ખનિજસંપત્તિ

ધરતીમાં સંગ્રહાયેલ ખનિજભંડારો અને તેની ઉત્પત્તિ પ્રદેશને આર્થિક રીતે પગભર થવામાં ઘણો ફાળો આપે છે. કૃષિસંપત્તિ જેટલું જ ખનિજસંપત્તિનું મૂલ્યાંકન થાય છે.

પૃથ્વીના ઉદભવ સાથે ખડકોનું સર્જન, ભૂસ્તરીય રચના, ખડકોનું બંધારણ, સ્તરરચના, સ્તરભંગો, પર્વતો, ખીણો, સરોવરો, નદીઓ, મેદાનોની હયાતી, ભૂપૃષ્ઠનાં પડોની ગોઠવણી, ગિરિમાળાઓની ગોઠવણી ઇત્યાદિ સંકળાયેલ છે.

ભૂપૃષ્ઠનું ઘડતર મૅગ્મા તથા લાવાના લાવારસનું બંધારણ અને ભૌગોલિક પરિસ્થિતિને અનુરૂપ ખડકો અને ખનિજોનાં ઉદભવસ્થાનો પર આધારિત છે.

વિશ્વના ભૂપૃષ્ઠમાં સંગ્રહાયેલ ખનિજભંડારોની જાણકારી ભૂસ્તરીય સંસ્થાઓ ખનિજ-અન્વેષણ દ્વારા પ્રાપ્ત કરીને તેની ગુણવત્તા, જથ્થા તથા પરિમાણો નક્કી કરે છે. ભારતમાં સંગ્રહાયેલ લોહયુક્ત અને બિનલોહયુક્ત ખનિજોનું સંશોધન, શારકામ અને વિગતવાર મોજણી ભારતીય ભૂવૈજ્ઞાનિક મોજણી-સંસ્થા, રાજ્યસરકારના ખાણ અને ખનિજ વિભાગો તેમજ ભારતીય અણુસંસ્થા દ્વારા કરવામાં આવે છે.

ભારતીય ભૂવૈજ્ઞાનિક સંસ્થાઓએ તેમના કાર્યક્ષેત્રને અનુલક્ષીને અણુખનિજો-બળતણખનિજો, બિનલોહ ખનિજો અને લોહયુક્ત ખનિજો માટેનાં સંશોધન અને અન્વેષણનું કાર્ય કરી, લોખંડ, જસત, તાંબું, સીસું, ઍલ્યુમિનિયમ અને મૅંગેનીઝ ધાતુઓના જથ્થા વિશે માહિતી પૂરી પાડી છે.

બિનલોહ ખનિજોમાં ડોલોમાઇટ, ચૂનાખડક, અબરખ, સિલિકા રેતી, ચિરોડી, ફાયરક્લે, બેન્ટોનાઇટ, ચાઇનાક્લે, ફૉસ્ફોરાઇટ, સિડેરાઇટ, બેરાઇટ, કાયનાઇટ, સિલિમેનાઇટ જેવાં ખનિજો તથા બળતણ-ખનિજોમાં કોલસો, લિગ્નાઇટ, અણુખનિજોમાં યુરેનિયમ, થોરિયમ, મોલિબ્ડેનાઇટ અને કીમતી ધાતુમાં પ્લૅટિનમ, સોનું વગેરે પ્રકાશમાં આવેલાં છે.

વિશ્વના દેશો તેના પેટાળમાં દટાયેલ ખનિજભંડારોને પ્રકાશમાં લાવવા સંશોધન અને અન્વેષણના કાર્યક્રમો ઘડી કાઢી આ બહુમૂલ્ય વિવિધ ખનિજસંપત્તિનું વ્યાપારી ધોરણે ઉત્ખનન કરી શુદ્ધીકરણ, ગાળણ, ઘનિષ્ટીકરણ, ચાળણ, ઊર્ધ્વીકરણ અને ઠારણ દ્વારા જુદા જુદા ખનિજઉદ્યોગોના કાચા માલ તરીકે તેને ઉપયોગમાં લે છે.

ભારતની ખનિજસંપત્તિમાં મુખ્યત્વે લોહધાતુ, બૉક્સાઇટ, મૅંગેનીઝ, ઇલ્મેનાઇટ, મૅગ્નેસાઇટ અને બેરાઇટ પરદેશી હૂંડિયામણ રળી આપતાં ખનિજો છે. ગોવા, બિહાર અને ઓરિસાની લોહધાતુ, કેરળનું ઇલ્મેનાઇટ અને મૅગ્નેટાઇટ, આંધ્રપ્રદેશનું બેરાઇટ, રાજસ્થાનનું તાંબું, સીસું, અબરખ, સોપસ્ટોન તેમજ ગુજરાતનું બેન્ટોનાઇટ વિશ્વના આંતરરાષ્ટ્રીય બજારમાં અગત્યનું સ્થાન પામેલ છે. છેલ્લા દશકાથી દક્ષિણ ભારતના કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિળનાડુના બ્લૅક અને વિવિધરંગી ગ્રૅનાઇટ ખડકે તેમજ રાજસ્થાનના જેસલમેર અને જોધપુરના રેતીખડકે આંતરરાષ્ટ્રીય સુશોભિત પથ્થર-બજારમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે.

ભારતની ભૂસ્તરીય રચના પ્રમાણે પ્રાચીન ખડકો દક્ષિણ ભારતમાં તથા અર્વાચીન ખડકો ઉત્તર ભારતના હિમાલયની તળેટી અને પશ્ચિમી તથા પૂર્વ ભારતના કાંઠાપ્રદેશમાં વિસ્તરેલા છે.

પશ્ચિમ ભારતનું ગુજરાત રાજ્ય બિનલોહ-ખનિજસંપત્તિમાં સમૃદ્ધ છે. રાજ્યમાં ચૂનાખડક, બૉક્સાઇટ, બેન્ટોનાઇટ, ચાઇનાક્લે, ફાયરક્લે, ફ્લોરાઇટ, સિલિકા રેતી, ડોલોમાઇટ, ચકમકપથ્થર, અકીક, ચૉક, સિડેરાઇટ, મૅંગેનીઝ, ચિરોડી, વર્મિક્યુલાઇટ, સોપસ્ટોન, લિગ્નાઇટ, બેઝમેટલ, બેરાઇટ, ગ્રૅફાઇટ, ઓકર, પર્લાઇટ, શંખજીરું, ઍસ્બેસ્ટૉસ અને ડાયેટોમાઇટ જેવાં તેત્રીસ ખનિજોનાં એંધાણ નોંધાયેલ છે.

અગિયાર ખનિજોનું વ્યાપારી ધોરણે ખાણકાર્ય રાજ્યના પાનન્ધ્રો, મમુઆરા, છોટાઉદેપુર, નરેડી, આંબાડુંગર, ભૂરી, ભાટિયા, વેરાવળ, કોડીનાર, થાન, મોરબી, શેરડી જેવાં ખાણકેન્દ્રોમાં થાય છે. ‘ગુજરાત ખનિજ નિગમ’ તેના અંબાજી મલ્ટિમેટલ, કચ્છ લિગ્નાઇટ, રાજપારડી લિગ્નાઇટ, ભાટિયા બૉક્સાઇટ અને નરેડી બૉક્સાઇટ – એ પાંચ પ્રોજેક્ટોને કાર્યરત રાખી બૉક્સાઇટ અને લિગ્નાઇટનું ખાણકાર્ય કરે છે. અંબાજી મલ્ટિમેટલ પ્રૉજેક્ટમાં તાંબું, સીસું અને જસતના સંકેન્દ્રણનું પ્રાયોગિક ધોરણે ખાણકાર્ય શરૂ કરેલ છે. કચ્છના લખપત તાલુકાના પાનન્ધ્રો વિસ્તાર લિગ્નાઇટ, સિમેન્ટ, ફર્ટિલાઇઝર, સ્ટીલ અને કાચનાં કારખાનાંની ભઠ્ઠીઓ, મોરબી ટાઇલ્સની હૉફમેન ભઠ્ઠીઓ, ચણતર, ઈંટોના ભઠ્ઠા વગેરેમાં વપરાય છે. રાજપારડીનો લિગ્નાઇટ અંકલેશ્વર, ભરૂચની ઔદ્યોગિક વસાહતોનાં કારખાનાંમાં બળતણ તરીકે વેચાય છે. સૌરાષ્ટ્રનો ભાટિયા બૉક્સાઇટ અને કચ્છનો નરેડી બૉક્સાઇટ રાજ્યના અપઘર્ષક (એબ્રેસિવ) અને અગ્નિરોધ રિફ્રૅક્ટરી ઉદ્યોગ તથા રાજ્ય બહારના પૂર્વ વિસ્તારના સ્ટીલ પ્લાન્ટોના રિફ્રેક્ટરી એકમો તથા એબ્રેસિવ એકમો ખરીદે છે. નિમ્ન કક્ષાના બૉક્સાઇટની નિકાસ છેલ્લાં બે વર્ષથી પૂર્વીય અખાતી દેશોમાં પોરબંદર તથા ઓખાથી શરૂ થયેલ છે. ખાનગી ખાણપટ્ટેદારો બૉક્સાઇટ ખનિજનું કૅલ્સિનેશન કરી કૅલ્સાઇન્ડ ખાનગી ખાણપટ્ટેદારો તથા ઓખાથી બૉક્સાઇટ ખનિજનું કૅલ્સિનેશન કરી કૅલ્સાઇન્ડ બૉક્સાઇટનું રાજ્ય બહાર ખનિજનું કૅલ્સિનેશન કરી કૅલ્સાઇન્ડ બૉક્સાઇટનું રાજ્ય બહાર વેચાણ કરે છે. બૉક્સાઇટ પર આધારિત  એબ્રેસિવ રિફ્રૅક્ટરી અને ઍલ્યુમિનિયમ રસાયણનાં કારખાનાં રાજ્યમાં ઊભાં થયેલ છે. કચ્છ જિલ્લાના રક્ષિત બૉક્સાઇટ ખનિજ-આધારિત ઍલ્યુમિના પ્લાન્ટ માટે રાજ્યસરકારે આશાપુરા ગ્રૂપ ખાનગી પેઢી સાથે ચીન દેશની તાંત્રિક વિદ્યા આધારિત રૂ. 1,200 કરોડના રોકાણ સાથેના ‘ઍલ્યુમિના’ પ્રોજેક્ટ સંયુક્ત સાહસમાં ઊભો કરવા સહીસિક્કા કરેલ છે.

લિગ્નાઇટ આધારિત 220 મેગાવોટનો પાવર પ્લાન્ટ ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ દ્વારા પાનન્ધ્રો ખાતે સન 1992માં શરૂ થયેલ છે.  ‘ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ પાવર નિગમ’ દ્વારા સૂરત જિલ્લાના માંગરોળ તાલુકાના વસ્તાન વિસ્તારમાં લિગ્નાઇટનું અનાવૃત્ત પદ્ધતિથી ઉત્ખનન કરી નારોલી ખાતે સ્થાપેલ 250 મેગાવોટના તાપમથકને ઈંધણ પૂરું પાડે છે. આ ઉપરાંત ગુજરાત ખનિજવિકાસ નિગમ દ્વારા કચ્છના આકરી ગામમાં પણ 250 મેગાવોટનું તાપવિદ્યુતમથક ઊભું કરવાની કાર્યવહી ગતિમાં છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ-તાપી વિસ્તારોના લિગ્નાઇટ બેસિનમાં લિગ્નાઇટના વધુ જથ્થાઓના અન્વેષણનું કાર્ય રાજ્યસરકાર દ્વારા ચાલુ છે.

ચૂનાખડકના વિસ્તારો સૌરાષ્ટ્ર તથા કચ્છના દરિયાકિનારે પથરાયેલ છે. ચૂનાખડક આધારિત રાજ્યમાં સિમેન્ટ અને સોડાઍશનાં કારખાનાં ઓખાથી ભાવનગર સુધીના દરિયાકાંઠા પરના ચૂનાખડકને ઉપયોગમાં લઈ ઊભાં થયેલાં છે. હાલમાં પૉર્ટલૅન્ડ સિમેન્ટના સાત પ્લાન્ટ તથા સોડાઍશના ત્રણ પ્લાન્ટ રાજ્યમાં કાર્યરત છે.

કચ્છ જિલ્લાના નલિયા તાલુકાના ચૂનાખડકને ઉપયોગ કરી સાંઘી સિમેન્ટ કું.એ ત્રીસ લાખ ટનનો નિકાસલક્ષી સિમેન્ટ પ્લાન્ટ ઊભો કરેલ છે. બૉક્સાઇટ આધારિત હાઈઍલ્યુમિના રિફ્રેક્ટરી પ્લાન્ટો હાલમાં જામખંભાળિયા, સાણંદ અને કડી ખાતે કાર્યરત છે. આ ઉપરાંત વી. આર. ડબ્લ્યૂ. કંપની દ્વારા અમદાવાદ જિલ્લાના કેરાલા જી.આઇ.ડી.સી.માં 11.16 કરોડના રોકાણ સાથે હાઈઍલ્યુમિના રિફ્રેક્ટરીનું વાર્ષિક 24,000 ટન ક્ષમતાનું કારખાનું ઊભું થયેલ છે. ગ્રૂપ દ્વારા સ્ટીલ રોડ ઍસ્બેસ્ટૉસ શીટ્સની વિસ્તૃતીકરણ પરિયોજનાઓ કાર્યરત કરવા રાજ્યસરકાર સાથે કરારો કરવામાં આવ્યા છે. ગુજરાત ખનિજવિકાસ નિગમે કચ્છ જિલ્લાના ગઢશીસા ખાતે વાર્ષિક 50,000 ટન ક્ષમતાનો નિસ્તાપિત બૉક્સાઇટ પ્લાન્ટ 8.25 કરોડના રોકાણ સાથે કાર્યરત કરેલ છે. સૌરાષ્ટ્ર કૅલ્સાઇટ, બૉક્સાઇટ અને એલાઇડ કેમિકલ્સ ખાનગી પેઢીએ તેના પ્રતિદિન 100 ટન ક્ષમતાવાળા નિસ્તાપિત બૉક્સાઇટ પ્રોજેક્ટનું ડિટરજન્ટ ગ્રેટ જિયૉલાઇટના બહુમૂલ્ય ઉત્પાદનના વિસ્તૃતીકરણનું કાર્ય હાથ પર લીધેલ છે.

ગુજરાતની ખનિજસંપત્તિને પેટાળમાંથી સંશોધન તથા અન્વેષણ દ્વારા પ્રકાશમાં લાવી ખનિજ-આધારિત ઉદ્યોગો સ્થાપવા સરકાર દ્વારા પ્રયત્નો ચાલુ છે.

