ખનિજ-અન્વેષણ નિગમ લિમિટેડ : દેશની ખનિજસંપત્તિ અંગે વધુમાં વધુ ચોક્કસ માહિતી એકત્ર કરવા, વિવિધ સ્થળોએ આવેલ ખનિજ-સંપત્તિનો જથ્થો શોધી કાઢવા તેમજ ખનિજ વિશે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવા ભારત સરકારે કંપની ધારા હેઠળ 1972માં ખનિજ-અન્વેષણ નિગમ(Mineral Exploration Corporation Ltd. – MECL)ની સ્થાપના કરી છે. આ કંપનીનું મુખ્ય મથક નાગપુર (મહારાષ્ટ્ર) ખાતે આવેલું છે. સરકાર વતી નિગમ ખનિજવિષયક જે વિવિધ પ્રવૃત્તિઓ કરે છે, તેમાં તજ્જ્ઞસેવા, તાંત્રિક માર્ગદર્શન, સમગ્ર પ્રૉજેક્ટનું આયોજન તેમજ અમલીકરણ, ખોદકામ, પાતાળકૂવાનું બાંધકામ, બંધ(dam)ના સ્થળની ભૂસ્તરીય તાંત્રિક માહિતી(geotechnical information)નો સમાવેશ થાય છે.
નિગમ કેન્દ્રસરકાર, રાજ્યસરકારો, વિવિધ જાહેર સાહસો, ખાનગી ક્ષેત્રમાં કામ કરતી કંપનીઓ સહુને – દેશમાં આવેલી ખનિજો બાબતની માહિતી પૂરી પાડે છે તથા આ વિવિધ સંસ્થાઓને આ અંગેની તાંત્રિક/તજ્જ્ઞ સેવાઓ પણ વેપારી ધોરણે ઉપલબ્ધ કરે છે. નિગમને વિશ્વ બૅન્કે આ ક્ષેત્રમાં નિષ્ણાત સંસ્થા તરીકે માન્યતા આપી છે. કોઈ પણ વિદેશી નિષ્ણાતોની મદદ સિવાય નિગમ પોતાની કામગીરી કેવળ ભારતીય નિષ્ણાતો, તજ્જ્ઞોના માર્ગદર્શન અને સહાયથી આજદિન સુધી કરતું આવ્યું છે.
નિગમની કચેરીઓ નાગપુર ઉપરાંત કૉલકાતા, રાંચી, જયપુર તથા હૈદરાબાદ ખાતે આવેલી છે.
જયંત કાળે