ખલ્લી : પગ, પિંડી, જાંઘ કે હાથમાં સ્નાયુની ખેંચ (સંકોચન) પેદા કરી, ગોટલા બાઝી જવાનું દર્દ. આયુર્વેદમાં 80 પ્રકારના ‘વાતવ્યાધિ’ દર્શાવ્યા છે. તે એક સ્નાયુગત વાતવ્યાધિ છે.
આ દર્દમાં વાયુદોષ વિકૃત થઈ પેટ, પેઢું, નિતંબ, જાંઘ, પગની પિંડીઓ અને હાથ(બાવડા)માં પ્રસરીને સ્નાયુસંકોચન કરી, કઠિનતા તથા શૂળ પેદા કરે છે. ખાલી ચડેલી જગ્યાએ રક્ત-પરિભ્રમણ ઘટી જાય છે, તેથી અલ્પકાલીન સંજ્ઞાશૂન્યતા કે બહેરાશ પેદા થાય છે. આમ થવાનું કારણ પગના મૂળ, જાંઘના મૂળ તથા ઘૂંટણ કે હાથના કાંડા જેવી જગ્યાએ સ્નાયુસંકોચન હોય છે. ‘ખલ્લી’માં સ્નાયુસંકોચન (ઉદ્વેષ્ટન : cramp) મુખ્ય લક્ષણ છે. આ રોગમાં ગંભીર વેદના થાય છે. આ પીડા માંસપેશીઓને પૂરતું રક્ત કે પ્રાણવાયુ ન મળવાથી થાય છે. જેમ કૉલેરામાં શરીરે ગોટલા બાઝે છે, તે રીતે જ ‘ખલ્લી’માં પણ થાય છે.
ચિકિત્સા : આ રોગમાં વાતદોષમાં વપરાતાં ઔષધો કામ કરે છે. છતાં તેમાં મહાનારાયણ તેલ કે પ્રસારણી તેલનું રુગ્ણ અંગો પર માલિસ, નારાયણ તેલની ઍનિમા (બસ્તિ), દશમૂલ ક્વાથની બસ્તિ, મહારાસ્નાદિ ક્વાથ, મહાયોગરાજ કે લઘુ યોગરાજ ગૂગળ, પંચામૃત, લોહગૂગળ, બલારિષ્ટ કે નવજીવન રસ ઔષધ રૂપે આપી શકાય છે. આ રોગમાં સ્નિગ્ધ, ખાટા તથા ખારા રસના પદાર્થોની કલ્ક-પોટલી કરી તે વડે સ્વેદન કે તેવા ઔષધ-પદાર્થોના ક્વાથ વડે ઉપનાહ પણ લાભપ્રદ છે. ખલ્લીમાં માજૂન કુચલા પણ ખૂબ લાભપ્રદ છે. આ રોગમાં વાતવ્યાધિમાં બતાવેલી તમામ પરેજી પાળવી જરૂરી છે; અર્થાત્, સ્નિગ્ધ, ઉષ્ણ, અમ્લ, મધુર અને લવણરસપ્રધાન આહાર રાખવો જોઈએ.
બળદેવપ્રસાદ પનારા