રાજ્ય સરકારે ખનિજનીતિ 2003 પ્રકાશિત કરેલ છે. તેમાં અંબાજી તથા ધ્રાંગધ્રા ખાતે સ્ટોનપાર્ક ઊભા કરવાનું આયોજન કરેલ છે. ખનિજ-આધારિત બહુમૂલ્ય પેદાશોના ઉત્પાદનને વેગ આપી આ પેદાશોની પરિયોજનાઓ માટેનું મૂડીરોકાણ આકર્ષવા એકસો જેટલાં એકમો બનાવી કાચ, સિમેન્ટ, સિરામિક અને પ્રક્રિયાતીત ખનિજોની પરિયોજનાઓ વિકસિત ઉત્ખનનક્ષેત્રોની આસપાસ ઊભી કરવા માટે આનુષંગિક સગવડો – રસ્તા, વીજળી, તાંત્રિક વિદ્યા અને કરમુક્તિ જેવાં લાભદાયી આકર્ષણો ઊભાં કરેલ છે. પછાત કચ્છ જિલ્લા માટે સેલ્સટૅક્સ અને એક્સાઇઝની સન 2005ના અંત સુધી મુક્તિ આપી છે. ખનિજસંપત્તિ આધારિત પરિયોજનાઓના વિકાસ તથા ખનિજમાહિતી ઉપલબ્ધ કરવા માટે ‘જિલ્લાવાર ખનિજ એટલાસ’ તથા ખનિજસંપત્તિ માટે જિલ્લાવાર ખનિજના જથ્થા, ગુણવત્તા, ખનિજ ઉપલબ્ધ વિસ્તારોની વિગતો, ખનિજનાં પ્રાપ્તિસ્થાનો, ખાણકેન્દ્રો આવરિત ‘ગુજરાત ખનિજ વેબસાઇટ’ રાષ્ટ્રીય અવકાશ સંશોધન કેન્દ્રના સહકારથી તૈયાર કરી સન 2005ના અંત પહેલાં રજૂ કરવાનું આયોજન કરાયેલ છે. ઇન્ડેક્સ-બી દ્વારા બહુમૂલ્ય ખનિજપેદાશોની પરિયોજનાઓ માટેના પ્રોફાઇલ્સ સી.ડી. તથા બૉક્સાઇટ, લાઇમસ્ટોન, બેન્ટોનાઇટ, ચાઇનાક્લે, લિગ્નાઇટ, ગુજરાત ખનિજસંપત્તિ તથા સિરામિક ઉદ્યોગનાં પ્રકાશનો માર્ગદર્શન માટે ઉપલબ્ધ કરાય છે. વાઇબ્રન્ટ ગુજરાતના ઉપક્રમે નવા ખનિજ-આધારિત બહુમૂલ્ય પેદાશોની સી.ડી. પણ કચેરી દ્વારા રસ ધરાવતા સાહસિકોને ઉપલબ્ધ કરાઈ છે.

આ પ્રકાશનોમાંથી વૅલ્યુએટેડ ખનિજપેદાશોના પ્રોજેક્ટોની માહિતી પ્રાપ્ત થાય છે.

ગુજરાતની વિવિધ ખનિજસંપત્તિને આધારે પાંચ કરોડથી વધુ રોકાણવાળા એકત્રીસ પ્રૉજેક્ટોમાં રૂ. 1485 કરોડનું રોકાણ થવાનું છે.

જયંતી વિ. ભટ્ટ

રાષ્ટ્રીય ઉપલબ્ધિ : ખનિજસંપત્તિ

રાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થામાં ખનિજો અગત્યનો ભાગ ભજવે છે. દેશનો ઔદ્યોગિક વિકાસ મહદંશે ખનિજોની ઉપલબ્ધિ અને તેમના ઉત્પાદન ઉપર આધાર રાખે છે. કેટલાંક ખનિજોની આયાત જરૂરી બને છે અને તે માટે દેશને ખર્ચ કરવું પડે છે. આથી ખનિજસંપત્તિ (પૂર્વેક્ષણ અને સ્થાનનિર્ધારણ) અંગેની જાણકારી મેળવીને તેમનું ઉત્પાદન વિકસાવવું અત્યંત જરૂરી છે. ખનિજ અંગેની સર્વ પ્રવૃત્તિને દેશની આબાદીના અંતિમ ધ્યેય તરફ કેન્દ્રિત કરવી જરૂરી છે. સાથે સાથે પૂર્વ જરૂરી માળખારૂપ (infrastructure) સગવડ તથા સંદેશાવ્યવસહાર અને પરિવહન અંગેની દરેક પ્રકારની વ્યવસ્થા વિકસાવવી જરૂરી બને છે.

ભારતમાં વિવિધ પ્રકારનાં ખનિજો ઉપલબ્ધ છે. તેમની ઉપલબ્ધિને આધારે બી. સી. રૉયે (ઇન્ડિયન મિનરલ રિસોર્સીસ : ઇન્ડસ્ટ્રીઝ ઍન્ડ ઇકૉનૉમિક્સ) થોડાં વર્ષો અગાઉ તેમનું વર્ગીકરણ ચાર વિભાગમાં કરેલું છે :

(1) નિકાસલક્ષી વિભાગ (exportable surplus) : લોહ અયસ્ક, મૅંગેનીઝ-અયસ્ક, ઇલ્મેનાઇટ, ઝિરકોન, બૉક્સાઇટ, અબરખ, ચૂનાનો પથ્થર, બેરિલ, મૅગ્નેસાઇટ, સ્ટીએટાઇટ, ફેલ્સ્પાર, બેન્ટોનાઇટ, ફુલર્સ અર્થ.

(2) સ્વાવલંબી વિભાગ (self-sufficient) : કોલંબિયમ ટૅન્ટેલમ-અયસ્ક, વેનેડિયમ-અયસ્ક, ખનિજ-કોલસો, બેરાઇટ, ક્રોમાઇટ, કોરન્ડમ, જિપ્સમ, એન્ડેલ્યુસાઇટ, કાયનાઇટ, સિલિમેનાઇટ, મૃદ, ઓકર્સ, (મૃદયુક્ત ધાતુ ઑક્સાઇડ – દા.ત., ગેરુ), કાચના ઉત્પાદન માટેની રેતી (glass sand) અને વર્મિક્યુલાઇટ.

(3) અપૂરતા પ્રમાણનો (deficient) વિભાગ : સુવર્ણ, રૂપું, તાંબું, સીસું, જસત, ઍન્ટિમની, ટંગસ્ટન, સ્ટ્રૉન્શિયમ અને યુરેનિયમ-અયસ્ક, ખનિજ-કોલસો ધાતુકર્મ (metallurgical) ઉદ્યોગ માટે.

(4) ઉત્પાદનશૂન્ય (no-production) વિભાગ : કલાઈ, પ્લૅટિનમ, પારો, કોબાલ્ટ, નિકલ, મોલિબ્ડેનમ, ઍન્ટિમની અને ગંધક.

ભારતમાં ખનિજ-પૂર્વેક્ષણ કાર્યમાં વિવિધ સંસ્થાઓ કાર્યશીલ છે. આમાં પ્રમુખ સંસ્થા જિયૉલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયા (GSI) છે. તે નીચે જણાવેલાં પ્રાદેશિક કાર્યાલયો મારફત પૂર્વેક્ષણના કાર્યનું સંચાલન કરે છે : (1) વેસ્ટર્ન રીજન, જયપુર; (ii) નૉર્ધર્ન રીજન, લખનૌ, (iii) સધર્ન રીજન, હૈદરાબાદ; (iv) નૉર્થ-ઈસ્ટર્ન રીજન, શિલોંગ; (v) ઈસ્ટર્ન રીજન, કૉલકાતા અને (vi) સેન્ટ્રલ રીજન, નાગપુર. પ્રાદેશિક કાર્યલયો ઉપરાંત જી.એસ.આઇ. નીચે જણાવેલી ચાર વિસ્તરણ શાખા (wing) મારફત પણ ખનિજ સર્વેક્ષણનું કાર્ય કરે છે : (1) ઍન્ટાર્ટિકા વિંગ, ફરીદાબાદ; (ii) ઍરબૉર્ન મિનરલ સર્વે વિંગ, બૅંગાલુરુ; (iii) મરીન જિયૉલૉજી વિંગ, કૉલકાતા અને (iv) કેમિકલ ડિવિઝન, કૉલકાતા.

ખનિજ સર્વેક્ષણ અને/અથવા ખનિજોના ઉપયોગ અંગેના સંશોધન તથા પરીક્ષણ અંગે કાર્યરત બીજી ભારતીય સંસ્થાઓ નીચે પ્રમાણે છે :

(i) મિનરલ એક્સ્પ્લોરેશન કૉર્પોરેશન લિમિટેડ, નાગપુર

(ii) ઍટમિક મિનરલ ડિવિઝન, નાગપુર

(iii) નૅશનલ જિયૉફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, હૈદરાબાદ

(iv) નૅશનલ મિનરલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન, નાગપુર

(v) ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસ કમિશન, દહેરાદૂન

(vi) ડિપાર્ટમેન્ટ ઑવ્ ઓશનોગ્રાફી, ગોવા

(vii) ઑઇલ ઇન્ડિયા કૉર્પોરેશન, આસામ

(viii) નૅશનલ રિમોટ સેન્સિંગ એજન્સી, હૈદરાબાદ

(ix) રિજનલ રિમોટ સેન્સિંગ સર્વિસિંગ સેન્ટર, બૅંગાલુરુ

અન્ય કેટલીક સંસ્થાઓ છે જે જુદી જુદી રીતે ભારતના ખનિજવિકાસ અને ઉત્પાદનમાં મદદરૂપ થાય છે. આમાંની મુખ્ય છે : (1) સેન્ટ્રલ માઇન પ્લાનિંગ ઍન્ડ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ, રાંચી; (2) હિંદુસ્તાન કૉપર લિમિટેડ, ન્યૂ દિલ્હી; (3) હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ, ઉદેપુર; (4) ઇન્ડિયન બ્યૂરો ઑવ્ માઇન્સ, નાગપુર; (5) ઇન્ડિયન રેર અર્થ્સ લિમિટેડ, અલ્વાયે (કેરળ); (6) મિનરલ્સ ઍન્ડ મેટલ્સ ટ્રેડિંગ કૉર્પોરેશન, દિલ્હી; (7) સેન્ટ્રલ માઇનિંગ રિસર્ચ સ્ટેશન, ધનબાદ; (8) નૅશનલ મેટલર્જિકલ લૅબોરેટરી, જમશેદપુર; (9) સેન્ટ્રલ ફ્યૂઅલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જલગોરા; (10) હિન્દુસ્તાન ઍલ્યુમિનિયમ, મુંબઈ તથા (11) કોલ ઇન્ડિયા લિમિટેડ, કૉલકાતા.

ઉપરની રાષ્ટ્રીય સંસ્થાઓ અને સંગઠનો ઉપરાંત દરેક રાજ્યમાં ખનિજ-સર્વેક્ષણનું કાર્ય કરવા માટે જિયૉલૉજિકલ ઍન્ડ માઇનિંગ ડિપાર્ટમેન્ટ તરીકે ઓળખાતો વિભાગ હોય છે. કેટલાંક રાજ્યોમાં માઇનિંગ ડેવલપિંગ કૉર્પોરેશન તરીકે ઓળખાતાં નિગમો હોય છે જે ખનિજ-સર્વેક્ષણ તથા ખનિજ-ઉત્પાદન ઉપરાંત વેચાણ અંગેની વ્યવસ્થા પણ કરે છે. ગુજરાતમાં કમિશનર ઑવ્ જિયૉલૉજી ઍન્ડ માઇનિંગ કાર્યાલયે ખનિજ સર્વેક્ષણની દિશામાં નોંધપાત્ર કાર્ય કર્યું છે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (GMDC) ખનનપ્રવૃત્તિ પણ કરે છે. લિગ્નાઇટના ખનનકાર્યને કારણે તે જાહેર ક્ષેત્રનો નફાકારક એકમ બન્યો છે. જી.એમ.ડી.સી. ફ્લૉરાઇટ, લિગ્નાઇટ, બૉક્સાઇટ, બેઈજા મેટલની પરિયોજનાઓ દ્વારા રાજ્યમાં ખનનકાર્ય કરે છે.

ઉપર જણાવેલ રાજ્ય કે કેન્દ્રસરકાર-સંચાલિત સંગઠનોની પ્રવૃત્તિ ઉપરાંત ખાનગી ક્ષેત્રનો ફાળો ખનિજવિકાસ અને ઉત્પાદનના ક્ષેત્રે ઓછો ગણનાપાત્ર નથી.

ઇન્ડિયન બ્યૂરો ઑવ્ માઇન્સ અગ્રણી સંસ્થાન છે, જે દેશની ખનિજ-સંપત્તિ અને ખનિજ-ઉત્પાદન અંગેની આંકડાકીય નોંધ રાખે છે. ખનિજની નિકાસ અને આયાત સંબંધી આંકડાકીય નોંધ પણ તે સંસ્થાન રાખે છે.

પ્રાણલાલ ગિરધરલાલ શેઠ

અનુ. જયંતિલાલ જટાશંકર ત્રિવેદી

ગુજરાતની ખનિજસંપત્તિ

કુદરતે ગુજરાતને આર્થિક રીતે ઉપયોગી એવાં અનેક જાતનાં ખનિજો, (દા.ત., લિગ્નાઇટ, બૉક્સાઇટ, ફ્લૉરાઇટ, ડોલોમાઇટ, ચૂનાખડક, ચૉક, ગ્રૅફાઇટ, ચિનાઈ માટી, અગ્નિજિત માટી (fireclay) બેન્ટોનાઇટ, કૅલ્સાઇટ, આરસ, સિલિકા રેતી, ગ્રૅનાઇટ, અન્ય માટી, પર્લાઇટ, કુદરતી વાયુ, ખનિજતેલ વગેરેની બક્ષિસ આપી છે.

કમિશનર ઑવ્ જિયૉલૉજી ઍન્ડ માઇનિંગ, ગુજરાત રાજ્ય અને ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ (Geological Survey of India) દ્વારા વિવિધ ખનિજોનું ઘનિષ્ઠ અન્વેષણ તેમજ ચોકસાઈપૂર્વકના પ્રાયોગિક પરીક્ષણ દ્વારા ખનિજોની ગુણવત્તા અને તેમના જથ્થા નિશ્ચિત કર્યા છે. ગુજરાતની ખનિજો અને તેમની અનામતોની વિગતો નીચે સારણી 1માં આપી છે.

