ખુરશીદ (જ. 14 એપ્રિલ 1914, ચુનિયન, લાહોર; અ. 18 એપ્રિલ 2001, કરાચી) : ભારતીય ચલચિત્રજગતની વિખ્યાત ગાયિકા-અભિનેત્રી. તેનું પ્રથમ ચલચિત્ર ‘કૌન કિસી કા’ (હિંદી). તેને પ્રથમ વાર રૂપેરી પડદે લાવવાનો જશ ગુજરાતી ચલચિત્રનિર્માતા નાનુભાઈ દેસાઈના ફાળે જાય છે. તેનું બીજું ચલચિત્ર ઇઝરામીરનું ‘સિતારા’. તે લોકપ્રિય બની વિખ્યાત ચલચિત્રઅભિનેતા મોતીલાલની ભૂમિકાવાળા ‘પરદેશી’ (1942) ચલચિત્રથી. આ ચલચિત્રમાં નાયિકાની ભૂમિકા ભજવતી ખુરશીદે ગાયેલ ગીત ‘પહેલે જો મહોબ્બત સે ઇન્કાર કિયા હોતા…’ની રજૂઆતની અદભુત મધુરતા અને હલકને લીધે તે ગ્રામાફોન ઉપર અને રેડિયો દ્વારા દેશના ખૂણે ખૂણે જાણીતી બની. આ ચલચિત્રે ખુરશીદ અને મોતીલાલની જોડીને અપાર લોકપ્રિયતા અપાવી.
વીસમી સદીના ચોથા દાયકામાં હિંદી ફિલ્મક્ષેત્રે મધુર કંઠના સ્વામીઓની બોલબાલા હતી. તે જમાનામાં રણજિત મુવીટોનના સરનશીન સરદાર ચંદુલાલ શાહ મહાન ગાયક-અભિનેતા કુંદનલાલ સાયગલને રણજિત કંપનીમાં લાવ્યા હતા. તેની સામે ગાયકીમાં સફળ રીતે ઊભી રહી શકે તેવી નાયિકાની પસંદગીની મૂંઝવણ હતી. ચંદુલાલે ‘ભક્ત સુરદાસ’ અને ‘તાનસેન’ ચલચિત્રોમાં સાયગલ સામે ખુરશીદને મૂકી. ‘ભક્ત સુરદાસ’માં ‘પંછી બાવરા કાહે ચાંદ સે પ્રીત લગાયે….’ તથા ‘તાનસેન’માં ‘છાયી ઘટા ઘનઘોર…’ અને ‘બરસો રે…’ જેવાં ગીતો ખુરશીદે ખૂબ હલકથી ગાયાં છે.

ખુરશીદ
1944માં ખુરશીદે ‘મુમતાઝ મહલ’, ‘શહેનશાહ બાબર’ તથા ‘નર્સ’ અને 1946-47માં પ્રભાત ફિલ્મ કંપનીના ‘આગે બઢો’માં દેવ આનંદ સાથે પ્રમુખ ભૂમિકા ભજવી અને પોતાની લોકપ્રિયતાને આગળ વધારી. તેનાં અન્ય ચલચિત્રોમાં ‘હોલી’, ‘મુસાફિર’, ‘મહારાણા પ્રતાપ’ તથા ‘શાદી’ નોંધપાત્ર છે. તેણે કોઈ તાલીમ લીધી ન હતી છતાં તેની નિપુણતા પ્રશસ્ય હતી.
સોહરાબ મોદીનું ‘મઝધાર’ ખુરશીદનું છેલ્લું ચલચિત્ર હતું. તે પછી તે પાકિસ્તાન ગઈ હતી. તેણે ગાયેલાં ગીતો આજે પણ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરે છે.
શશિકાન્ત નાણાવટી