી 1951 સુધી લંડન અને કૅનેડામાં ભારતીય રાજદૂતાવાસમાં કામ કર્યું. 1951થી 1953 સુધી ઑલ ઇન્ડિયા રેડિયોમાં તથા 1954થી 1956 પર્યંત ‘યુનેસ્કો’માં સેવા આપી. 1956થી 1958 સુધી ‘યોજના’ના તંત્રીપદે રહ્યા. ‘ધ હિન્દુસ્તાન ટાઇમ્સ’, ‘ધ નૅશનલ હેરલ્ડ’, ‘ધ ઇલસ્ટ્રેટેડ વીકલી’ તથા ‘ન્યૂ દિલ્હી’ના તંત્રીપદે પણ રહ્યા. આ દરમિયાન અઢી દાયકા ઉપરાંતથી કટારલેખક તરીકે ખૂબ જ લોકપ્રિયતા અને સફળતા મેળવી હતી. 1980થી 1986 સુધી રાજ્યસભાના નિયુક્ત સભ્ય પણ રહ્યા.

તેમણે ખૂબ જાણીતી થયેલી ‘ટ્રેન ટુ પાકિસ્તાન’ (1956) તથા ‘આઇ શૅલ નૉટ હીઅર ધ નાઇટિંગેલ’ (1959) જેવી નવલકથાઓ લખી છે. આ ઉપરાંત ‘ધ માર્ક ઑવ્ વિષ્ણુ ઍન્ડ અધર સ્ટોરિઝ’ (1950), ‘ધ વૉઇસ ઑવ્ ગૉડ ઍન્ડ અધર સ્ટોરિઝ’ (1957), ‘એ બ્રાઇડ ફૉર ધ સાહિબ ઍન્ડ અધર સ્ટોરીઝ’ (1967) તથા ‘બ્લૅક જસ્મિન’ (1971) નામના વાર્તાસંગ્રહો પ્રગટ કર્યા છે. અલબત્ત, આમાંની કેટલીક વાર્તાઓ ફરી ફરી સંગૃહીત થઈ છે. ‘રણજિત સિંગ’ (1962) અને ‘એ હિસ્ટરી ઑવ્ ધ શીખ્સ’ (બે ગ્રંથો) (1963 અને 1966) એ તેમના ઇતિહાસમૂલક ગ્રંથો છે.

ખુશવંતસિંગ

‘એરાઉન્ડ ધ વર્લ્ડ વિથ ખુશવંતસિંગ’ એ તેમની પ્રવાસકથા છે. તેમના નિબંધસંગ્રહ ‘ઇન્ડિયા : એ મિરર ફૉર ઇટ્સ મૉન્સ્ટર્સ ઍન્ડ મૉન્સ્ટ્રોસિટિઝ’(1969)નું સંપાદન રાહુલ સિંગે કર્યું છે.

સાહિત્યક્ષેત્રે પ્રદાન બદલ પંજાબ સરકારે બહુમાન કર્યું છે. 1974માં તેમને ‘પદ્મભૂષણ’નો રાષ્ટ્રીય ઇલકાબ મળેલો જે 1984માં સરકારને તેમણે પરત કરી દીધો હતો. ‘નૉટ એ નાઇસ મૅન ટુ નો’ શીર્ષકથી એમની કેટલીક સાહિત્યિક કૃતિઓનો સંપાદિત ગ્રંથ પણ પ્રગટ થયો છે. રમૂજી ટુચકાથી માંડી ગંભીર વિષયો પરનું એમનું ભાતીગળ લેખન એક બહુશ્રુત છતાં વિવાદાસ્પદ વ્યક્તિ તથા લેખક તરીકેની છાપ પાડે છે. તેમને પંજાબ સરકાર તરફથી ‘પંજાબ રતન’ (2006) તથા ભારત સરકાર તરફથી ‘પદ્મવિભૂષણ’ (2007) ઍવૉર્ડ મળ્યા હતા.

મહેશ ઠાકર