સારણી 1 : ગુજરાતની ખનિજઅનામતો

ખનિજનું નામ અનામત જથ્થો

(લાખ ટનમાં)

મૂળ ધાતુ (base metal) 85
બૉક્સાઇટ 1,050
બેન્ટોનાઇટ 1,050
કૅલ્સાઇટ 8.7
ચૉક (chalk) 579
ચિનાઈ માટી 630
કોલ (થાન, ખાખરાતાલ, ગુણેરી) 30
ડોલોમાઇટ 7,200
ફ્લોરાઇટ 116
અગ્નિજિત માટી (fireclay) 15,52.3
ગ્રૅફાઇટ 20.6
ચિરોડી (gypsum) 58.5
લિગ્નાઇટ 10,720.32
લાઇમસ્ટોન 1,11,040
મૅંગેનીઝની ખનિજ 25.0
નેફેલાઇન-સાયનાઇટ 140
ક્વાર્ટ્ઝ 40
સિડેરાઇટ 46.0
આરસ 465
ખનિજ-તેલ 4,180

ગુજરાતમાં ધાતુકીય, બિનધાતુકીય અને ઈંધણ-ખનિજો આધારિત સિમેન્ટ, કાચ, સિરામિક, પાવરપ્લાન્ટની પરિયોજનાઓ લઘુ, મધ્યમ અને વિશાળકાય ક્ષેત્રે કાર્ય કરે છે. લાઇમસ્ટોન, લિગ્નાઇટ, બૉક્સાઇટ, ઔદ્યોગિક માટીના આરસપહાણ, ગ્રૅનાઇટ તથા બેસાલ્ટ પથ્થરોના ક્રશર તથા કટિંગ-પૉલિશિંગ યુનિટો દ્વારા થતા ઉત્પાદનને લક્ષમાં લઈ રાજ્યમાં મુખ્યત્વે નીચે દર્શાવેલ ખનિજ-આધારિત એકમો કાર્યરત છે :

ગુજરાત ખનિજઆધારિત ઉદ્યોગો

પરિયોજના એકમો
સિમેન્ટ 7
ફ્લોટ, શીટ, ટેબલવેર, લૅબોરેટરી, કાચનાં કારખાનાં 13
સેનેટરી-વેર 153
ક્રૉકરી-વેર 65
ગ્લૅઝ્ડ ટાઇલ્સ, વૉલટાઇલ્સ 143
રિફ્રૅક્ટરી/કીલન ફર્નિચર 13
સૂક્ષ્મ ખનિજ-ચૂર્ણ-કારખાનાં 4
બૉક્સાઇટ કૅલ્સિનેશન 4
ચાઇના ક્લે શુદ્ધીકરણ 15
બેન્ટોનાઇટ-ચૂર્ણ-કારખાનાં 16
મૅંગલોરી નળિયાં 250
ચૉકશુદ્ધીકરણ-કારખાનાં 65
પરિયોજના એકમો
લિગ્નાઇટ-આધારિત પાવરપ્લાન્ટ 2
ચૂનાખડક-આધારિત સોડાઍશ-કારખાનાં 4
સિલિકારેતી-ચૂર્ણ-કારખાનાં 4
ડોલોમાઇટ-ચૂર્ણ-કારખાનાં 12
ફેરો મૅંગેનીઝ ભઠ્ઠી-કારખાનાં 3
બેન્ટોનાઇટ-ઍક્ટિવેશન 3
ચાઇના ક્લે કૅલ્સિનેશન 1
વ્હાઇટ અને બ્રાઉન એબ્રેસિવ 2
એમરી ચૂર્ણ લઘુ એકમ 6
સોડિયમ સિલિકેટ લઘુ એકમો 20
ફટકડી લઘુ એકમો 5
બેસાલ્ટ પથ્થર પ્રોસેસિંગ લઘુ એકમો 500
આરસપહાણ/ગ્રૅનાઇટ પ્રોસેસિંગ એકમો 125
કુલ 1,428

     2003-2004માં વિભિન્ન ખનિજોનું ઉત્પાદન નીચે પ્રમાણે હતું (સારણી 2) :

સારણી 2 : 20032004માં વિભિન્ન ખનિજોનું ઉત્પાદન

ખનિજ ઉત્પાદન (મે.ટનમાં)
મૂળ ધાતુ અયસ્ક (ore) 0
બૉક્સાઇટ 18,83,335
બેન્ટોનાઇટ 5,28,242
કૅલ્સાઇટ 12
ચૉક 1,09,125
ચિનાઈ માટી (કાચી અને સંશોધિત, refined) 1,53,685
ડોલોમાઇટ 3,14,105
ફ્લોરાઇટ 20,089
અગ્નિજિત માટી 1,05,714
ચિરોડી (gypsum) 190
લિગ્નાઇટ 32, 67,562
ચૂનાનો પથ્થર 80,76,839
ક્વાર્ટ્ઝ 14,286
આરસ (પ્રસાધિત, dressed અને

અપ્રસાધિત, undressed)

95,030
અકીક (agate) 806

અકીક : તે સિલિકાની ગૂઢસ્ફટિકી (cryptocrystalline) જાત છે. તે ભરૂચ જિલ્લામાં મળી આવે છે અને અર્ધકીમતી (semiprecious) પથ્થર તરીકે ઉપયોગમાં લેવાય છે. ભૂસ્તરશાસ્ત્રીય ર્દષ્ટિએ તે નિમ્ન મધ્યનૂતન(lower miocene)ના કાંડ (kand) શૈલસમૂહમાં મળી આવે છે. રાસાયણિક રીતે તે વિભિન્ન અશુદ્ધિઓ ધરાવતી સિલિકા (SiO2) છે. અકીક આછા સફેદ અને ભૂરાશ પડતા ઘેરા કથ્થાઈ અથવા અન્ય ઝાંય(shades)વાળી સૂક્ષ્મ સમાંતર રેખાઓના પટ્ટા ધરાવે છે. રેખાઓ સીધી અથવા ઘણી વાર વાંકીચૂકી કે તરંગ આકારની હોય છે તો કોઈ વાર તે વર્તુળાકાર હોય છે. આ પટ્ટાઓ એ ખડકમાંનાં અનિયમિત પોલાણો(cavities)માં અવારનવાર આવતાં સિલિકામય દ્રાવણોમાંથી નિક્ષેપિત થતા સ્તરોની ધારો (edges) છે. તેમનો સમકેન્દ્રી તરંગ (waving) એ પોલાણની દીવાલોની અનિયમિતતાને આભારી છે. ગુજરાતમાં અકીક નીચેના જિલ્લાઓમાં મળી આવે છે (સારણી 3) :

સારણી 3 : ગુજરાતમાં અકીકનાં પ્રાપ્તિસ્થાનો

જિલ્લો તાલુકો ગામ
ભરૂચ ઝઘડિયા આમલીઝર, ભીમપોર, દામલાઈ,

ધોલકૂવા, માલજીપુરા, માધવપુરા,

રતનપુર

કચ્છ રાપર

અંજાર

ભુજ

અદેસર, ખેંગાઝરપુર, મર્ડેકબેટ

આંતરજાલ, ભૂવડ, ચાંદરણી

દગલા, કેરા

ભાવનગર ઘોઘા ચાયા, બેડી

અકીકના પથ્થરોનો કાચો માલ પ્રક્રમણ (processing), કાપણી અને પૉલિશ કરવા માટે ખંભાત ખાતે મોકલવામાં આવે છે. 2003-04માં અકીકનું ઉત્પાદન 806 મે.ટન હતું.

મૂળ ધાતુ (base metal) : બનાસકાંઠા વિસ્તારના અંબાજી ખાતે મળી આવતા મૂળ ધાતુ(સીસું, તાંબું અને જસત)ના નિક્ષેપો ગુજરાત અને દેશ માટે આર્થિક અને વ્યૂહાત્મક ર્દષ્ટિએ ઘણા અગત્યના છે.

મૂળ ધાતુનું ખનિજીકરણ લગભગ 2,860 મીટરની એકત્રિત લંબાઈ ધરાવતા, 2,000 મી. લંબાઈ અને 600 મી. પહોળાઈ ધરાવતા વિસ્તારમાં પાંચ અર્ધસમાંતર (sub-parallel) ક્ષેત્રોમાં વહેંચાયેલું જણાય છે. આ ખનિજીકરણ કાળા અભ્રક-શંખજીરાના સ્તરશૈલોમાં અને કાળા અભ્રક-ક્વાર્ટ્ઝ સ્તર-શૈલોમાં સીમિત થયેલું છે.

ગુજરાત ખનિજવિકાસ નિગમ (Gujarat Mineral Development Corporation) આ યોજનાને વિકસાવવા સક્રિય રીતે કાર્યરત છે. મૂળ ધાતુના નિક્ષેપોના સંકેન્દ્રણમાંથી દરેક ધાતુનો નિષ્કર્ષ જુદો કાઢવા માટેની તાંત્રિક વિદ્યાના અભાવથી નિગમની આ પરિયોજના કાર્યરત નથી. નિગમ દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાએ તજ્જ્ઞો સંસ્થાઓ સાથે પરામર્શ કરી આ પરિયોજનાને કાર્યરત કરવાના પ્રયત્નો ચાલુ છે.

અંબાજી ઉપરાંત નીચેની જગ્યાઓએ પણ થોડા પ્રમાણમાં આ ખનિજ મળી આવ્યું છે. ગીર જંગલમાં બનેજ નેસ, પંચમહાલ જિલ્લામાં જબન અને પાલ્લા અને વડોદરા જિલ્લામાં ખાંડિયા, ગંધ્રા, ચાલવડ, વડેક અને મસબાર જેવાં સ્થળોમાં પણ આ છે. જોકે તેમને માટે વિગતવાર તપાસ થવી જરૂરી છે; પણ હાલમાં તો અંબાજી પાસે મૂળ ધાતુના મોટા નિક્ષેપો મળી આવ્યા છે. તેમાંની અનામતો 85 લાખ ટન જેટલી છે અને અયસ્કમાં મૂળ ધાતુનું સરેરાશ સંકેન્દ્રણ 1.53 % તાંબું, 3.33 % સીસું અને 5.35 % જસત જેટલું છે.

બૉક્સાઇટ : ‘બૉક્સાઇટ’ એ કુદરતી રીતે મળી આવતા જળયુક્ત ઍલ્યુમિનિયમ ઑક્સાઇડના માટે વપરાતો શબ્દ છે. ખનિજ મોટે ભાગે ઍલ્યુમિનિયમ ધાતુના નિષ્કર્ષણ માટે વપરાતું હોવાથી ઉદ્યોગમાં તેની અગત્ય ઘણી છે. રાસાયણિક રીતે તે સિલિકા, આયર્ન ઑક્સાઇડ, ટાઇટેનિયમ ઑક્સાઇડ, ચૂનો વગેરે અશુદ્ધિઓ ધરાવતો જળયુક્ત ઍલ્યુમિનિયમ ઑક્સાઇડ છે. (Al2O3 X H2O જ્યાં X = 1થી 3). તેમાંના પાણીના જથ્થા પ્રમાણે તેના બે પ્રકાર પાડવામાં  આવે છે : મૉનોહાઇડ્રેટ અને ટ્રાયહાઇડ્રેટ. ડાયાસ્પોર અને બોહેમાઇટ એ પહેલા પ્રકારનાં બૉક્સાઇટ ખનિજો છે, જ્યારે ગિબ્સાઇટ એ બીજા પ્રકારનું છે.

બૉક્સાઇટ એ રાખોડી, ભૂખરા(ash grey)થી સફેદ કે ગુલાબી અથવા લાલ એમ વિવિધ રંગના પિંડો (lumps), ગોલાશ્મો (ગોળ શિલાખંડો – boulders) અને કાંકરા(pebbles) રૂપે મળી આવે છે. હાલમાં કચ્છમાંનું બૉક્સાઇટ જાહેર ક્ષેત્રના ઉદ્યોગો માટે અનામત રખાયું છે. જામનગરના બિનઅનામત બૉક્સાઇટ ખનિજ-વિસ્તારોમાં ખાનગી પેઢીઓ દ્વારા બૉક્સાઇટ-આધારિત એબ્રેસિવ, કૅલ્સિનેશન, મેટાલર્જિકલ કક્ષાનો બૉક્સાઇટ, રિફ્રેક્ટરી બહુમૂલ્ય પેદાશોની પરિયોજનાઓ જામખંભાળિયા, ભાટિયા ક્ષેત્રોમાં કાર્યરત છે. નિમ્ન કક્ષાનો બૉક્સાઇટ ઈશાન-પૂર્વીય દેશોમાં સિમેન્ટના કારખાનામાં ઓખા, પોરબંદર, કંડલા અને મુંદ્રા બંદરેથી નિકાસ કરવામાં આવે છે.

ગુજરાત ખનિજવિકાસ નિગમ લિ. કચ્છ જિલ્લાના ગઢસીસા ખાતે 50,000 ટનની ક્ષમતાનો કૅલ્સિનેશન પ્લાન્ટ ચલાવે છે. વળી બૉક્સાઇટના પ્રતિ વર્ષે એક લાખ મે. ટનની ક્ષમતાવાળો એક પ્લાન્ટ સંયુક્ત ક્ષેત્રમાં નાખવાનું તે વિચારી રહ્યું છે.

સારણી 4 : ગુજરાતમાં બૉક્સાઇટની પ્રાપ્તિ

જિલ્લો તાલુકો ગામ અનામત જથ્થો

(લાખ ટન)

કચ્છ મુંદ્રા

માંડવી

અબડાસા

નખત્રાણા

લખપત

ભૂજ

અંજાર

તૂમડી, પુનદી, ગોનિયાસર

વાંધ, રાતડિયા, નગ્રેચા

કોટડા, નંદ્રા, નરેડી

ખાનપુર, ખાનેઈ, વામોતી

નેત્રા, સારણ, માતાનો માઢ

સામજીરાવ, બરંદા

ફુલા, રત્નાલ, મનુઆરા

સતાપર

424.1
જામગર કલ્યાણપુર મોટા અસોતા, વીરપુર

મેવાસા, રાણ, મહાદેવિયા,

નંદાણા, નબંકોડી, નાવાદ્રા,

હડમતિયા, લાંબા

400
ભાવનગર તળાજા,

મહુવા

અમરેલી બાલાની વાવ, ચેલાણા 230
જૂનાગઢ માંગરોળ ચોટીલીબીડ
સાબરકાંઠા પ્રાંતિજ હરસોલ, સુલતાનપુરા
આણંદ ડાકોર મહારાજવાડા, કાજીપુરા
વલસાડ બીલીમોરા અનારાય, પથરાય

ભારતમાં અપઘર્ષક કણોનું ઉત્પાદન કરતા ફક્ત બે જ એકમો છે : (1) ઓરિયેન્ટ એબ્રેસિવ લિ., પોરબંદર અને (2) કાર્બોરંડમ યુનિવર્સલ, કોચીન કે જે ગુજરાતના બૉક્સાઇટ ઉપર આધારિત છે. બંને એકમો દ્વારા તપખીરિયા (brown) રંગના કણો ઉત્પન્ન કરવામાં આવે છે. સંશ્લેષિત ઍમરી કણોનું ઉત્પાદન પણ થાય છે. જામનગર ખાતે એમરી એકમો કાર્યરત છે અને કેટલાક અલિયાબેટ ખાતે એક એકમ એમરી બનાવે છે.

