ખુરશીદ અલીખાં (જ. 1845; અ. 1950, લખનૌ) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ગાયક તથા લખનૌ ઘરાણાના મુખ્ય પ્રતિનિધિ. લખનૌ ખયાલ તથા ઠૂમરીના પ્રવર્તક ઉસ્તાદ સાદિક અલી ખાનના તેઓ એક પ્રમુખ શિષ્ય હતા. બાળપણથી જ શાસ્ત્રીય સંગીત પ્રત્યે અભિરુચિ. નેપાળમાં બિરગંજ ખાતે યોજાયેલ સંગીતસંમેલનમાં તેમની ગાયકીની ખૂબ પ્રશંસા થઈ ત્યારથી તેઓ પ્રસિદ્ધિ પામ્યા. હૈદરાબાદ, રામપુર અને ગ્વાલિયરના દરબારોમાં તથા મુંબઈ, કૉલકાતા અને દિલ્હી જેવાં શહેરોમાં થતાં સંગીતસંમેલનોમાં તેમણે પોતાની સંગીતકલાની રજૂઆત કરીને તે જમાનાના સંગીતકારોમાં ચાહના મેળવી હતી. અસ્થાયી અને અંતરાની રજૂઆત પર તથા રાગના શુદ્ધ સ્વરૂપ પર ગાયકી દરમિયાન તેઓ ખાસ ધ્યાન આપતા. સામાન્ય રાગરાગિણી જ નહિ પરંતુ વિરલ અને દુર્લભ રાગો રજૂ કરનારા કલાકારોમાં તેઓ કસબી ગણાતા. ખયાલ અને તાલના તેઓ પારંગત હતા. લખનૌ અને અવધની સંગીતપરંપરાઓનું અનોખું મિશ્રણ તેમની ગાયકીમાં હતું. લખનૌ ઘરાણાની ખયાલ-ગાયકીના તેઓ કદાચ છેલ્લા પ્રતિનિધિ હતા. તેમના જાણીતા શિષ્યોમાં રાજા નવાબ અલીખાન, નાસિરખાન, ભૈયા ગણપતરાવ, ગુલામ હુસેનખાન, પ્રેમ બહાદુર તથા રામશંકર શુક્લ વિશેષ નોંધપાત્ર છે. તેમના પુત્ર ઇકબાલ અલીખાન તથા પૌત્રી સિકંદર જહાને પણ તેમની પાસેથી સંગીતની તાલીમ પ્રાપ્ત કરી હતી. નટ મલ્હાર તેમનો અત્યંત પ્રિય રાગ ગણાતો.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે