ખાંટ, અશોક (જ. 2 જૂન 1959, ભાયાવદર, સૌરાષ્ટ્ર, ગુજરાત) : વાસ્તવવાદી ફોટોરિયાલિસ્ટ શૈલીમાં ચિત્ર સર્જન કરનાર ગુજરાતના આધુનિક ચિત્રકાર. આધુનિક ચિત્રકલાની ‘ફોટો-રિયાલિઝમ’ શાખામાં તેઓ ગુજરાતના ગ્રામીણ-કૃષિ જીવનને તાશ કરતાં ચિત્રો ચીતરે છે.

સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામડાના એક ખેડૂત પરિવારમાં તેમનો જન્મ થયેલો. શાલેય અભ્યાસ દરમિયાન જ તેમને ચિત્રકલાની લગની લાગેલી તે એ વખતે ફિલ્મી ચોપાનિયામાંથી ફિલ્મી જગતના જાણીતા સિતારાઓના ફોટોની તેઓ પેન્સિલથી નકલ કરતા. એક વાર આઠમા ધોરણના અભ્યાસ દરમિયાન અભિનેતા શત્રુઘ્ન સિંહાનું ચિત્ર દોરવા માટે શિક્ષકનો ઠપકો મળ્યા છતાં હતપ્રભ અને હતાશ થયા વિના તેમણે ચિત્રસાધના ચાલુ રાખી. કલાના ઉચ્ચ અભ્યાસ માટે તેઓ 1975-76માં વલ્લભ વિદ્યાનગરની ફાઇન આર્ટ્સ કૉલેજમાં જોડાયા સાથે વડતાલ જ્ઞાનબાગમાં રોજિંદા પગારની નોકરી સ્વીકારી. અપડાઉન કરતાં કરતાં ફોટોગ્રાફી અને ટ્યૂશન પણ કરવા માંડ્યા.

અશોક ખાંટ

કામ વધવાથી નોકરી છોડી દીધી અને આણંદમાં સ્વતંત્ર સ્ટુડિયો શરૂ કર્યો. ચિત્રકળાની પરીક્ષાઓ પણ આપતા રહ્યા. 1989માં પેઇન્ટિન્ગમાં ગવર્નમેન્ટ ડિપ્લોમા મેળવ્યો. અશોક ખાંટને ગુજરાતના પ્રખ્યાત કળાકાર સ્વ. હીરાલાલ ખત્રી અને કે. આર. યાદવનાં ચિત્રોનું આકર્ષણ છે. પાશ્ચાત્ય ચિત્રોનો અભ્યાસ કરવા બરોડા મ્યુઝિયમની મુલાકાત લેતા. તેમનાં ચિત્રોમાં પાત્રોની લાક્ષણિક મુદ્રાઓ ઉપસાવવાની આગવી સૂઝ છે. ટાગોર જેવા પ્રતિભાશાળી વ્યક્તિત્વથી લઈને સૌરાષ્ટ્રના તળ ગામડામાં જોવા મળતો સામાન્ય ખેડૂતનો સામાન્ય ચહેરો પણ તેમણે ઉપસાવ્યો છે. જીવંત વાતાવરણ રચવાની કળાકારની કુનેહ તેમનાં ચિત્રોમાંથી દેખાઈ આવે છે. ફોટોગ્રાફી પણ પાછી પડે તેવું આબેહૂબ આલેખન આ ચિત્રોમાં ધ્યાન ખેંચે છે. આ શૈલી ‘ફોટો રિયાલિઝમ’ નામે ઓળખાય છે.

અશોક ખાંટે દોરેલું ચિત્ર : ‘બ્યૂટી ઑવ્ રૂરલ’

અશોક ખાંટને વિવિધ ઍવૉર્ડો મળેલા છે. 1984માં ગુજરાત રાજ્ય લલિત કળા અકાદમી દ્વારા તેમના એક ચિત્રને ઇનામ મળ્યું હતું, જેમાં ‘અંગૂઠો અને તેની છાપ’ દર્શાવાઈ હતી. ચિત્રમાં ઓછામાં ઓછી આકૃતિઓથી પ્રતીકાત્મક રજૂઆત વડે પ્રૌઢશિક્ષણનું અસરકારક સૂચન થતું હતું. તેમને 1986માં યુથ નૅશનલ ઍવૉર્ડ, 1987માં આંધ્ર પ્રદેશના નાલગોન્ડામાં રાષ્ટ્રીય કળા પ્રદર્શનમાં ગોલ્ડ મૅડલ, 1992માં વર્લ્ડ વાઇડ ફંડ ફૉર નેચર ઇન્ડિયા ઍવૉર્ડ, 1993માં રાયપુરમાં મહાકૌશલ કળા પરિષદનો ઍવૉર્ડ મળ્યા હતા. તેમનાં ચિત્રોનાં પ્રદર્શનો વિવિધ શહેરોમાં યોજાયાં છે. 1987માં અશોક ખાંટનું સૌપ્રથમ પ્રદર્શન અમદાવાદમાં યોજાયું હતું. તે પછી ચેન્નાઈ, મુંબઈ, દિલ્હી, લંડન, ભોપાલ જેવાં શહેરોમાં તેમનાં ચિત્રોનાં પ્રદર્શનો યોજાયાં હતાં. વિદ્યાનગરની સ્વામિનારાયણ સંસ્થા ગુણાતીત જ્યોતમાં તેમનાં ચિત્રો પ્રદર્શિત છે. અમેરિકા, બ્રિટન, કૅનેડા સહિત વિવિધ દેશોમાં વસતા એનઆરઆઇ પાસે પણ તેમનાં ચિત્રો છે.

અશોક ખાંટની કળાને બિરદાવવા 15મી ઑગસ્ટ, 2004ના રોજ આણંદમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે તેમનું વિશેષ બહુમાન કરાયું હતું. ખેડા જિલ્લાનાં ગામડાંઓમાં જઈ તેમણે ઑન ધ સ્પૉટ 60 વૉટરકલર લૅન્ડસ્કેપ તૈયાર કર્યાં છે.

અમિતાભ મડિયા