ગુજરાતમાં બૉક્સાઇટની પ્રાપ્તિ સારણી 4 પ્રમાણે છે :

બેન્ટોનાઇટ : બેન્ટોનાઇટ એ મોન્ટમોરિલોનાઇટ સમૂહમાં આવતું મૃત્તિકા (clay) ખનિજ છે. તાજી કાપેલી સપાટી વલયાકાર (conchoidal) રૂપ દર્શાવે છે. પ્રકૃતિથી બધી બેન્ટોનાઇટ કલિલી (collioidal) હોય છે. આ કલિલકણો વીજભાર ધરાવે છે અને મંદ દ્રાવણ કે વિચ્છેદન(dispersion)માં બ્રાઉનિયન ગતિ પ્રદર્શિત કરે છે. દ્રાવ્ય ક્ષાર અને/અથવા કાર્બનિક દ્રવ્યની હાજરી બેન્ટોનાઇટની સુઘટ્યતા(plasticity)ને, ખાસ કરીને ધાતુના ઢાળકામનાં કારખાનામાં વપરાતા રેતીના મિશ્રણની શુષ્ક સંપીડન મજબૂતાઈને, અવળી અસર કરે છે. સોડિયમ અને કૅલ્શિયમ બેન્ટોનાઇટ આગળ પડતા વિનિમયકારક આધાર(base)ના ઊંચા ગુણોત્તરવાળી લાક્ષણિકતા ધરાવે છે. બેન્ટોનાઇટના મધ્યવર્તી પ્રકારમાં સોડિયમ અથવા કૅલ્શિયમ બેઝ આગળ પડતો હોઈ શકે પણ સોડિયમ અને કૅલ્શિયમ આયનોનો ગુણોત્તર નીચો અથવા સરખો હોય છે અને બિનમૃત્તિક (nonclay) પદાર્થો અને/અથવા અન્ય મૃત્તિકા ખનિજો(clay minerals)ની ટકાવારી વધુ હોય છે. સઘળા બેન્ટોનાઇટની સુઘટ્યતા અને બંધક મજબૂતાઈ (bonding strength) તેમજ સોડિયમ બેન્ટોનાઇટની વિસ્ફારણક્ષમતા (dilation), સ્નિગ્ધતા અને કંપાનુવર્તિતા (thixotropy) વગેરે ગુણધર્મો બેન્ટોનાઇટની કલિલીય પ્રકૃતિને કારણે જોવા મળે છે. સોડિયમ બેન્ટોનાઇટ (ઊંચી સ્ફીતિ, ઊંચો ઘટરસ-high swelling, high gel) પ્રબળ જળશોષક હોઈ પાણી માટે ઊંચું આકર્ષણ ધરાવે છે.

રાજ્યના બેન્ટોનાઇટ-નિક્ષેપો હંમેશાં ડેક્કન ટ્રૅપ શૈલસમૂહના બેસાલ્ટી પ્રવાહો સાથે સંકળાયેલા હોય છે.

કચ્છ જેવા મુખ્ય પ્રદેશોમાં તે લેટેરાઇટ વિસ્તારમાં મળી આવે છે. બેન્ટોનાઇટ પડની જાડાઈ 3થી 10 મીટર જેટલી હોય છે અને તે વીક્ષાકાર (lenses), કોટરિકા (pockets) અથવા અંડાકાર (oval shaped) મળી આવે છે. તે જમીનના પાતળા (1.5થી 3.0 મી.) આચ્છાદન નીચે મળી આવે છે ત્યારે સપાટી ઉપરની જમીન ધાણી જેવા સ્વરૂપે ફાટી જાય છે અને આવી જમીન ઉપર ચાલનારને પોચાપણાનો આભાસ થાય છે.

ગુજરાત રાજ્યમાં કચ્છ, ભાવનગર, અમરેલી, સાબરકાંઠા, જામનગર, બનાસકાંઠા, મહેસાણા વગેરે સ્થળોએ આવેલા તેના નિક્ષેપો પૈકી ભાવનગર અને કચ્છના મુખ્ય છે.

આ નિક્ષેપોની વિગતો સારણી-5માં દર્શાવ્યા મુજબ છે.

ગુજરાતમાં બેન્ટોનાઇટની અનામતો લગભગ 1,050 લાખ ટન જેટલી છે.

કૅલ્સાઇટ : કૅલ્સાઇટ એ સામાન્ય દબાણે અને તાપમાનની મોટી સીમામાં મળી આવતા કૅલ્શિયમ કાર્બોનેટ (CaCO3)નું એક સ્વરૂપ છે. તેમાંના કૅલ્શિયમનું વિસ્થાપન થવાથી તેમાં થોડા પ્રમાણમાં મૅગ્નેશિયમ, આયર્ન, મૅંગેનીઝ, જસત અને સીસું પણ હોય છે.

સારણી 5 : ગુજરાતમાં બેન્ટોનાઇટની પ્રાપ્તિ

જિલ્લો તાલુકો ગામો
અમરેલી રાજુલા કડિયાળી
બનાસકાંઠા સાંથલપુર

વાવ

પીપરાળા, ફાંગલી

કુકરવાડા, અલુવાસ

ભાવનગર ભાવનગર અલાપર, ભાડી, અધેવાડા,

ચિત્રુ, જૂના રતનપુર, બુધેલ,

મલંકા

ઘોઘા બાડી, મર્ચન્દ, તગડી, રાજપરું,

માલપર, પડવા, લાખંકા,

થોરડી

મહુવા

તળાજા

ઓથા

દેવળિયા, પાદ્રી, સરતાનપુર,

માથાવાડા, સખાવદર

ભરૂચ ઝઘડિયા

વાલિયા

બાંવણિયા, વસાનૌ, દલમાઈ

વાગકોટ

જામનગર કલ્યાણપુર

જોડિયા

નંદાણા, ભોપાળકા

જોડિયા

કચ્છ અબડાસા

 

 

અંજાર

ભચાઉ

માંડવી

 

 

મુંદ્રા

 

ભુજ

નખત્રાણા

રાપર

મિયાણી, નરેડી, નાંદ્રુ, ખેડસા

પાસાવડિયા, મેહતા, ચિયાસર,

નધાતર

કુંભારિયા, રાતાતલાવ

ભચાઉ

ગોનિયાસર, વાંધ, હમલા,

કોટડી, નગ્રેચ, પુણાદી, નાના,

રાતડિયા, શેરડી

ગેલાડા, રામણિયા, બાગડા,

તુંબઈ, પત્રી

કુકમા, ચુબા-ડાક

કોટેડા

કિડિયાનગર, હિમીરપુર

મહેસાણા વિજાપુર કોટ, રણસીપુર, પેઢામલી
સાબરકાંઠા હિંમતનગર

 

પ્રાંતિજ

કડોલી, તાજપુર, દેધરોટા,

મહેરપુરા

હરસોલ

ખેડા કપડવંજ મહમદપુરા

તે રંગવિહીન અથવા સફેદ પણ કોઈ કોઈ વાર ભૂખરું, પીળાશ પડતું વાદળી અને લાલ ઝાંય ધરાવતું હોય છે. તે કાચ જેવો અથવા મૃત્તિકામય ચળકાટ ધરાવે છે. તેનો રંગ તેમાંની અશુદ્ધિને લીધે છે. આઇસલૅન્ડમાં મળતી પારદર્શક જાત, આઇસલેન્ડ સ્પાર અથવા દ્વિવક્રીભવનીય (doubly refracting) સ્પાર, ધ્રુવીકારક (polarising) ત્રિપાર્શ્વો(prisms)માં વપરાય છે.

ચૂનાના પથ્થરો, બેસાલ્ટ અને ડોલોમાઇટમાં કેલ્સાઇટની શિરાઓ મળી આવે છે. તેમની જાડાઈ કેટલાક સેમી.થી માંડીને સો મીટર જેટલી હોય છે. ગુજરાતમાં તેની અનામતો સારણી 6 પ્રમાણે છે :

સારણી 6 : ગુજરાતમાં કૅલ્સાઇટની અનામતો

જિલ્લો તાલુકો ગામ અનામતો
અમરેલી બાબરા

ખાંભા

 

 

રાજુલા, લાઠી

બાબરા, સુખપર

જિક્યાલી, કોટડા,

ઉમરિયા, ઇંગોરાળા,

નાનુડી

ભકેહી, મોટા અગરિયા,

ભૂરખિયા

0.28 લાખ ટન
બનાસકાંઠા દાંતા જિતપુર, ઘાંટોડી, પીઠ
વડોદરા છોટાઉદેપુર મીઠીબોર, છોટાઉદેપુર
ભાવનગર ભાવનગર

બોટાદ

મહુવા

 

 

પાલિતાણા

સાવરકુંડલા

 

 

ઉમરાળા

શિહોર

ભૂતેશ્વર, ઝુંડાલા

સરવા

મોડા, ઇંડિયા-સરેરા, કાર્લા,

કુઆર્જાલા, તાણીગણિયા,

વાઘવડારડા

અનીડા, રાજસ્થલી, વડાલ

અભરામપરા, વિજયગઢ, જાબાલ્ક,

ગોરડક, ગોધકડા, આંબાવાડી,

વિજયનગર, રામગઢ, સ્યાલી

લિમોડા

ઝરિયા, પીપરાળા, ચોરવડલા

ભરૂચ ઝઘડિયા

નાંદોદ

વાલિયા

અંબાખડી, બિલવડા

મોતા, સોરવા, પંચાળા

ઝેર, શીર

જામનગર જામનગર

કલ્યાણપુર

સાપર

કલ્યાણપુર, કેનિદી, નવદરા, પટેલકા

પોરબંદર પોરબંદર અડવાણા
દાહોદ લીમખેડા

દેવગઢબારિયા

જેતપુર, ઉમરિયા

સમેરા

રાજકોટ રાજકોટ

જેતપુર

પઢારી, મોપૈયા, પડધરી

પીઠડિયા

સાબરકાંઠા હિંમતનગર હિંમતનગર

કૅલ્સાઇટની અનામતો લગભગ 8.7 લાખ ટન જેટલી ગણવામાં આવે છે. 1991-92માં તેનું ઉત્પાદન 328 મે. ટન જેટલું હતું.

ચૉક : સફેદ, ઘણા બારીક દાણાવાળા ચૂનાખડકને ચૉક કહે છે. ભારતમાં ફક્ત ગુજરાત જ ચૉક ઉત્પન્ન કરતું રાજ્ય છે. સારી જાતના ચૉકનો સારો એવો જથ્થો પોરબંદર તાલુકાના આદિત્યાણાની આસપાસ સંકેન્દ્રિત થયેલો છે. રાસાયણિક ર્દષ્ટિએ તે પણ કૅલ્શિયમ કાર્બોનેટ છે અને તેમાં સિલિકા, આયર્ન, મૅગ્નેશિયા વગેરેની અશુદ્ધિ ભળેલી હોય છે. રંગે તે સફેદથી ઝાંખો સફેદ, પીળાશ પડતો અથવા ભૂખરો સફેદ હોય છે. વધુમાં તે છિદ્રાળુ હોઈ ચૂનાખડક કાંકરા ધરાવતો હોય છે. તે રોટેલિડ્ઝ, કૉન્કિવલોક્વિલિયોના, ગ્લોબિજેરિના વગેરે પ્રજાતિ ધરાવતા ફોરામિનીફેરાના સૂક્ષ્મ જીવાશ્મો પુષ્કળ પ્રમાણમાં ધરાવે છે. કાચા ચૉકને વેચાણલાયક બનાવવા માટે તેને બારીક સુંવાળા પાઉડરના રૂપમાં ફેરવવામાં આવે છે.

પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકામાં ચૉક ત્રણ જગાએ મળી આવે છે. આમાંના આદિત્યાણા કોટરિક(pocket)ની સરેરાશ જાડાઈ 1.95 મીટર છે. તેનો અધિભારણ (overburden) ગુણોત્તર 1:1.8 છે. વડવાળા કોટરિકનો વિસ્તાર 2.26 ચોમી., જાડાઈ 1.56 મી. અને અધિભારણ ગુણોત્તર 1:11 છે. ગુજરાતમાં ચૉકનાં પ્રાપ્તિસ્થાનો સારણી 7 પ્રમાણે છે :

સારણી 7 : ગુજરાતમાં ચૉકનાં પ્રાપ્તિસ્થાનો

જિલ્લો તાલુકો ગામ
ભાવનગર ભાવનગર

વલ્લભીપુર

માલણકા

લૂણધારા

જામનગર કલ્યાણપુર લાંબા-નંદાણા
પોરબંદર રાણાવાવ આદિત્યાણા, ધર્મપુર, વડવાળા, બોરિયા
કચ્છ લખપત ફૂલરા, કાણોટ, લેફ્રી

ગુજરાતમાં ચૉકનો અનામત જથ્થો 579 લાખ ટન ગણવામાં આવે છે. 1991-92માં તેનું ઉત્પાદન 1,28,731 મે.ટન હતું.

ચિનાઈ માટી (chaina clay) : સિરામિક ઉદ્યોગ માટે ચિનાઈ માટી અગત્યનો કાચો પદાર્થ છે. તે કેઓલિન સમૂહની થોડે અંશે સ્ફટિકીય અને થોડે અંશે અસ્ફટિકમય ખનિજની બનેલી હોય છે અને તેથી તે કેઓલિનાઇટ તરીકે પણ ઓળખાય છે. ગ્રૅનાઇટમાંના ફેલ્સ્પારના ઉષ્ણજળજન્ય (hydrothermal) વિઘટન અથવા ખવાણ(weathering)થી કેઓલિન ઉત્પન્ન થાય છે. રાસાયણિક ર્દષ્ટિએ તે જળયુક્ત ઍલ્યુમિનિયમ સિલિકેટ, Al4Si4O10 (OH)8, છે.

સામાન્ય રીતે ચિનાઈ માટી સહેલાઈથી ભાંગી શકાય તેવા સફેદ મૃત્તિકાપિંડરૂપે મળે છે. તેનો રંગ સામાન્ય રીતે સફેદ પરંતુ ઘણીવાર લોખંડ અથવા બીજા પદાર્થોની અશુદ્ધિઓને લીધે રંગીન પણ જોવા મળે છે. તે બરડ અને સ્પર્શે ઘણી વાર તૈલી (greasy) લાગે છે. તેનું અલગ તરી આવતું એક લક્ષણ એ છે કે તે માટીની સુગંધ ધરાવે છે અને ભીંજાય ત્યારે સુઘટ્ય (plastic) બને છે. તેની ઉષ્મા-અવરોધકતા ઊંચી હોય છે.

મોન્ટમોરિલોનાઇટ, હેલોસાઇટ, ઇલાઇટ, ડિકાઇટ અને ફુલરની માટી એ ભૌતિક અને રાસાયણિક રીતે કેઓલિનાઇટ અથવા ચિનાઈ માટીને મળતાં આવતાં ખનિજો છે.

ગુજરાતમાં ચિનાઈ માટીના અનામત સ્રોતો સારણી 8 પ્રમાણે છે :

સારણી 8 : ગુજરાતમાં ચિનાઈ માટીના અનામત સ્રોતો

જિલ્લો તાલુકો ગામ અનામત જથ્થો

(લાખ ટનમાં)

મહેસાણા વિજાપુર કોટ, રણસીપુર,

ટેચાવા, માઢી

(પેઢામલી) અને

રામપુર

21.5
 સાબરકાંઠા ઈડર

 

હિંમતનગર

આરસોડિયા,

એકલારા,

દાવડ, પેથાપુર

 

600

 સૂરત માંડવી પીપરિયા
 પંચમહાલ કાલોલ બાપૌરિયા, પિંગળી
 કચ્છ ભચાઉ સાક રાણદી, દેગોળા
અંજાર હીરાપુર, સુખજપુર
માંડવી અસાંબિયા, કાળી

તલાવડી, મામુઆરા

અમરેલી જાફરાબાદ બાલાની વાવ

ગુજરાતમાં ચિનાઈ માટીની અનામતો 621.5 લાખ ટન જેટલી છે.

ગુજરાતમાં ચિનાઈ માટીનું શુદ્ધીકરણ(refining) કરવાના એકમો સારણી 9માં દર્શાવ્યા છે :

સારણી 9

  એકમનું નામ સ્થળ ક્ષમતા

ટન/દિન

(1)

 

(2)

(3)

(4)

(5)

 

(6)

(7)

આમ્રપાલી ઍન્ડ કું.

 

મે. એકલારા ચાઇના ક્લે વકર્સ

આશાપુરા ચાઇના ક્લે

એચ.ડી. એન્ટરપ્રાઇઝ

20 માઇક્રોન પ્રા. લિ.

 

શ્રી રામ મિનરલ્સ

કચ્છ મિનરલ્સ

એકલારા/

મમુઆરા

એકલારા

ભુજ

ભુજ

મમુઆરા/

વાઘોડિયા

માધાપુર

માનફેરા

30

 

20

25

25

30

 

20

40

કોલસો (ઉપ-બિટુમેની) (sub-bituminous) : કોલસો એ મુખ્ય ‘જીવાશ્મ ઇંધનો’ અથવા ‘ખનિજ ઇંધનો’ પૈકીનું એક છે અને ઉષ્મા અને ઊર્જાનો અગત્યનો સ્રોત છે. ગુજરાતમાં અગાઉ સુરેન્દ્રનગર જિલ્લાના ખાખરાતાલ અને ગુણેરી જાણીતા હતા. તાજેતરમાં મહેસાણા જિલ્લામાંથી પણ તે મળી આવ્યો છે. તેનું રાસાયણિક બંધારણ (composition) સારણી 10 પ્રમાણે છે :

સારણી 10 : કોલસાનું રાસાયણિક સંઘટન

ખખરાતાલ કોલસો

(સરેરાશ)

ભેજ

રાખ

સ્થિર (fixed)

કાર્બન

બાષ્પશીલ દ્રવ્ય

કિ. કૅલરી/કિગ્રા.

2.13 %

36.96 %

50.49 %

 

10.02 %

5571

ગુણેરી કોલસો ભેજ

રાખ

બાષ્પશીલ દ્રવ્ય

સ્થિર કાર્બન

કિ. કૅલરી/કિગ્રા.

9.98 %

18.90 %

33.22 %

37.90 %

3248

કોલસાનાં પ્રાપ્તિસ્થાનો અને અનામતો સારણી 11માં દર્શાવ્યા પ્રમાણે છે :

સારણી 11 : કોલસાનાં પ્રાપ્તિસ્થાનો અને અનામત

જિલ્લો તાલુકો ગામ અનામત જથ્થો

લાખ ટન

કચ્છ લખપત ગુણેરી 1.2
સુરેન્દ્રનગર ચોટીલા ખાખરાતાલ 1.2
થાન 13

મહેસાણા જિલ્લામાં ઓ.એન.જી.સી. દ્વારા થયેલા ખોદકામ ઉપરથી એવું અર્થઘટન કરવામાં આવ્યું છે કે મહેસાણા શહેરની ઉ.પૂ.માં રંદાલા રેલવે સ્ટેશન પાસે 700-1700 મીટરની ઊંડાઈએ ઓછામાં ઓછી 50 મી. જાડાઈનો અને 63 અબજ (63 બિલિયન) ટન જેટલો કોલસો ધરાવતો એક મોટો અનામત જથ્થો આવેલો છે.

ડોલોમાઇટ : ડોલોમાઇટ એ કૅલ્શિયમ અને મૅગ્નેશિયમનો બેવડો કાર્બોનેટ (double carbonate) છે. સામાન્ય રીતે તે સિલિકા, ઍલ્યુમિના અને આયર્ન ઑક્સાઇડની અશુદ્ધિ ધરાવે છે. વ્યાપારી ઉપયોગ માટે બધી અશુદ્ધિઓનું કુલ પ્રમાણ 7 %થી વધુ હોવું ન જોઈએ. તેથી વધુ અશુદ્ધિ હોય તો તે ઔદ્યોગિક ઉપયોગ માટે યોગ્ય રહેતો નથી.

ડોલોમાઇટ આયર્ન અને સ્ટીલ, લોહમિશ્રધાતુઓ (ferro-alloys), ખાતર, કાચ, મિશ્ર પોલાદ (alloy steel) અને અન્ય ઉદ્યોગોમાં વપરાય છે. તે વિવિધ કણ-કદ (grain size) ધરાવતા કણમય (gritty) અને સ્ફટિકમય સ્વરૂપોમાં મળે છે. તે કઠણ અને ઘનિષ્ઠ (compact) હોય છે. સામાન્ય રીતે તેનો રંગ હિમશ્વેત (snow white) અથવા તપખીરિયો સફેદ હોય છે. તેની ચૉકલેટી તપખીરિયા (chocolate brown) અથવા ઘનાશ્મ(tuff)થી ભૂખરા રંગની જાત પણ મળી આવે છે.

બજારમાં તે ચૂર્ણ, પતરી, કરચો અને ગાંગડા (lumps) રૂપે વેચાય છે. ડોલોમાઇટયુક્ત આરસ એ પુન: સ્ફટિકીકૃત (recrystallized) પ્રકાર છે.

ગુજરાતમાં ડોલોમાઇટના સ્તરોની જાડાઈ કેટલાક મીટરથી માંડી ચારસો મીટર જેટલી છે. રાજ્યમાં તેનાં પ્રાપ્તિસ્થાનો સારણી 12 પ્રમાણે છે :

સારણી 12 : ગુજરાતમાં ડોલોમાઇટનાં પ્રાપ્તિસ્થાનો

જિલ્લો તાલુકો ગામ અનામત

જથ્થો

અમરેલી જાફરાબાદ જાફરાબાદ, રોહિસા
વડોદરા છોટાઉદેપુર અંબાલા, ચઠાવાડા, આંત્રોઈ,

બેડવી, ચીલ્યાવાંટ, કનપાવાંટ,

કોલિયાથર, ભીપુર, ખસરા,

લેહવાંટ, નકામ્લી, પડાળિયા,

પડરવાંટ, રાયસિંગપુર, વનાર,

સુરખેડા, દાડીગામ, ઝેર,

હાંસોટા, દિવાવાંટ, ધમોડી

72 કરોડ

ટન

જાંબુગામ ચૈના, ચુડેલ
ભરૂચ નાંદોદ પંચાલા
વાલિયા શીર
બનાસકાંઠા દાંતા અંબાજી, હડાદ, દીવાનિયા
સાબરકાંઠા ભિલોડા ભિલોડા

2003-2004માં ડોલોમાઇટનું ઉત્પાદન 3,14,105 લાખ ટન જેટલું રહ્યું હતું.

ડાયેટમયુક્ત મૃત્તિકા (diatomaceous earth) : મહદંશે ડાયેટમ (diatoms) તરીકે ઓળખાતી સૂક્ષ્મ વનસ્પતિના કંકાલી (skeletal) અવશેષો વડે બનેલું માટીનું સિલિકામય અવસાદી (sediment) સ્વરૂપ. તેનું બીજું નામ કિસલગુર છે. તે ઘણા બારીક કણવાળી અને સંસક્ત (coherent) તેમજ ઊંચી અવશોષકતા ધરાવે છે. તે ગાળણપડો(filters)માં નાઇટ્રોગ્લિસરીન માટેના શોષક તરીકે અને બારીક અપઘર્ષક તરીકે વપરાય છે.

ગુજરાતના ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના પડવા અને ખાડસળિયાના મોરચંદ (morchand of Khadsalia) ખાતે નરમ, કરકરી (friable) અને માટી જેવા ડાયેટમયુક્ત ખનિજનાં સ્તરવિન્યાસી લક્ષણો (stratification features) ધરાવતા સ્પષ્ટ પટ્ટાઓ જોવા મળ્યા છે. ઉદ્યોગોમાં તેની વિશિષ્ટ અગત્યને લક્ષમાં  લઈ તેનું પૃથક્કરણ નીચે આપ્યું છે :

SiO2 : 82.22; A12O3 : 3.80; Fe2O3 : 1.08; CaO : 1.40; MgO : tr; Na2O : 0.40; TiO2 : 5.82; K2O : 0.20; નિસ્તાપન ઘટ. (L.O.I) : 4.90 %; કુલ : 99.62 % (tr = traces)

પદાર્થની વિ. ઘનતા 2.03, જ્યારે દેખાતી (apparent) ઘનતા 0.38 છે. તેની ગાળણક્ષમતા 7.5 મિલિ/ મિનિટ અને pH મૂલ્ય 8.8 છે, જે તેની ઊંચી આલ્કલાઇન લાક્ષણિકતા દર્શાવે છે.

તેમાં TiO2નું ઊંચું પ્રમાણ એ ભાવનગર જિલ્લાના તટપ્રદેશમાં જોવા મળેલી ઇલ્મેનાઇટ વડે થયેલી સ્થાનિક અશુદ્ધિને કારણે હોવાનું મનાય છે.

અગ્નિજિત મૃત્તિકા (fireclay) : રાસાયણિક ર્દષ્ટિએ આ પણ ઍલ્યુમિનિયમ સિલિકેટ છે. તેનું રાસાયણિક બંધારણ (composition) ઘણું પરિવર્તી હોઈ તેમાં સિલિકા 40 %થી 80 %, ઍલ્યુમિના 10 %થી 40 %, આયર્ન ઑક્સાઇડ 1 %થી 5 % અને નિસ્તાપન ઘટ 5 %થી 14 % જોવા મળે છે. જેમ તેમાં ઍલ્યુમિનાનું પ્રમાણ વધારે તેમ તેની અગ્નિસહ્યતા વિશેષ હોય છે. ઊંચી જાતની અગ્નિજિત માટીમાં સામાન્ય રીતે આલ્કલીનું પ્રમાણ 4 %થી ઓછું અને આયર્ન ઑક્સાઇડનું પ્રમાણ 2 %થી વધુ હોતું નથી.

આ માટી ઘેરા ભૂખરા રંગની અને સારી સુઘટ્યતા ધરાવતી તેમજ કાંકરી વિનાની હોય છે. અગ્નિમાં રાખતાં તે સફેદ બને છે. સારી અગ્નિજિત માટી ઊંચું ગલનબિંદુ અને સારી સુઘટ્યતા ધરાવે છે.

ગુજરાતમાં અગ્નિજિત માટી નીચેનાં સ્થળોએ મળી આવે છે (જુઓ સારણી 13) :

સારણી 13 : ગુજરાતમાં અગ્નિજિત માટીનાં પ્રાપ્તિસ્થાનો

 જિલ્લો તાલુકો ગામ
 અમરેલી જાફરાબાદ, રાજુલા હેમલ, મંદારડી
 કચ્છ રાપર, મુંદ્રા, ભૂજ મોડા મુંદ્રા, કાળી તલાવડી
 મહેસાણા વિજાપુર પેઢામલી, ફુદેડા
 પંચમહાલ કાલોલ પિંગલી
 સાબરકાંઠા હિંમતનગર હિંમતનગર, ઇલોલ,

કડોલી, એકલારા,

બારસોડિયા

 સુરેન્દ્રનગર ચોટીલા, મૂળી અમરપુર, સોનગઢ,

રામપુરા, થાનગઢ,

ખાખરાથલ, રાંપરડા,

સારલા, વાગડિયા, ગઢડા,

પલાસા

સાયલા ઈશ્વરિયા

અગ્નિજિત મૃત્તિકાની અનામતો 1,550-2,250 લાખ ટન જેટલી છે. મુખ્યત્વે તે અગ્નિરોધી (refractory) ઉદ્યોગ, સિરામિક અને ઉષ્મા-અલગીકરણ(heat insulation)માં વપરાય છે.

2003-2004માં તેનું ઉત્પાદન 1,05,714 મે.ટન હતું.

ફ્લોરાઇટ : ફ્લોરાઇટ અથવા ફ્લોરસ્પાર એ શિરાખનિજ છે. તે ઉષ્ણબાષ્પીય (pneumatolytic) અને પેગ્મેટાઇટ-નિક્ષેપોમાં પણ મળી આવે છે. રાસાયણિક બંધારણ CaF2 છે. દેશમાં ગુજરાત એ ફ્લોરાઇટનું મુખ્ય ઉત્પાદક છે. ફ્લોરાઇટ ધાતુકર્મ(metallurgy)માં પ્રદાવક (flux) તરીકે મોટા પ્રમાણમાં વપરાય છે. ફ્લોરો સંયોજનોના  ઉત્પાદનમાં પણ તે વપરાય છે.

ફ્લોરસ્પાર સફેદ, લીલા, જાંબુડિયા, નીલમણિ (amethyst) જેવા તેમજ પીળા એમ વિવિધ રંગમાં મળી આવે છે. તે સામાન્ય રીતે કાચસમ (vitreous) અને પારદર્શકથી અપારદર્શક હોય છે. પાતળા સ્તરરૂપમાં ફ્લોરસ્પાર રંગવિહીન, વક્રીભવનાંક કૅનેડા બાલ્સમ કરતાં ઘણો ઓછો (1.434) અને બે નિકોલ ત્રિપાર્શ્વ વચ્ચે સમદૈશિક હોય છે.

ગુજરાતમાં ફ્લૉરાઇટના નિક્ષેપો ભરૂચ અને વડોદરા જિલ્લામાં સારણી 14માં જણાવ્યા પ્રમાણે મળી આવે છે.

 સારણી 14 : ગુજરાતમાં ફ્લોરાઇટનાં પ્રાપ્તિસ્થાનો

જિલ્લો તાલુકો ગામ અનામતોનું

પ્રમાણ

જથ્થો

(ટનમાં)

વડોદરા છોટાઉદેપુર આંબાડુંગર,

ડુંગરગામ,

નાની ટીટોકરી

ખૂબ સંપન્ન

 

આછી

કુલ

25,74,700

34,83,700

55,43,500

1,16,01,900

ભરૂચ ઝઘડિયા હિંગોળિયા 10,000

(20 મી.ની

ઊંડાઈ સુધી)

ગુજરાત ખનિજવિકાસ નિગમ કડીપાણી ખાતે આંબાડુંગર નિક્ષેપોના શુદ્ધીકરણ માટેનો પ્લાન્ટ ચલાવે છે અને ધાતુકર્મીય (metallurgical) અને રાસાયણિક કક્ષાના ફ્લોરસ્પારનું ઉત્પાદન કરે છે. પ્લાન્ટની ક્ષમતા 500 ટન પ્રતિદિનની છે. જૂનીપુરાણી ફ્લોટેશનની તાંત્રિક વિદ્યા પુરાણી થતાં શુદ્ધીકરણ યોજના દ્વારા ઉત્પન્ન થતા ઍસિડ તથા ગુજરાતમાં ધાતુશોધન કક્ષાની ફુલરની માટી નીચેનાં સ્થળોએ મળી આવે છે (જુઓ સારણી 15). બજારકિંમત કરતાં વધુ ઉત્પાદનખર્ચ આવતાં તેમજ વિશ્વબજારના અન્ય દેશોની સરખામણીમાં વધુ હોવાથી આ પરિયોજના ખોરંભે પડી છે. નિગમ દ્વારા આર્થિકક્ષમ્ય નવી તાંત્રિક વિદ્યા તથા શુદ્ધીકરણ યોજનાને આધુનિક પોષણક્ષમ બનાવવાના પ્રયત્નો ચાલુ છે. આ ખાણને લીધે આદિવાસી વિસ્તારનો વિકાસ થતાં રોજગારીની તકો ઊભી થઈ છે.

ફુલરની માટી (fuller’s earth) : ફુલરની માટી એ એક પ્રકારની સફેદ, રાખોડી અથવા પીળા રંગની છે. તે મૃણ્મય (argillaceous) ખડક-સ્વરૂપની માટી છે જે બેન્ટોનાઇટની માફક પાણી અને રંગીન દ્રવ્ય  ખાસ કરીને ગ્રીઝ અને કેટલાંક તેલોને શોષવાની પ્રબળ શક્તિ ધરાવે છે. આને કારણે તે અગાઉ ઊનને સાફ કરવા અને સફેદ બનાવવા વપરાતી હતી. હાલ તેલોનાં વર્ગીકરણ અને વિરંજીકરણ માટે વપરાય છે.

ફુલરની માટીનાં પ્રાપ્તિસ્થાનો નીચે પ્રમાણે છે :

સારણી 15 : ગુજરાતમાં ફુલરની માટીનાં પ્રાપ્તિસ્થાન

જિલ્લો તાલુકો ગામ અનામતો
ભાવનગર

ભરૂચ

કચ્છ

ભાવનગર

ઝઘડિયા

અંજાર

લખપત

 

ડાન્કિ

પસવાલી

ભુજોડી

નોંધપાત્ર

ગ્રૅફાઇટ : તે અગત્યનું ઔદ્યોગિક ખનિજ છે. ભારતીય ગ્રૅફાઇટ ઊંચી કક્ષાઓનું ન હોઈ વાપરતાં પહેલાં તેના સજ્જીકરણ અથવા ગુણવત્તાસુધાર(upgrading)ની જરૂર પડે છે. રાસાયણિક ર્દષ્ટિએ તે કાર્બન (C) છે. તેમાં સામાન્ય રીતે સિલિકા, રાખ વગેરેની અશુદ્ધિ હોય છે.

ગ્રૅફાઇટ એ પોપડી (scales) રૂપે, સ્તંભરૂપ જથ્થા તરીકે અથવા કેટલીક વાર કણમય જથ્થારૂપે મળે છે. તે રંગે કાળા લોખંડ (iron black) જેવા રંગથી માંડીને ઘેરા ભૂખરા પોલાદના રંગમાં મળી આવે છે. તેનું વિ. ગુરુત્વ 2.09થી 2.33 જેટલું હોય છે.

ગ્રૅફાઇટની બે જાત હોય છે : સ્ફટિકમય (crystalline) અને અસ્ફટિકમય (amorphous). સ્ફટિકમય પતરી રૂપ (flaky) એ ગ્રૅફાઇટનું મૂલ્યવાન સ્વરૂપ છે. અસ્ફટિકમય ગ્રૅફાઇટ બારીક ગઠન(texture)નું સ્વરૂપ છે. અને તે ગ્રૅફાઇટના નાના કણો ધરાવે છે.

ગુજરાતમાં ગ્રૅફાઇટનાં પ્રાપ્તિસ્થાનો સારણી 16 પ્રમાણે છે :

સારણી 16 : ગુજરાતમાં ગ્રૅફાઇટનાં પ્રાપ્તિસ્થાનો

જિલ્લો તાલુકો ગામ અનામતો

(લાખ ટનમાં)

વડોદરા જાંબુગામ કુંડલ, મુથાઈ, લૂણજા,

ચેનિયા

20.6
છોટાઉદેપુર ખોડવાણિયા, જાલોદ્રા,

વીરપુર, ચિચોડ,

ખોસ, ખજૂરિયા, કોળ,

વીમારવા

ચિરોડી (gypsum) : ચિરોડી એ અધાત્વીય ખનિજો પૈકીનું એક સૌથી અગત્યનું ખનિજ છે અને તેની વપરાશ હજારો વર્ષ પહેલાં એસિરિયન અને ઇજિપ્શિયન કાળથી જાણીતી છે. ગ્રીક અને રોમન લોકો દ્વારા તે પ્લાસ્ટર તરીકે વપરાતું હતું. આલાબાસ્ટરની નરમ જાતનો શિલ્પકળામાં ઉપયોગ થતો. રાસાયણિક ર્દષ્ટિએ જિપ્સમ જળયુક્ત કૅલ્શિયમ સલ્ફેટ – CaSO4.2H2O છે, જેમાં રાસાયણિક રીતે સહયોજિત પાણીનું પ્રમાણ 20.9 % હોય છે.

તે છ જાણીતાં સ્વરૂપે મળે છે : (1) સેલેનાઇટ અથવા સ્ફટિકમય ચિરોડી : સામાન્ય રીતે રંગવિહીન પારદર્શક અથવા અર્ધપારદર્શક અને પડવાળું (foliated) હોય છે. (2) સાટિનસ્પાર : રેશમ જેવા ચળકાટવાળું રેસાદાર સ્વરૂપ. (3) આલા બાસ્ટર : ઝીણા કણવાળી દળદાર જાત. (4) રૉક-ચિરોડી : નક્કર અથવા વજનદાર જાત. (5) બીજ-ચિરોડી : ઘઉંના દાણાને મળતો આવતો નાના છૂટા છૂટા, ઓછેવત્તે અંશે દાણાદાર સ્ફટિકોનો સમુચ્ચય. (6) ચૂર્ણ-ચિરોડી અથવા જિપ્સાઇટ : રચનાની ર્દષ્ટિએ લોટને મળતો આવતો ઘણા બારીક છૂટા કણોનો સમુચ્ચય.

શુદ્ધ ચિરોડી સફેદ હોય છે. સ્ફટિક-રૂપમાં તે પારદર્શક કે અર્ધપારદર્શક હોય છે. બજારુ ખનિજ ઘણીવાર ભૂખરા, પીળા અથવા આછા લાલ અથવા કોઈ કોઈ વાર ધાતુ જેવા વાદળી (plate blue) રંગની હોય છે.

ગુજરાતમાં ચિરોડીના નિક્ષેપો ઓછા છે અને મર્યાદિત જથ્થાનું અન્વેષણ થયું છે. કુલ અનામતો 58.5 લાખ ટનની છે. 2003–2004માં તેનું ઉત્પાદન 190 મે.ટન હતું.

ચિરોડીનો સૌથી વિશેષ ઉપયોગ કરનાર સિમેન્ટ અને ખાતર ઉદ્યોગ ગણાય છે. નિસ્તાપિત ચિરોડી પ્લાસ્ટર અને પ્લાસ્ટર ઑવ્ પૅરિસની બનાવટમાં વપરાય છે. અવાહક પાટિયાં, આડશો (partition blocks) અને જાળીકામમાં પણ તેનો ઉપયોગ થાય છે.

ગુજરાતમાં મળતી ચિરોડી સિલેનાઇટ પ્રકારની છે. તેનાં પ્રાપ્તિસ્થાનો સારણી 17 પ્રમાણે છે :

સારણી 17 : ગુજરાતમાં જિપ્સમનાં પ્રાપ્તિસ્થાન

જિલ્લો તાલુકો ગામ
અમરેલી જાફરાબાદ જાફરાબાદ
ભાવનગર ભાવનગર ભૂતેશ્વર, બુધેલ
ભરૂચ ઝઘડિયા લિમેટ
જામનગર કલ્યાણપુર ભાટિયા, ગુર્ગથ, મોટા

અસોટા, રણ નંદાણા,

સતાપર, વીરપુર

કચ્છ લખપત નરેડી, બરંડિયા,

બાદરલેધ, ચિત્રોડ,

ફતેગઢ, પલાંસવા,

આદેસર, સાણવા,

વિજાપુર, માતાનો માઢ,

ઉમરસર

લિગ્નાઇટ : લિગ્નાઇટ એ વધુ ભેજ અને ઑક્સિજન ધરાવતા કોલસાની મધ્યમ કક્ષાની જાત છે. તે જલદી સળગી શકે છે. તે નરમ, અસંબદ્ધ (loose) અને તપખીરિયા રંગની હોય છે. મહદંશે તે વનસ્પતિજ દ્રવ્યનો ખંડિત (fragmental) સમુચ્ચય છે. હવા સાથે સીધા સંપર્કમાં આવતાં તેનું કૅલરિક ઉષ્મીય (calorific) મૂલ્ય ઓછું થાય છે.

ગુજરાત માટે લિગ્નાઇટ અગત્યનું ખનિજ છે. ઉષ્મીય વિદ્યુત ઉત્પન્ન કરવા માટે તે યોગ્ય છે. તેનું કાર્બનીકરણ (carbonation) અગત્યનાં કાર્બનિક સંયોજનો આપે છે. ગુજરાત ખનિજ નિગમ પાનન્ધ્રો ખાતે રોજનું 2,000–4,000 ટનનું લિગ્નાઇટનું ઉત્પાદન કરે છે. ઉત્પાદનનો 50 % હિસ્સો ગુજરાત વિદ્યુત બોર્ડ તેના 250 મેગાવોટના પાવરપ્લાન્ટમાં વાપરે છે.

ગુજરાતના લિગ્નાઇટ-નિક્ષેપો તમિળનાડુમાંના નૈવેલીના અને રાજસ્થાનમાંના પલાણાના લિગ્નાઇટ કરતાં ચડિયાતા છે. આ નિક્ષેપો નીચે પ્રમાણેની રચના (formations) ધરાવે છે.

લિગ્નાઇટનું રાસાયણિક સંઘટન સારણી 18 પ્રમાણે છે :

સારણી 18 : ગુજરાતમાં લિગ્નાઇટનું રાસાયણિક સંઘટન

પાનન્ધ્રો ભાવનગર સુરત
 ભેજ (%) 34.40 21.55 18.30
 રાખ (%) 8.10 26.40 13.40
 બાષ્પશીલ દ્રવ્ય (%) 30.43 35.79 38.90
 સ્થિર કાર્બન (%) 22.25 17.79 30.20
 સલ્ફર (%) 3.50 3.50 1.5
 કૅલરી-મૂલ્ય (કિ. કૅલરી/કિગ્રા.) 4187 4072 4587

કચ્છ જિલ્લાના લિગ્નાઇટ-નિક્ષેપો તૃતીય (tertiary) જીવયુગ ઈયોસીનકાળના લાકી શેલ સાથે સંકળાયેલ છે. કચ્છ દ્વીપકલ્પના આ દરિયાઈ તૃતીયક ખડકો ઉત્તર-પશ્ચિમમાં લખપતથી દક્ષિણ-પૂર્વમાં રામણિયા સુધી દરિયાકિનારાને સમાંતરે પથરાયેલા છે. તે જ પ્રમાણે ભાવનગર જિલ્લાના લિગ્નાઇટ-નિક્ષેપો ઇયોસિન યુગની ખરસાલિયા મૃત્તિકા-રચનામાં મળી આવે છે. તે કાર્બનયુક્ત માટી અને અન્ય મૃત્તિકા સાથે સંકળાયેલા છે, જેની નીચે ક્રેટેશિયસથી ઇયોસિન યુગની ટ્રેપખડકરચના (trappean) અને ઉપર નિમ્ન માયોસિન યુગની ગજ (gaj) રચના આવેલી છે. સૂરતના નિક્ષેપો પણ ઇયોસિન યુગના છે.

ગુજરાત રાજ્યમાં લિગ્નાઇટ-નિક્ષેપો કચ્છ, ભાવનગર, સૂરત અને ભરૂચ જિલ્લાઓમાં હોવાનું માલૂમ પડ્યું છે. કચ્છમાં તે પાનન્ધ્રો, આક્રીમોટા, માતાનો મઢ, ઉમરસર, જુલારાય, વાગાપાદર, લખપત, ઘેઘડી અને નાના રાતડિયા ખાતે મળી આવે છે. ભરૂચ જિલ્લામાં ઝઘડિયા તાલુકાના ભૂરી ગામ ખાતે ઇયોસિન યુગનો લિગ્નાઇટ મળી આવે છે. સૂરતથી ઉત્તર-પૂર્વમાં લગભગ 45 કિમી. દૂર વસ્તાન, વાંધ, નાની નારોલી, માંગરોળ અને માંડવી તાલુકામાં લિગ્નાઇટ-નિક્ષેપ આવેલા છે. આ અનામતોનું પ્રમાણ સારણી 19 પ્રમાણે છે :

સારણી 19 : ગુજરાતમાં લિગ્નાઇટની અનામતો

જિલ્લો અનામતો (મિલિયન ટનમાં)
કચ્છ 285.60
ભાવનગર 273.25
સૂરત 243.57
ભરૂચ 269.70
કુલ 1072.32

ગુજરાત ખનિજ વિકાસ નિગમ દ્વારા કચ્છના આક્રીમોટા ખાતે 250 મેગાવોટનો પાવરપ્લાન્ટ નજદીકના ભવિષ્યમાં કાર્યરત કરવામાં આવશે. ગુજરાત ઔદ્યોગિક પાવર કું. હાલમાં સૂરતના નારોલી ખાતે 250 મેગાવોટનો પાવરપ્લાન્ટ ચલાવે છે. ગુજરાત પાવર કૉર્પોરેશન ઘોઘા વિસ્તારના લિગ્નાઇટના જથ્થા ઉપર સુરખા ખાતે સંયુક્તક્ષેત્રે 375 મેગાવોટના પાવરપ્લાન્ટ માટે પ્રયત્નો કરે છે. કચ્છ તથા ભરૂચ જિલ્લામાં 2003-2004માં ઉત્પાદન 67,04,408 મે.ટન થયેલ છે.

ચૂનાખડક (લાઇમસ્ટોન) : ખાસ કરીને કૅલ્સાઇટના બનેલા ખડકો માટે ‘લાઇમસ્ટોન’ શબ્દ વપરાય છે. તેની અનેક જાતો હોય છે. સામાન્ય ચૂનાના પથ્થરથી ઉદગમસ્થાન (origin), ગઠન અથવા સંઘટનની ર્દષ્ટિએ અલગ પડતા પથ્થરો માટે ખાસ નામો વપરાય છે. ગુજરાતમાં લગભગ બધા સંસ્તરો(horizons)માં ચૂનાખડકો મળી આવે છે. પંચમહાલ અને સાબરકાંઠા જિલ્લાઓમાં આદ્યમહાકલ્પી (Archaean) ચૂનાખડક મળી આવ્યો છે. દિલ્હીની અજબગઢ શ્રેણીનો ચૂનાખડક બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં મળી આવે છે. આમાંથી કેટલાક જિલ્લાઓમાં તેમાંથી રૂપાંતરિત આરસ પણ મળી આવે છે.

આછો ભૂખરો પીળાશ પડતા રંગનો તેમજ માર્લ (marl) રવાદાર (oolitic) અને પ્રવાલી (coralline) ચૂનાખડકો, રણના વાગડ પ્રદેશના પચ્છમ, ખડીર અને બેલા બેટમાં તથા જુરા અને હલામણ ટેકરીઓમાં મળે છે. તે જુરાસિક યુગના છે.

ખેડા, પંચમહાલ અને સાબરકાંઠા જિલ્લાના કેટલાક ભાગોમાં લૅમેટા પ્રકારના ચૂનાખડકો ફેલાયેલા છે. ઈયોસિન યુગનો ન્યૂમુલાઇટિક (Numullitic) ચૂનાખડક ભરૂચ અને સૂરત જિલ્લામાં ડેક્કન ટ્રેપની પશ્ચિમ ધાર ઉપર મળી આવે છે. આ સિવાય કચ્છ જિલ્લાના પશ્ચિમ ભાગમાં પણ વિસ્તૃત નિક્ષેપો આવેલા છે.

ગજ (Gaj) શ્રેણીના ચૂનાખડકો નાના, છૂટાછવાયા પટા સૌરાષ્ટ્રના કાંઠાવિસ્તારમાં આવેલા છે. દ્વારકા ચૂનાખડકો જામનગર જિલ્લાના ઓખામંડળમાં મળી આવે છે. મિલિયોલિટિક ચૂનાખડક (milliolitic) (પ્લાયસ્ટોસીન, Pleistocene) પણ સૌરાષ્ટ્રના કાંઠાવિસ્તારમાં વિસ્તૃત પ્રમાણમાં મળી આવે છે. આધુનિક યુગના ટુફા (Tufa) અને કંકર (Kanakar) રાજ્યના લગભગ બધા ભાગોમાં મળી આવે છે.

હાલ ચૂનાખડકની જિલ્લાવાર ગુણવત્તા સારણી 20 પ્રમાણે છે :

સારણી 20 : ચૂનાના પથ્થરની જિલ્લાવાર ગુણવત્તા

 જિલ્લો સ્થાન રાસાયણિક વિશ્લેષણ
CaO %   MgO % SiO2 % R2O3 %
 અમરેલી જાફરાબાદની આસપાસ 51.15 0.51 4.48 2.6
જાફરાબાદ અને ઉના

વચ્ચે

43.45

51.53

0.5.2.0

0.3.0.99

11.15

2.2.2.9

4થી 6

1.15થી 4

જાફરાબાદ

ખાડીની પૂર્વમાં

જાફરાબાદ

વારારૂપ વાંધ

51.56થી

54.79

0.18 થી

0.52

0.91થી

5.38

0.80થી

1.64

 ભાવનગર ગોપનાથની

ઉત્તર અને

મેથલાની

ઉત્તર-પશ્ચિમ

વચ્ચે તળાજા

અને મહુવાક્ષેત્ર

41.5થી

51.2

0.7થી

3-0

5.1થી

15.0

2.1થી

5.7

 જૂનાગઢ કોડીનાર અને

વેરાવળ વચ્ચે

50.53થી

52.66

0.50થી

0.44

6.69થી

2.94

2.59.થી

1-7

વેરાવળ

તાલુકાનું પ્રાચી

47.51 0.89 0.05 3.33થી

1.83

કજરબદ્રી 51.0થી

44.0

6.32થી

1.26

1.87થી

0.70

15.64થી

3.87

રામણિયા 49.06 2.10 4.06 3.79
 કચ્છ વાગાપાદર,

સેણેસરા,

ખરોડા, ખરાઈ

49.56 1.96 1.13 3.67
ફુલરા, રતિપુર,

લખપત, વાંકા

વગેરે

48 %થી

50.5

 બ.કાં. શ્રી અમીરગઢ,

કરામુદી

દિવાણિયા અને

ખીરાની આસપાસ

51.08 3.29 1.45 0.90
સા.કાં.

અને બ.કાં.

બીરપુર, ધાગીવાસ,

રાણપુર

46.5થી

50.8

1.4થી

2.3

5.9થી

10.6

1.10થી

3.3

દાહોદ દાહોદની

આસપાસ

46.5થી

49.9

0.6થી

1.6

7.70થી

16.0

0.5થી

1.1

ભરૂચ વાલિયા, ડુંગરી

અને ઘોડારિયા

49.63 4.50 2.12 3.43

        ગુજરાતના ચૂનાખડકો ઉપર આધારિત સિમેન્ટ એકમો નીચે મુજબ છે :

સારણી 21 : ગુજરાતના ચૂનાખડકોઆધારિત સિમેન્ટપ્લાન્ટો

અનુક્રમ મંડળનું નામ સ્થળ વાર્ષિક ક્ષમતા

(મિલિયન ટનમાં)

 1. ગુજરાત અંબુજા સિમેન્ટ કોડીનાર 4.5
 2. નર્મદા સિમેન્ટ જાફરાબાદ 1.5
 3. બિરલા સિમેન્ટ કં. લિ. સિક્કા 2
 4. સૌરાષ્ટ્ર સિમેન્ટ ઍન્ડ રાણાવાવ 3
કેમિકલ્સ લિ.
 5. એલ. ઍન્ડ ટી. સિમેન્ટ ઓહાવો 1.5
 6. સિદ્ધિ સિમેન્ટ 2
 7. સાંઘી સિમેન્ટ બરન્દા 3

ચૂનાખડક વાપરતા સોડાઍશનાં કારખાનાં નીચે પ્રમાણે છે :

સારણી 22 : ચૂનાખડકો વાપરતાં સોડાઍશનાં કારખાનાં

કારખાનાનું નામ ઉત્પાદન

(લાખ ટન)

મે. તાતા કેમિકલ્સ, મીઠાપુર 5.60
મે. સૌરાષ્ટ્ર કેમિકલ્સ, પોરબંદર 3.60
મે. ગુજરાત હેવી કેમિકલ્સ લિ., વેરાવળ 3.50
મે. ધ્રાંગધ્રા કેમિકલ્સ લિ., ધ્રાંગધ્રા 1.00

ચૂનાખડકની કુલ અનામતો 1,15,000 લાખ ટન છે. 2003-2004માં તેનું ઉત્પાદન 1,91,58,997 મે. ટન હતું.

આરસ : આરસ એ કેલ્સાઇટ કણોનો બનેલો સ્ફટિકમય દાણાદાર ખડક છે. સુશોભનના હેતુ માટે તે અગત્યનો છે. તે ડોલોમાઇટ અને ચૂનાખડકનું વિકૃત સ્વરૂપ છે. સંપૂર્ણ શુદ્ધ આરસનું રાસાયણિક સંઘટન કૅલ્સાઇટ જેવું (CaO = 56 %, Ca2 = 44 %) છે. પણ તેમાં હંમેશાં થોડા પ્રમાણમાં મૅગ્નેશિયા, ઍલ્યુમિના, લોહ અને સિલિકા હોય છે.

આરસ ભૂખરાથી કાળાશ પડતા પીળાથી લાલ રંગનો હોય છે. જોકે રંગ એકસરખો હોઈ શકે પણ સામાન્ય રીતે તેમાં ડાઘા, પટા, વાદળ જેવી ભાત અથવા શિરા હોય છે. તેને આરસકૃત (marbled) અસર કહે છે. આરસ પૂતળાં તેમજ સ્થાપત્ય અને સુશોભનના હેતુઓ માટે વપરાય છે.

ગુજરાતમાં આરસનાં પ્રાપ્તિસ્થાનો સારણી 23 પ્રમાણે છે :

સારણી 23 : ગુજરાતમાં આરસનાં પ્રાપ્તિસ્થાનો

 જિલ્લો તાલુકો ગામ અનામતો (લાખ ટન)
 બનાસકાંઠા દાંતા કુંભારિયા, જરીવાવ, કોટેશ્વર,

ગોરાકંડરી, ખોખરીબીલ

450
 વડોદરા સંખેડા ભુલવણ, છુછાપુર 17

2003-2004માં પૉલિશ કરેલા અને રુક્ષ આરસનું ઉત્પાદન 3,45,475 મે. ટન હતું.

ક્વાર્ટ્ઝ : બધાં ખનિજો પૈકીનું આ એક સામાન્ય ખનિજ છે અને કાચ ઉદ્યોગ માટેનો મુખ્ય કાચો માલ છે. તે રંગે સફેદ હોય છે; પરંતુ તેનો ભૂખરો અને ઘેરો ધુમાડિયો ભૂખરો અથવા તપખીરિયાથી કાળો રંગ પણ હોઈ શકે. રાસાયણિક રીતે તે સિલિકોન ડાયૉક્સાઇડ, SiO2 છે. તે સ્ફટિકીય અને અસ્ફટિકીય બંને રૂપમાં મળે છે. ઘેરા રંગની જાતોનો અર્ધકીમતી પથ્થરોમાં સમાવેશ થાય છે. તે અગ્નિરોધક પદાર્થ તરીકે વપરાય છે. સ્ફટિકીય સ્વરૂપની વિશિષ્ટ જાતો વિદ્યુતીય ગુણધર્મો ધરાવે છે.

સામાન્ય રીતે ક્વાર્ટ્ઝ વીક્ષાકાર (lenses) ખડકોની હારમાળા(reef)માં મળી આવે છે. ગુજરાતમાં તે નીચેનાં સ્થળોએ મળે છે :

સારણી 24 : ગુજરાતમાં ક્વાટર્ઝનાં પ્રાપ્તિસ્થાનો

જિલ્લો તાલુકો ગામ
અમરેલી ખાંભા ઇન્દ્રોડા
વડોદરા છોડાઉદેપુર યિલ્યાવંત, પીપલજ, ટુંડવા, અંબાલા, ગાબડિયા
ખેડા બાલાસિનોર

ઠાસરા

વીરપુર

અમૃતપુર

કચ્છ માંડવી પ્યાકા
દાહોદ દેવગઢબારિયા અરાયડી, સજોરા, યુવલ્કોલી, ચેરપુર,

ડાંગારિયેર, દેગવાડા, નથુઆડી, ઉચવેણ,

પીપલોદ

પંચમહાલ ગોધરા કાઇમકુર, ખાબિયા, નતાપુર, રસૂલપુર, ટીંબા,

ગાજીપુર

જાંબુઘોડા ચલુઆડા, ડુમા, જબાન, કાલરીવાવ, ગેવા,

વાવ, પિપિયા, લેફરી

લૂણાવાડા જલ્હા, નવામુંદ્રા, ભૂવાલ, વિરાણિયા, ચારોલ,

મોટી, ભાસપુર, સાતતલાવ, શેરો, લિમ્બોન્ડા

દાહોદ લીમખેડા અરોડા, મછેલાઈ, ધબુડી
સંતરામપુર રૂપખેરા, વરાડિયા, વિજિયાખજૂર, હીરપુર,

બાબરાલ, માલણપુર, વાવભેમાણી

રાજ્યની ક્વાર્ટ્ઝની અનામતો 40 લાખ ટનની છે. 2003-2004માં તેનું ઉત્પાદન 1,15,158 મે. ટન થયું હતું.

સિડેરાઇટ : સિડેરાઇટ એ લોહનો એકમાત્ર કાર્બોનેટ છે. તેનું બંધારણ FeCO3 છે. હાલ ભારતમાં તેનું ઉત્પાદન થતું નથી. તેનો ઉપયોગ રાસાયણિક સંયંત્રોમાં જરૂરી હાઇડ્રોજન વાયુના ઉત્પાદન માટે થાય છે. સિડેરાઇટ નિક્ષેપો લિગ્નાઇટ ધરાવતા શેલ (shale) સાથે મળી આવે છે. અને તે કચ્છ જિલ્લાના તૃતીયક શૈલસમૂહની ‘મઢ શ્રેણી’માં (જેમાં બારંડા, ઝુલરાઈ અને માતાના મઢનો સમાવેશ થાય છે.) વિવિધ જાડાઈના અધિભાર (overburden) વડે આચ્છાદિત થયેલા હોય છે.

સિડેરાઇટ પટ્ટાની જાડાઈ ઓછીવત્તી હોઈ શકે છે પણ તે એક મીટર કરતાં ઓછી હોય છે અને તે કચ્છ જિલ્લાના ઝુલેરિયા, માતાનો મઢ, બારંડા જેવાં સ્થળોએ મળી આવે છે. તેની અનામતો 46 લાખ ટન જેટલી છે પણ હાલ તેનું ઉત્પાદન થતું નથી.

વર્મિક્યુલાઇટ : અબરખમય ખનિજોનો સમૂહ કે જેને ગરમ કરતાં તે અનેકગણો ફૂલે છે અથવા અપપત્રિત (exfoliate) થાય છે તેને માટે ‘વર્મિક્યુલાઇટ’ શબ્દ વપરાય છે. સામાન્ય રીતે તે 8થી 20 ગણો ફૂલે છે. વર્મિક્યુલાઇટનો બજારુ ઉપયોગ તેના આ અપપત્રણના ગુણને કારણે છે. હલકા વજનની બાંધકામની સામગ્રીમાં અને ઉષ્મા અને અવાજના અવાહકો (insulators) માટે તે મુખ્યત્વે વપરાય છે.

ભારતમાં વર્મિક્યુલાઇટનું ઉત્પાદન કર્ણાટક (મૈસૂર), રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને બિહારનાં રાજ્યોમાં થાય છે; પણ સ્થાનિક વપરાશ માટે તે અપૂરતું છે. ગુજરાતમાં વર્મિક્યુલાઇટનાં પ્રાપ્તિસ્થાન સારણી 25 પ્રમાણે છે :

સારણી 25 : ગુજરાતમાં વર્મિક્યુલાઇટનાં પ્રાપ્તિસ્થાન

જિલ્લો તાલુકો ગામ
વડોદરા પાવીજેતપુર

છોટાઉદેપુર

વાલપરી

આમસોતા

છેલ્લાં કેટલાંક વર્ષથી ઉત્પાદન શૂન્ય છે.

વર્મીક્યુલાઇટ આધારિત પોરોસીલ બહુમૂલ્ય પેદાશનું ઉત્પાદન વડોદરાના મકરપુરા જી.આઈ.ડી.સી.માં પોરોસીલ ઇન્સ્યુલેશન પ્રા.લિ. પેઢી દ્વારા થાય છે. રૂમોનું તાપમાન નીચું લાવવા માટે છતના ધાબા નીચે આવરણ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

નેફેલીન સાયનાઇટ : એ સિરામિક, કાચ-ઉદ્યોગ અને અપઘર્ષક (abrasive) તરીકે તથા સરાણચક્રો(grinding wheels)માં બંધક માટે વપરાતો, સોડા-પોટાશનું ઊંચું પ્રમાણ ધરાવતો ખડક છે. જૂનાગઢ જિલ્લાની ગિરનારની ટેકરીઓમાં તે મળે છે. તેની અનામતો 140 લાખ ટન જેટલી છે પરંતુ તેના ઊંચા લોહપ્રમાણને લીધે ઉપરના ઉદ્યોગોમાં તે સહેલાઈથી વાપરી શકાતો નથી.

મૅંગેનીઝ : તે લોહમિશ્ર ધાતુઓના ઉદ્યોગોમાં વપરાતું એક અગત્યનું ખનિજ છે. તે વડોદરા અને પંચમહાલ જિલ્લામાં પ્રાપ્ય છે. કિલિક-નિકસનની શિવરાજપુર સિન્ડિકેટ લિ.ની શિવરાજપુરની ખાણો ભૂતકાળમાં મૅંગેનીઝના ઉત્પાદન માટે પ્રખ્યાત હતી પણ ખનિજમાં વધુ પડતા ગંધકના પ્રમાણને લીધે તે બંધ કરવામાં આવી છે. પ્રાવૈધિક (technological) વિજ્ઞાનમાં થયેલી પ્રગતિને લીધે આ નિમ્ન કોટિની ખનિજની માંગ વધી છે અને મૅંગેનીઝની ખનિજોના ભાડાપટ્ટા અને પરમીટ માટે નવા સાહસિકો આગળ આવતા થયા છે.

(1) રાજ્ય સરકારે મૅંગેનીઝના ઉત્ખનન માટે પાની વિસ્તારમાં ચાર મુખ્ય પટ્ટાઓ મંજૂર કર્યા છે. નિમ્ન તથા મધ્યમ કક્ષાની ધાતુનું ઉત્પાદન શિવરાજપુર, પાની, બાપોટિયા, બામણકૂવા વિસ્તારમાંથી થાય છે. ખાનગી પેઢીઓને સરકાર તરફથી જૂની પેઢી દ્વારા કરાયેલ ડમ્પમાંથી મૅંગેનીઝ વીણીને તેનું ઉત્પાદન કરવાના વાર્ષિક પરવાના આપવામાં આવે છે. ‘નવી ખનિજ-નીતિ ગુજરાત રાજ્ય 2003’ અન્વયે શિવરાજપુર વિસ્તારની ભૂગર્ભ ખાણોના ઉત્ખનન માટે ગુજરાત ખનિજવિકાસ નિગમને કાર્ય સોંપવામાં આવ્યું છે.

આ ખનિજ વડોદરાપંચમહાલ ક્ષેત્રના શિવરાજપુર, બામણકૂવા, પાની, વાવ અને ખડી વિસ્તારોમાં પ્રાપ્ય છે. 2003-2004માં તેનું 4,520 મે.ટનનું ઉત્પાદન થયું છે. જ્યારે તેની અનામતો 25 લાખ ટન જેટલી છે.

તેલ અને કુદરતી વાયુ : ઑઇલ અને નૅચરલ ગૅસ કમિશને ગુજરાત રાજ્યમાં તેલ અને કુદરતી વાયુના સંગીન અનામત જથ્થા હોવાનું સ્થાપિત કર્યું છે. અસંશોધિત (crude) તેલનો આ અનામત જથ્થો 4,180 લાખ ટન જેટલો છે અને તે અંકલેશ્વર, ખંભાત, ગાંધાર, નવા ગામ, કડી, કલોલ, મહેસાણા, શોભાસણ તેમજ વડોદરા અને ભરૂચ પાસે આવેલો છે. આ તેલને વડોદરા પાસેથી કોયલી રિફાઇનરીમાં શુદ્ધીકરણ (પેટ્રોલ અને અન્ય વ્યુત્પન્નો મેળવવા) માટે મોકલી આપવામાં આવે છે. રિફાઇનરીની પેદાશો ઉપર આધારિત એક પેટ્રોકેમિકલ સંકુલ પણ સ્થાપવામાં આવ્યું છે. ઉપલબ્ધ વાયુને વડોદરાની આસપાસના ઉદ્યોગોને તથા ધુવારણ અને ઉતરાણનાં વિદ્યુતમથકોને આપવામાં આવે છે. વડોદરા મ્યુનિસિપાલિટી (ઘરવપરાશ માટે) ઉપરાંત ગુજરાત ફર્ટિલાઇઝર કંપની પણ વાયુનાં મોટાં ગ્રાહક છે.

(2) તેલ અને વાયુના સંશોધન તથા પ્રસારણ માટે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કૉર્પોરેશનની રાજ્ય સરકાર દ્વારા સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થા તેલ અને વાયુના ભંડારો માટે ઊંડા શારકાર્ય કરી નવા જથ્થાઓ પ્રકાશમાં લાવવાનું કામ કરે છે. રાજ્યમાં અત્યંત વિસ્તૃત ઊર્જા માળખું વિકસાવવા કાર્યરત છે. તેલ અને વાયુ અપસ્ટ્રીમ ઉત્ખનન અને ઉત્પાદન, ડાઉનસ્ટ્રીમ વાયુ પુરવઠા પાઇપલાઇન માળખું, વાયુ દ્વારા વિદ્યુત ઉત્પાદન, સંગઠિત ઈંધણ-નિયંત્રણ સેવાઓ, રાષ્ટ્રનાં હાઇડ્રોકાર્બન સંશાધનો વધારવા, તેલ અને વાયુની શોધખોળ કરવા માટે વિશ્વના નિષ્ણાતો સાથે એકરૂપ થઈને કામ કરે છે. Alstom, Steag, Abb, Shell, Ba group, Niko Resource’s Ltd. વગેરે ખ્યાતનામ આંતરરાષ્ટ્રીય જૂથો સાથે ઘનિષ્ઠ સંબંધો મેળવ્યા છે.

સંસ્થા દ્વારા ઔદ્યોગિક/ઘરવપરાશના ગ્રાહકોને જોડવા એક રાજ્યવ્યાપી ગૅસગ્રીડ પ્રોજેક્ટ દ્વારા ગુજરાતની લંબાઈ-પહોળાઈને આવરી લેતી ઊંચા દબાણની પાઇપલાઇનનું નેટવર્ક અને  સંગઠિત ગૅસગ્રીડના નિર્માણને આગળ ધપાવવાનું કાર્ય કરી રહેલ છે. રાજ્યમાં 1,500 કિમી. પાઇપલાઇનનું નેટવર્ક સ્થાપવાના કાર્યક્રમનું આયોજન કરેલ છે.

વૉલેસ્ટોનાઇટ : વૉલેસ્ટોનાઇટ, કુદરતી કૅલ્શિયમ સિલિકેટ (CaSiO3) એ હાલમાં ઉત્પાદિત થતું અને વેચાણ પામતું અત્યંત અગત્યનું ખનિજ છે. દિવસે દિવસે તેનો ઔદ્યોગિક ઉપયોગ વધતો જાય છે. સિરામિક ટાઇલ્સના પૂરક (filler) તરીકે, દીવાલના પડદા, રંગ, પ્લાસ્ટિક અને ઉચ્ચતાપસહ અસ્તર (liners) વગેરેમાં વપરાય છે. ખનિજ-ઊન(mineral wool)ની બનાવટમાં પણ તે વપરાય છે.

ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના જાસપુર વિસ્તારમાં ઘોડા ગામમાં વૉલેસ્ટોનાઇટ મળી આવે છે. તેની અનામતો 15 લાખ ટન જેટલી છે. આ વિસ્તાર અંગત માલિકીનો અને જંગલવાળો હોઈ તેના ભાડાપટ્ટા આપવામાં આવ્યા નથી. વનવિસ્તારમાંથી મુક્તિ મેળવી વ્યાપારીય ધોરણે ઉત્ખનન કરવા માટે ગુજરાત ખનિજવિકાસ નિગમને કાર્ય સોંપાયું છે.

સી. કે. જોશી

અનુ. જ. દા. તલાટી

ખનિજનિકાસ

ભારતથી થતી ખનિજનિકાસમાં પ્રક્રિયાશીલ (processed) ખનિજ, સુશોભિત પથ્થરો અને કદ-પાષાણો તથા મૅંગેનીઝ, બૉક્સાઇટ, ક્રોમિયમ, લોખંડ, કોલસો, ઍલ્યુમિનિયમ મેટલ વગેરે દેશને પરદેશી હૂંડિયામણ કમાવી આપે છે.

પ્રક્રિયાશીલ ખનિજોમાં નિસ્તાપિત ઍલ્યુમિના, બેન્ટોનાઇટ, ક્વાર્ટ્ઝ, ફેલ્સ્પાર, ઇલ્મેનાઇટ, નિસ્તાપિત મૅગ્નેસાઇટ, કેઓલિન, આયર્ન ઑક્સાઇડ, ફુલર્સ અર્થ, સિલિમેનાઇટ, સ્ટીએટાઇટ, ડોલોમાઇટ, ઍટમિક મિનરલ, ઍલ્યુમિનિયમ હાઇડ્રેટ, વૉલેસ્ટોનાઇટ, નૅચરલ ગ્રૅફાઇટ, નૅચરલ મૅંગેનીઝ ડાયૉક્સાઇડ અને ગાર્નેટની સન 2003-04ના વર્ષના નિકાસ-લક્ષ્યાંકો મુજબ વધતા-ઓછા પ્રમાણમાં નિકાસ થયેલ છે.

બેરાઇટ, ક્વાર્ટ્ઝ, કેઓલિન, ફુલર્સ અર્થ, સિલિમેનાઇટ, સ્ટીએટાઇટ, ઍટમિક મિનરલ અને વૉલેસ્ટોનાઇટ નિયત લક્ષ્યાંકપ્રમાણ વટાવી શક્યાં નથી.

મૅંગલોર, ચેન્નાઈ, કૉલકાતા અને મુંબઈનાં બંદરો પરથી મુખ્યત્વે ગ્રૅનાઇટ બ્લૉક, ટાઇલ્સ, સૅન્ડસ્ટોન બ્લૉક, સ્લેટ ટાઇલ્સ, ટાલ્ક લમ્પ, માઇકા ફ્લૅઇક, માઇકા બ્લૉક, બેન્ટોનાઇટ, ઝિંક ઑક્સાઇડ તથા ઍલ્યુમિનાની નિકાસ થાય છે. ભારત સરકાર વાણિજ્ય-મંત્રાલયની આયાત-નિકાસની 1 એપ્રિલ, 1992થી 31 માર્ચ 1997ની નીતિ મુજબ, મિનરલ ઍન્ડ મેટલ ટ્રેડિંગ કૉર્પોરેશન દ્વારા, કોઈ પણ પ્રકારનો રુક્ષ બૉક્સાઇટ, પશ્ચિમ કાંઠાનો 54 %, Al2O3થી ઓછા પ્રકારનો રુક્ષ બૉક્સાઇટ, 46 %થી વધુ મૅંગેનીઝ ડાયૉક્સાઇડવાળા મૅંગેનીઝની નિકાસ ખાનગી પટ્ટેદારો કરી શકે છે. ગુજરાત રાજ્યના પોરબંદર, ઓખા, કંડલા, મુંદ્રા અને સલાયા બંદરેથી બેન્ટોનાઇટ તથા નિમ્ન કક્ષાના બૉક્સાઇટની દક્ષિણ એશિયાના દેશોમાં કામ કરતી સિમેન્ટ તથા તેલસંશોધનની પેઢીઓને નિકાસ કરવામાં આવે છે. 2002-03ના વર્ષ દરમિયાન 11.90 લાખ ટન નિમ્ન કક્ષાના બૉક્સાઇટની મિડલ ઈસ્ટ, આફ્રિકામાં નિકાસ કરવામાં આવેલ છે. આ વર્ષ દરમિયાન 4.20 લાખ ટન બેન્ટોનાઇટની સેન્ટ્રલ અને મિડલ ઈસ્ટ દેશોમાં નિકાસ કરવામાં આવેલ છે.

આ ડેપો પર કસ્ટમ, એક્સાઇઝ અને બૅન્કની સુવિધાઓ નિકાસકારો માટે ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ડેપો પરથી અંબાજી વિસ્તારના માર્બલ પટ્ટેદારો દ્વારા આરસપહાણના સ્લૅબ તથા ટાઇલ્સ ઇટાલી અને દક્ષિણ એશિયાના દેશોમાં નિકાસ કરવામાં આવે છે. કૅમિકલ્સ ઍન્ડ ઍલાઇડ પ્રોડક્ટ્સ પ્રમોશન કાઉન્સિલ કૉલકાતા, ખનિજોના નિકાસ અંગેનું માર્ગદર્શન તથા વ્યાપારી ટ્રેડ કમિશનો અને પરદેશની ખનિજોની માગ આપતી પેઢીઓની વિગતો કાઉન્સિલના ઇનહાઉસ હોમ બુલેટિનમાં આપે છે. સિરામિક ઉદ્યોગો દ્વારા સેનિટરી પેદાશોની નિકાસ પણ ગુજરાતમાંથી થાન, મોરબી, વાંકાનેર તથા કડીના સિરામિકના ઉદ્યોગકારો કરે છે. રાજ્ય દ્વારા નિકાસકારોને માર્ગદર્શન તથા નિકાસની પેદાશોની જાણકારી ઉપલબ્ધ થાય તેમજ નિકાસકારો વધુ ને વધુ પેદાશોની નિકાસ કરે તે માટે ગુજરાત ઇન્ટરનેશનલ ટ્રેડ પ્રમોશન કાઉન્સિલની સ્થાપના કરવામાં આવેલ છે. આ કાઉન્સિલ તેના સભ્યોને નિકાસને લગતી સુવિધા અને માર્ગદર્શન આપે છે. ખનિજોની નિકાસ માટે પણ આ કાઉન્સિલ દ્વારા વિગતવાર અભ્યાસ અહેવાલ સરકારમાં રજૂ થયેલ છે. ખનિજનિકાસકારોની ખનિજ અથવા સુશોભિત કે કદ-પાષાણોને સ્ટીમર કે વહાણમાં નિકાસ માટે ભરતાં પહેલાં જામનગર ખાતેની એસ. જી. એસ. ઇન્ડિયા પ્રા. લિ. દ્વારા ચકાસણી થાય છે. આ પેઢીની પ્રયોગશાળા કંડલા ખાતે કાર્યરત છે તેમજ કલેક્શન સેન્ટર વટવા જી. આઈ. ડી.સી.માં કામ કરે છે.

જયંતી વિ. ભટ્ટ